સી. આર. પાટીલ : પરદા પાછળ કામ કરનારા એ 'પાટીલભાઉ'ની કહાણી જેમણે ભાજપને રેકૉર્ડ જીત અપાવી

સી આર પાટીલ

ઇમેજ સ્રોત, TWITTER/@CRPaatil

    • લેેખક, દિલીપ ગોહિલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • સી. આર. પાટીલની ભૂમિકાને સમજવા માટે તેમના આવ્યા પછીના આ ફેરફારો સમજવા જરૂરી છે
  • પાટીલે ગુજરાતમાં 150 બેઠકો પર જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું અને તેઓ આ વિશે સતત નિવેદનો પણ આપતા હતા.
  • ભાજપ પ્રદેશાધ્યક્ષ બન્યા પછી તેમને 'સુપર સીએમ' પણ કહેવામાં આવતા હતા.
લાઇન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જે વિક્રમ સર્જ્યો છે તેની પાછળ ગુજરાત ભાજપ પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલની ભૂમિકા કેટલી રહી એ તો પાર્ટીની અંદરનો વિષય છે પરંતુ એ ખરું કે પાટીલ પ્રદેશાધ્યક્ષ બન્યા પછી 2022ની વિધાનસભા ચૂંટણીમાં રેકૉર્ડ તોડવાની વાત સતત કહેતા હતા.

તેમણે કરેલો દાવો સત્ય સાબિત થયો છે અને ગુજરાત ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ઇતિહાસ રચી નાખ્યો છે. તેઓ પ્રદેશાધ્યક્ષ બન્યા ત્યારથી તેમની પર સુપર સીએમ તરીકે વર્તવાના આક્ષેપ લાગતા હતા.

અહીં વાંચો સી.આર.પાટીલની એક પોલીસકર્મીથી ભાજપના એ પ્રદેશાધ્યક્ષ બનવાની કહાણી જેમણે ભાજપને ગુજરાતમાં રેકૉર્ડ જીત અપાવી.

સુરતમાં સી. આર. પાટીલ કાશીરામ રાણા સાથે કામ કર્યું હતું એટલે ભાજપનાં વર્તુળોમાં પરિચિત હતા.

2019ની લોકસભા ચૂંટણીમાં વિક્રમી 6 લાખ 85 હજારની સરસાઈથી નવસારીમાંથી ત્રીજી વાર જીત્યા હતા. 2019ની ચૂંટણીની એ સૌથી મોટી લીડ હતી - ભારતના ઇતિહાસમાં સૌથી વધુ લીડમાં બીજા નંબરની.

તેમના નામે ઑક્ટોબર 2014માં મહારાષ્ટ્રના બીડમાં પ્રીતમ મુંડે 6 લાખ 96 હજારથી જીત્યા તે આજ સુધીની સૌથી જંગી સરસાઈનો વિક્રમ છે.

જંગી લીડને કારણે સમાચારમાં ચમકેલા, પરંતુ મોટા ભાગે તેઓ પરદા પાછળ કામ કરનારા નેતા રહ્યા છે. વારાણસીમાં પ્રથમ વાર નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા, ત્યારે અને ત્યાર પછી પણ ત્યાં કામ કરનારા નેતાઓમાં પાટીલ મુખ્ય હતા.

ગુજરાતમાં આવીને વસેલા પરપ્રાંતીય લોકોના માધ્યમથી તેમના વિસ્તારમાં સંપર્કો રાખીને બીજા રાજ્યોમાં ભાજપના પ્રચારમાં પણ તેઓ સક્રિય રહ્યા હતા. આથી મોવડીમંડળના વિશ્વાસુ તરીકે તેમને સંગઠનનો હવાલો સોંપાયો છે તે સ્પષ્ટ થઈ ગયું હતું.

તેમની નિમણૂક પછી વધારે ધ્યાન ખેંચનારો ફેરફાર ઑગસ્ટ 2021માં થયો. 1997થી 25 વર્ષ સુધી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રહેલા ભીખુભાઈ દલસાણિયાને બિહાર ભાજપમાં મોકલાયા.

સંગઠન મહામંત્રી તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પોતાના પ્રચારકને મૂકતા હોય છે અને તેમની ભૂમિકા બહુ અગત્યની હોય છે.

મહિના પછી વધુ એક ફેરફાર થયો એ વળી તેનાથીય ચર્ચાસ્પદ બન્યો.

line

સી. આર. પાટીલની કેવી હતી ભૂમિકા?

સુરતમાં જાણીતા સી. આર. પાટીલ

ઇમેજ સ્રોત, CR PATEEL TWITTER

સપ્ટેમ્બર 2021માં વિજય રૂપાણી સહિત બધા જ મંત્રીનાં રાજીનામાં લઈ લેવાયાં. સમગ્ર પ્રધાનમંડળ બદલાઈ ગયું તેની પાછળના મુખ્ય કારણ તરીકે સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ હતો એવી ચર્ચા ચાલી.

બીજા શબ્દોમાં કહીએ તો મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને એકબીજા સાથે બનતું નહોતું. કોરોનાની મહામારી વખતે ગુજરાતમાં એક ઈન્જેક્શન મેળવવું દોહ્યલું થઈ ગયું હતું અને લોકો ટપોટપ મરી રહ્યા હતા ત્યારે પાટીલ પાંચ હજાર રેમડેસિવિર ઈન્જેક્શન આપી ગયા હતા.

વિજયભાઈએ કહ્યું કે, આ ઈન્જેક્શન ક્યાંથી આવ્યાં એની પોતાને ખબર નથી, તમે સી.આર.ને જ પૂછો.

સી. આર. પાટીલની ભૂમિકાને સમજવા માટે તેમના આવ્યા પછીના આ ફેરફારો સમજવા જરૂરી છે.

નરેન્દ્ર મોદીના વિશ્વાસુ તરીકે તેમને સંગઠનનો હવાલો સોંપાયો ત્યારથી જ તેઓ સક્રિય થઈ ગયા હતા. કોરોના માટેની ગાઇડલાઇનની ઐસી કી તૈસી કરીને તેમણે ઠેર-ઠેર ટોળાં ભેગાં કરવાનું શરૂ કરી દીધું હતું.

ટીકાઓની પરવા કર્યા વિના તેમણે સૌરાષ્ટ્રમાં પ્રવાસો કર્યા. સૌરાષ્ટ્રમાં તેમના હાવભાવ અને વાત કરવાની સુરતી પદ્ધતિ માફક આવે તેવી નહોતી.

સૌરાષ્ટ્રના કાર્યકરો અને નેતાઓને જરાક આકરું લાગે તેવી તેમની કાર્યપદ્ધતિ સ્પષ્ટ થવા લાગી હતી.

આમ છતાં આખરે પાટીલનું જ ચાલવાનું છે એ વાત સ્પષ્ટ થવા લાગી અને વિજય રૂપાણીને પણ વિદાય લેવી પડી. તે પછી કોઈના મનમાં શંકા ના રહી કે 2022ની ચૂંટણી જીતવા માટેની મુખ્ય જવાબદારી પાટીલને જ મોવડીમંડળે સોંપી હતી.

અમિત શાહની ભૂમિકા અગત્યની ખરી, પરંતુ પાટીલના માધ્યમથી નરેન્દ્ર મોદી સીધી જ દેખરેખ સાથે વ્યૂહ ગોઠવવા માંડ્યા છે એ મૅસેજ ભાજપમાં પણ અજાણ્યો રહ્યો નહોતો.

જોકે વિજય રૂપાણીની નારાજી દૂર થઈ નથી. જામકંડોરણામાં વિશાળ સભા હતી તેમાં મંચ પર પાટીલ આવ્યા, ત્યારે સૌ ઊભા થઈને તેમની પાસે ગયા, પરંતુ રૂપાણી ખુરશી પર બેઠા રહ્યા તે દૃશ્યો વાઇરલ થયાં હતાં.

રૂપાણી સહિતના નેતાઓની નારાજગી નડે નહીં તે માટે મંચ પર જ નરેન્દ્ર મોદીએ વિજય રૂપાણીને બોલાવ્યા અને તેમની સાથે થોડી વાતચીત કરી. ત્યાર બાદ રાજકોટની સભામાં પણ મંચ પર સૌનું ધ્યાન ખેંચે તે રીતે વિજય રૂપાણી સાથે થોડી વાતચીત કરી હતી.

પાટીલની કાર્યપદ્ધતિથી આંતરિક નારાજગી ના વધે કદાચ તે કારણસર જ દિવાળી અને પડતર દિવસે ચારેય ઝોનની મુલાકાત લઈને અમિત શાહે અગત્યની બેઠકો કરી.

બેસતા વર્ષે કમલમમાં બેઠકો કરી અને નિરીક્ષકો મોકલવા માટેનો કાર્યક્રમ પણ નક્કી થયો. વચ્ચેના સમયમાં પાટીલે પોતે પણ કહ્યું હતું કે, કોઈએ ટોળાબાજી કરવી નહીં, ટિકિટ આપવાનું કામ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ કરવાના છે.

અનુભવી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જાણે છે કે, આંતરિક અસંતોષને કાબૂમાં રાખવો જરૂરી છે અને એટલે એક માત્ર સી. આર. પાટીલનું જ ચાલશે એવું નથી એ મૅસેજ પણ અપાયો હતો.

જોકે પાટીલના ઉદય પછી સૌરાષ્ટ્ર લૉબીના દબદબાનો અંત છે અને હવે ગુજરાત ભાજપમાં સુરત લૉબીનો દબદબો છે તે સ્પષ્ટ થઈ ગયું હતું.

હર્ષ સંઘવી જેવા સૌથી યુવા અને જુનિયર નેતાને મહત્ત્વનાં ખાતાંની જવાબદારીઓ પણ સમગ્ર ડિઝાઈન શું છે અને પાટીલની ભૂમિકા શું છે તે દર્શાવી આપતી હતી.

સુરતના ખરા, પણ પાટીલની ગૂડ બુકમાં ના હોય તેવા પૂર્ણેશ મોદી પાસેથી મહત્ત્વનું ખાતું લઈ લેવાયું તે છેલ્લો ફેરફાર પણ પાટીલની તાસીરને દર્શાવતી તસવીર હતી.

સાથે જ વડોદરાના ત્રિવેદીનું મહેસૂલ ખાતું પણ હર્ષ સંઘવીને જ સોંપાયું હતું.

line

સી. આર. પાટીલની બીજી પાર્ટીના નેતાઓ કેમ ટીકા કરે છે?

સી આર પાટીલ

ઇમેજ સ્રોત, C R PAATIL/FACEBOOK

કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સી.આર. પાટીલને "પાટીલભાઉ" કહીને સતત ટીકાનો મારો ચલાવી રહ્યા હતા. ભાઉ એટલે મૂળ મરાઠી છે અને ગુજરાતી નેતાગીરીને બાજુએ રાખીને તેમને આગળ કરાયા તેવી ટીકા થતી રહી છે.

પાટીલના જ ગઢ સુરતમાં કૉર્પોરેશનમાં આપને 27 બેઠકો મળી તેનો અર્થ એવો કાઢી શકાય નહીં કે સુરતમાં પાટીલ નબળા છે. અને એ તેમણે કરી બતાવ્યું જેનું સપનું નરેન્દ્ર મોદી જોતા હતા.

કૉંગ્રેસને શૂન્ય બેઠકો મળી એટલે આપ ફાવી. પાટીલે ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ કૉંગ્રેસને શૂન્ય કરવાની વાત કરી હતી.

182માંથી 182 બેઠકો જીતવાની વાત કરીને તેમણે ચોંકાવી દીધા હતા.

તેમનું આ ચોંકાવનારું તત્ત્વ સુરતી અંદાજ પ્રમાણે એટલું આઘાતજનક નહોતું. તેમનો બાયોડેટો જોઈને વિપક્ષને તેમના પર પ્રહારો કરવાનું ફાવશે એવી ધારણા બહુ સાચી પડી નથી.

કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ તેમની વિરુદ્ધ ટ્વીટ કરેલું કે 2014ની લોકસભાની ચૂંટણીના સોગંદનામા પ્રમાણે 108 ગુનાઓ પૅન્ડિંગ છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આજે તેમની સામે ડાયમંડ જ્યુબિલી બૅન્ક સહિતના કેસોનું શું થયું, કેટલા પાછા ખેંચાયા, કેટલા સમેટાઈ ગયા તેના આક્ષેપો પ્રતિઆક્ષેપો થોડો સમય ચાલ્યા, પણ પાટીલ વિચલિત થયા વિના કામે લાગેલા રહ્યા.

પાટીલ પોલીસ કૉન્સ્ટેબલ હતા અને બે વાર સસ્પેન્ડ થયા હતા. તેમાંથી એક વાર "દારૂની હેરફેરના મામલે સસ્પેન્ડ થયા હતા" તેવા આક્ષેપો પણ મંદ પડવા લાગ્યા અને તેમના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું, ત્યારે કોઈ મુખ્ય મંત્રીની કામગીરીનું મૂલ્યાંકન થાય તેવી રીતે વિશ્લેષણ થયેલું.

line

સી. આર. પાટીલ સારા ઉદ્યોગપતિ પણ બન્યા

સુરત ભાજપના કોષાધ્યક્ષ તરીકે પણ પાંચ વર્ષ રહી ચૂક્યા છે

ઇમેજ સ્રોત, C R PAATIL/FACEBOOK

સામ, દામ, દંડ, ભેદથી પણ કામ થઈ જવું જોઈએ એ વ્યાખ્યામાં બંધબેસે તેવા ચંદ્રકાંત રઘુનાથ પાટીલનો જન્મ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પિંપરી ગામે થયો હતો, પણ તેમનો ઉછેર સુરતમાં થયો.

મેટ્રિક સુધી જ ભણ્યા અને 1975માં પિતાના પગલે પોલીસમાં જોડાઈ ગયા હતા. ગુજરાતમાં 1984-85માં અનામતવિરોધી આંદોલન, કોમી હિંસા અને પોલીસના બળવાની સ્થિતિ પેદા થયેલી તે વખતે સુરતમાં પોલીસનું યુનિયન બનાવવાની કોશિશ કરનારા કર્મચારીઓમાં સી.આર. પાટીલ પણ હતા. તેના કારણે બીજી વાર સસ્પેન્ડ થયેલા અને તે પછી રાજીનામું આપી દીધું.

1989માં તેઓ રાજકારણમાં આવી ગયા હતા અને સુરતમાં કાશીરામ રાણા સાથે કામ કરતા રહ્યા હતા. ભાજપનો ઉદય થવાની તે શરૂઆત હતી.

ભાજપની સરકાર આવી ત્યાર પછી 1995થી 1997 સુધી તેઓ જીઆઈડીસી (ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન)ના ચૅરમૅન બન્યા હતા.

1998થી 2000 જીએસીએલના ચૅરમૅન હતા. સુરતના અને ગુજરાતના કારખાનેદારો અને ઉદ્યોગપતિઓ સાથે ઘરોબો આ રીતે જૂનો છે. એક સારા ફંડ મૅનેજર તરીકે પણ તેઓ પક્ષમાં હંમેશાં જાણીતા રહ્યા છે.

સુરત ભાજપના કોષાધ્યક્ષ તરીકે પણ પાંચ વર્ષ રહી ચૂક્યા છે.

ઉદ્યોગપતિઓ સાથે કામ કરવામાંથી કદાચ તેઓ મૅનેજમૅન્ટ પણ શીખ્યા છે. તેઓ પોતે પણ સારા ઉદ્યોગપતિ બન્યા છે. તેમનું સાંસદ તરીકેનું કાર્યાલય કૉર્પોરેટ ઑફિસની જેમ ચાલે છે અને કોઈ કંપનીને મળે તેવી રીતનું આઈએસઓ સર્ટિફિકેટ મળેલું છે. દરેક મુલાકાતીની નોંધ થાય છે, ફરિયાદની નોંધ થાય છે, તેનું ટ્રેકિંગ થાય છે.

સાંસદ તરીકેની સક્રિયતા બદલ તેમને કેટલાંક મૅગેઝિનોમાં સારું રેન્કિંગ પણ મળ્યું હતું. એક તરફ બહુ રફ અને ટફ ઇમેજ, અને સામેની બાજુએ કૉર્પોરેટ મૅનેજમૅન્ટ અને રાજકીય નેતા તરીકેની સંગઠનની કુશળતા, વહીવટી ક્ષમતા તેમના વ્યક્તિત્વના વિરોધાભાસ પણ દર્શાવે છે. પેલી સામ, દામ, દંડ, ભેદની કહેવત એટલે જ તેમને બરાબર લાગુ પડે છે.

line

'સી. આર. પાટીલ વિવાદોની ચિંતા કરતા નથી'

સરકાર બદલાઈ તેમાં પાટીલની ભૂમિકા અગત્યની રહી

ઇમેજ સ્રોત, TWITTER/C R PATIL

2009માં નવસારીમાં લોકસભાની ટિકિટ મળી અને જીત્યા અને 2019માં જીતની લીડનો વિક્રમ નોંધાવ્યો. તેમને મંત્રી બનવામાં રસ હોય તેવું લાગે નહીં અને તેથી જ પ્રદેશ પ્રમુખ બન્યા પછી ગુજરાતના મુખ્ય મંત્રી બનવાની મહત્ત્વાકાંક્ષા હશે તેવી ચર્ચા થઈ નથી.

વિવાદોની તેઓ પરવા કરતાં નથી, કેમ કે વિવાદો સતત તેમની સાથે રહ્યા છે. કાર્યકરોની ફરિયાદ મળી કે મંત્રી સાંભળતા નથી ત્યારે તેમણે જાહેર કરેલું કે હવેથી મંત્રીઓ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે આવીને બેસશે.

લોકતાંત્રિક પ્રણાલી વિરુદ્ધની એ રીત કહેવાય, પણ આજે સ્થિતિ એવી છે કે સમગ્ર સરકાર જ કમલમ્ ખાતેથી ચાલે છે તેવી ટીકાની તેઓ પરવા કરતા નથી.

સામાન્ય પરિવારમાંથી આવીને જાતમહેનતથી સફળતા મેળવનારા પાટીલ કાર્યકરોને સતત એક જ મૅસેજ આપે છે કે કામ કરનારાને ટિકિટ મળશે, કોઈની ભલામણથી કામ ચાલશે નહીં.

સુરતની નર્મદ યુનિવર્સિટીની સૅનેટ ચૂંટણીમાં એબીવીપીએ ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે પાટીલના પુત્રનું નામ તેમાં હતું, પણ સાંજ સુધીમાં તેમનું નામ પાછું ખેંચી લેવાયું હતું.

સીઆર પાટીલ કદાચ નરેન્દ્ર મોદી અને અમિત શાહની કામ કરવાની પદ્ધતિને સૌથી સારી સમજી શક્યા છે. જશ લીધા વિના કામ કરવાનું અને મહત્ત્વાકાંક્ષાને આગળ નહીં કરવાની તેમની રીતે મોવડીમંડળને ફાવે તેમ છે.

ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો મળી તે ચોંકાવનારું પરિણામ હતું. તે પછી પાલિકા અને પંચાયતો, પેટાચૂંટણીઓ, લોકસભાની 2019માં બીજી વાર છવ્વીસે છવ્વીસ બેઠક પર જીત મળી હોવા છતાં ભાજપનું મોવડીમંડળ ગુજરાત જેવા રાજ્યમાં કોઈ જોખમ લેવા માગતું નથી.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે આવી હોય અને મોંઘવારી તથા બેરોજગારીની સમસ્યા વકરી હોય ત્યારે ગૃહરાજ્યમાં કોઈ જોખમ લઈ શકાય નહીં. તેથી જ સી. આર. પાટીલની દોરવણીમાં જ કામકાજ ચાલી રહ્યું છે.

છેલ્લો બનાવ મહિના પહેલાં બન્યો, જ્યારે 20 ઑગસ્ટે અચાનક સી.આર. પાટીલને ફોન આવ્યો અને રાત્રે બે મંત્રીનાં ખાતાં લઈ લેવાયાંની જાહેરાત થઈ. વડતાલ મંદિરમાં ચાલુ ભાષણ છોડીને તેમણે ફોન પર વાત કરી અને ગુજરાતની ચૂંટણી પહેલાંનો વધુ એક નાટકીય ઘટનાક્રમ સર્જાયો.

પાટીલ જેવા નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ કરીને શરૂ થયેલો નાટકીય ઘટનાક્રમ ઉમેદવારોની પસંદગી સુધી ચાલતો રહેવાનો છે.

સરકાર બદલાઈ તેમાં પાટીલની ભૂમિકા અગત્યની રહી, પછી હવે ઉમેદવારો બદલી નાખવામાં તેમની કેવી ભૂમિકા રહેશે તેના પર જ લડાવાની છે ગુજરાત 2022ની વિધાનસભાની ચૂંટણી.

(લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે, બીબીસીના નહીં)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન