ગુજરાતની ચૂંટણીમાં '25% નવા ચહેરા'નો ભાજપનો વ્યૂહ જીત અપાવશે કે અસંતોષ વધારશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી

- ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતપ્રવાસ વખતે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 25% નવા ચહેરા ઉતારવાની વાત કરી હતી
- જો આ જાહેરાતનો અમલ થાય તો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે કે નુકસાન?
- જો જૂના ચહેરા બદલાય તો 'સૌરાષ્ટ્રનો કપરો ગઢ' સર કરી શકાશે?

ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને તેના પરંપરાગત હરિફ કૉંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી (આપ) પણ પોતાના આક્રમક પ્રચારથી પડકાર આપી રહ્યો છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી જાહેર થયા તે પહેલાના ગુજરાત પ્રવાસ અને જનસંપર્ક બાદ ભાજપમાં ચૂંટણી જીતવા માટેની વ્યૂહ રચના સુનિશ્ચિત કરનારા વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 'ઇલેક્શન એન્જિનિયરિંગ'નું કામ પોતાના હાથમાં લઈ લીધું હોય તેવા સંકેત મળી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં જ ગુજરાતના ચાર દિવસના પ્રવાસ પર હતા. મંગળવારે ગુજરાતના ચાર ઝોનના તેમના આ પ્રવાસનો અંત આવ્યો હતો. આ દરમિયાન તેમણે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પાર્ટીના સત્તાધીશો અને મોટા નેતાઓ સાથે બેઠકો કરી હતી.
ગુજરાતમાં 27 વર્ષના શાસન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચૂંટણીઓ લડનાર ભારતીય જનતા પક્ષ (ભાજપ) દરેક ચૂંટણીમાં ચોક્કસ પ્રકારની નવી વ્યૂહરચના અપનાવીને ચૂંટણીઓમાં વિરોધ પક્ષો અને એન્ટિ-ઇન્કમ્બન્સી (સત્તા વિરોધી) જેવા પરિબળો સામે જીતતો આવ્યો છે.
અમિત શાહે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન રવિવારે વડોદરામાં પત્રકારો સાથેની એક અનૌપચારિક મિટિંગમાં જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 25% નવા ચહેરાને તક આપવામાં આવશે.
આ ચૂંટણી માટેની પક્ષની રણનીતિના એક ભાગ તરીકે ભાજપને આશા છે કે કદાચ આ નિર્ણયથી પાર્ટીમાં નવી ઊર્જાનો સંચાર કરી શકાશે અને નવા લોકોને તક આપીને તેમને પક્ષ માટે કામ કરવા વધુ પ્રેરિત કરી શકાશે.
પરંતુ તેની સામેની બાજુએ હાલના ધારાસભ્યો અને મોટા નેતાઓનાં મનમાં 'પોતાની ટિકિટ કપાશે' તેવું 'ચિંતાનું મોજું' ફરી વળવાની સંભાવના પણ નકારી ન શકાય.

25% નવા ચહેરાની વ્યૂહરચનાની કેવી અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન વેઠવું પડ્યું હતું.
આ પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે તેમજ સૌરાષ્ટ્રમાં ચૂંટણીલક્ષી વ્યૂહરચનાના ઘડતર માટે મંગળવારે ભાજપના નેતાઓ સાથે લગભગ સાડા ચાર કલાકની મૅરેથૉન મિટિંગ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણીમાં 25 ટકા નવા ચહેરાઓ ઉતારવાની શાહની વાતનો વ્યાપક અર્થ અને તેની અસરો અંગે વિગતવાર જાણવા માટે બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.
ગુજરાતના રાજકીય પ્રવાહોના જાણકાર અને વરિષ્ઠ પત્રકારો જગદીશ આચાર્ય આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 25% નવા ચહેરાની વ્યૂહરચનાની અસરો અંગે કહે છે :
"આ પગલાની સારી અને ખરાબ બંને અસરો આગામી ગુજરાત વિધાનસભાનાં ચૂંટણીપરિણામો પર પડી શકે છે."
તેઓ કહે છે કે, "ગુજરાતમાં એવી કેટલીક બેઠકો છે જ્યાંની જનતાને ભાજપ સામે કોઈ વાંધો નથી, પરંતુ ઉમેદવાર સામે અસંતોષ છે. આવી બેઠકો પર ઉમેદવારો બદલીને નવા ચહેરાને તક આપવાથી ભાજપને વધુ અસર નહીં થાય."
"પરંતુ એવી પણ કેટલીક બેઠકો છે જ્યાં ભાજપ આ પહેલ અંતર્ગત મજબૂત ઉમેદવારોને દૂર કરી શકે છે. જેમનો પોતાનો જનાધાર છે. આવી પરિસ્થિતિમાં સૂચિત પરિવર્તન ભાજપ માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે."

"ભાજપમાં અને સામાન્ય લોકોમાં અસંતોષ વધી શકે"

ઇમેજ સ્રોત, Getty Images
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક અને રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ જણાવે છે કે, "ભાજપે 25% ઉમેદવારો તરીકે નવા ચહેરા લાવવાની વાત ભલે કરી હોય પરંતુ તે લાગુ કરવું પક્ષ માટે એટલું સહેલું નહીં હોય."
તેમણે વધુમાં કહ્યું, "ગુજરાતમાં કદાચ પક્ષને એવો અતિઆત્મવિશ્વાસ હોય કે તેઓ રાજ્યમાં ગમે તેવા ફેરફારો કરીનેય ચૂંટણી જીતી લેશે, પરંતુ અહીં એ ધ્યાન રાખવાનું છે કે ભાજપે દરેક વ્યક્તિની વ્યક્તિગત સત્તાની જરૂરિયાત પણ સંતોષવાની છે. જો આવું કરવામાં ચૂક થશે તો તેનાં વિપરીત પરિણામ મળવાનાં જ છે."
ભાજપ અનુશાસનને વરેલો પક્ષ છે, એવા દાવા અવારનવાર ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવે છે. પરંતુ શું અનુશાસન સત્તાની જરૂરિયાત અને સત્તામાંથી હકાલપટ્ટીના કારણે ઊભા થતા વિરોધને રોકી શકશે?
આ પ્રશ્નના જવાબમાં ઘનશ્યામ શાહે જણાવ્યું હતું કે, "ભાજપ હોય કે ગમે તે પક્ષ, સત્તામાંથી હકાલપટ્ટીના કારણે ઊભા થતા અસંતોષને દૂર કરવા અનુશાસન પૂરતું હોવાની વાત ગળે ઊતરે એવી નથી."
તેમણે ઉમેર્યું, "વર્ષ 1995માં પણ ભાજપની સરકાર હતી તે સમયે બધા નેતા સંઘ સાથે સંકળાયેલા અનુશાસિત કાર્યકરો હતા, તેમ છતાં અસંતોષના કારણે સરકાર અસ્થિર થઈ હતી, તે પણ સત્ય છે. આવું જ ફરીથી થાય તો નવાઈ નહીં."
તેઓ આગળ કહે છે કે, "નવા ચહેરા લાવી અને રિમોટ કંટ્રોલ વડે સરકારનું સંચાલન કરવું એ કેટલું શક્ય છે એ તો સાચા અર્થમાં આવા નિર્ણય લાગુ કર્યા બાદ જ ખબર પડી શકે. પરંતુ મારું માનવું છે કે આના કારણે અસંતોષ થાય તો કોઈ નવાઈ ન લાગવી જોઈએ."
તેમણે કહ્યું, "કાર્યકર્તા અને સામાન્ય લોકોમાં અસંતોષ છે આ વાત નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ જાણે છે, જો આવું ન હોત તો અમિત શાહ ગુજરાતની મુલાકાતે વારંવાર ન આવતા હોત."

સૌરાષ્ટ્રનાં મોટાં માથાંની અવગણના ભારે પડી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2021ના સપ્ટેમ્બર માસમાં ગુજરાત સરકારનું આખું માળખું બદલી દેવાયું હતું. મુખ્ય મંત્રીથી માંડીને સમગ્ર મંત્રીમંડળને બદલીને 'નવા ચહેરા'ને તક આપી હોવાનો તર્ક મુકાયો હતો.
વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય આવું થવા પાછળ પુરાણા ચહેરાને લઈને જનતામાં વ્યાપક 'સત્તાવિરોધી લહેર'ને કારણરૂપ માને છે.
ગુજરાતન વરિષ્ઠ પત્રકાર અને ગુજરાતના રાજકીય પ્રવાહો પર બારીક દૃષ્ટિ રાખતાં કૌશિક મહેતા જણાવે છે કે, "સરકારમાંથી દૂર કર્યા બાદ વિજય રૂપાણી અને ઘણા અન્ય નેતાઓની એક રીતે રાજકીય અવગણના થઈ રહી હોય તેવો મૅસેજ ગયો હતો. જેને પરિણામે પાર્ટીનાં અમુક વર્તુળોમાં અસંતોષ વધ્યો હતો. પરંતુ હવે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રૂપાણી જેવાં મોટાં માથાંની અવગણના કરવી એ પક્ષ માટે ઘાતક પુરવાર થઈ શકે તે ભાજપને સમજાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમને નિર્ણયો અને કાર્યક્રમોમાં મહત્ત્વ અપાઈ રહ્યું છે."

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે કે જે બેઠકો પરથી વિજય રૂપાણી જેવા પક્ષના સિનિયર નેતાઓને ટિકિટ ન મળવાનું નક્કી હોય ત્યાં નવા ચહેરાની શોધ તો પક્ષે કરવી જ પડશે. આવી જ રીતે જે બેઠકો ગઈ વખત સૌરાષ્ટ્ર અને અન્યત્રે ગુમાવી છે, ત્યાં પણ બદલાવ કરવો પડશે.
બદલાવના કારણે પાર્ટી પરની અસર અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "પાર્ટી ઘણાં વરસોથી એક-બે ટર્મ ચૂંટાયેલા નેતાઓને અવારનવાર બદલતી આવી છે. પરંતુ જે નેતાઓની વ્યક્તિગત વોટબૅંક છે, તેમને બદલવામાં આવે તો નુકસાન થઈ શકે છે."
"નવા ચહેરા લાવવાના કારણે તો જ નુકસાન ન થાય જો જૂના નેતાઓ સામે અસંતોષ હોય અને તે વ્યક્તિગત વોટ બૅંક ન ધરાવતા હોય. આ બંને સમીકરણ ધ્યાને લઈ સંતુલિત બદલાવ કરવાથી ભાજપને અસર નહીં થાય તેવું મને લાગે છે."
તેમણે વધુમાં કહ્યું કે, "કૉગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ ફાળવણીમાં પ્રાથમિકતા અપાય તેવું મને નથી લાગતું. પરંતુ એટલું ખરું કૉંગ્રેસના જે નેતાઓ પાસે મજબૂત વોટબૅંક છે અને જેઓ પોતાના દમ પર ચૂંટણી જીતવા માટે સક્ષમ છે, તેમને ટિકિટ અપાશે."
"તેમની અવગણના નહીં કરી શકાય. પરંતુ તે સિવાય કૉંગ્રેસમાંથી ભાજપમાં આવવું એ કારણ આગળ ધરી તેમને કોઈ પ્રાથમિકતા નહીં અપાય. પરંતુ કૉંગ્રેસના જનાધારવાળા ભૂતપૂર્વ નેતાઓને જરૂર તેમણે સમાવવા જ પડશે."
જો ભાજપ જાહેરાત પ્રમાણે 25% નવા ચહેરાને તક આપે તો તેવી પરિસ્થિતિમાં ભાજપ ઉમેદવારી પસંદગી માટે કયાં ધોરણો રાખશે?
આ અંગે વાત કરતાં જગદીશ આચાર્ય જણાવે છે કે, "ભાજપમાં ઉમેદવારની જીતવાની ક્ષમતા ઉપરાંત નવા ઉમેદવારોની પસંદગી માટે જ્ઞાતિનો માપદંડ અનુસરાશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















