ભૂપેન્દ્ર પટેલ : ભાજપના એ CM જેમણે નરેન્દ્ર મોદીનો રેકૉર્ડ પણ તોડી નાખ્યો

ભૂપેન્દ્ર પટેલને સૌ 'દાદા' એવા પ્રેમાળ નામે બોલાવે છે

ઇમેજ સ્રોત, TWITTER/BHUPENDRAPATEL

ઇમેજ કૅપ્શન, ભૂપેન્દ્ર પટેલને સૌ 'દાદા' કહીને પણ બોલાવે છે
    • લેેખક, દિલીપ ગોહિલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે પસંદગી થઈ ત્યારે સૌના ઉદગાર હતા કે નસીબના બળિયા આને કહેવાય
  • મુખ્ય મંત્રી બન્યા પછી રાજ્યપાલ ભવનથી સીધા પહોંચ્યા હતા અડાલજ ખાતેના ત્રિમંદિરમાં દર્શને. દાદાભગવાને સ્થાપેલા આ પંથમાં ભૂપેન્દ્રભાઈને અતૂટ આસ્થા છે
  • સંગઠન સાથે ઘર્ષણને કારણે મંત્રીમંડળમાં ફેરફાર કરવા પડ્યા હતા અને ચૂંટણી વખતે આવું ઘર્ષણ ના થાય તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની પસંદગી થઈ હતી
  • એ અર્થમાં પસંદગી સાચી ઠરી હોય તેવું લાગે છે, કેમ કે સરકાર સચિવાલયમાંથી ચાલતી હોય તેના કરતાં કમલમમાંથી ચાલતી હોય તેવી છાપ વધારે પડી છે
  • ભૂપેન્દ્ર પટેલ અંગે તેમના રાજકીય હરિફ પણ વ્યક્તિગત ટીકા નહીં કરે
લાઇન

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સી આર પાટીલ સાથે મળીને એ કરી બતાવ્યું છે, જેને માટે ભાજપ દરેક ચૂંટણીમાં મથતો હતો, પરંતુ સફળતા નહોતી મળતી.

જે રેકૉર્ડ નરેન્દ્ર મોદી પોતાના મુખ્ય મંત્રીકાળમાં પણ નહોતા તોડી શક્યા તે રેકૉર્ડ ભૂપેન્દ્ર પટેલે તોડી બતાવ્યો છે.

આ રેકૉર્ડ હતો 1985ની ચૂંટણીઓમાં મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસે જીતેલી 149 બેઠકોનો, જેને ભાજપે 37 વર્ષ બાદ 2022ની વિધાનસભા ચૂંટણીઓમાં તોડી નાખ્યો.

જ્યાં સુધી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી નહોતા બન્યા ત્યારે પણ પક્ષને સમર્પિત એક કાર્યકર અને ધારાસભ્ય તરીકે મૌન રહીને કામ કરનારા નેતા હતા અને તેમની આ પદ્ધતિ મુખ્ય મંત્રી બન્યા પછી પણ ખાસ બદલાઈ નથી.

અસલ સરપ્રાઇઝ આને કહેવાય - ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે પસંદગી થઈ ત્યારે સૌના ઉદગાર હતા કે નસીબના બળિયા આને કહેવાય.

વિજય રૂપાણીની પસંદગી પણ સરપ્રાઇઝ હતી, પરંતુ તેઓ પ્રદેશ પ્રમુખ હતા, અને સંગઠનની લાંબી નોંધપાત્ર કામગીરી ધરાવતા હતા.

ભૂપેન્દ્ર પટેલ એટલે પ્રથમવાર ઘાટલોડિયામાંથી જીતેલા ધારાસભ્ય. એક એવો મતવિસ્તાર જે પક્ષનો મતવિસ્તાર છે. અહીં ભાજપના કોઈ પણ અજાણ્યા ઉમેદવારને મૂકવામાં આવે તો પણ જીતી જાય.

આનંદીબહેન પટેલના વિશ્વાસુ અને ઘાટલોડિયા એ આનંદીબહેન પટેલનો મતવિસ્તાર. તેના કારણે પ્રથમ ચૂંટણીમાં જ 1 લાખ 17 હજાર જેટલી જંગી લીડ પણ ભૂપેન્દ્ર પટેલને 2017માં કૉંગ્રેસના શશિકાંત પટેલ સામે મળી હતી.

જોકે કોઈએ ગણતરી પણ નહોતી કરી કે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળશે. તેના બદલે સમય આવ્યો ત્યારે સીધા જ મુખ્ય મંત્રી બની ગયા.

મુખ્ય મંત્રી બન્યા પછી પણ રાજભવનથી સીધા અડાલજ ખાતેના ત્રિમંદિરમાં દર્શને પહોંચ્યા હતા. દાદાભગવાને સ્થાપેલા આ પંથમાં ભૂપેન્દ્રભાઈને અતૂટ આસ્થા છે.

યોગાનુયોગ એ છે કે તેમને સૌ 'દાદા' એવા પ્રેમાળ નામે બોલાવે છે. તેમની ઉંમર, દાદાભગવાનમાં શ્રદ્ધા અને વડીલ જેવો સ્વભાવ એ બધાના કારણે તેમની દાદાની ઈમેજ બની છે.

line

ધારાસભ્યથી મુખ્ય મંત્રી

ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરે ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા

ઇમેજ સ્રોત, BHUPENDRA PATEL/FB

ઇમેજ કૅપ્શન, ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરે ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા

વક્રતા એ છે કે બેટ દ્વારકા અને પોરબંદર વગેરે જગ્યાએ બૂલડોઝર ફેરવવામાં આવ્યું તેને લૂપ મોડમાં ચલાવીને 'બુલડોઝર દાદા' તરીકેની છાપ ઉપસાવવા ભક્તિમય મીડિયા ગળા ફાડી રહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની સભાઓમાં ડબલ એન્જિનની સરકારનો વારંવાર ઉલ્લેખ કરીને, નરેન્દ્ર અને ભૂપેન્દ્રની જોડી એવું કહીને, મૃદુ છતાં મક્કમ રીતે શાસન કરી રહેતા નેતા તરીકે તેમનું બ્રાન્ડિંગ કરવાનો પ્રયત્ન કરવો ડ્યો છે.

સૌમ્ય અને વિનયશીલ નેતા આજના જમાનામાં ચાલતા નથી. પરંતુ આવા નેતાઓ મોવડીમંડળની સૂચના અનુસાર કામ કરવા માટે પક્ષને સાનુકૂળ રહેતા હોય છે.

વિજય રૂપાણીએ જામકંડોરણાની સભામાં પોતાનો મિજાજ દેખાડ્યો હતો. સી. આર. પાટીલ આવ્યા ત્યારે બધા ઊભા થયા, પણ વિજયભાઈ પોતાની ખુરશી પર બેસી રહ્યા.

સંગઠન સાથે તેમના આ ઘર્ષણને કારણે જ મંત્રીમંડળમાં ફેરફાર કરવા પડ્યા હતા અને ચૂંટણી વખતે આવું ઘર્ષણ ના થાય તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની પસંદગી થઈ હતી.

એ અર્થમાં પસંદગી સાચી ઠરી હોય તેવું લાગે છે, કેમ કે સરકાર સચિવાલયમાંથી ચાલતી હોય તેના કરતાં કમલમમાંથી ચાલતી હોય તેવી છાપ વધારે પડી છે.

પાટીલના માનીતા હર્ષ સંઘવીને મહેસૂલ જેવું ખાતું પણ સોંપાયું તે પછી અગત્યના મંત્રાલયોના અધિકારીઓ સચિવાલય કરતાં સંગઠનના નેતાઓના નિવાસસ્થાને વધારે દેખાય છે એવી ટીકાઓ થતી રહી છે.

આવી ટીકાઓ વચ્ચે ભૂપેન્દ્ર પટેલ અંગે તેમના રાજકીય હરીફ પણ વ્યક્તિગત ટીકા નહીં કરે.

line

'દરિયાપુરના લાડકવાયા'

ઘાટલોડિયામાં અને અમદાવાદ શહેરના રાજકીય વર્તુળમાં તેઓ વિવેકી, નમ્ર, સૌજન્યશીલ નેતા તરીકે જાણીતા રહ્યા છે.

ઇમેજ સ્રોત, TWITTER/BHUPENDRAPATEL

ઇમેજ કૅપ્શન, ઘાટલોડિયામાં અને અમદાવાદ શહેરના રાજકીય વર્તુળમાં તેઓ વિવેકી, નમ્ર, સૌજન્યશીલ નેતા તરીકે જાણીતા રહ્યા છે.

ઘાટલોડિયામાં અને અમદાવાદ શહેરના રાજકીય વર્તુળમાં તેઓ વિવેકી, નમ્ર, સૌજન્યશીલ નેતા તરીકે જાણીતા રહ્યા છે.

તેમને નજીકના લોકો 'દરિયાપુરના લાડકવાયા' પણ કહે છે. કેમ કે મૂળ તેમનો પરિવાર દરિયાપુરની કડવા પોળમાં રહેતો હતો.

15 જુલાઈ, 1962માં અમદાવાદમાં જ જન્મેલા ભૂપેન્દ્રભાઈ 1987થી ભાજપ-આરએસએસ સાથે જોડાયા હતા. મેમનગરમાં સંઘની પંડિત દિનદયાળ લાયબ્રેરી સાથે તેઓ જોડાયેલા રહ્યા છે.

નવા વિકસી રહેલા અમદાવાદમાં રહેવા આવ્યા તે પછી મેમનગર નગરપાલિકામાંથી રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી.

1995માં મેમનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા હતા. 1999-2000 અને 2004-2006માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ પણ બન્યા.

મેમનગર સહિતના વિસ્તારો અમદાવાદ મહાપાલિકામાં ભળ્યા તે પછી 2010-15 દરમિયાન થલતેજથી જીતીને સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન બન્યા હતા.

2008-10માં સ્કૂલ બોર્ડના ચૅરમૅન તરીકે અને 2015થી 2017 સુધી ઔડાના ચૅરમૅન તરીકે તેમને સરકારી વહિવટનો સારો અનુભવ રહ્યો છે.

સી. આર. પાટીલ

ઇમેજ સ્રોત, C R PAATIL TWITTER

ઇમેજ કૅપ્શન, સી. આર. પાટીલ

સામાજિક રીતે સરદારધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે પણ જોડાયેલા રહ્યા છે. વ્યવસાયે બિલ્ડર છે એટલે ભાજપ માટે મહત્ત્વની બિલ્ડર લૉબીને પણ સાનુકૂળ ગણાય.

આ કારકિર્દી એવી નથી કે મુખ્ય મંત્રી બનવાની રેસમાં આવી શકાય. નસીબના ખેલ અને સંજોગોના આટાપાટા રાજકારણમાં નેતાને ક્યાંથી ક્યાં લઈ જતા હોય છે.

આનંદીબહેન જૂથ સાથે હોવા છતાં ભૂપેન્દ્ર પટેલ અમિત શાહ જૂથને નારાજ ના કરે, કેમ કે તેઓ મૂળભૂત રીતે સૌજન્યશીલ, સાલસ સ્વભાવના નેતા રહ્યા છે.

જૂથબંધીમાં પડવા કરતાં પક્ષ સાથે વફાદાર રહેવું એ તેમનો સ્વભાવ ગણાય. સંગઠનની માગ અનુસાર રૂપાણીને હટાવવા પડે તેમ હતા અને અટક 'પટેલ' હોય તેવી કોઈ વ્યક્તિને મુખ્ય મંત્રી બનાવવા ભાજપની મજબૂરી હતી.

પટેલ વોટ બૅન્કમાં સૌરાષ્ટ્રમાં ગાબડું પડ્યું તેના કારણે ભાજપ માત્ર બે આંકડામાં 99 પર આવી ગયો હતો.

સાથે જ સી.આર. પાટીલની સૂચના મુજબ જ કામ કરે તેવા અહમ વિનાના નેતાની પણ જરૂર હતી.

ભૂપેન્દ્ર પટેલની પસંદગી થઈ ત્યારે બીબીસી ગુજરાતીના તંત્રી અંકુર જૈને અભિપ્રાય આપ્યો હતો તે પ્રમાણે, "ભાજપને એવા પટેલ આગેવાનની જરૂર હતી જે પાટીદાર અનામતનું સમર્થન ના કરે અને સાથે જ અજાતશત્રુ હોય, પક્ષમાં કોઈ વિરોધ ન કરે."

line

'મારો કોઇ દુશ્મન જ નથી'

અમદાવાદના એક કાર્યક્રમમાં ગુજરાતના નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, "મારી સરકારે ટી-20 મૅચ નથી રમવાની. અમારે શાંતિથી અને આરામથી કામ કરવાનું છે."

ઇમેજ સ્રોત, FB?/BHUPENDRA PATEL

ઇમેજ કૅપ્શન, અમદાવાદના એક કાર્યક્રમમાં ગુજરાતના નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, "મારી સરકારે ટી-20 મૅચ નથી રમવાની. અમારે શાંતિથી અને આરામથી કામ કરવાનું છે."

મતવિસ્તારના કાર્યકરો અને પરિચિતો કહે છે કે ભૂપેન્દ્રભાઈ હંમેશાં એવું કહેતા રહેતા હોય છે કે મારો કોઈ દુશ્મન જ નથી.

જોકે રાજકારણમાં ચૂંટણી વખતે રાજકીય દુશ્મની નીકળતી હોય છે. નીતિન પટેલ સહિતના નેતાઓને પાછળ રાખીને સીએમપદ પામી ચૂકેલા નસીબવંતા ભૂપેન્દ્ર પટેલ માટે પક્ષમાં ઈર્ષા પણ રહેવાની.

બીજું કે સી.આર. પાટીલ સુપર સીએમ તરીકે વર્તી રહ્યા છે તેવી છાપને કારણે મુખ્ય મંત્રી તરીકે તેમની ઈમેજ બની શકી નથી.

તદ્દન નવું મંત્રીમંડળ બન્યું તે પછી પ્રધાનો પાસે કામ કઢાવવા માટેની સક્રિયતા પણ દેખાઈ નથી.

ઉલટાનું એવું થયેલું કે સીએમ કાર્યાલયમાં કામ કરતા અને ભૂપેન્દ્રભાઈની નીકટના મનાતા એક કાર્યકરને ત્યાંથી હટાવવા માટે દિલ્હીથી મોવડીમંડળે આદેશ કરવો પડ્યો હતો.

એટલું જ નહીં, તેમના બે સિનિયર સાથીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી તેમના મહત્ત્વનાં ખાતાં લઈ લેવાયા ત્યારે તે આદેશનું પાલન કરવાનું પણ સી. આર. પાટીલને ભાગે આવ્યું હતું.

વડતાલમાં એક સભા ચાલી રહી હતી અને દિલ્હીથી કોઈનો ફોન આવ્યો. પાટીલ ભાષણ અડધું છોડીને ગાંધીનગર પહોંચ્યા અને રાત્રે બંને સિનિયર પ્રધાનોનાં - મહેસૂલ અને વાહન વ્યવહાર - લઈ લેવામાં આવ્યા.

એક જ વર્ષમાં બે પ્રધાનોની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો થાય અને તેનો રિવ્યૂ અને સૂચના દિલ્હીથી થાય તે સ્પષ્ટ દેખાઈ આવ્યું એટલે ભૂપેન્દ્ર પટેલની મુખ્ય મંત્રી તરીકેની છબી ઉપસાવવી મુશ્કેલ બની છે.

સમગ્ર મંત્રીમંડળ બદલવું અને તદ્દન અજાણ્યા નેતાને સીએમ બનાવવાનો દાવ પણ આ કારણસર જ એટલો સફળ રહ્યો નથી.

કેમ કે સરકારી કર્મચારીઓના આંદોલન છેક સુધી ચાલતા રહ્યા. કોઈ મોટી જાહેરાત કે નીતિ વિષયક કોઈ બાબત ભૂપેન્દ્ર પટેલ સાથે જોડાઈ નથી.

તેઓ મુખ્ય મંત્રી બન્યા ત્યારે પણ નક્કી હતું કે તેઓ ભાજપનો મુખ્ય ચહેરો બનવાના નથી.

નરેન્દ્ર મોદીના નામે જ ભાજપે ચૂંટણી લડવાની છે ત્યારે ભાજપના દેખાવનો જશ કે અપજશ કશું ભૂપેન્દ્ર પટેલના ભાગે નહીં આવે તે પણ નક્કી લાગે છે.

(લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન