ગુજરાતની ચૂંટણીમાં મોરારજી દેસાઈનું એ સમીકરણ જેણે ઇંદિરા ગાંધીને માત આપી

પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈના પ્રયાસો થકી વર્ષ 1975માં ગુજરાતમાં પહેલી વખત બિન-કૉંગ્રેસી સરકાર બની હતી
ઇમેજ કૅપ્શન, પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈના પ્રયાસો થકી વર્ષ 1975માં ગુજરાતમાં પહેલી વખત બિન-કૉંગ્રેસી સરકાર બની હતી
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં નથી આવ્યો, આમ છતાં તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોનાં નામો નક્કી કરવાની કવાયત હાથ ધરી દીધી છે. આમ આદમી પાર્ટી તથા ઓવૈસીના પક્ષ દ્વારા ઉમેદવારોનાં નામોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

આમ ગુજરાતમાં જ્યારે હવે ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે વા ત એ સમયની જ્યારે ગુજરાતની એવી ચૂંટણી વિશે જ્યારે મુખ્ય વિરોધપક્ષે પોતાના જ ગઠબંધન પક્ષના અન્ય એક નેતાને પોતાના ઉમેદવારોની પસંદગી કરવા માટે કહ્યું હતું.

આ નેતા એટલે દેશના પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ. જેમના પ્રયાસો થકી વર્ષ 1975માં ગુજરાતમાં પહેલી વખત બિન-કૉંગ્રેસી સરકાર બની હતી. આગળ જતાં 'ગુજરાત મૉડલ'નો સમગ્ર દેશમાં અમલ થયો હતો.

એવા કયાસ કાઢવામાં આવે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આઠમી ડિસેમ્બર પહેલાં પૂર્ણ થઈ જશે, કારણ કે એ દિવસે હિમાચલ પ્રદેશનાં ચૂંટણીપરિણામ જાહેર થવાનાં છે. એક રાજ્યનાં ચૂંટણીપરિણામ અન્ય રાજ્યનાં પરિણામોને અસર ન કરે તે માટે મતદાનપ્રક્રિયા પૂર્ણ ન થઈ જાય, તે પહેલાં ચૂંટણીપરિણામ જાહેર ન કરવાનો શિરસ્તો રહ્યો છે.

લાઇન
  • ગુજરાતમાં એક ચૂંટણી એવી પણ યોજાઈ હતી જેમાં મુખ્ય વિપક્ષે ગઠબંધન પક્ષના એક નેતાને પોતાના ઉમેદવારોની પસંદગી કરવા માટે કહ્યું હતું
  • ઇંદિરા ગાંધીએ સરકાર અને પક્ષમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની તજવીજ હાથ ધરી હતી
  • ઇંદિરા ગાંધીને બૅન્કોના રાષ્ટ્રીયકરણ સ્વરૂપે, રાજવીઓના વર્ષાસનની નાબૂદી જેવી જાહેરાતો દ્વારા પોતાનું સ્થાન મજબૂત કરવાની તક દેખાઈ
  • તત્કાલીન નાણામંત્રી અને નાયબ વડા પ્રધાન મોરારજી દેસાઈ બૅન્કોના રાષ્ટ્રીકરણને બદલે તેમની ઉપર વધુ કાયદાકીય નિયંત્રણના હિમાયતી હતા
  • ઇંદિરા દ્વારા તેમના પાસેથી પ્રભાર લઈ લેવામાં આવ્યો
  • મોરારજી દેસાઈએ બીજા દિવસે તારીખ 17 જુલાઈ, 1969ના રોજ પદ પરથી રાજીનામું આપી દીધું
  • તે સમયે ગુજરાતનું નેતૃત્વ હિતેન્દ્ર દેસાઈ કરી રહ્યા હતા અને તેમણે દેસાઈની સાથે રહેવાનું નક્કી કર્યું
  • માર્ચ-1972માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ
  • ચીમનભાઈ મુખ્યમંત્રી બન્યા અને ભાવવધારો તેમજ ભ્રષ્ટાચારના આરોપોએ ચીમનભાઈની સરકારની મુશ્કેલી વધારી
  • મોરારાજી દેસાઈએ વિધાનસભાને ભંગ કરવાની માગ સાથે નવી દિલ્હીમાં ઉપવાસ શરૂ કર્યા અને તેમાં સફળ થયા
લાઇન

મોરારજી દેસાઈનું 'દંગલ'

સપ્ટેમ્બર-1962માં હરોમમાં શૉપિંગ કરી રહેલાં ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, KEYSTONE-FRANCE/GETTY

ઇમેજ કૅપ્શન, સપ્ટેમ્બર-1962માં હરોમમાં શૉપિંગ કરી રહેલાં ઇંદિરા ગાંધી

1969માં રાષ્ટ્રપતિપદની ચૂંટણી પોતાની પસંદગીના ઉમેદવાર વીવી ગિરિને પદ સુધી પહોંચાડવામાં ઇંદિરા ગાંધીને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંતે અકાલી, ડાબેરી પક્ષો, ડીએમકે વગેરેના સહયોગથી 'ટેકનિકલી અપક્ષ ' ઉમદેવાર ગિરિ ચૂંટણી જીતી ગયા.

હવે, ઇંદિરા ગાંધીએ સરકાર અને પક્ષમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની તજવીજ હાથ ધરી હતી. વરિષ્ઠ નેતાઓના પરાજયથી ઇંદિરાના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ હતી. લોકસભામાં પાર્ટી પાસે માત્ર 22 સંસદસભ્યોની બહુમતી હતી. યુપી, બિહાર અને એમપી જેવાં મોટાં રાજ્યોમાં કૉંગ્રેસના નેતાઓ બગાવતનાં બ્યુગલ ફૂંકવા લાગ્યા હતા. એ પણ તેમના માટે ચિંતાનું કારણ હતું.

ઇંદિરા ગાંધીને બૅન્કોના રાષ્ટ્રીયકરણ સ્વરૂપે, રાજવીઓના વર્ષાસનની નાબૂદી જેવી જાહેરાતો દ્વારા પોતાનું સ્થાન મજબૂત કરવાની તક દેખાઈ. તત્કાલીન નાણામંત્રી અને નાયબ વડા પ્રધાન મોરારજી દેસાઈ બૅન્કોના રાષ્ટ્રીકરણને બદલે તેમની ઉપર વધુ કાયદાકીય નિયંત્રણના હિમાયતી હતા. આથી, ઇંદિરા દ્વારા તેમના પાસેથી પ્રભાર લઈ લેવામાં આવ્યો, પરંતુ તેમને નાયબ વડા પ્રધાનપદે યથાવત્ રાખવામાં આવ્યા.

આ રીતે ઇંદિરાએ પક્ષમાં જૂના જોગીઓની ઉપર હુમલો પણ કર્યો હતો અને સરકાર ઉપર પોતાની પકડને મજબૂત પણ બનાવી.

એ ઘટનાક્રમ વિશે 'મોરારજી દેસાઈ : અ પ્રૉફાઇલ ઇન કરેજ'માં અરવિંદરસિંહ લખે છે : "સવારે લગભગ સાડા બાર કલાકે તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમની પાસેથી નાણામંત્રાલય લઈ લેવામાં આવ્યું છે અને તેઓ નાયબ વડા પ્રધાનપદે રહી શકે છે. એ સમયે સરકારમાં મોરારજી દેસાઈ બીજા ક્રમે હતા. તેઓ પોતાનાં ગૌરવ અને આત્મસન્માનના ભોગે સરકારમાં કોઈપણ પદે રહેવા માગતા ન હતા."

"મોરારજી દેસાઈને લાગતું હતું કે આવો નિર્ણય કરતા પહેલાં કમ સે કમ તેમને જાણ કરીને વિશ્વાસમાં લેવા જોઈતા હતા. તેમણે બીજા દિવસે તા. 17મીએ (જુલાઈ, 1969) પદ પરથી રાજીનામું આપી દીધું અને એ દિવસે જ સાંજે સાડા ચાર કલાકે તેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો."

ઔપચારિક રીતે એવું કહેવામાં આવ્યું કે મોરારજી દેસાઈ બૅન્કોના રાષ્ટ્રીયકરણ સાથે સહમત ન હતા, એટલે આમ કરવામાં આવ્યું હતું, પરંતુ બૅંગ્લોર અધિવેશન સમયે તેમણે જ રાષ્ટ્રીયકરણની ભલામણ કરી હતી.

નવેમ્બર-1969માં કૉંગ્રેસ કાર્યસમિતિની બે સમાંતર બેઠકો યોજાઈ. એક કૉંગ્રેસ મુખ્યાલયે અને બીજી વડાં પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને. ઇંદિરા ગાંધીને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યાં. 84 વર્ષમાં પહેલી વખત કૉંગ્રેસનું વિભાજન કૉંગ્રેસ (ઓ) અને કૉંગ્રેસ (આઈ)માં થયું.

કૉંગ્રેસી નેતૃત્વમાં ફાટ

તા. 11મી માર્ચ 1974થી મોરારાજી દેસાઈએ વિધાનસભાને ભંગ કરવાની માગ સાથે નવી દિલ્હીમાં ઉપવાસ શરૂ કર્યા, અંતે ઇંદિરા સરકારે વિધાનસભાનું વિસર્જન કરવાનો નિર્ણય જાહેર કર્યો
ઇમેજ કૅપ્શન, તા. 11મી માર્ચ 1974થી મોરારાજી દેસાઈએ વિધાનસભાને ભંગ કરવાની માગ સાથે નવી દિલ્હીમાં ઉપવાસ શરૂ કર્યા, અંતે ઇંદિરા સરકારે વિધાનસભાનું વિસર્જન કરવાનો નિર્ણય જાહેર કર્યો

પંચવર્ષીય યોજના અને સામૂહિક કૃષિના કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે ગાંધીવાદી મોરારજી દેસાઈને લાગતું હતું કે દેશ પર ડાબેરીઓનો દબદબો વધી રહ્યો છે. આથી, તેમણે સંસ્થા કૉંગ્રેસ સાથે રહેવાનું નક્કી કર્યું. અનેક રાજ્યોના કૉંગ્રેસી નેતૃત્વમાં ઊભી ફાટ પડી હતી અને ગુજરાત પણ તેમાંથી બાકાત ન હતું.

એ સમયે ગુજરાતનું નેતૃત્વ હિતેન્દ્ર દેસાઈ કરી રહ્યા હતા. જેઓ મોરારાજી દેસાઈની જેમ જ દક્ષિણ ગુજરાતના અનાવિલ બ્રાહ્મણ હતા. તેમણે દેસાઈની સાથે રહેવાનું નક્કી કર્યું. ગુજરાતમાં સંસ્થા કૉંગ્રેસની સત્તા સ્થપાઈ. મે-1971માં તેમની સરકારનું પતન થયું. ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું. છ મહિના પછી ચૂંટણી યોજવાના બદલે ગુજરાતમાં વધુ છ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું.

માર્ચ-1972માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. હજુ ત્રણ મહિના પહેલાં જ ઇંદિરા ગાંધીના નેતૃત્વમાં ભારે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. જેની અસર ચૂંટણીપરિણામોમાં પણ જોવા મળી. સંસ્થા કૉંગ્રેસ, ભારતીય જનસંઘ (ભારતીય જનતા પાર્ટીનો પુરોગામી) તથા સ્વતંત્ર પક્ષનું ધોવાણ થયું. 160માંથી ઇંદિરા ગાંધીનાં નેતૃત્વવાળી કૉંગ્રેસને 140 બેઠક મળી હતી.

ચીમનભાઈ પટેલ, રતુભાઈ અદાણી, કાંતિલાલ ઘીયા, જસવંત મહેતા વગેરેને આ પદ માટે દાવેદાર માનવામાં આવતા હતા. ઇંદિરા ગાંધીએ સત્તાનો સંઘર્ષ ટાળવા માટે કેન્દ્રીય મંત્રી ઘનશ્યામ ઓઝાને મોકલ્યા.

પરંતુ અસંતુષ્ટો શાંત ન રહ્યા. અંતે, ઇંદિરા ગાંધીએ અનિચ્છાએ ચીમનભાઈને મુખ્ય મંત્રી બનાવવા પડ્યા. યુદ્ધને કારણે થયેલો ભાવવધારો અને ભ્રષ્ટાચારના આરોપોએ ચીમનભાઈની સરકારની મુશ્કેલી વધારી. ચીમનભાઈના મંત્રીમંડળમાં ફાટ પડી અને 'પક્ષવિરોધી પ્રવૃત્તિઓ' કરવા બદલ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા.

મોરારાજી દેસાઈના જીવન પર પરિચય પુસ્તકમાં યશવંત દોશી (પેજ નંબર 77) લખે છે કે તા. 11મી માર્ચ 1974થી મોરારાજી દેસાઈએ વિધાનસભાને ભંગ કરવાની માગ સાથે નવી દિલ્હીમાં ઉપવાસ શરૂ કર્યા. તા. 11મી માર્ચ 1974થી મોરારાજી દેસાઈએ વિધાનસભાને ભંગ કરવાની માગ સાથે નવી દિલ્હીમાં ઉપવાસ શરૂ કર્યા, અંતે ઇંદિરા સરકારે વિધાનસભાનું વિસર્જન કરવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે દેસાઈએ ઉપવાસ છોડ્યા.

નિયમ પ્રમાણે, છ મહિનાની અંદર ચૂંટણી યોજવાની કવાયત હાથ ધરવી જોઈતી હતી, પરંતુ વધુ છ મહિના માટે લંબાવવામાં આવ્યો. આ અરસામાં ગુજરાતમાં ભયાનક દુકાળ પડ્યો. મોરારાજી દેસાઈને લાગતું હતું કે રાષ્ટ્રપતિ મારફત આટલી વિકરાળ સમસ્યાનું નિરાકરણ શક્ય નથી અને લોકપ્રતિનિધિઓને વહીવટ સોંપાવો જોઈએ.

દોશી પોતાના પુસ્તકમાં (પૃષ્ઠ ક્રમાંક 77) લખે છે કે, સંસ્થા કૉંગ્રેસે આની સામે સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી ઠરાવ્યું અને લોકસંઘર્ષ સમિતિની પણ સ્થાપના કરવામાં આવી. આની સામે પોલીસે હિંસાની આશંકા વ્યક્ત કરી હતી. તા. સાતમી એપ્રિલ 1975ના રોજ નવી દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને ઉપવાસ શરૂ કર્યા. 13મી એપ્રિલે સરકારે ચૂંટણી યોજવાનું સ્વીકાર્યું એટલે દેસાઈએ તેમના ઉપવાસ છોડ્યા.

'મોરારજી પસંદ કરે ઉમેદવાર'

ચૂંટણીમાં ઇંદિરા ગાંધીની કૉંગ્રેસ, જનતા મોરચા અને ચીમનભાઈ પટેલના કિસાન મજદૂર જનતા પક્ષની વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચૂંટણીમાં ઇંદિરા ગાંધીની કૉંગ્રેસ, જનતા મોરચા અને ચીમનભાઈ પટેલના કિસાન મજદૂર જનતા પક્ષની વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો

કેન્દ્રીય સ્તર પર કૉંગ્રેસવિરોધી વિચારસરણી ધરાવતા અનેક પક્ષો માટે પારણાની ગરજ ગુજરાતે સારી હતી. જેમાં મુક્ત બજારના હિમાયતી સ્વતંત્ર પક્ષ, સોશિયાલિસ્ટ પાર્ટી અને જનસંઘ વગેરેનો સમાવેશ થતો હતો.

1975માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે (ઇવૉલ્યુશન ઑફ બીજેપી, વિજય કુમાર મલ્હોત્રા, પેજ નંબર 244-245) ' જનસંઘે સૂચન કર્યું હતું કે વિપક્ષ કૉંગ્રેસ (સંસ્થા), ભારતીય લોકદળ અને સમાજવાદીઓ વતી મોરારજી દેસાઈ 'જનતા ઉમેદવારો'ની પસંદગી કરે.'

'ગુજરાતમાં બીએલડી તથા સમાજવાદીઓનું ખાસ પ્રભુત્વ ન હતું, એટલે આ વાત મુખ્યત્વે ગુજરાતની સંસ્થા કૉંગ્રેસ તથા જનસંઘ વચ્ચેની હતી. મોરારજી દેસાઈ આ સૂચનના હિમાયતી હતા, પરંતુ સંસ્થા કૉંગ્રેસના હિતેન્દ્ર દેસાઈ આ ગઠબંધનના વિરોધી હતા. તેમનું માનવું હતું કે સંસ્થા કૉંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવી જોઈએ. મોરારજી દેસાઈએ તેમના જ સાથી હિતેન્દ્ર દેસાઈના વિરોધને અવગણીને જનતા મોરચાનું ગઠન થયું.'

ચૂંટણીમાં ઇંદિરા ગાંધીની કૉંગ્રેસ, જનતા મોરચા અને ચીમનભાઈ પટેલના કિસાન મજદૂર જનતા પક્ષની વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. મે મહિનાની ભરપોરે પણ મોરારજીભાઈએ જનતા મોરચાના ઉમેદવારો માટે ભાષણ કર્યા. તેઓ ગુજરાતના જિલ્લે-જિલ્લે ફરી વળ્યા.

line

દેશમાં 'ગુજરાત મોડલ'

નારાજ હિતેન્દ્ર દેસાઈએ કૉંગ્રેસ (ઓ) છોડી દીધી અને ઇંદિરા ગાંધીની કૉંગ્રેસમાં જોડાઈ ગયા. ગુજરાતમાં જનતા મોરચાનો પ્રયોગ સફળ રહ્યો અને ગુજરાતમાં પ્રથમ વખત બિનકૉંગ્રેસી સરકારનું ગઠન થયું. બાબુભાઈ જશભાઈ પટેલ રાજ્યના મુખ્ય મંત્રી બન્યા.

181માંથી જનતા મોરચાને 85 બેઠક મળી હતી, જોકે 75 બેઠક સાથે કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો હતો. જનાક્રોશને કારણે ખુદ ચીમનભાઈ પટેલ મધ્ય ગુજરાતની જેતપુર બેઠક પરથી હારી ગયા હતા, પરંતુ તેમના પક્ષના 13 ધારાસભ્ય, જ્યારે આઠ અપક્ષ ચૂંટાયા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન