ગુજરાત વિધાનસભા ચૂંટણી : ગુજરાત ચૂંટણી આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા 53 ઉમેદવારમાં એક પણ મુસ્લિમ કેમ નહીં?

ઇમેજ સ્રોત, @AAPGujarat
- લેેખક, તેજલ પ્રજાપતિ
- પદ, બીબીસી ગુજરાતી

- આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહી છે
- અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે, જે પૈકી એક ઉમેદવાર હિંદુ છે
- આમ આદમી પાર્ટી પર અવારનવાર આરોપ લાગતા રહે છે કે તે સોફ્ટ હિન્દુત્વના સહારે ચાલી રહી છે

આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી માટે 53 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે, પણ ચર્ચા એ વાતની થઈ રહી છે કે આ ઉમેદવારોમાંથી એક પણ મુસ્લિમ કેમ નથી. જ્યારે AIMIMએ એક હિંદુ ઉમેદવારને ટિકિટ આપી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી આ વખતે જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહી છે, અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ ઠેકઠેકાણે સભાઓ ગજવી રહ્યા છે.
અત્યાર સુધી જાહેર કરેલા ઉમેદવારોમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન આપતા કેટલાક લોકો આપ નેતાઓની તાજેતરની મંદિરોની મુલાકાતને જોડીને જુએ છે અને તેના આધારે એવા ક્યાસ કાઢે છે કે કેજરીવાલ 'સૉફ્ટ હિંદુત્વ'ના સહારે ચૂંટણી જીતવા માગે છે.
આમ આદમી પાર્ટી "હિન્દુવિરોધી" હોવાના ગુજરાતમાં અગાઉ પોસ્ટર પણ લાગ્યાં હતાં, ત્યાર બાદ વડોદરામાં યોજાયેલી સભામાં કેજરીવાલે પોતાને "કટ્ટર હનુમાનભક્ત" ગણાવ્યા હતા.
તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતમાં હિંદુ ધાર્મિકસ્થળોની મુલાકાત લીધી હતી, એ વખતે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે આપ હિંદુત્વનું કાર્ડ રમી ચૂંટણી જીતવા મથી રહી છે.
જોકે આપ આ વાતનો ઇન્કાર કરે છે.
આ બાબતે બીબીસીએ કેટલાક જાણકારો સાથે વાત કરી હતી અને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે આ માત્ર સંયોગ છે કે વિચારણા બાદ લેવાયેલું પગલું?

AIMIM દ્વારા હિંદુ ઉમેદવારને ટિકિટ

ઇમેજ સ્રોત, FACEBOOK/ASADUDDIN OWAISI
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ અત્યાર સુધીમાં પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જે પૈકી એક ઉમેદવાર હિંદુ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓવૈસીએ ટ્વિટર પર જાહેર કરેલી યાદી પ્રમાણે જમાલપુર ખાડિયા (અમદાવાદ)થી સાબિર કાબલીવાળા, સુરત (પૂર્વ)થી વસીમ કુરેશી, દાણીલીમડા (અમદાવાદ)થી કૌશિકા પરમાર, 163- લિંબાયત (સુરત)થી અબ્દુલ બસીરખાન અને 49 - બાપુનગર (અમદાવાદ)થી શાહનવાઝખાન પઠાણ (સીબુભાઈ) ઉમેદવાર છે.
ઉલ્લેખનીય છે કે આ પૈકી સુરતની લિંબાયત બેઠકના ઉમેદવાર હિંદુ છે.
ઓવૈસીએ ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલના મતવિસ્તારમાં રોડ શો કર્યો હતો.
ઓવૈસીએ કહ્યું હતું કે, "પાટીદારો અને મુસ્લિમોના વોટની ટકાવારી ગુજરાતમાં સરખી જ છે. રાજકીય નેતાગીરીની સફળતા અને પાટીદારોની જાગૃતિને કારણે તેમના સમાજના અનેક લોકો ચૂંટાઈને આવે છે. આથી, મુસ્લિમોનું રાજકીય પ્રતિનિધિત્વ વિકસાવવાની અને રાજકીય રીતે આગળ વધવાની જરૂર છે."
આ સાથે તેમણે કૉંગ્રેસ પર પ્રહાર પણ કર્યા હતા.

અરવિંદ કેજરીવાલનાં પોસ્ટર્સનો વિવાદ
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે તેમના વિરોધમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, દાહોદ અને અન્ય શહેરોમાં પોસ્ટર લાગ્યાં હતાં.
પોસ્ટરમાં કેજરીવાલના ફોટોગ્રાફની સાથે લખ્યું હતું કે 'હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઇશ્વર માનીશ નહીં. આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર'.
ઉલ્લેખનીય છે કે આ પોસ્ટર અરવિંદ કેજરીવાલના મંત્રીએ દિલ્હીમાં યોજાયેલા એક ધર્મ પરિવર્તનના કાર્યક્રમમાં આપેલી હાજરી બાદ લાગ્યાં હતાં.
કેજરીવાલે આ પોસ્ટર અંગે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે "હું ધાર્મિક માણસ છું, હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. હનુમાનજીની અસીમ કૃપા મારા પર છે."
તેમણે એવું પણ કહ્યું હતું કે "હું કહેવા માગું છું કે મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. મને ભગવાને આ કંસનાં સંતાનોનો નાશ કરવા મોકલ્યો છે."

ધાર્મિક કાર્યક્રમોમાં કેજરીવાલની હાજરી અને રાજરમત

ઇમેજ સ્રોત, ANI
અગાઉ આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે રાજકોટમાં પ્રાણપ્રતિષ્ઠા અને મહાઆરતીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ પહેલાં તેમણે સોમનાથમાં જ્યોર્તિલિંગ મંદિરની મુલાકાત લીધી, ત્યારે તેમણે લલાટ પર ત્રિશૂલનું તિલક કર્યું હતું અને રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી.
આ બધી વાતોને જોડીને એક વર્ગ એવો અંદાજ કાઢે છે કે કેજરીવાલ 'સોફ્ટ હિંદુત્વ'ના સહારે ચૂંટણી જીતવા માગે છે.
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ બીબીસી ગુજરાતી સાથેની વાતમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી સલામત રીતે રાજકારણની રમત રમી રહી છે.
"દિલ્હી અને પંજાબમાં હિન્દુઓને નકાર્યા નથી અને મુસ્લિમોને ગળે પણ લગાવ્યા નથી. આમ આદમી પાર્ટી મુસ્લિમ સમુદાયને લગતી ઘટના હોય તો ઉગ્ર પ્રતિભાવ આપતી નથી અને હિન્દુની ઘટના હોય તો વરસી પણ પડતી નથી. તેઓ બંને બાજુ બૅલેન્સ રાખીને ચાલે છે."
"જોવા જઈએ તો રાજકીય ઓળખ ઊભી કરવાનો ભાગ પણ હોઈ શકે છે."
તેઓ આગળ કહે છે કે "અરવિંદ કેજરીવાલ હનુમાનજીનાં દર્શને ગયા, હનુમાનચાલીસા બોલે છે. એટલે હું એવું માનું છું કે કૉંગ્રેસને જે મુસ્લિમોનો આધાર હતો એ તૂટી ગયો છે અને ભાજપનો હિન્દુત્વનો આધાર મજબૂત છે."
તેઓ AAPની રણનીતિને ભાજપ સાથે સરખાવતાં કહે છે કે, "ભાજપે હિન્દુત્વ, રાષ્ટ્રવાદ અને વિકાસનું કૉમ્બિનેશન ઊભું કર્યું છે. એવી રીતે આમ આદમી પાર્ટીએ બેઝિક સગવડની સાથે હિન્દુત્વ કે રાષ્ટ્રવાદને સાંકળવાનો પ્રયત્ન કર્યો છે."

BJP, કૉંગ્રેસ અને AIMIM આ વિશે શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના લઘુમતી સંઘના નેતા મોહસીન લોખંડવાલાએ કહ્યું હતું કે, "આમ આદમી પાર્ટીએ કોને ટિકિટ આપવી અને કોને ન આપવી એ એમનો વિષય છે. આપણે એ વિશે કંઈ ન કહી શકીએ."
તેમણે કહ્યું કે, "સોફ્ટ હિન્દુત્વ પણ પાર્ટીનો અંગત વિષય છે કે તેમને કઈ વિચારધારાને લઈને ચાલવું છે."
"ભાજપ જ્ઞાતિ-ધર્મ કંઈ જ જોતી નથી. તેઓ કોઈ પણ બેઠક પર જીતી શકે એવા સક્ષમ કાર્યકર્તાને ટિકિટ આપે છે. ભલે તેઓ કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના હોય."
આમ આદમી પાર્ટી પરના આક્ષેપો વિશે કૉંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવતે કહ્યું કે, "ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે બેઝિક ગ્રાઉન્ડ જ નથી."
તેમણે કહ્યું કે, "આમ આદમી પાર્ટી પાસે કોઈ મજબૂત ઉમેદવાર જ નથી, બે-પાંચ કૉંગ્રસ કે અન્ય પાર્ટીમાંથી રાજીનામું આપીને ગયા હોય એવા છે."
તો AIMIMના નેતા સાબિર કાબલીવાલાએ કહ્યું હતું કે "આમ આદમી પાર્ટી ભાજપ જેવી જ વિચારધારા ધરાવે છે."
"આમ આદમી પાર્ટીનો જે એજન્ડા છે, એ ખતરનાક છે. તેનાથી પ્રજાએ ચેતીને ચાલવું જોઈએ અને બધાએ સંપીને રહેવું જોઈએ."
આ અંગે આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે, "આમ આદમી પાર્ટી જ્ઞાતિ-ધર્મને જોઈને ક્યારેય ટિકિટ આપતી નથી. આમ આદમી પાર્ટી માનવતાવાદી વિચારધારા ધરાવે છે."
"લોકોનાં કામ માટે નિષ્ઠાવાન કોણ છે? કામ પ્રત્યે પ્રામાણિક વ્યક્તિ કોણ છે? લોકોના મતો મેળવ્યા પછી લોકોની વચ્ચે જઈ ન્યાય આપવાનું કામ કોણ કરશે? એ જોઈને આમ આદમી પાર્ટી ટિકિટ આપે છે."
તેમણે કહ્યું હતું કે, "આમ આદમી પાર્ટી એજન્સી દ્વારા સર્વે કરાવે છે અને ત્યાંના લોકો એ વ્યક્તિને ચાહે છે કે નહીં, તે જોવાય છે."
'સોફ્ટ હિંદુત્વ'ના આરોપો અંગે યોગેશ જાદવાણીએ કહ્યું હતું કે, "સ્વભાવિક રીતે અન્ય પાર્ટીના લોકો જુદા-જુદા આક્ષેપો લગાવે, પણ અમારા માટે ગુજરાતની જનતાનું કામ જ મહત્ત્વનું છે."

2017ની વિધાનસભા ચૂંટણીમાં જીતેલા મુસ્લિમ ઉમેદવાર

ઇમેજ સ્રોત, Getty Images
આ પહેલાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે કુલ 6 મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણી લડાવી હતી. જેમાંથી નીચેના ઉમેદવારો જીત્યા હતા.
- ઇમરાન ખેડાવાલા (જમાલપુર)
- ગ્યાસુદ્દીન શેખ (દરિયાપુર)
- મહમદ પીરઝાદા (વાંકાનેર)
ઉલ્લેખનીય છે કે 2017ની ચૂંટણી વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ભાગે એક પણ બેઠક આવી ન હતી, જ્યારે ભાજપે મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી ન હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













