અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ગુજરાતની રાજનીતિમાં શું ફરક લાવી શકશે?

અસદુદ્દીન ઔવેસી

ઇમેજ સ્રોત, AIMIM

ઇમેજ કૅપ્શન, અસદુદ્દીન ઔવેસી
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ઇમ્તિયાઝ ખાન પઠાણ, વ્યવસાયે એક વકીલ છે, પરંતુ હાલ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે જોડાઈ ચૂક્યા છે. તેમણે તાજેતરમાં મહાનગરપાલિકાની ચૂંટણી લડી ખૂબ જ ઓછા મતે હારી ગયા. ઇમ્તિયાઝ ખાન પઠાણ ગુજરાતમાં થયેલા ઍન્કાઉન્ટર કેસોમાં સિનિયર વકીલોને મદદ કરવા માટે અને નીચલી કોર્ટમાં સરકાર વિરુદ્ધ ઊભા રહેવા માટે પણ જાણીતા છે. તેમને લાગે છે કે AIMIM ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક લઈને આવી છે.

એવી જ રીતે જુહાપુરામાં રહેતા મુસ્લિમ આગેવાન ઇકરામ મિર્ઝાનું માનવું છે કે, જે રીતે કૉંગ્રેસ મુસ્લિમો માટે એક કાયમી સમાધાન નથી તેવી રીતે શક્ય છે કે AIMIM પર તેમની માટે એક કાયમી સમાધાન ન પુરવાર થાય.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઇકરામ મિર્ઝા કહે છે કે, જો તે લોકોને કોઈ પણ રીતે કોમવાદની વાતોમાં ફસાવીને રાખશે તો તેમાં લોકોની મૂળ સમસ્યાઓ ભૂલાઈ જશે, અને કદાચ આવનારા સમયમાં લોકો AIMIMથી દૂર પણ જતા રહે. AIMIM હજી એ પુરવાર કરવાનું બાકી છે કે તે ગુજરાતમાં કાયમ માટે છે કે માત્ર એક બે ચૂંટણીઓ પૂરતી છે.

ઉપરના આ બન્ને કિસ્સાઓ AIMIMમાં ગુજરાતમાં પ્રવેશના બે અલગ અલગ પાસાઓ બતાવે છે. એક તરફ મુસલમાન સમુદાયનાં ઘણા લોકો તેને પોતાના માટે એક મજબૂત વિકલ્પ માને છે તો બીજી તરફ અનેક લોકો તેને માત્ર ચૂંટણીલક્ષી ખેલ માને છે.

AIMIMએ ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ભરૂચ, મોડાસા, અને ગોધરામાં પણ ચૂંટણીઓ લડી રહી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં સાત કૉર્પોરેટરો જીત્યા છે અને તાલુકા પંચાયતોની ચૂંટણી બાકી છે.

line

AIMIM ગુજરાતની રાજનીતિમાં શું ફરક લાવશે?

એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી

ગુજરાતમાં છેલ્લા 5 દાયકાઓથી માત્ર કૉંગ્રેસ અને ભાજપ જ સત્તામાં કે વિપક્ષમાં રહે છે. ભાજપના બળવાને કારણે શંકરસિંહ વાઘેલા અને કેશુભાઇ પટેલે અલગ મોરચો ખોલ્યો હતો, પરંતુ તે પણ લાંબો સમય ટક્યો હતો. જો કે મુખ્યત્વે મુસલમાન અને તેમની સાથે દલિત, આદિવાસી અને OBC ઉપરાંત બીજા વંચિત સમુદાયોને ધ્યાનમાં લઈને હજી સુધી આ પહેલાં કોઈ પક્ષ ગુજરાતમાં આવ્યો નથી.

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ બીબીસી ગુજરાતી સાથેની પોતાની વાતચીત દરમિયાન કહ્યું હતું કે અમે આ સર્વે સમાજોનો અવાજ એક સાથે ઉઠાવીશું. જો નિષ્ણાતોનું માનીએ તો AIMIMના પ્રવેશથી ગુજરાતમાં સૌથી વધુ નુકસાન કૉંગ્રેસને થશે, કારણ કે મુસ્લિમ મતોમાં તે કૉંગ્રેસના મતો જ લઈ રહી છે. જોકે, જ્યાં મુસ્લિમ કે દલિત મતો ન હોય તેવા સ્થળે AIMIM પ્રવેશ કરવાનું નહીં વિચારે.

આ અંગે વાત કરતા રાજકીય વિશ્લેષક શારીક લાલીવાલાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, જો મુસલમાનોના રાજકીય પ્રતિનિધિત્વની વાત કરીએ તો 80ના દાયકા પછી તેઓ ગુજરાતના નક્શામાંથી સાવ ગાયબ છે.

છેલ્લે અહેસાન જાફરી અને રઉફ વલીઉલ્લાહ જેવા નેતાઓએ 80ના દાયકામાં મુસ્લિમ વોટર અને મુસલમાનોની વાત કરી હતી, ત્યારબાદ મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ઘટતી ગઈ અને હવે છેલ્લે માત્ર 3 ધારાસભ્યો મુસલમાન છે.

શારીક કહે છે કે, ગુજરાતની કુલ વસતિમાં આશરે 11 ટકાની મુસ્લિમો છે અને તેની સામે માત્ર 3 જ ધારાસભ્ય છે અને તેમણે પણ હજી સુધી મજબૂત રીતે મુસલમાનોનો અવાજ ઉઠાવ્યો નથી. એટલે હવે જ્યારે AIMIM ગુજરાતમાં આવી છે અને AIMIMનાં ચૂંટાયેલા ઉમેદવારો જો મુસલમાનોનો અવાજ ઉઠાવી શકે તો સમજવું પડે કે આ પાર્ટી લાંબો સમય સુધી અહીં રહેશે.

રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીનું કહેવું છે કે, હાલમાં તો AIMIMનો હેતુ ભાજપને હરાવવાનો નથી, પરંતુ કૉંગ્રેસને જવાબ આપવાનો લાગે છે, માટે તેઓ ભાજપ સાથે નહીં પરંતુ કૉંગ્રેસ સાથે હરીફાઈ કરી રહ્યા છે. હું માનું છું કે AIMIM એ એક રીતે BJPની બી ટીમ તરીકે કામ કરી રહી છે, અને કૉંગ્રેસના વોટ તોડીને તેનો સફાયો કરી રહી છે.

ગઢવી માને છે કે ભલે AIMIM કહે કે તે દલિત અને બીજા વંચિત સમુદાયો માટે પણ કામ કરી રહી છે, પરંતુ હજી સુધી તો એ માત્ર મુસ્લિમ વિસ્તારોમાં જ ઉમેદવાર ઊભા રાખી શકે છે એટલું જ દેખાય છે.

ગુજરાતમાં મુસ્લિમોની વસતિ આશરે 11 ટકા છે. અમદાવાદનો જુહાપુરા વિસ્તાર મુસલમાન સમુદાયની સૌથી મોટી વસાહત તરીકે ઓળખાય છે.

આ વિસ્તારના મકતમપુરા વૉર્ડથી હંમેશાંથી કૉંગ્રેસ જીતતી આવી છે, પરંતુ આ વખતે આ વૉર્ડમાંથી ૩ AIMIMનાં ઉમેદવારો જીતી ચૂક્યા છે.

અમદાવાદ શહેરમાં દરિયાપુર, જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા એ ત્રણ વિધાનસભા બેઠક એવી છે જ્યાં મુસ્લિમ અને દલિત મતદાતાઓ હાર-જીત પર અસર કરી શકે છે. હાલમાં ગુજરાતમાં 3 મુસલમાન ધારાસભ્યો છે, જે ત્રણેય કૉંગ્રેસના છે, જેમાં ગ્યાસુદ્દીન શેખ (દરિયાપુર), ઇમરાન ખેડાવાલા (જમાલપુર-ખાડિયા) અને જાવેદ પીરઝાદા (વાંકાનેર)નો સમાવેશ થાય છે.

line

કેવી રીતે બદલાશે પરિસ્થિતિ?

અમદાવાદ જેવા શહેરમાં કોઈ એક હિન્દુ વિસ્તારથી જ્યારે મુસલમાન વિસ્તારમાં પ્રવેશ કરીએ તો તે વિસ્તારના રોડ, રસ્તા, ગંદકી વગેરે જોઈને સામાન્ય વ્યક્તિને ખ્યાલ આવી જાય કે આ વિસ્તાર બીજા વિસ્તારોથી અલગ છે, બીબીસીની આ સંવાદદાતા જ્યારે મુસલમાન વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે અનેક લોકોએ આવી વાતો કરી હતી. અનેક મુસ્લિમોને લાગે છે કે તેમના વોટની કોઈ કિંમત ન હતી, પરંતુ હવે તેમના વોટથી તેઓ ફરક પાડી શકે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન AIMIMનાં પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઔવેસીએ કહ્યું હતું કે તેઓ વંચિત સમુદાયના લોકોને રાજકીય પ્રતિનિધિત્વ અપાવવા માટે ગુજરાતમાં આવ્યાં છે.

એમણે કહ્યું હતું કે, "અમને ખબર છે કે ગુજરાતમાં હાલમાં હિન્દુ અને મુસલમાનો વચ્ચેનું અંતર ખૂબ વધારે છે, અને બન્ને સમુદાયોને સાથે લાવીને તેમની સાથે કામ કરવું એ એક મોટો પડકાર છે, પરંતુ તે કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી."

ઔવેસીએ કહ્યું કે, "હાલમાં ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ બન્ને પક્ષોનાં કારણે જે શૂન્યાવકાશ છે જે અમે દૂર કરીને રાજકીય પરિસ્થિતિને હચમચાવી દઈશું."

દાનિશ કુરેશી એક મુસ્લિમ કર્મશીલ છે. ગુજરાતના અશાંત ધારાને તેમણે હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેઓ ઘણાં સમયથી એકલા જ જ કામ કરી રહ્યાં હતા અને હવે AIMIM આવ્યા બાદ તેની સાથે જોડાઈ ચૂક્યા છે. હાલ તેઓ મુખ્ય પ્રવક્તાનો હોદ્દો સંભાળે છે. તેમનું માનવું છે કે "હવે મુસલમાન વોટને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવાનો સમય ગયો અને હવે અમારી પાસે પસંદગી કરવાનો અધિકાર છે."

AIMIMના ગુજરાત પ્રમુખ સાબિર કાબલીવાલા એક જુનાં કૉંગ્રેસી છે, અને કૉંગ્રેસના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ હાલમાં ગુજરાતમાં AIMIMનું સંગઠન મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે.

બીબીસી સાથેની તેમની વાતચીત દરમિયાન તેમણે કહ્યું, "આવાનારા સમયમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને AIMIM સાથે મળીને તમામ આદિવાસી, મુસલમાન અને દલિત વિસ્તારોમાં પાર્ટીની કેડર ઊભી કરશે, અને તમામ લોકોની સાથે કામ કરશે."

તેઓ કહે છે કે આવનારા સમયમાં AIMIM ગુજરાતમાં દરેક મતદાતાઓ માટે એક મજબૂત વિકલ્પ બનીને બહાર આવશે."

ઔવેસીએ ગુજરાતની રાજનીતિ માટે શું કહ્યું?

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી ગુજરાતી સાથેની તેમની મુલાકાત સમયે અસદુદ્દીન ઔવેસીએ કહ્યું હતું કે, ગુજરાતમાં 2002ના કોમી તોફાનો બાદ બન્ને સમુદાયો વચ્ચે અંતર ખૂબ વધી ગયું. તમે ગોધરા જેવા નાના વિસ્તારની વાત કરો કે પછી અમદાવાદ રિવરફ્રન્ટની વાત કરો, દરેક જગ્યાએ ગરીબ અને વંચિત લોકોને વિકાસથી દૂર રાખવામાં આવ્યા છે.

તેઓ વધુમાં કહે છે કે, મુસલમાન વિસ્તારોની તકલીફને સરકાર સુધી પહોંચાડવા માટે તેમને પ્રતિનિધિ જોઈએ, જે હજી સુધી ભાજપ કે કૉંગ્રેસ બંન્ને પાર્ટીઓ નથી આપી શકી, માટે મુસલમાનના એક વિકલ્પ તરીકે અમે આવ્યા.

તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં AIMIM ગુજરાતના અનેક વિસ્તારોમાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડશે.

ઔવેસીએ કહ્યું હતું કે, 1984માં છેલ્લે વખત અહીંથી કૉંગ્રેસના અહેમદ પટેલ ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા, ત્યારબાદ કોઈ મુસલમાનને કૉંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી આપી નથી, અને હવે તે પરસ્થિતિને બદલવા માટે અમારી પાર્ટી અહીં કામ કરશે.

પોતાના જીતેલા ઉમેદવારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ લોકોનું કામ કરવા માટે તેમને સતત સરકાર સામે સંઘર્ષ કરવો પડશે.

ફૂટર
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.