મહાનગરપાલિકાનાં ચૂંટણીપરિણામો : ભાજપને ગુજરાતના શહેરી વિસ્તારોમાં કેમ હરાવી શકાતો નથી?

ભાજપની જીત બાદ જશનના મૂડમાં કાર્યકર્તા

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, ભાજપની જીત બાદ જશનના મૂડમાં કાર્યકર્તા
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે
તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

મંગળવારે જાહેર થયેલાં ચૂંટણીપરિણામમાં ગુજરાતની તમામ છ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભગવો લહેરાયો છે.

છેલ્લા લગભગ બે દાયકાનાં ચૂંટણીપરિણામોનાં વલણો જોવામાં આવે તો શહેરી વિસ્તારમાં ભાજપને હરાવવો વિપક્ષ માટે મુશ્કેલ સાબિત થયું છે.

2017માં શહેરીવિસ્તારમાં મળેલી બેઠકોને કારણે જ ભાજપ પોતાની સત્તા ટકાવવામાં સફળ રહ્યો હતો.

સ્થાપના સમયે ભાજપની ઓળખ 'વાણિયા-બ્રાહ્મણના શહેરીપક્ષ' તરીકેની હતી. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીનાં પરિણામોએ આથી વિપરીત પરિણામ આપ્યાં હોવા છતાં આ તમગો હજુ તેની સાથે જોડાયેલો રહેવા પામ્યો છે.

કૉર્પોરેશનનાં ચૂંટણીપરિણામોની અસર 28મી ફેબ્રુઆરીએ યોજાનારી 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત તથા 231 તાલુકા પંચાયતની ચૂંટણી ઉપર જોવા મળી શકે છે. અલબત્ત આ ચૂંટણી ગ્રામ્ય કે અર્ધ-શહેરી વિસ્તારોમાં યોજાશે.

line

સશક્ત વિપક્ષનો અભાવ

કૉંગ્રેસી કાર્યકર્તાઓની જીતની ઉજવણી

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસી કાર્યકર્તાઓની જીતની ઉજવણી

પરંપરાગત રીતે ગુજરાતમાં બે પક્ષની ટક્કર રહી છે. છેલ્લા લગભગ અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેવા પામી છે.

રાજકીય વિશ્લેષક મનીષી જાનીના કહેવા પ્રમાણે, "ગુજરાત કૉંગ્રેસમાં નેતૃત્વનું સંકટ છે. પાર્ટીના વર્તમાન નેતાઓ કોઈને કોઈ દિગ્ગજ નેતાનાં સંતાનો છે. જેમની કોઈ નક્કર આંદોલનની પૃષ્ઠભૂમિ નથી."

"રાજ્યમાં છેલ્લાં અનેક વર્ષોથી કૉંગ્રેસ વિપક્ષમાં છે, જેથી તેના કાર્યકર્તા નિરાશ છે. તેની પાસે ચૂંટણીભંડોળ નથી. બીજી બાજુ, ભાજપ પાસે પુષ્કળ નાણાં છે."

"આ સિવાય દલિતો અને લઘુમતી સમુદાયના લોકો પણ કૉંગ્રેસનો વિકલ્પ શોધવા માંડ્યા છે. જેના કારણે નવાં રાજકીય સમીકરણ રચાઈ રહ્યાં છે."

અમદાવાદમાં મુસ્લિમ બહુમતીવાળા જમાલપુર વૉર્ડમાં ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના તમામ ચાર ઉમેદવારનો વિજય થયો.

મક્તમપુરા વૉર્ડમાં પાર્ટીને ત્રણ બેઠક મળી છે. આ સિવાય અન્ય કેટલીક બેઠક ઉપર પણ આગળ છે.

સુરતમાં 120 બેઠકમાંથી 27 બેઠક જીતીને આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી બની છે.

line

સંગઠનશક્તિ

રાજકોટમાં ભાજપના ઉમેદવારોની જીત

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં ભાજપના ઉમેદવારોની જીત

વરિષ્ઠ પત્રકાર અજય નાયકના માનવા પ્રમાણે, "ભાજપના 'પન્નાપ્રમુખ' મૉડલની ગમે તેટલી ટીકા થાય તો પણ પાર્ટી પાસે જેટલી સંખ્યામાં કાર્યકર તથા જેટલું મજબૂત માળખું છે, તેટલું કૉંગ્રેસ કે અન્ય પક્ષ પાસે નથી. જેનો લાભ ચૂંટણી સમયે પાર્ટીને મળે છે."

"નેતૃત્વનો અભાવ અને આંતરિક કલહ કૉંગ્રેસને નબળી પાડે છે. જેનો સીધો ફાયદો ભાજપને થાય છે."

"ગુજરાત ભાજપે ત્રણ-ટર્મથી વધુ વખત ચૂંટાતા ઉમેદવારને રીપિટ નહીં કરવાનો અને 60 વર્ષથી વધુ વર્ષના નેતાઓને ચૂંટણીજંગમાં નહીં ઉતારવાનો નિર્ણય લીધો. સંગઠનશક્તિને કારણે જ તેનો અમલ શક્ય બન્યો અને નારાજગીની કોઈ વિપરીત અસર ચૂંટણીપરિણામો ઉપર ન થઈ."

કૉંગ્રેસના પ્રવક્તા નૈશદ દેસાઈના કહેવા પ્રમાણે, "બાંગ્લાદેશ-ભૂતાન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોમાં પેટ્રોલ પચાસ રૂપિયે લિટર મળતું હોય અને અહીં 100 રૂપિયે વેચાઈ રહ્યું હોય, છતાં આ પરિણામ આવ્યાં છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે અમે જનતા સુધી અમારો સંદેશ પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છીએ."

ભાજપ દ્વારા દરેક વિસ્તારમાં 'પન્નાપ્રમખ'ની નિમણૂક કરવામાં આવે છે. ચૂંટણી સમયે તેનું કામ મતદારયાદીના પૃષ્ઠ પર રહેલાં નામો સુધી ભાજપની વિચારધારાને પહોંચાડવાનું તથા તેમને ભાજપની તરફેણમાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનું હોય છે.

ભાજપનો દાવો છે કે 11 કરોડ સભ્યો સાથે તે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ છે. જોકે, તેમાંથી સક્રિય સભ્ય કેટલા તથા સભ્યસંખ્યાનું તટસ્થ મૂલ્યાંકન વાદનો વિષય રહ્યા છે.

line

કોમવાદ અને 'વિસ્તાર'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગુજરાતમાં અશાંતધારાને કારણે હિંદુઓને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં તથા મુસ્લિમને હિંદુ બહુમતીવાળા વિસ્તારમાં સંપત્તિ ખરીદવા માટે કલેક્ટરની મંજૂરી લેવી પડે છે.

આથી હિંદુ પોતાના વિસ્તારમાં અને મુસ્લિમ લઘુમતી વિસ્તારમાં જ રહેવાનું પસંદ કરે છે. જેના કારણે કોમવાદનો રંગ વધુ ઘેરો બન્યો છે.

જાની માને છે, "ગુજરાતના રાજકારણ ઉપર મિડલ ક્લાસ હિંદુનું વર્ચસ્વ છે. છેલ્લાં અમુક વર્ષો દરમિયાન જ્ઞાતિ-જાતિ આધારિત નફરતનું પ્રમાણ વધ્યું છે."

"ગુજરાતમાં કોમી હુલ્લડ નથી થતાં એવું નથી, પરંતુ તે છમકલાં સ્વરૂપે થતાં જ રહે છે. અગાઉ માત્ર શહેરી વિસ્તારોમાં આવું જોવા મળતું, જે ગ્રામીણ વિસ્તારમાં પણ જોવા મળે છે."

પાટનગર ગાંધીનગરને બાદ કરતાં બાકીના સાત મ્યુનિસિપલ કૉર્પોરેશન હદવિસ્તારમાં હિંદુ-મુસ્લિમ વિસ્તાર વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

line

સ્થાપનાથી જ શહેરી

અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી

ઇમેજ સ્રોત, Getty Images

અજય નાયકના માનવા પ્રમાણે, "ભાજપ તેની સ્થાપના સમયથી જ શહેરી વિસ્તારોમાં મજબૂત છે. ગુજરાતમાં 1990 બાદ મતદાન કરનાર અથવા જન્મેલી વ્યક્તિએ માત્ર ભાજપને જોયો છે."

"તેમણે કૉંગ્રેસના સંઘર્ષ વિશે અભ્યાસક્રમમાં વાચ્યું છે, પણ તેનાથી વાકેફ નથી. તેમને કૉંગ્રેસના સ્વરૂપમાં ભાજપનો મજબૂત વિકલ્પ નથી જણાતો."

ઉલ્લેખનીય છે કે સ્થાપનાનાં શરૂઆતનાં વર્ષોમાં શહેરી વેપારીઓએ ફાળો આપીને તથા મધ્યમ વર્ગે મત આપીને ભાજપને મજબૂત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

જેમાં અનામતવિરોધી ચળવળ તથા રામમંદિરનું આંદોલન ભળ્યાં હતાં. જેના કારણે ભાજપ 'વાણિયા-બ્રાહ્મણના શહેરીપક્ષ' તરીકે ઓળખાતો. એ સમયે ગ્રામીણ વિસ્તારોમાં ભાજપના સંગઠનનું માળખું ન હતું.

2017ની વિધાનસભા ચૂંટણી સમયે પાટીદાર અનામત આંદોલનની છાયા હેઠળ ગુજરાતમાં ભાજપને સત્તા ઉપર લાવવામાં શહેરી બેઠકોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

એ સમયે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને પછડાટ મળી હતી અને પાર્ટી 99 ઉપર સમેટાઈ ગઈ હતી, જે તાજેતરના ઇતિહાસનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન હતું.

line

વિકાસની વાત

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

અજય નાયકના મતે, "કોઈ પણ પક્ષ સત્તા ઉપર હોય એટલે વિકાસનાં કામો કરતો જ હોય છે. લાંબા સમયથી ભાજપ સત્તા ઉપર છે."

"મતદાર સાંભળેલી વાત કરતાં નજરે જોયેલી વાત ઉપર વિશ્વાસ કરવાનું વલણ ધરાવતો હોય છે. એટલે જ જ્યારે તે રિવરફ્રન્ટ કે મૅટ્રો જેવી સુવિધા જુએ છે. ત્યારે ફરીથી મત આપવા પ્રેરાય છે."

વર્ષ 2013-14માં જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા, ત્યારે તેમણે દેશને વિકાસનું 'ગુજરાત મૉડલ' વેંચ્યું હતું.

ગુજરાત એટલે એવું રાજ્ય, જ્યાં ઔદ્યોગિકીકરણ છે. માર્ગ અને પરિવહનની સુવિધા ઉપરાંત પૂરતી માળખાકીય સુવિધા પણ છે.

જોકે, 2017માં વિધાનસભા ચૂંટણી વખતે 'વિકાસ ગાંડો થયો છે'ના નારા સાથે કૉંગ્રેસે મૉડલમાં રહેલી ખામીઓને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં તેને સફળતા મળી હતી, પરંતુ શહેરી વિસ્તારમાં મતદારોને તે આ વાત ગળે ઉતરાવવામાં નિષ્ફળ રહ્યો હતો અને અર્બન બેઠકોને આધારે સત્તા ઉપર ફરી આવવામાં ભાજપને સફળતા મળી હતી.

line
સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો