ઇંદિરા ગાંધીએ કરેલા બૅન્કોના રાષ્ટ્રીયકરણમાં બે ગુજરાતીઓની ભૂમિકા શું હતી?

બૅન્કકર્મી માસ્ક પહેરીને પ્રદર્શનમાં સામેલ થયાં છે

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખાનગીકરણમાં સફળ રહેશે તો ટેકનિકલી ઇતિહાસમાં પહેલી વખત સરકારી બૅન્કનું ખાનગીકરણ થશે.
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઇન્ડિયન ઑવરસીઝ બૅન્ક તથા સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે.

જો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખાનગીકરણમાં સફળ રહેશે તો ટેકનિકલી ઇતિહાસમાં પહેલી વખત સરકારી બૅન્કનું ખાનગીકરણ થશે.

1969માં 19મી જુલાઈની રાત્રે સાડા આઠ કલાકે ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રજોગ સંબોધન દ્વારા 14 બૅન્કના રાષ્ટ્રીયકરણની જાહેરાત કરી હતી. માત્ર ચાર દિવસમાં આના વિશે નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ ઘટનાક્રમના કેન્દ્રમાં બે ગુજરાતીઓ હતા, એ સમયના નાયબવડા પ્રધાન મોરારજી દેસાઈ તથા આર્થિક બાબતોના સલાહકાર આઈ. જી. પટેલ.

બૅન્કોના રાષ્ટ્રીયકરણના એ ઐતિહાસિક ઘટનાક્રમે દેશના બૅન્કિંગ, આર્થિક, ન્યાયતંત્ર અને રાજકીય ઇતિહાસને હંમેશાં માટે બદલી નાખ્યો.

line

ઇંદિરા, હકસર અને રાષ્ટ્રીયકરણ

બૅન્ક

ઇમેજ સ્રોત, Mint

ઇંદિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન સૌથી શક્તિશાળી મનાતા બાબુ પરમેશ્વર નારાયણ હકસરનું જીવનવૃત્તાંત 'ઇન્ટરવાઇન્ડ લાઇવ્સ, પીએન હકસર ઍન્ડ ઇંદિરા ગાંધી' લખનાર કૉંગ્રેસના નેતા જયરામ રમેશે બૅન્કોનાં રાષ્ટ્રીયકરણના ઘટનાક્રમનો ઉલ્લેખ તેમનાં પુસ્તકમાં કર્યો છે.

પાકિસ્તાનના ગુજરાનવાલામાં જન્મેલા હકસરનો પરિવાર અલાહાબાદમાં સ્થાયી થયો હતો, તેમનો પરિવાર મૂળતઃ કાશ્મીરી પંડિત હતો.

હકસરે વિજ્ઞાનમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો અને ભારતીય વિદેશ સેવા માટે સિલેક્ટ થયા તે પહેલાં અલાહાબાદમાં વકીલાત કરતા હતા.

તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં અભ્યાસ કરતા હતા, ત્યારે ઇંદિરા ગાંધી તથા તેમના ભાવિ પતિ ફિરોઝ ગાંધીની નજીક આવ્યા હતા અને તેમની વચ્ચે મિત્રતા કેળવાઈ હતી.

ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇંદિરા ગાંધી કૉંગ્રેસના જૂના જોગીઓની વચ્ચે પોતાનું સ્થાન મજબૂત કરવાં માગતાં હતાં એટલે બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં તેમને આ તક દેખાઈ.

ઇંદિરા ગાંધી વર્ષ 1967માં તેમને વિદેશસેવામાંથી દિલ્હીસ્થિત વડા પ્રધાન કાર્યાલયમાં લાવ્યા અને તેમને સચિવ બનાવ્યા, બાદમાં તેઓ પ્રિન્સિપલ સૅક્રેટરી પણ બન્યા હતા.

જયરામ રમેશ લખે છે કે તા. 12મીથી તા. 15મી જુલાઈ 1969 વચ્ચે બૅન્કોના રાષ્ટ્રીયકરણ વિશે ચર્ચા થઈ હશે, જેમાં આ મુદ્દે સંશયને સમાપ્ત કરવાનું નક્કી થયું હશે. તા. 9મી મે સુધી ખુદ હકસર પણ બૅન્કોના રાષ્ટ્રીયકરણ અંગે આશ્વસ્ત ન હતા.

આ સંજોગોમાં 16મી જુલાઈએ ઇંદિરા ગાંધીએ તેમને વિખ્યાત અર્થશાસ્ત્રી કે. એન. રાજને મળવા કહ્યું, રાજે બૅન્કોના રાષ્ટ્રીયકરણની હિમાયત કરી, સાથે જ શક્યતા વ્યક્ત કરી હતી કે આ કામગીરીમાં છ મહિના જેટલો સમય લાગી શકે છે.

જવાહરલાલ નહેરુ તથા લાલ બહાદુર શાસ્ત્રીના વખતમાં ઇમ્પિરિયલ બૅન્ક, સ્ટેટ બૅન્ક અને રીઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ થયું હતું.

બૅન્કોના વ્યાપક રાષ્ટ્રીયકરણની ચર્ચા થઈ હતી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

ઇંદિરા ગાંધી કૉંગ્રેસના જૂના જોગીઓની (જેઓ આગળ જતાં સિન્ડિકેટ તરીકે ઓળખાયા અને તેમણે કૉંગ્રેસ-ઑર્ગેનાઇઝેશનનું નેતૃત્વ લીધું, જેનો બાદમાં જનતા પક્ષમાં વિલય કરી દેવાયો હતો) વચ્ચે પોતાનું સ્થાન મજબૂત કરવાં માગતાં હતાં એટલે બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં તેમને આ તક દેખાઈ.

હજુ એક અઠવાડિયા પહેલાં ઇંદિરા ગાંધીએ સંસદીય બોર્ડની બેઠકમાં લોકસભાના તત્કાલીન સ્પીકર નિલમ સંજીવ રેડ્ડીને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જાહેર કરવા પડ્યા હતા, મોરારજી દેસાઈ ઉપરાંત વાય. બી. ચૌહાણ સહિતના વરિષ્ઠોએ તેમના નામ પર મંજૂરીની મહોર મારી હતી.

ઇંદિરા ઇચ્છતાં હતાં કે ઉપરાષ્ટ્રપતિ વી. વી. ગિરિને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે. પરંતુ, વી. વી. ગિરિ જ્યાં જતા ત્યાં પોતાના સમગ્ર પરિવારને સાથે લઈ જતા, જેના કારણે મીડિયા તથા કૉંગ્રેસીઓમાં અસંતોષ હતો.

આ સિવાય બાબુ જગજીવન રામ (લોકસભાનાં પૂર્વ સ્પીકર મીરા કુમારના પિતા)ના નામની પણ ચર્ચા થઈ. ગાંધીજીના જન્મશતાબ્દી વર્ષમાં એક દલિતને રાષ્ટ્રપતિ બનાવવાનું આયોજન હતું, પરંતુ તેમણે 10 વર્ષથી આવકવેરો નહોતો ભર્યો.

સપ્ટેમ્બર-1962માં હરોમમાં કસરનાં પત્ની સાથે શૉપિંગ કરી રહેલાં ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, Keystone-France/Getty

ઇમેજ કૅપ્શન, સપ્ટેમ્બર-1962માં હરોમમાં કસરનાં પત્ની સાથે શૉપિંગ કરી રહેલાં ઇંદિરા ગાંધી

બાબુ જગજીવનરામનું કહેવું હતું કે તેઓ ભૂલી ગયા હતા, આ બાબત તેમની વિરુદ્ધ ગઈ હતી.

વિશ્લેષક સ્વામીનાથન અંકલેશરિયા ઐય્યરના મતે, 1962માં ચીન સામેના અને 1965માં પાકિસ્તાન સામેનાં યુદ્ધના કારણે ભારતને આર્થિક ફટકો પડ્યો હતો.

આ સિવાય 1965 તથા 1966ના દુષ્કાળને કારણે ભારતનું વિદેશી ભંડાર ખાલી થઈ ગયું અને આપણો દેશ અમેરિકાની અનાજસહાય પર નિર્ભર થઈ ગયો.

1967ની ચૂંટણી દરમિયાન સત્તાવિરોધી વલણ દેખાવા લાગ્યું હતું. કૉંગ્રેસ પાર્ટીને 520માંથી માત્ર 283 બેઠક મળી.

ઉત્તર પ્રદેશ (હાલના ઉત્તરાખંડ સહિત), બિહાર (હાલના ઝારખંડ સહિત) અને મધ્યપ્રદેશ (હાલના છત્તીસગઢ સહિત) કૉંગ્રેસમાં બળવાના બ્યુગલ ફુંકાયાં હતાં અને નેતાઓ પાર્ટીથી અલગ થઈ રહ્યા હતા.

લોકસભામાં કૉંગ્રેસ પાસે માત્ર 22 સંસદસભ્યોની બહુમતી હતી અને તેમનો બળવો ઇંદિરા સરકાર માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ હતો.

જવાહરલાલ નહેરુના સમયના કૉંગ્રેસી નેતાઓએ સી. રાજગોપાલાચારી અને કનૈયાલાલ મુનશી જેવા લોકોએ તેની સ્થાપના કરી હતી, જેઓ ખુલ્લા બજારના (હાલની વ્યાખ્યા મુજબ) હિમાયતી હતી.

સ્વતંત્ર પક્ષને ઉદ્યોગપતિઓ, પૂર્વ રાજાઓ અને બૅન્કોનો સહકાર પ્રાપ્ત હતો. એવું લાગતું હતું કે તેઓ આગામી ચૂંટણીમાં નોંધપાત્ર પ્રદર્શન કરશે અને કદાચ જીતી પણ શકે.

આ સમયે તેમની આર્થિક તાકતને કાપવા બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું. આ સિવાય વીમા, કોલસા અને તાંબાનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું.

સ્વતંત્રતા સમયે પોતાનાં રાજ સોંપનારા રાજાઓના સાલિયાણાં 26મા બંધારણીય સુધાર દ્વારા નાબૂદ કરી દેવામાં આવ્યાં.

line

રાષ્ટ્રીયકરણ, ઇંદિરા અને મોરારજી

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તત્કાલીન નાણામંત્રી અને નાયબવડા પ્રધાન મોરારજી દેસાઈ બૅન્કોના રાષ્ટ્રીયકરણને બદલે તેમની પર વધુ કાયદાકીય નિયંત્રણના હિમાયતી હતા.

નાણા મંત્રાલય મોરારજી દેસાઈ પાસે હતું. તેમની પાસેથી પ્રભાર લઈ લેવામાં આવ્યો, પરંતુ તેમને નાયબવડા પ્રધાનપદે યથાવત્ રાખવામાં આવ્યા.

એ ઘટનાક્રમ વિશે 'મોરારજી દેસાઈ: અ પ્રૉફાઇલ ઇન કરેજ'માં અરવિંદરસિંહ લખે છે:"સવારે લગભગ સાડા બાર કલાકે તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમની પાસેથી નાણા મંત્રાલય લઈ લેવામાં આવ્યું છે અને તેઓ નાયબ વડા પ્રધાનપદે રહી શકે છે.

"એ સમયે સરકારમાં મોરારજી દેસાઈ બીજા ક્રમે હતા. તેઓ પોતાના ગૌરવ અને આત્મસન્માનના ભોગે સરકારમાં કોઈ પણ પદે રહેવા માગતા ન હતા."

"મોરારજી દેસાઈને લાગતું હતું કે આવો નિર્ણય કરતા પહેલાં કમ સે કમ તેમને જાણ કરીને વિશ્વાસમાં લેવા જોઈતા હતા. તેમણે બીજા દિવસે તા. 17મીએ પદ પરથી રાજીનામું આપી દીધું અને એ દિવસે જ સાંજે સાડા ચાર કલાકે તેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો."

મોરારજી દેસાઈ

ઇમેજ સ્રોત, Keystone/Getty

ઇમેજ કૅપ્શન, મોરારજી દેસાઈ પાસેથી નાણા મંત્રાલયનો પ્રભાર લઈ લેવામાં આવ્યો, પરંતુ તેમને નાયબવડા પ્રધાનપદે યથાવત્ રાખવામાં આવ્યા.

મોરારજી દેસાઈને મંત્રાલય પરિવર્તન સંબંધિત પત્રમાં ઇંદિરા ગાંધીએ જણાવ્યું કે કેટલીક મૂળભૂત બાબતોમાં (બૅન્કોનું રાષ્ટ્રીયકરણ) તેઓ સહમત ન હતા અને તેનાં અમલીકરણની જવાબદારીનું ભારણ દેસાઈ પર નાખવા માગતા ન હતા એટલે તેમને મંત્રાલયમાંથી હઠાવ્યા હતા.

સામે પક્ષે દેસાઈનું કહેવું હતું કે તેમણે ખુદે એઆઈસીસી (ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી)ની બેંગ્લુરુની બેઠકમાં આ મુદ્દે ઠરાવ રજૂ કર્યો હતો, જો તેઓ વિરોધી હોત તો તેમણે ઠરાવ જ ન રજૂ કર્યો હોત.

દેસાઈ ઇચ્છતા હતા કે બૅન્કોના રાષ્ટ્રીયકરણના લાભાલાભ વિશે પૂરતી ચર્ચા થાય.

દેસાઈના કહેવા પ્રમાણે, તેમણે ખુદે જ યુવાવસ્થામાં ગરીબી જોઈ હતી એટલે ગરીબીનાબૂદી સાથે સંકાળાયેલા કોઈ પગલાનો વિરોધ તેમણે ન કર્યો હોત.

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીએ આરોપ કર્યો હતો કે મોરારજી દેસાઈને અયોગ્ય રીતે પદ પરથી હઠાવવામાં આવ્યા હતા.

2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'ગુજરાતી મોરારજી દેસાઈને અયોગ્ય રીતે હઠાવવા પરથી લોકોનું ધ્યાન ખેંચવા માટે બૅન્કોના રાષ્ટ્રીયકરણનું નાટક રચવામાં આવ્યું હતું.

''ગરીબોના નામે બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, પરંતુ તે હેતુ ક્યારેય સિદ્ધ ન થયો અને અમારી સરકારે 30 કરોડ દેશવાસીઓને બૅન્કિંગની વ્યવસ્થા સાથે જોડ્યા.'

મોરારજી દેસાઈ બે વચગાળા અને આઠ વાર્ષિક એમ 10 બજેટ રજૂ કરવાનો રેકર્ડ ધરાવે છે.

તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ તેમનું પદ છોડવાના ગણતરીના કલાકો પહેલાં બૅન્કોના રાષ્ટ્રીયકરણના અધ્યાદેશ પર સહી કરી.

બાદમાં તેઓ ઇંદિરા ગાંધીના સહકારથી ઑગસ્ટ મહિનામાં દેશના પ્રથમ 'અપક્ષ રાષ્ટ્રપતિ' બન્યા.

તેમણે કૉંગ્રેસના જૂના જોગીઓ દ્વારા સમર્થિત નીલમ સંજીવ રેડ્ડી ઉપરાંત જન સંઘ અને સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભા રહેલા સી. ડી. દેશમુખને પરાજય આપ્યો હતો, યોગાનુયોગ આઝાદી સમયે દેશમુખે બૅન્કોના રાષ્ટ્રીયકરણનો વિરોધ કર્યો હતો.

અંતે કૉંગ્રેસની કાર્યકારી સમિતિએ ઇંદિરા ગાંધીની હકાલપટ્ટી કરી અને કૉંગ્રેસનું વિભાજન થયું.

line

ગુજરાતી આઈ. જી. પટેલ

પોતાનાં રાષ્ટ્રજોગ સંબોધનમાં ઇંદિરા ગાંધીએ કહ્યું, "ગરીબ દેશમાં વિકાસ માટેના સંસાધનો મેળવવા તથા અલગ-અલગ વર્ગો અને પ્રાંતો વચ્ચેની અસમાનતાને દૂર કરવા માટે રાષ્ટ્રીયકરણ જરૂરી હતી."

નાણાપ્રધાન હતા ત્યારે મોરારજી દેસાઈ અને તત્કાલીન આર્થિક સલાહકાર ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઈ પટેલ પર ભારે ભરોસો કરતા હતા. પટેલે બૉમ્બે યુનિવર્સિટીમાંથી અભ્યાસ બાદ વડોદરાના ગાયકવાડની સહાયથી યુકેમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.

પુસ્તકમાં જયરામ રમેશ લખે છે કે પટેલે જ રાષ્ટ્રીયકરણ સંબંધિત ઇંદિરા ગાંધીનું પ્રજાજોગ સંબોધન લખ્યું હતું, જેને પહેલાં હકસરે વાંચ્યું હતું અને બાદમાં ઇંદિરા ગાંધીએ બંનેમાંથી કોઈએ પણ તેમાં 'કોમા સુદ્ધા'નો પણ ફેરફાર નહોતો કર્યો.

રોજગાર આપવાના નામે બૅન્કોમાં જરૂર ન હોય તેવા સ્તર અને હિસ્સા ઉમેરવામાં આવ્યા, જેના કારણે નફો ઘટ્યો.

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, રોજગાર આપવાના નામે બૅન્કોમાં જરૂર ન હોય તેવા સ્તર અને હિસ્સા ઉમેરવામાં આવ્યા, જેના કારણે નફો ઘટ્યો.

જ્યારે ઇંદિરા ગાંધીએ મોરારજી દેસાઈની પાસેથી નાણા મંત્રાલય સંભાળ્યું ત્યારે પટેલે જ તેમને મંત્રાલયની આંટીઘૂંટીઓ સમજવામાં મદદ કરી હતી.

આઈજી પટેલે પોતાની આત્મકથામાં લખ્યું, "દરેક રીતે જોવામાં આવે તો બૅન્કોનું રાષ્ટ્રીયકરણ બરાબર રહ્યું હતું અને તેના લાભ થયા. ઇંદિરા ગાંધીને તેનો રાજકીય લાભ થયો. એ સિવાય લોકોનો બૅન્કિંગવ્યવસ્થામાં વિશ્વાસ વધ્યો."

"નાગરિકો તેમની થાપણ બૅન્કોમાં જમા કરાવવા લાગ્યા. જેના કારણે જાહેર દેવામાં લાભ થયો. "

"જે ક્ષેત્રોને ખરેખર ધિરાણની જરૂર હતી, જેમની અવગણના થઈ હતી, તેમની જરૂરિયાતો સંતોષાઈ. કટોકટીની સાથે બધી સમસ્યા શરૂ થઈ અને બૅન્કોના સ્ટાફમાં દરેક સ્તરે તકવાદ ઘૂસી ગયો હતો."

ઇંદિરા ગાંધીના સમયમાં તેઓ યુનાઇટેડ નેશન્સ ડેવલપમૅન્ટ પ્રોગ્રામમાં ગયા.

બાદમાં દેશમાં જ્યારે મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા પાર્ટીની (મૂળતઃ સ્વતંત્ર પાર્ટી, જન સંઘ, સોશિયાલિસ્ટ પાર્ટી અને કૉંગ્રેસ-ઓ વગેરે) સરકાર બની ત્યારે તેઓ રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે પરત ફર્યા.

મોરારજી દેસાઈએ મોટાં ચલણોનું ડિમૉનિટાઇઝેશન કર્યું ત્યારે પટેલે તેમને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ પગલું નિષ્ફળ રહેશે અને તેનાથી કોઈ લાભ નહીં થાય.

1969માં 19મી જુલાઈની રાત્રે સાડા આઠ કલાકે ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રજોગ સંબોધન દ્વારા 14 બૅન્કના રાષ્ટ્રીયકરણની જાહેરાત કરી હતી.

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 1969માં 19મી જુલાઈની રાત્રે સાડા આઠ કલાકે ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રજોગ સંબોધન દ્વારા 14 બૅન્કના રાષ્ટ્રીયકરણની જાહેરાત કરી હતી.

ઇંદિરા ગાંધીની સરકારનું પુનરાગમન થયું ત્યારે તેમને ગવર્નરપદે યથાવત્ રાખ્યા હતા. આ અરસામાં કૅબિનેટમાં પ્રધાન એવા પી. વી. નરસિમ્હારાવે મધ્યસ્થ બૅન્કમાં પટેલની કામગીરીને જોઈ હતી.

એટલે લગભગ એક દાયકા પછી તેમને દેશની કેન્દ્રીય સત્તા સંભાળવાની આવી અને તેઓ દક્ષિણ ભારતમાંથી પ્રથમ વડા પ્રધાન બન્યા, ત્યારે તેમણે નાણામંત્રીના પદ માટે પટેલનો સંપર્ક સાધ્યો.

અંતે આ પદ ડૉ. મનમોહન સિંહને ગયું, જેઓ પટેલ બાદ આરબીઆઈના ગવર્નર બન્યા હતા. આગળ જતા ડૉ. સિંહે પણ દેશના વડા પ્રધાન તરીકે બે ટર્મ પૂર્ણ કરી.

line

કાયદો, કાયદેસરતા અને કલહ

બૅન્કના ખાનગીકરણ વિરુદ્દે પોસ્ટર

ઇમેજ સ્રોત, NurPhoto/Getty

ઇમેજ કૅપ્શન, મોરારજી દેસાઈ બે વચગાળા અને આઠ વાર્ષિક એમ 10 બજેટ રજૂ કરવાનો રેકર્ડ ધરાવે છે.

ખાનગી બૅન્કોના રાષ્ટ્રીયકરણના વટહુકમને કોઈ બૅન્કે અદાલતમાં ન પડકાર્યો, જોકે રાષ્ટ્રીયકરણમાં આવરેલી સૌથી મોટી બૅન્કોમાંથી એક સૅન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાના શૅરધારક તથા ડિરેક્ટર આર. સી. કુપરે તેને અદાલતમાં પડકારી હતી.

વિખ્યાત વકીલ નાની પાલખીવાલા દ્વારા કુપર વતી ધારદાર દલીલો આપવામાં આવી હતી.

રાષ્ટ્રીયકરણ સમયે બૅન્કોની શાખની અવગણના કરવામાં આવી હતી, જ્યારે જમીન, ભાડા અને મળનાર વ્યાજ જેવા પરિબળોનું ઓછું આકલન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિનું પદ ખાલી હોવાથી મુખ્ય ન્યાયાધીશ હિદાયતુલ્લાહ રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બજાવી રહ્યા હોવાથી જે. સી. શાહ તથા નવ અન્ય જજોએ ઠેરવ્યું કે રાષ્ટ્રીયકરણમાં બંધારણના અનુચ્છેદ 31 (2) મુજબ વળતર નથી ચૂકવાયું.

બૅન્કોમાં રાજકારણીઓની દખલ વધી અને કેટલાક નેતાઓ બૅન્કોનો ઉપયોગ પોતાની તિજોરીની જેમ કરવા લાગ્યા અને જે લોકો પક્ષ સાથે જોડાયેલા હોય તેમને લૉન મળવા લાગી.

ઇમેજ સ્રોત, ARUN SANKAR/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, બૅન્કોમાં રાજકારણીઓની દખલ વધી અને કેટલાક નેતાઓ બૅન્કોનો ઉપયોગ પોતાની તિજોરીની જેમ કરવા લાગ્યા અને જે લોકો પક્ષ સાથે જોડાયેલા હોય તેમને લૉન મળવા લાગી.

ભારતીય બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, પરંતુ આંતરરાષ્ટ્રીય બૅન્કોને બાકાત રાખવામાં આવી હતી, જે બંધારણના અનુચ્છેદ 19 મુજબ સમાનતાના અધિકારનો ભંગ કરે છે.એકમાત્ર જજ અજિતનાથ રેએ તેમાં વિરોધ નોંધાવ્યો હતો.

1973માં કેશવાનંદ ભારતી વિ. કેરળ રાજ્યના કેસમાં 13 જજોની બૅન્ચે સુનાવણી હાથ ધરી હતી, જેમાં સાત જજોએ એવું ઠેરવ્યું હતું કે બંધારણના મૂળભૂત ઢાંચા સાથે ચેડાં ન થઈ શકે, જ્યારે છ જજે તેની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.

આ ચુકાદા બીજા દિવસે જ ઇંદિરા ગાંધીની સરકારે ત્રણ વરિષ્ઠ જજ જસ્ટિસ જે. એમ. શૈલાત, જસ્ટિસ એ. એન. ગ્રોવર અને જસ્ટિસ કે. એસ. હેગડેને અવગણીને જસ્ટિસ એ. એન. રેને દેશના મુખ્ય ન્યાયાધીશ બનાવી દેવાયા હતા.

દેશના ન્યાયતંત્રની સ્વતંત્રતા પર આ કુઠરાઘાત હતો. બાદમાં ત્રણેય જજોએ તેમના પદ પરથી રાજીનામાં ધરી દીધાં હતા.

જસ્ટિસ રેનો દાવો હતો કે દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકેનું પદ સ્વીકારવા વિશે વિચારવા તેમને બે કલાકનો સમય આપવામાં આવ્યો હતો અને જો તેમણે એ પદ ન સ્વીકાર્યું હોત તો અન્ય કોઈને ઑફર થયું હોત, જેણે સ્વીકારી લીધું હોત.

બાદમાં આઈજી પટેલના કાર્યકાળ દરમિયાન વધુ છ બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

line

બૅન્ક, સરકાર અને વહીવટ

બૅન્ક બંધ હોય એવું પોસ્ટર

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty

રેટિંગ એજન્સી કેરના ચીફ ઇકૉનૉમિસ્ટ મદન સબનવીસના મતે રાષ્ટ્રીયકરણને કારણે બૅન્કોમાં જવાબદારીનો અભાવ આવ્યો અને તેની કાર્યક્ષમતા ઘટી. લૉનન લેનાર સક્ષમ છે કે નહીં, તે ચકાસવાના બદલે લૉન આપવા પર વધુ ભાર મુકાતો હતો.

બૅન્કોમાં રાજકારણીઓની દખલ વધી અને કેટલાક નેતાઓ બૅન્કોનો ઉપયોગ પોતાની તિજોરીની જેમ કરવા લાગ્યા અને જે લોકો પક્ષ સાથે જોડાયેલા હોય તેમને લૉન મળવા લાગી.

ઉચ્ચ અધિકારીઓએ સમસ્યાને વકરવા દીધી જેના કારણે આ ચક્ર મોટું થતું ગયું અને જ્યારે બૅન્કોની બૅલેન્સશિટ સુધારવાની તજવીજ હાથ ધરવામાં આવી, ત્યારે જૂની બાબતો પણ સામે આવવા લાગી.

રોજગાર આપવાના નામે બૅન્કોમાં જરૂર ન હોય તેવા સ્તર અને હિસ્સા ઉમેરવામાં આવ્યા, જેના કારણે નફો ઘટ્યો. સામે પક્ષે ખાનગી બૅન્કોમાં આ સમસ્યા ન હતી.

હકસરની આત્મકથા લખનારા જયરામ રમેશે આ વિશે ચર્ચા દરમિયાન સંસદમાં કહ્યું હતું કે જાહેર સાહસની બૅન્કોને કારણે કૃષિક્ષેત્રને ધિરાણ સુગમ બન્યું છે, ગરીબોને માટે બૅન્કિંગ સુલભ બન્યું છે. ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોમાં બૅન્કોની શાખાઓ ખુલ્લી છે એટલે સરકારે બૅન્કોનું ખાનગીકરણ ન કરવું જોઈએ.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો