સવર્ણોને આર્થિક અનામત ખરેખર પાટીદાર આંદોલનને લીધે મળી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
સોમવારે દેશની સર્વોચ્ચ અદાલતના પાંચ જજની ખંડપીઠે 3-2ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો, જેના પગલે ગરીબ સવર્ણો માટેના સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામતની જોગવાઈને બહાલ રાખી છે.
2019માં લોકસભાની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારે આર્થિક રીતે પછાત સવર્ણો માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી, જેને અલગ-અલગ પક્ષકારો દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં આ ચુકાદો મહત્ત્વપૂર્ણ બની રહે છે, કારણ કે ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન પાટીદાર અનામત સળગતો મુદ્દો બની રહ્યો હતો, જેનું નુકસાન ભાજપને વેઠવું પડ્યું હતું.
182 ધારાસભ્યવાળી વિધાનસભામાં તે ત્રણ આંકડા પર પણ પહોંચી નહોતો શક્યો અને તેને 99 બેઠક સાથે સંતોષ માનવો પડ્યો હતો.
શું પાટીદાર અનામત આંદોલનને કારણે આ અનામત મળી તથા શું આગામી વિધાનસભા ચૂંટણી ઉપર તેની અસર થશે?

'ગર્વ છે'

ઇમેજ સ્રોત, @AamAadmiParty
2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતસ્થિત નેતા ધાર્મિક માલવિયાએ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને તેના ઉપર ખુશી વ્યક્ત કરી હતી.
માલવિયાએ કહ્યું, "કોર્ટના ચુકાદાથી ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે. 2015થી અત્યાર સુધી પાટીદાર તથા અન્ય સમુદાયોને સાથે રાખીને સંઘર્ષ કર્યો છે, જેનું આ પરિણામ આવ્યું છે, તેથી ખુશી થાય છે. અનામત આંદોલન સમયે મૃત્યુ પામેલાં 14 યુવાનોના પરિવારજનો માટે પણ આ ગર્વની ક્ષણ છે."
માલવિયાને સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી લડવાની કૉંગ્રેસ તરફથી ટિકિટ મળી હતી, પરંતુ આંદોલન સમયના અન્ય સાથીઓને ટિકિટ ન મળતા, તેઓ ફૉર્મ ભર્યું ન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે, આમ આદમી પાર્ટીએ તેમને તથા અલ્પેશ કથીરિયાને અનુક્રમે ઓલપાડ અને વરાછા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. આ બંને પાટીદાર બહુમતીવાળા વિસ્તાર છે અને અનામત આંદોલનના કેન્દ્ર હતા.
માલવિયાનું કહેવું છે કે ઓલપાડ કે આપના ઉમેદવાર તરીકે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર તથા ભય અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટ એ તેમની પ્રચારનો મુખ્ય મુદ્દો રહેશે અને તેઓ ગુજરાતમાં 'રાજકીય પરિવર્તન' માટે પ્રયાસ કરશે.
EWS : સુપ્રીમ કોર્ટે જેને માન્ય રાખી એ EWS અનામત શું છે અને તેનો લાભ કોણ લઈ શકે?ઉછંગરાય ઢેબર : એ નેતા જેમણે ભૂમિવિહોણા પાટીદારોને જમીનદાર બનાવ્યા

પાટીદાર અનામત આંદોલનનું શ્રેય?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ ગુજરાતભરમાં આંદોલન થયાં હતાં, જેમાં પાટીદારોને ઓબીસી વર્ગમાં સામેલ કરવાની માગ કરવામાં આવી હતી.
પાછળથી નીતિન પટેલની અધ્યક્ષતામાં સવર્ણ વિદ્યાર્થીઓ માટે સ્કૉલરશિપ, ઉદ્યોગ-ધંધા માટે ઉદાર લોન અને શિક્ષણ-રોજગારમાં અનામતની જાહેરાત કરવામાં આવી હતી.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અલકેશ પટેલના કહેવા પ્રમાણે, "યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન પણ ગરીબ સવર્ણોને અનામત આપવા તથા તેમની સ્થિતિ સુધારવા માટે વિચારો થયા હતા, પરંતુ તેનું અમલીકરણ શક્ય બન્યું ન હતું."
"અગાઉ અનામત માટે મહદંશે સામાજિક અને શૈક્ષણિક સ્થિતિને આધાર બનાવવામાં આવતો હતો, પાટીદાર અનામત આંદોલન પછી આર્થિક સ્થિતિને આધાર બનાવીને અનામત આપવામાં આવી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પાટીદાર સહિતના ગરીબ સવર્ણોને મળતા લાભ આડેની અડચણ હટી છે."
પટેલનું માનવું છે કે જો અનામતની વિરૂદ્ધમાં ચુકાદો આવ્યો હોત, તો વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપને તેનું રાજકીય નુકસાન થયું હોત. ભાજપના તમામ નાના-મોટા નેતા ચૂંટણીપ્રચારમાં તેનો ઉપયોગ કરશે, પરંતુ તેનાથી એટલો લાભ ન થયો હોત, જેટલો ઉદિત રાજ જેવા વિપક્ષના નેતાઓના અનામતવિરોધી નિવેદનોને કારણે થશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપે 52 પાનાંનો 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો હતો, પરંતુ એમાં પણ ગરીબ સવર્ણોને અનામત આપવાની જોગવાઈ કરવા વિશે ક્યાંય ઉલ્લેખ ન હતો, છતાં 2019ની લોકસભા ચૂંટણી પહેલાં બંધારણીય સુધાર દ્વારા આ જોગવાઈ લાગુ કરવામાં આવી હતી.

રાજકીય નિવેદન અને અસર

ઇમેજ સ્રોત, Getty Images
દલિત કર્મશીલ દિલીપ મંડલે ટ્વિટર પર લખ્યું, "5 સવર્ણ જજ પરસ્પર ખૂબ જ લડ્યા. સહમત તથા અસહમત થયા. એકબીજાને ખોટા પણ કહ્યા, છેવટે કહ્યું કે સવર્ણોનો પક્ષ બરાબર છે. EWS યથાવત્ રહેશે."
અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું કે અત્યાર સુધી બાલાજી તથા ઇંદિરા સાહની કેસને કારણે ઓબીસીનો ક્વૉટા વધી નહોતો શકતો, આ ચુકાદા પછી એના માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. અનામત એ ગરીબી નિર્મૂલન કાર્યક્રમ નથી. તે સરકાર તથા શિક્ષણમાં રહેલી અસમાનતા તથા ઐતિહાસિક રીતે પછાત રહી ગયેલા સમુદાયોને પ્રતિનિધિત્વ મળે તે માટે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે 'આ ચુકાદાને કારણે સામાજિક સમાનતા માટેની એક સદી જૂની લડતને આંચકો લાગ્યો છે. બંધારણીય નિષ્ણાતો સાથે ચુકાદાનો વિસ્તૃત અભ્યાસ કરીને હવે પછીનાં પગલાં વિશે નિર્ણય લેવામાં આવશે. તેમણે સમાન વિચારસરણી ધરાવતા પક્ષોને સાથે આવીને EWS સામે લડત આપવા આહ્વાન કર્યું હતું.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ઉદિત રાજે ટ્વીટ કરીને કહ્યું, "હું ગરીબ સવર્ણોને અનામતનો વિરોધી નથી, પરંતુ માનસિકતાનો છું. જ્યારે-જ્યારે SC-ST-OBCના કેસ આવ્યા, ત્યારે-ત્યારે એમ કહેવામાં આવ્યું કે ઇંદિરા સાહનીના કેસમાં લાદવામાં આવેલી 50 ટકાની મર્યાદાને પાર ન કરી શકાય."
અન્ય એક ટ્વીટમાં લખ્યું, "ઇંદિરા સાહની કેસનો ચુકાદો નવ જજની બેન્ચે આપ્યો હતો, છતાં EWS મુદ્દે પાંચ જજની બેન્ચે આજનો ચુકાદો આપ્યો."
ઉલ્લેખનીય છે કે સવર્ણોને મળતા 10 ટકા અનામતમાં SC/ST/OBC સમુદાયને અનામત નહીં મળે. અગાઉ SC/ST/OBC હેઠળ આવતી વ્યક્તિ-અરજદાર બિનઅનામતની લગભગ 50.5 ટકા જેટલી બેઠકો ઉપર ઉમેદવારી કરી શકતો. હવે, તેમાં 20 ટકા (50 ટકામાંથી 20 ટકા બાકાત થતાં) જેટલો ઘટાડો થઈ જશે.
રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકરના મતે, "આ એક શકવર્તી ચુકાદો હોવા છતાં, ભાજપ તેનો ઉપયોગ કરવા માગે છે કે નહીં, તેના ઉપર આગામી ચૂંટણી દરમિયાન તે મુદ્દો બનશે કે નહીં, તેનો આધાર રહેશે."
કાશીકર ઉમેરે છે કે સવર્ણોને અનામત એ બહુ જૂની માગ છે. પાટીદાર અનામત આંદોલન પહેલાં પણ હરિયાણામાં જાટ, મહારાષ્ટ્રમાં મરાઠા અને રાજસ્થાનમાં ગુર્જરોને અનામત માટે ઉગ્ર આંદોલનો કરી ચૂક્યા છે, પરંતુ તેનું અમલીકરણ કાયદાકીય ગૂંચવણોને કારણે અટવાઈ ગયું હતું.

પાટીદાર, અનામત અને આંદોલન
એક અનુમાન પ્રમાણે, ગુજરાતમાં બ્રાહ્મણો અને વણિકોની વસતી દોઢ-દોઢ ટકા છે, એટલે કે તેમની કુલ વસતી ત્રણ ટકા છે.
રાજપૂતોની વસતી પાંચ ટકા છે, જેમની ગણતરી 'બિન-અનામત'માં તરીકે થાય છે અને તેઓ તત્કાલીન રજવાડાંના શાસક કે ગરાસદાર ભાયાત હતા, તેમને અનામત નથી મળતી.
પાટીદારોની વસતી 12 ટકા જેટલી છે. લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર એ પાટીદારોના મુખ્ય બે સમુદાય છે. આ તમામ જ્ઞાતિઓની વસતીનો સરવાળો કરવામાં આવે તો ગુજરાતમાં ઉચ્ચ જ્ઞાતિઓની વસતી વીસ ટકા છે.
આથી જ સવર્ણોના હિતો માટેના કોઈ પણ આંદોલન કે ચળવળ હોય તો તેનું સુકાન પાટીદારોએ લીધું છે. ચાહે તે આર્થિક અને સામાજિક રીતે પછાત પંચ હોય, બક્ષી પંચ, મંડલ પંચ કે 2015નું અનામત આંદોલન.
2015ના અનામત આંદોલનનું નેતૃત્વ હાર્દિક પટેલે લીધું હતું, જેઓ આગળ જતાં કૉંગ્રેસમાં અને પછી ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમના અન્ય સાથી આંદોલનકારીઓને કૉંગ્રેસે ટિકિટ આપી હતી, જેમાંથી લલિત કગથરા, લલિત વસોયા વગેરે ધારાસભ્ય પણ બન્યા. રેશ્મા પટેલ પહેલાં ભાજપમાં અને પછી એનસીપીમાં જોડાઈ ગયાં.
બીજી તરફ ઓબીસી, અનુસૂચિત જાતિ (એસસી), અને જનજાતિ (એસટી) સમુદાયની વસતી 60 ટકાથી પણ વધારે છે. આથી રાજકીય પક્ષો ચૂંટણી સમયે તેમની તરફ મીટ માંડે તે સ્વાભાવિક છે.














