ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને હરાવી મોટો અપસેટ સર્જી શકશે?

- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા, રાજકોટથી
હંસાબહેન ભરતભાઈ પરમાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજકોટમાં રોડ શોમાં આવ્યા છે.
રવિવારે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી રોડ શોની શરૂઆત કરી હતી.
હંસાબહેન નાની ટ્રકમાં 10 જેટલી મહિલાઓ સાથે સવાર છે. તેમને પૂછ્યું કે કોણ આવ્યું છે? તેમનો જવાબ હતો - કેજરીવાલ આવ્યા છે. કોણ છે કેજરીવાલ? આ સવાલનો જવાબ હંસાબહેન સહિત કોઈ મહિલા આપી શકી નહીં.
ટ્રકમાં સવાર મહિલાઓને પૂછવામાં આવ્યું કે ગુજરાતના મુખ્ય મંત્રી કોણ છે? બધાએ એક અવાજે કહ્યું - નરેન્દ્ર મોદી. અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પણ ગુજરાતીમાં નારા લાગી રહ્યા હતા, તેમાં કહેવામાં આવી રહ્યું હતું કે એક તક કેજરીવાલને આપો.
ખુલ્લી કારમાં હાથ હલાવીને કેજરીવાલ હીરોની અદાથી આગળ વધી રહ્યા હતા. રસ્તા પર કેજરીવાલના સમર્થકો તેમની સાથે હાથ મેળવવા આતુર હતા.
આ રોડ શો ભારતમાં પ્રચલિત રાજનીતિનું એક ઉદાહરણ હતું. ગાડીઓનો કાફલો, તેના પર કેજરીવાલની મોટી મોટી તસવીરો, પાર્ટીના ઉંચા ઝંડા, ઢોલ-નગારાંનો ઘોંઘાટ અને આ બધાની વચ્ચે ખુલ્લી કારમાં ઉભા હાથ હલાવતા કેજરીવાલ.
ભારતના તમામ મોટા રાજકીય પક્ષો ચૂંટણીમાં આવા રોડ શો કરે છે. રોડ શોમાં ભીડનો અંદાજ લગાવવો મુશ્કેલ છે કારણ કે આખો રસ્તો જામ થઈ જાય છે અને એવું લાગે છે કે જામમાં ફસાયેલા લોકો પણ રોડ શોનો ભાગ છે.
જોકે જેટલા લોકોએ ગળામાં આમ આદમી પાર્ટીના ખેસ વીંટાળેલા હતા તે જોતા લગભગ એકથી દોઢ હજાર લોકો કેજરીવાલની આગળ-પાછળ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, @AAPGujarat
આ એ જ રાજકોટ છે, જ્યાંથી નરેન્દ્ર મોદીએ 2002માં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી જીતી હતી. તે પછી મોદી ક્યારેય ચૂંટણી હાર્યા નથી. પછી તે 2012 સુધીની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય કે 2014 પછીની લોકસભાની ચૂંટણી હોય.
ગુજરાતની રાજનીતિમાં છેલ્લા ચાર દાયકાથી ભાજપ અને કૉંગ્રેસ એકબીજા સામે ટકરાઈ રહ્યા છે, પરંતુ પહેલીવાર અહીંની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પણ ત્રીજા પક્ષ તરીકે ચર્ચા છે.
અમદાવાદથી રાજકોટના માર્ગ પર વઢવાણ વિધાનસભા મતવિસ્તાર આવે છે. આ મતવિસ્તારના બડૌત ગામના રાજેશ ઉધરેજિયા તેમની 20 વર્ષની પુત્રી અને 10 વર્ષના પુત્ર સાથે જામફળ વેચી રહ્યા છે.
જ્યારે તેમને આમ આદમી પાર્ટી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, “હા, મેં સાંભળ્યું છે. મફત વીજળી અને સારા શિક્ષણની વાત કરી રહી છે. તે મારા માટે સારું છે. મોદીએ અમને રસ્તા પર લાવી દીધા છે.
મોંઘવારી એટલી બધી છે કે તમે ગમે તેટલું કામ કરો, બે છેડા ભેગા જ નથી થતા. દીકરીની સગાઈ થઈ ગઈ છે. લગ્નમાં ઓછા નામે અઢી લાખનો ખર્ચ થઈ જશે, પરંતુ દેવું કરવા સિવાય કોઈ રસ્તો નથી.”

ઇમેજ સ્રોત, @AAPGujarat
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજેશના પુત્રી તેજલ ઉધરેજિયા કહે છે, “પૈસાના અભાવે હું મારો અભ્યાસ પૂરો કરી શકી નથી. મારા ભાઈએ પણ આઠમા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. કૉંગ્રેસ વિશે કોઈ વાત નથી કરતું. આમ આદમી પાર્ટી અને ભાજપની ચર્ચા છે. ઘણી વખત એવું લાગે છે કે ભાજપ જીતી રહ્યું છે, તેથી અમે તેને જ મત આપી દઈએ છીએ.”
ગયા અઠવાડિયે શુક્રવારે અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્ય મંત્રીના ચહેરા તરીકે ગુજરાતી ન્યૂઝ ચેનલના લોકપ્રિય ઍન્કર ઈસુદાન ગઢવીના નામની જાહેરાત કરી હતી. કેજરીવાલ સાથે રોડ શોમાં ઈસુદાન નહોતા જોવા મળ્યા.
રાજકોટના જાણીતા અમીર નેતા ઇન્દ્રનીલ રાજગુરુ પણ આમ આદમી પાર્ટી સાથે જ હતા. જે દિવસે કેજરીવાલે ઈસુદાનને સીએમ ચહેરો બનાવ્યો, તે જ દિવસે તેઓ કૉંગ્રેસમાં જોડાઈ ગયા.
ઇન્દ્રનીલ રાજગુરુ આ પહેલા પણ કૉંગ્રેસમાં હતા. 2012માં તેઓ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ જીત્યા હતા.
શનિવારના રોડ શોની તમામ તૈયારીઓ ઇન્દ્રનીલ રાજગુરુના નીલ રિસૉર્ટમાં ચાલી રહી હતી. રિસૉર્ટ હોલમાં આખી દિવાલ આમ આદમી પાર્ટીના ચૂંટણી ચિન્હથી ઢંકાયેલી હતી. અહીં કામ કરતા લોકોએ જણાવ્યું કે શનિવારે આખો રિસૉર્ટ બૂક થઈ ગયો હતો, પરંતુ અચાનક સ્થિતિ 180 ડિગ્રીએ બદલાઈ ગઈ.

- ગુજરાતની રાજનીતિમાં છેલ્લા ચાર દાયકાથી ભાજપ અને કૉંગ્રેસ એકબીજા સામે ટકરાઈ રહ્યા છે, પરંતુ પહેલીવાર અહીંની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પણ ત્રીજા પક્ષ તરીકે ચર્ચા છે
- ગુજરાતના કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આમ આદમી પાર્ટીને ભાજપની 'બી ટીમ' ગણાવે છે. તેઓ કહે છે, "અહીં વિપક્ષ કૉંગ્રેસ છે. આમ આદમી પાર્ટી એક પણ બેઠક જીતી શકશે નહીં."
- ગુજરાતમાં ઓબીસી મતો 45 થી 50 ટકા છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 71 બેઠકો પર ઓબીસીનું વર્ચસ્વછે
- દલિતોની સંખ્યા સાત ટકા છે અને તેઓ પરંપરાગત રીતે કૉંગ્રેસના સમર્થક માનવામાં આવે છે
- અનુસૂચિત જનજાતિ 14.75 ટકા છે અને તેઓ 37 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે
- એસટી મત કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે વહેંચાઈ જાય છે

ઇન્દ્રનીલ રાજગુરુને પૂછ્યું કે તમે ‘આપ’ કેમ છોડી દીધો?

ઇમેજ સ્રોત, @AAPGUJARAT/TWITTER
તેમનો જવાબ હતો, "હું ‘આપ’માં જોડાયો હતો કારણ કે તે ભાજપને હરાવી શકે છે. કૉંગ્રેસ ચૂંટણીને લઈને ગંભીર ન હોવાની નારાજગી હતી. હું છેલ્લા છ મહિનાથી અરવિંદ સાથે હતો અને મને સમજાયું કે તેઓ ભાજપને નહીં પણ કૉંગ્રેસને હરાવવા મથી રહ્યા છે.”
તેઓ કહે છે, "મારા પૈસાનો ઉપયોગ કૉંગ્રેસને હરાવવા માટે નથી. અરવિંદ કેજરીવાલને માત્ર મારી પાસેથી પૈસા જોઈતા હતા. મારું માનવું છે કે આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રી પદના ઉમેદવાર પણ ચૂંટણી જીતી શકશે નહીં."
ગઢવી ગુજરાતી ટીવીની દુનિયામાં ભલે જાણીતું નામ હોય, પરંતુ રાજકારણમાં તદ્દન નવા છે.
ગઢવીને મુખ્ય મંત્રીનો ચહેરો બનાવવા પાછળ કેજરીવાલની રણનીતિ શું છે? ગુજરાતના રાજકીય વિશ્લેષકો આને બહુ પરિપક્વ અને સમજદાર નિર્ણય તરીકે જોતા નથી.
ગુજરાત યુનિવર્સિટીના સામાજિક વિજ્ઞાનના પ્રોફેસર ગૌરાંગ જાની કહે છે, "ગુજરાતમાં ગઢવીઓ ચારણ-ભાટ જાતિના છે. તેમની ઓળખ રાજાઓના દરબારમાં પ્રશસ્તિ ગાન કરવાની રહી છે.
ગુજરાતમાં તેમની વસ્તી માંડ એક ટકા છે. હું આને બહુ પરિપક્વ નિર્ણય તરીકે જોતો નથી. એવું લાગે છે કે કોઈ મળ્યું નથી, તો કોઈને પણ બનાવી દીધા.”

ઇમેજ સ્રોત, TWITTER/ARVIND KEJRIWAL
પ્રોફેસર ગૌરાંગ જાની કહે છે, "આનાથી આમ આદમી પાર્ટીને કોઈ ફાયદો થશે નહીં. 1995 પછી ભાજપ અહીં ચૂંટણી હારી નથી. તેમનું સંગઠન ખૂબ જ મજબૂત છે.
ચૂંટણી જીતવા માટે ભાજપ પાસે તમામ મશીનરી છે. ભાજપને હરાવવા માટે તેમણે સામાજિક અને રાજકીય જમીન પર ખરા ઉતર્યા હોય એવા વ્યક્તિને કમાન સોંપવી જોઈતી હતી."
"ગઢવીને મુખ્ય મંત્રી પદના ઉમેદવાર બનાવવાથી પાર્ટીમાં ભારે નારાજગી ફેલાઈ જશે. ગોપાલ ઈટાલિયા પાટીદાર છે અને તેમના માટે આ નિર્ણય પચાવવો આસાન નહીં હોય. ઈસુદાનના નેતૃત્વમાં ચૂંટણી લડીને પાટીદારોના મત મેળવવા મુશ્કેલ થઈ જશે."
ઈસુદાને અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે.
તેમને પત્રકારત્વ શીખવનાર એક શિક્ષકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ઈસુદાન સામાન્ય પ્રતિભા ધરાવતા વિદ્યાર્થી રહ્યા છે અને બૌદ્ધિક તો બિલકુલ નથી. તેમણે કહ્યું કે કેજરીવાલ જે કહેશે, તે સાંભળશે.
ઈસુદાન ગઢવીને પૂછ્યું કે 1995થી કૉંગ્રેસ જે પક્ષને હરાવી શક્યો નથી તેને તેમની પાર્ટી કઈ રણનીતિથી હરાવશે?
ગઢવી કહે છે, "અમારી પાર્ટી લોકોની જરૂરિયાતોના એજન્ડા પર ચાલી રહી છે. અહીં ભાજપ સિવાય કોઈ પક્ષ નહોતો, તેથી ગુજરાતની જનતા મજબૂરીમાં તેને જીતાડતી રહી. હવે આમ આદમી પાર્ટી આવી ગઈ છે અને લોકોએ ભાજપથી બચવા માટે રાહતનો શ્વાસ લીધો છે.”

આમ આદમી પાર્ટીથી નુકસાન કોને?

ઇમેજ સ્રોત, @AAPGujarat
આમ આદમી પાર્ટી કોને નુકસાન પહોંચાડશે? ભાજપને કે કોંગ્રેસને?
સુરતમાં સેન્ટર ફૉર સોશિયલ સ્ટડીઝ (સીએસએસ)ના પ્રોફેસર કિરણ દેસાઈ કહે છે, "આમ આદમી પાર્ટી કૉંગ્રેસ અને ભાજપ બંનેની વોટ બૅંકને નુકસાન પહોંચાડશે."
"ગયા વર્ષે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હતી. સુરતમાં ભાજપ મજબૂત રહી છે. કેજરીવાલ અને મોદીની રાજનીતિમાં સમાનતા છે, પરંતુ ગુજરાતમાં તેમનું દિલ્હી મૉડલ વેચાઈ રહ્યું છે."
જેવી રીતે એક સમયે મોદીએ ગુજરાત મૉડલ વેચ્યું હતું. નરેન્દ્ર મોદી આજે પણ ગુજરાતના મધ્યમ વર્ગમાં ભારે લોકપ્રિય છે, પરંતુ અહીંના ગરીબો કેજરીવાલ તરફ આશાની નજરે જોઈ રહ્યા છે.”
પ્રોફેસર કિરણ દેસાઈ કહે છે, "ગુજરાતના દલિત, લઘુમતી અને ગરીબ લોકો આમ આદમી પાર્ટી તરફી ઝોક ધરાવે છે. અરવિંદ કેજરીવાલ અને મોદીની રાજનીતિમાં બહુ ફરક નથી.
જોકે તેમની પાસે એ બતાવવા માટે છે કે તેમણે દિલ્હીમાં સસ્તી સારવાર, સારું શિક્ષણ અને સસ્તી વીજળીની વ્યવસ્થા કરી છે.”
"કેજરીવાલ મધ્યમ વર્ગને ખુશ કરવા હિંદુત્વની રાજનીતિને પડકારી રહ્યાં નથી, બલ્કે સાથે જોવા મળી રહ્યા છે અને ગરીબોને આકર્ષવા માટે દિલ્હી મૉડલને વેચી રહ્યા છે."
ગુજરાતના કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આમ આદમી પાર્ટીને ભાજપની 'બી ટીમ' ગણાવે છે. તેઓ કહે છે, "અહીં વિપક્ષ કૉંગ્રેસ છે. આમ આદમી પાર્ટી એક પણ બેઠક જીતી શકશે નહીં."
"અહીંના લોકો જાણે છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીમાં કોઈ ફરક નથી. તેઓ ગાંધીનગરને દિલ્હીથી ચલાવવા માંગે છે જે શક્ય નથી. પંજાબની સરકાર દિલ્હીથી ચાલી રહી છે અને લોકો દુ:ખી થઈ રહ્યા છે."
ભાજપના યુવા નેતા હાર્દિક પટેલનું માનવું છે કે આમ આદમી પાર્ટીથી ભાજપને ફાયદો થશે.
હાર્દિક કહે છે, "અરવિંદ કેજરીવાલથી ભાજપને ફાયદો થશે. કૉંગ્રેસનું પ્રદર્શન આ વખતે ખુબ જ ખરાબ રહેશે. ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલનને કારણે કૉંગ્રેસને વધારે બેઠકો મળી ગઈ હતી."

જ્ઞાતિના સમીકરણમાં 'આપ' ક્યાં છે?

ઇમેજ સ્રોત, ISUDAN GADHVI/FB
1960માં ગુજરાતની રચના બાદ પહેલીવાર 1973માં ચીમનભાઈ પટેલ બ્રાહ્મણ સિવાયની જ્ઞાતિના મુખ્ય મંત્રી બન્યા હતા. આ પહેલા જીવરાજ મહેતા વાણિયા હતા અને બાકીના મુખ્ય મંત્રીઓ બ્રાહ્મણ હતા.
ગુજરાતમાં બ્રાહ્મણોની સંખ્યા એક ટકાથી પણ ઓછી હોવા છતા આવી સ્થિતિ હતી. ચીમનભાઈ પટેલનું મુખ્યમંત્રી બનવું એ ગુજરાત અને કૉંગ્રેસ માટે મોટી ઘટના હતી.
80ના દાયકામાં માધવસિંહ સોલંકીએ ખામ થિઅરી હેઠળ ક્ષત્રિયો, હરિજન, આદિવાસીઓ અને મુસ્લિમોને એક કર્યા હતા.
આ જ પ્રયોગ હેઠળ 1985ની વિધાનસભા ચૂંટણીમાં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસે 182માંથી 149 બેઠકો જીતી હતી. અત્યાર સુધી ગુજરાતમાં નરેન્દ્ર મોદી પણ આટલી મોટી જીત હાંસલ કરી શક્યા નથી.
પરંતુ કહેવાય છે કે માધવસિંહ સોલંકીના આ પ્રયોગે ગુજરાતમાં પાટીદારોને વેરવિખેર કરી નાખ્યા. પાટીદારો ભાજપની છાવણીમાં જતા રહ્યા.
અનામત વિરોધી આંદોલનને કારણે 1985માં મોટી જીતના થોડા મહિના પછી માધવસિંહ સોલંકીને કૉંગ્રેસે રાજીનામું આપવાની ફરજ પાડી હતી. માધવસિંહ સોલંકીની વિદાય સાથે ગુજરાતમાં કૉંગ્રેસ પણ સત્તા પરથી દૂર થઈ ગઈ.
ગુજરાતમાં પાટીદારો એટલે કે પટેલો 14 ટકા છે. ગત વિધાનસભામાં પટેલ ધારાસભ્યો 30 ટકા હતા. પટેલ પરંપરાગત રીતે ભાજપને મત આપે છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષની કમાન ગોપાલ ઈટાલિયાને આપી છે. ગોપાલ પટેલ જ્ઞાતિના છે.
ગુજરાતમાં ઓબીસી મતો 45 થી 50 ટકા છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 71 બેઠકો પર ઓબીસીનું વર્ચસ્વ છે.
દલિતોની સંખ્યા સાત ટકા છે અને તેઓ પરંપરાગત રીતે કૉંગ્રેસના સમર્થક માનવામાં આવે છે. અનુસૂચિત જનજાતિ 14.75 ટકા છે અને તેઓ 37 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે.
એસટી મત કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે વહેંચાઈ જાય છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રિસર્ચના નેશનલ ફેલો અને જાણીતા સમાજશાસ્ત્રી પ્રોફેસર ઘનશ્યામ શાહ કહે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો કોઈ અતીત નથી તેથી લોકો તેને નવા પવન તરીકે જોઈ રહ્યા છે.
પ્રોફેસર શાહ કહે છે, "આમ આદમી પાર્ટી હજુ જ્ઞાતિ સમીકરણમાં ફિટ નથી જણાતી, પરંતુ કૉંગ્રેસનું સ્થાન લઈ શકે છે અને ઘણા વિસ્તારોમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે છે.
આમ આદમી પાર્ટીને ગુજરાતમાં હાલ તુરંત સફળતા મળી શકે છે, પરંતુ તે લાંબો સમય ચાલશે, તે અંગે શંકા છે.
2012માં આમ આદમી પાર્ટી બની ત્યારથી અત્યાર સુધી દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવી ચૂકી છે. કેજરીવાલે બંને જગ્યાએ કૉંગ્રેસને હરાવીને સરકાર બનાવી છે.
અત્યાર સુધી કેજરીવાલ કોઈપણ રાજ્યમાંથી ભાજપને હટાવવામાં નિષ્ફળ રહ્યા છે. ગુજરાતને હિન્દુત્વની પ્રયોગશાળા કહેવામાં આવે છે.
જો કેજરીવાલ અહીં ભાજપને હરાવી દે તો તેમની રાજનીતિમાં આનાથી મોટી કોઈ જીત હોઈ શકે નહીં, કારણ કે કૉંગ્રેસ છેલ્લા 27 વર્ષથી આ કરી શકી નથી.















