લોકસભા ચૂંટણી 2024: આદર્શ આચારસંહિતા શું છે, તે ક્યારે લાગુ થાય છે અને તેનું પાલન ન થાય તો ઉમેદવારને જેલ પણ થાય?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય ચૂંટણીપંચે શનિવાર 16 માર્ચે લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટેની ચૂંટણી 7 મેના દિવસે યોજાશે અને લોકસભાની ચૂંટણીનું પરિણામ 4 જૂનના રોજ આવશે.

લોકસભાની ચૂંટણી સાથે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આંધ્રપ્રદેશ, ઓડિશામાં વિધાનસભાની જાહેરાત કરાઈ છે.

તો ત્રણ તબક્કામાં વિધાનસભાની સીટો પર પેટાચૂંટણી પણ થશે. આ ચૂંટણી લોકસભા ચૂંટણીની સાથે થશે. ગુજરાતમાં પણ પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.

ચૂંટણીપંચે ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદ સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આચારસંહિતા શું હોય છે અને તેની શું અસર થાય છે?

line

આચારસંહિતા એટલે શું?

ગુજરાત વિધાનસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

આદર્શ આચારસંહિતા (મૉડલ કોડ ઑફ કન્ડક્ટ) ચૂંટણીપંચ દ્વારા રાજકીયદળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે જેનું પાલન કરવું જરૂરી છે.

ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તે લાગુ થઈ જાય છે અને પરિણામ આવે એટલે તે સમાપ્ત થઈ જાય છે. ચૂંટણીપંચ આદર્શ આચારસંહિતા લાગુ કરે તે બાદ તેના નિયમો પાળવા જરૂરી બની જાય છે.

આ એક એવી નિયમાવલી છે જે ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ અસ્તિત્વમાં આવી જાય છે અને તેના દ્વારા રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી પર નજર રાખવામાં આવે છે.

આચારસંહિતાને ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો એક મહત્ત્વનો ભાગ ગણવામાં આવે છે અને કોઈ અનિયમિતતા દેખાય તો સ્થાનિક ચૂંટણી અધિકારીને તેની જાણ કરવામાં આવે છે.

જોકે આચારસંહિતા કોઈ કાયદાના દાયરામાં નથી પરંતુ તેને તમામ રાજકીય પક્ષોની સહમતીથી બનાવવામાં આવી છે.

જો લોકસભાની ચૂંટણી હોય તો સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થાય છે અને જો રાજ્યની ચૂંટણી હોય તો જે તે રાજ્યમાં આચારસંહિતા લાગુ થાય છે.

line

આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે?

ગ્રાફિક

ઇમેજ સ્રોત, Getty Images

આચારસંહિતાનો ઉદ્દેશ રાજકીય પક્ષો વચ્ચે મતભેદ ટાળવાનો, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાનો છે. તેના માધ્યમથી એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ રાજકીય પક્ષ, કેન્દ્ર કે રાજ્યના પોતાના અધિકારીક પદોનો ચૂંટણીમાં લાભ માટે દુરુપયોગ ન કરી શકે.

આદર્શ આચારસંહિતાનું મુખ્ય કામ એ હોય છે કે રાજકીય દળો, ચૂંટણી લડનારા ઉમેદવારો અને સત્તાધારી દળોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેવો વ્યવહાર કરવો જોઈએ.

જેના દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેઠકોનું આયોજન, શોભાયાત્રાઓ, રેલીઓ, મતદાનના દિવસની ગતિવિધિઓ તથા સત્તાધારી દળોના કામકાજ વગેરેમાં તેનો સામાન્ય વ્યવહાર કેવો હોય તે નક્કી થાય છે.

જેના દ્વારા સામાન્ય જનતામાં વિશ્વાસ બેસે છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ રહી છે.

line

આચારસંહિતા લાગુ થયા બાદ શું ન કરી શકાય?

આચારસંહિતા લાગુ થયા બાદ તેના નિયમોનો અનુસરવા જરૂરી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો શું ન કરી શકે તેના મુખ્ય મુદ્દાઓ અહીં છે.

  • કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી.
  • કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણીપંચના કર્મચારીઓ તરીકે જ કામ કરે છે. એટલે સરકાર કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી અને જરૂરી જ હોય તો ચૂંટણીપંચની મંજૂરી બાદ બદલી કરી શકાય છે.
  • સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે નહીં કરી શકાય.
  • ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો ન થઈ શકે.
  • સરકારી ધન છે તે કોઈ એવી યોજનામાં કે પછી એવા આયોજનમાં નહીં વાપરી શકાય જેનાથી કોઈ વિશેષ પાર્ટીને તેનો ફાયદો થતો હોય.
  • સત્તાધારી પાર્ટીને લાભ થાય તેવી કોઈ જાહેર સરકારી ખર્ચે આપી શકાતી નથી.
  • સરકારી ખર્ચે કેન્દ્ર કે રાજ્યમાં સત્તાધારી પાર્ટીઓની ઉપલબ્ધિઓ અંગેનાં લગાવેલાં પોસ્ટર્સ હઠાવી દેવામાં આવશે.
  • ખેડૂતો માટે ચૂંટણીપંચની પૂર્વ સંમતિ બાદ ટેકાના ભાવ નક્કી કરી શકાય છે.
  • કોઈ પણ ધાર્મિકસ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાય નહીં.
  • મતદાનના દિવસે દારૂની દુકાનો બંધ રહે છે. મતદારોને દારૂ કે પૈસા આપવાની મનાઈ હોય છે.
  • રાજકીય કાર્યક્રમો પર નજર રાખવા માટે ચૂંટણીપંચ પર્યવેક્ષક કે ઑર્બ્ઝવરની નિમણૂક કરે છે.
  • આચારસંહિતા લાગુ થયા બાદ ચૂંટણીપંચની મંજૂરી વિના કોઈ સરકારી અધિકારી કે કર્મચારીની બદલ કરી શકાતી નથી.
line

આચારસંહિતાનો ભંગ થાય તો જેલ થાય?

ગુજરાત વિધાનસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

કોઈ પણ ઉમેદવારે કે પક્ષે કે પછી સમર્થકોએ કોઈ રેલી કે સભાનું આયોજન કરતાં પહેલાં પોલીસની પરવાનગી લેવી જરૂરી છે.

સૌથી જરૂરી વાત કે કોઈ પણ ઉમેદવાર કે પક્ષ જાતિ, ઘર્મ કે વર્ગના આધારે મત નહીં માગી શકે.

જો કોઈ ઉમેદવાર કે પછી પાર્ટી આચારસંહિતાનો ભંગ કરે તો ચૂંટણીપંચ નિયમ અનુસાર કાર્યવાહી કરી શકે છે.

તેની સામે ફોજદારી ગુનો પણ દાખલ થઈ શકે છે. તેમને ચૂંટણી લડતા પણ અટકાવી શકાય છે. આચારસંહિતાના ભંગ બદલ જેલની સજા પણ થઈ શકે છે.

line

સોશિયલ મીડિયા પર થતા પ્રચાર પર આચારસંહિતા લાગુ થાય છે?

ગ્રાફિક

સોશિયલ મીડિયા દ્વારા થતા પ્રચાર પર પણ આચારસંહિતા લાગુ હોય છે. સોશિયલ મીડિયા પર થતા પ્રચારનો ખર્ચ પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચના હિસાબમાં જોડવામાં આવે છે.

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પ્રચારની જાહેરાત આપતાં પહેલાં ચૂંટણીપંચને તેની જાણકારી આપવાની રહેશે.

ચૂંટણીપંચ પરવાનગી આપે ત્યારબાદ જ આ જાહેરાતોને સોશિયલ મીડિયા પર મૂકી શકાય છે.

ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોએ ચૂંટણીપંચને તેના પ્રચારનો ખર્ચનો હિસાબ આપવાનો રહે છે.

જો હિસાબમાં ગોટાળો જોવા મળે તો ઉમેદવારને ત્રણ વર્ષ માટે ગેરલાયક પણ ઠેરવી શકાય છે. જોકે એ ચૂંટણીપંચ પર નિર્ભર છે કે તે આચારસંહિતાનો અમલ કેટલી કડકાઈથી કરાવી શકે છે.

આદર્શ આચારસંહિતાની શરૂઆત કેવી રીતે?

આદર્શ આચારસંહિતાની શરૂઆત 1960ની કેરળ વિધાનસભા ચૂંટણીથી થઈ હતી. રાજકીય પાર્ટીઓ સાથે વાતચીત અને સહમતિથી આચારસંહિતાને તૈયાર કરાઈ છે.

તેમાં પાર્ટીઓ અને ઉમેદવારોએ નક્કી કર્યું કે તેઓ કયા કયા નિયમોનું પાલન કરશે.

1962ની લોકસભા ચૂંટણી બાદ 1967ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં આચારસંહિતાનું પાલન થયું. બાદમાં તેમાં વધુ નિયમો ઉમેરાતા રહ્યા.

ચૂંટણી આચારસંહિતા કોઈ કાયદાનો ભાગ નથી, જોકે આદર્શ આચારસંહિતાની કેટલીક જોગવાઈ આઈપીસીની કલમોને આધારે પણ લાગુ કરાવાય છે.

જોકે તેમ છતાં રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો તેને ગંભીરતાથી લેતા નથી અને દરેક ચૂંટણીમાં તેના ઉલ્લંઘનના સમાચાર આવતા રહે છે.

ચૂંટણી આચારસંહિતા સમયની સાથે કેવી રીતે બદલાતી રહી?

ટીએન શેષાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટીએન શેષાન

ચૂંટણીપંચે સપ્ટેમ્બર 1979માં રાજકીય પક્ષોની બેઠક બોલાવીને આચારસંહિતામાં સંશોધન કર્યું. તેને ઑક્ટોબર 1979માં થયેલી લોકસભા ચૂંટણીમાં લાગુ કરાઈ.

વર્ષ 1991ની લોકસભા ચૂંટણી આચારસંહિતાના વિકાસમાં સૌથી મહત્ત્વની હતી. તેમાં આચારસંહિતાનો વિસ્તાર કરાયો. ચૂંટણીપંચે પણ તેના પાલન માટે સક્રિય થયું.

એ જ વર્ષે એ વિચાર ઉદભવ્યો કે આચારસંહિતા એ જ દિવસે લાગુ થાય જે દિવસે ચૂંટણીની તારીખોનું એલાન થાય. પરંતુ કેન્દ્ર સરકાર તેને એ દિવસે લાગુ કરવા માગતી હતી જે દિવસે નોટિફિકેશન જાહેર થાય.

ચૂંટણીપંચના વલણ પર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, પરંતુ આંધ્રપ્રદેશની સરકારની અરજી કોઈ અંતિમ નિર્ણય ન આવ્યો.

આ મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના એક નિર્ણયથી સ્થિતિ સ્પષ્ટ થઈ હતી.

હાઈકોર્ટે મે 1997માં ચૂંટણીની તારીખોની જાહેરાતથી આચારસંહિતાને લાગુ કરવાના ચૂંટણીપંચના પગલાને યોગ્ય ગણાવ્યું.

આ નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી, પણ ત્યાં કોઈ નિવેડો આવ્યો નથી.

આખરે 16 એપ્રિલ, 2001માં ચૂંટણીપંચ અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલી બેઠકમાં સહમતિ બની કે આચારસંહિતા એ દિવસથી લાગુ થશે જે દિવસે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે.

તેમાં એ પણ શરત રાખવામાં આવી કે ચૂંટણીની તારીખોનું એલાન નોટિફિકેશન જાહેર થવાનાં ત્રણ અઠવાડિયાં પહેલાં નહીં જાહેર થાય.

વર્ષ 1960માં આ નિયમો અપનાવ્યા બાદ તેમાં અત્યાર સુધીમાં ઘણા ફેરફાર આવ્યા છે. આજે તે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનું એક હથિયાર બનીને ઊભરી છે.

ભારતમાં ચૂંટણી આચારસંહિતા પર કામ તો 1960ના દશકમાં શરૂ થઈ ગયું હતું. આ કામ હજુ પણ ચાલુ છે. જોકે વાત ચૂંટણીમાં સુધારાની આવે તો નવમા ચૂંટણી કમિશનર ટીએન શેષનનું નામ મુખ્યત્વે લેવાય છે.

શેષને ચૂંટણીપંચની શક્તિઓનો પરિચય કરાવ્યો. તેમણે પોતાની કાર્યશૈલીથી જણાવ્યું કે ચૂંટણીપંચ સરકારને અધીન કામ કરનારું એકમ નથી.

તેમણે પંચની સ્વતંત્રતાને સર્વોપરી રાખી. તેના માટે તેઓ વડા પ્રધાન સાથે પણ બાથ ભીડતા પણ અચકાયા નહોતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન