ગુજરાત વિધાનસભા ચૂંટણી : મતદારયાદીમાં નામ નોંધાવવા-સુધારો કરવા શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભારતના નાગરિક કે જેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોય તેઓ મતદાન કરવા માટે લાયક ઠરે છે.
પણ માત્ર 18 વર્ષની ઉંમર હોવાથી જ તમને મતદાન કરવાનો અધિકાર મળતો નથી.
તે માટે તમારું નામ મતદારયાદીમાં નોંધાયેલું હોય એ જરૂરી છે.
જો તમે નવા મતદાર છો અને મતદારયાદીમાં નામ નોંધાવવા ઇચ્છતા હો તો આજે અમે તમને જણાવીશું કે મતદારયાદીમાં નામ નોંધાવવા શું કરી શકાય? તેના માટે કઈ પ્રક્રિયા અનુસરવી જોઈએ?

નામની નોંધણી કેવી રીતે કરશો?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી માટે મતદારયાદીમાં નામ નોંધાવવા પહેલી જાન્યુઆરી 2022ના રોજ તમારી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.
આપ એક જ વિસ્તારમાં મતદાર તરીકે નોંધણી કરાવી શકો છો.
ફૉર્મ 6 ભરવાનું રહેશે
નોંધણી કરાવવા માટે તમારે ફૉર્મ 6 ભરવું પડશે.
અને તે સંબધિત મતવિસ્તારના ચૂંટણીઅધિકારી પાસે જમા કરાવવું પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો તમે તમારું રહેણાક બદલો તો પહેલાં જૂના રહેણાક વિસ્તારમાંથી નામ કઢાવીને નવા વિસ્તારમાં નામ નોંધાવવા પણ ફૉર્મ 6 ભરવું પડશે.

મતદારયાદીમાં નામની નોંધણી કે સુધારો કરવાની પ્રક્રિયા વિશે આપ કેટલું જાણો છો?

- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અમુક મહિના બાકી છે ત્યારે મતદારયાદીમાં નામ નોંધાવવા માટે શું કરવું પડે? જાણો
- ભારતના દરેક નાગરિક 18 વર્ષની ઉંમરે મતદાર બનવા માટે નોંધણી કરાવી શકે છે
- મતદારયાદીમાં નામ નોંધાવવા કે સુધારા કરવા માટેનાં તમામ પગલાં વિશે વાંચો
- યાદીમાં નામ નોંધાવ્યા બાદ નામ સામેલ થયું છે કે કેમ? તે કઈ રીતે જાણશો?
- શું વિદેશમાં રહેતા ભારતીય નાગરિક મતદારયાદીમાં નામ નોંધાવી શકે? શું છે પ્રક્રિયા?


ઑનલાઇન રજિસ્ટ્રેશનના વિકલ્પ

ઇમેજ સ્રોત, Getty Images
આ ફૉર્મ 6 તમે અનેક પ્રકારે ભરી શકો છો. જેમાં ઑનલાઇન પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે. એટલે કે વોટર લિસ્ટમાં તમારા નામની નોંધણી કરાવવા માટે તમારે ચૂંટણીપંચની કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી.
વોટરલિસ્ટમાં હવે ઘરેબેઠા ઇન્ટરનેટની મદદથી પણ નામ નોંધાવી શકાય છે, જેના માટે તમારે ચૂંટણીપંચની વેબસાઇટ પર જવાનું રહેશે.
તમે www.eci.gov.in પર લોગઇન કરીને, ઑનલાઇન મતદાર તરીકે નોંધણી કરી શકો છો.
લોગઇન કરવા તમારે યૂઝર નૅમ અને પાસવર્ડ સેટ કરવાનાં રહેશે.
જ્યાં મતદારયાદીમાં નામ સામેલ કરવા માટે તમારે રાજ્યનું નામ, વિધાનસભા ક્ષેત્ર અને જિલ્લાની જાણકારી આપવાની રહેશે. ત્યાર બાદ નામ, સરનામું, ઉંમર જેવી વિગતો અને તેના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
ફોટો માટે નિર્ધારિત જગ્યાએ પાસપોર્ટ સાઇઝનો એક રંગીન ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યાર બાદ તમારે રહેઠાણનું પ્રમાણપત્ર અને ઉંમરનું પ્રમાણપત્ર અપલોડ કરવાનાં રહેશે. જો તમે કોઈ કારણસર પ્રમાણપત્ર અપલોડ નહીં કર્યું હોય તો અધિકારી તમારા ઘરે આવીને પણ પ્રમાણપત્ર લઈ જઈ શકે છે. પણ તે માટેનું કારણ નક્કર અને વાજબી હોવું જોઈએ.
દસ્તાવેજો અપલોડ કર્યા બાદ તમને ઍપ્લિકેશન આઇડી મળશે, જેના આધારે તમે વેબસાઇટ ઉપરથી તમારી અરજીનું સ્ટેટસ ચકાસી શકો છો. નામ દાખલ થયા બાદ આપના સરનામે લેટર આવશે અથવા તો તમે નોંધાવેલા મોબાઇલ નંબર પર એસએમએસ આવશે.
ઓળખપત્ર તરીકે તમે આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પેન કાર્ડ અથવા તો હાઇસ્કૂલની માર્કશીટનો સમાવેશ કરી શકો છો. અને સરનામાના પુરાવા તરીકે રાશનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો પાણી કે વીજળીનાં બિલ માન્ય છે.

ટપાલ મારફતે રજિસ્ટ્રેશન

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય તમે પોસ્ટ મારફતે પણ તમારું ફૉર્મ 6 ભરીને મોકલી શકો છો.
જેના માટે તમે www.eci.gov.in પર લોગઇન કરો અને પછી ફૉર્મ 6 ડાઉનલોડ કરો. તેની પ્રિન્ટ કાઢીને તેને ભરવાની સાથે જરૂરી દસ્તાવેજો બીડીને તમે નજીકના મતદાર નોંધણીકેન્દ્રના સરનામે પોસ્ટ કરી શકો છો. આ ફૉર્મમાં પણ અગાઉ જણાવ્યું છે તે દસ્તાવેજો બીડવાના રહેશે.

કેવી રીતે ખબર પડશે કે તમારું નામ મતદારયાદીમાં છે કે નહીં?
તમારું નામ મતદારયાદીમાં છે કે નહીં એની ચકાસણી તમે આ રીતે કરી શકશો.
Electoralsearch.in અથવા તો www.eci.gov.in પર લોગઇન કરીને મતદારયાદીમાં પોતાનું નામ ચેક કરી શકો છો.
વોટર હેલ્પલાઇન 1950 પર કોલ કરી શકો છો. જોકે ડાયલ કરતાં પહેલાં તમારો એસટીડી કોડ લગાવવો પડશે.
અથવા તો <ECI> સ્પેસ <EPIC No> ટાઇપ કરીને 1950 પર મૅસેજ કરી શકો છો. EPICનો અર્થ ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ છે, જેને સામાન્ય રીતે વોટર આઇડી કાર્ડ પણ કહે છે. ઉદાહરણ તરીકે જો તમારો EPIC નંબર 12345678 છે, તો ECI 12345678 ટાઇપ કરીને એસએમએસ 1950 પર મોકલો.
મતદાર હેલ્પલાઇન ઍપ્લિકેશન પણ ડાઉનલોડ કરીને તમે તેને ચકાસી શકો છો.
જો તમે તમારા મતદાનકેન્દ્ર વિશે જાણવા માગતા હો તો તમે Electoralsearch.in પર જઈને જાણી શકો છો.
મતદાર વોટર હેલ્પલાઇન પર કૉલ કરીને પણ મતદાનકેન્દ્ર વિશે જાણી શકે છે. તે માટે 1950 પર કૉલ કરવાથી આ જાણકારી મળી રહેશે. જોકે ડાયલ કરતાં પહેલાં તમારો એસટીડી કોડ જોડવાનો રહેશે.

રૂબરૂ રજિસ્ટ્રેશનના વિકલ્પ

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય આ જ ફૉર્મ 6 ભરીને અને તેની સાથે જરૂરી દસ્તાવેજો બીડીને તમે સીધા મતદાર નોંધણીકેન્દ્રની કચેરીએ પણ જમા કરાવી શકો છો.
તમે મતદારયાદીમાં તમારું નામ સામેલ થયું છે કે નહીં તેની સ્થિતિને ઑનલાઇન પણ જોઈ શકો છો.

ઓવરસીઝ વોટર માટે નોંધણી

ઇમેજ સ્રોત, voterportal.eci.gov.in
અન્ય દેશનું નાગરિકત્વ નહીં સ્વીકારનાર ભારતીય મતદાન કરી શકે છે. અભ્યાસ, નોકરી કે પછી અન્ય કારણસર વિદેશમાં વસતા ભારતીયો ઓવરસીઝ વોટર તરીકે નામ દાખલ કરાવી શકે છે. તેના માટે તેમણે ફૉર્મ 6-A ભરવાનું રહેશે. આ ફૉર્મ ઑનલાઇન પણ ભરી શકાય છે.
જેમાં નામ, અટક, ભારતમાં રહેતા સંબંધી, તેમની સાથેનો સંબંધ, જન્મસ્થળ, લિંગ, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઈડી, પાસપોર્ટ, જે-તે દેશના વિઝાની વિગતો, વિઝાના પ્રકાર, વિઝા આપ્યાની તારીખ, વિઝાની મુદ્દત વગેરે જેવી વિગતો ભરવાની રહે છે.
આ ઉપરાંત મતદારોએ જાહેર કરવું પડે છે કે તેમણે અન્ય કોઈ દેશનું નાગરિકત્વ નથી લીધું. આ સિવાય તેમણે ફોટોગ્રાફ અને પાસપોર્ટનાં પાનાં અપલોડ કરવાનાં રહેશે.

જો કોઈ ભૂલ થાય તો...
તમારું નામ મતદારયાદીમાં આવી ગયા બાદ તમારાં નામ કે સરનામામાં અથવા કોઈ અન્ય ભૂલ રહી ગઈ હોય તો તમે ચૂંટણીપંચની વેબસાઇટ પર જઈને ફૉર્મ 8 ડાઉનલોડ કરો અને તેને ભરો.

ક્યારે મળશે ઇલેક્શન કાર્ડ?
એક વાર તમારું નામ નોંધાવ્યા બાદ વોટર આઈડી કાર્ડ લગભગ એક મહિનામાં તમને મળી શકે છે. આમ તો ઇલેક્શન કાર્ડ તૈયાર થતા એક મહિનાનો સમય જ લાગે છે, પરંતુ છતાં ચૂંટણીના બે માસ પૂર્વે જ મતદાર તરીકે નામ નોંધણી કરવાની તજવીજ હાથ ધરવી ઇચ્છનીય છે.

વીવીપેટ વિશે શું જાણો છો આપ?
ઇવીએમ સાથે વીવીપેટના ઉપયોગની વાત એ ચૂંટણીમાં સુધારની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. વીવીપેટ એટલે વોટર વૅરિફાએબલ પેપર ઑડિટ ટ્રેલ, આ એક એવી વ્યવસ્થા છે જેમાં મતદારે વોટ નાખ્યા બાદ કાપલી નીકળે છે.
આ કાપલીમાં જે ઉમેદવારને મતદારે વોટ આપ્યો હોય તેનું નામ અને તેનું ચૂંટણી ચિહ્ન છપાયેલું હોય છે. આ વ્યવસ્થા એટલા માટે છે જેથી કોઈ પણ પ્રકારનો વિવાદ થાય તો ઇવીએમમાં પડેલા વોટની સાથે આ કાપલીની સંખ્યાને સરખાવીને તપાસ કરી શકાય.

કેવી રીતે કામ કરે છે વીવીપેટ?

ઇમેજ સ્રોત, Getty Images
વીવીપેટ મશીન વાસ્તવમાં ઇવીએમ સાથે લાગેલા પ્રિન્ટર જેવું હોય છે, જે વોટરને એ વાતની ખાતરી કરાવે છે કે ઇવીએમમાં તેણે જે ઉમેદવારને વોટ આપ્યો છે એ વોટ તે જ ઉમેદવારને ગયો છે કે નહીં.
એટલે કે તમારા વોટ બાદ વીવીપેટથી નીકળતી કાપલી તેમને જણાવે છે કે તમારો મત કયા ઉમેદવારને ગયો છે. હવે તમામ ઇવીએમ સાથે વીવીપેટ મશીનો પણ લગાડાય છે. ચૂંટણીપંચનો દાવો છે કે હવે ઇવીએમમાં કોઈ પ્રકારની ગરબડ થવી સંભવ નથી.
ચૂંટણીપંચનો એ પણ દાવો છે કે ઇવીએમથી ચૂંટણી કરાવવી એ સુરક્ષિત છે. જેના માધ્યમથી મતદારનો મત તેમની પસંદના ઉમેદવારને જ જાય છે. અને વીવીપેટ એ વાતનો પુરાવો છે જેનાથી તમે સુનિશ્ચિત થઈ જાઓ છો કે તમારો વોટ યોગ્ય જગ્યાએ ગયો છે કે નહીં.
તમે જ્યારે વોટ આપો છો ત્યારે તમારી અને વીવીપેટ વચ્ચે કાચની દીવાલ હોય છે.
એક મતદાતા તરીકે તમે આ વીવીપેટની કાપલીને સાત સેકંડ સુધી જોઈ શકો છો. ત્યાર બાદ તે એક સીલબંધ બોક્સમાં પડી જાય છે.
વીવીપેટની કાપલી તમને આપવામાં નહીં આવે. માત્ર પોલિંગ અધિકારી જ વીવીપેટની આ કાપલી બાદમાં જોઈ શકે છે. ચૂંટણીની મતગણતરી સમયે કોઈ પ્રકારનો વિવાદ થાય તો તે વખતે આ કાપલીઓની ગણતરી અને ઇવીએમમાં પડેલા મતની ગણતરી કરવામાં આવે છે અને તેને સરખાવવામાં આવે છે.

કેવી રીતે શરૂ થયો વીવીપેટનો ઉપયોગ?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા રાજકીય પક્ષોને ઇવીએમ પર શંકા હતી. જ્યારે ચૂંટણીપંચે તમામ પક્ષો સાથે 4 ઑક્ટોબર 2010માં બેઠક કરી ત્યારે કેટલાક પક્ષોએ માગ કરી કે વૅરિફાએબલ પેપર ઑડિટ ટ્રેલ જેવી વ્યવસ્થા પણ હોવી જોઈએ, જેથી ચૂંટણીપ્રક્રિયાને પારદર્શી બનાવી શકાય.
ચૂંટણીપંચે આ મામલો ઇવીએમની વ્યવસ્થા જોતી ટેકનિકલ કમિટીને સોંપ્યો. તેમણે ઇવીએમ બનાવતી કંપનીઓ અને વિવિધ રાજકીય પક્ષોનાં સલાહ-સૂચન લીધાં બાદ વીવીપેટ વ્યવસ્થા બનાવી.
આ ડિઝાઇનને ચૂંટણીપંચે મંજૂરી આપી અને બાદમાં ચૂંટણી કાયદાઓમાં સુધારા કર્યા અને આખરે વીવીપેટને ઇવીએમ સાથે જોડવાની મંજૂરી મળી. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઇલેક્ટ્રોનિક કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડે આ મશીન પહેલી વાર વર્ષ 2013માં બનાવ્યું.

વીવીપેટનો પહેલી વાર ઉપયોગ ક્યારે થયો?
સપ્ટેમ્બર 2013માં પહેલી વાર નાગાલૅન્ડની પેટાચૂંટણીમાં વીવીપેટનો ઉપયોગ થયો.
પછી ચૂંટણીપંચે વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી વેળા અને વિધાનસભાની ચૂંટણી વખતે તેનો પસંદગીની બેઠકો પર તેનો ઉપયોગ શરૂ કર્યો.
એ બાદ ચૂંટણીપંચે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ મતદાનકેન્દ્રો પર વીવીપેટના ઉપયોગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













