ભાજપમાં સામેલ થયેલા કૉંગ્રેસના એ છ નેતા જે એક સમયે સત્તાપક્ષને હંફાવતા હતા

કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં છ એવા નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. જે ક્યારેક કૉંગ્રેસમાં હતા અને ભાજપને હંફાવતા હતા.

ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે રાજકીય વિશ્લેષકોના મતે ગુજરાતમાં ચૂંટણીનો ‘માહોલ બરાબર જામ્યો છે.’

ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદથી જ કેટલાક ‘જૂના જોગીઓ’ અને ‘દિગ્ગજ નેતાઓ’નાં નામ કપાયાં હોવાની ચર્ચા થઈ રહી છે.

પરંતુ આ યાદીમાં કેટલાક એવા પણ નેતાનાં નામ સમાવિષ્ટ છે જેઓ થોડા સમય પહેલાં સુધી ભાજપના વિરોધપક્ષમાં હતા, પરંતુ ચૂંટણી પહેલાં ભાજપમાં સામેલ થયા બાદ તેમના પર ચૂંટણી માટેના ઉમેદવાર તરીકે પસંદગીનો કળશ ઢોળાઈ ચૂક્યો છે.

તેથી કૉંગ્રેસમાંથી ભાજપમાં આવી ટિકિટ મેળવનાર ઉમેદવારોની પણ ચર્ચા થઈ રહી છે.

કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતા

હર્ષદ રિબડિયા

કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ

ઇમેજ સ્રોત, FB/HarshadRibadiya

ઇમેજ કૅપ્શન, હર્ષદ રિબડિયા

વિસાવદરમાંથી ચૂંટાતા પાટીદાર નેતા હર્ષદ રિબડિયા સૌરાષ્ટ્રનું મોટું માથું મનાય છે. વિસાવદર એવી બેઠક છે જ્યાંથી લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. મહદંશે અહીંથી પટેલ ઉમેદવાર જ ચૂંટાતા આવ્યા છે.

પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ પણ આ બેઠક પરથી લડી ચૂક્યા છે. આમ તો એક સમયે હર્ષદ રિબડિયા ભાજપના કટ્ટર ટીકાકાર હતા પરંતુ 4 ઑક્ટોબર 2022માં તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતુ અને ભાજપમાં જોડાયા હતા.

હર્ષદ રિબડિયા 2017માં કૉંગ્રેસની બેઠક પરથી ચૂંટાયા હતા. ખેડૂત નેતા મનાતા હર્ષદ રિબડિયા જ્યારે ભાજપમાં સામેલ થયા ત્યારે તેમણે કૉંગ્રેસ દિશાહીન હોવાનો આરોપ મૂક્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રિબડિયા 2014માં વિસાવદર વિધાનસભાની બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસની ટિકિટ પરથી જીત્યા હતા. તેમણે આ પેટાચૂંટણીમાં કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલને હરાવ્યા હતા.

ત્યાર બાદ 2017માં કૉંગ્રેસે ફરી હર્ષદ રિબડિયાને ટિકિટ આપી હતી. જેમાં તેઓ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને હરાવીને વિજેતા બન્યા હતા. કૉંગ્રેસે તેમને રાષ્ટ્રીય કિસાન મોરચામાં ઉપાધ્યક્ષ બનાવ્યા હતા.

વર્ષોથી જૂનાગઢના રાજકારણનું રિપોર્ટિંગ કરતાં બીબીસીના સહયોગી હનિફ ખોખર જણાવે છે, “હર્ષદ રિબડિયા વિસાવદરમાં જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોમાં અને પાટીદારોમાં મોટું નામ છે. તેમના ભાજપમાં આવવાથી જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાની બેઠકો પર કૉંગ્રેસને અસર થશે.”

ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આ ત્રણેય જિલ્લાઓમાં મોટું નુકસાન થયું હતું. અમરેલીની તમામ બેઠકો કૉંગ્રેસે જીતી હતી. જૂનાગઢમાં માત્ર એક જ બેઠક જીતવામાં ભાજપ સફળ ગયું હતું. જ્યારે ગીર-સોમનાથમાં પણ ભાજપ સાફ થઈ ગયો હતો.

એટલે જાણકારો કહે છે કે ભાજપે રિબડિયાને રણનીતિ અંતર્ગત પક્ષમાં લીધા છે જેથી આ વિસ્તારમાં કૉંગ્રેસનું પ્રભુત્વ નાબૂદ કરી શકે.

કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતા

કુંવરજી બાવળિયા

કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ

ઇમેજ સ્રોત, FB/KunvarjiBavaliya

કોળી સમાજ પર પ્રભુત્વ ધરાવતા કુંવરજી બાવળિયા કૉંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયા હતા. જસદણ તેમની પરંપરાગત બેઠક છે. તેઓ છ વખત આ બેઠક પરથી ધારાસભ્ય બન્યા અને એક વખત રાજકોટની બેઠક પરથી સાંસદ. જે પૈકી પાંચ વખત તેઓ કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.

જાણકારો કહે છે કે ગુજરાતમાં કોળી સમાજનું 35 જેટલી બેઠકો પર પ્રભુત્વ છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છની 22થી 25 અને દક્ષિણ ગુજરાતની દસથી વધુ બેઠકોનો સમાવેશ થાય છે.

રાજકોટના વરિષ્ઠ પત્રકાર અને બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા જણાવે છે, “પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકીનું કદ ઘટાડવા માટે ભાજપે કુંવરજી બાવળિયાને પક્ષમાં લીધા હતા. હવે જ્યારે તેઓ ભાજપમાં જોડાયા ત્યારે રૂપાણી સરકારમાં મંત્રી બનાવાયા પરંતુ જ્યારે ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર બની ત્યારે તેમને મંત્રીપદ છોડવું પડ્યું હતું. ત્યારથી તેઓ ભાજપ સરકારથી નારાજ હતા પણ તેમને ટિકિટ ન આપવાથી ભાજપને કોળી મતો ગુમાવવાનો ડર હતો.”

જોકે, ભાજપે આ વખતે પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકી સાથે કુંવરજી બાવળીયાને પણ ટિકિટ આપી છે. જે બતાવે છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો મેળવવા માટે કોળી મતો મહત્ત્વના છે.

ગઈ ચૂંટણીમાં સૌરાષ્ટ્રની બેઠકોમાં પાટીદારોના વિરોધનાં કારણે ભાજપને નુકસાન ગયું હતું. જેથી આ વખતે ભાજપ કોઈ જોખમ લેવા માગતો ન હતો. તેથી ઘણા વરિષ્ઠ નેતાઓની ટિકિટ કપાઈ ગઈ પણ કુંવરજી બાવળીયાને ટિકિટ મળી.

અન્ય એક બાબત, કુંવરજી બાવળિયા કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ છે. તેથી તેમની અવગણના કોઈ પણ પક્ષને ભારી પડી શકે છે.

કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતા

રાઘવજી પટેલ

કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ

ઇમેજ સ્રોત, FB/RaghavjiPatel

રાઘવજી પટેલે પોતાની રાજકીય કારકિર્દી કૉંગ્રેસમાંથી શરૂ કરી હતી. પહેલી વખત તેઓ કાલાવડ ખાતેથી કૉંગ્રેસની ટિકિટ પર કેશુભાઈ પટેલ સામે લડ્યા હતા. જોકે ચૂંટણીમાં તેમની હાર થઈ હતી.

બાદમાં તેઓ ભાજપમાં આવી ગયા અને ધારાસભ્ય બન્યા. કેશુભાઈ સરકાર સામે બળવો થયો ત્યારે તેઓ શંકરસિંહ જૂથ સાથે ભળી ગયા હતા. શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખની તત્કાલીન સરકારમાં તેઓ મંત્રી પણ બન્યા. ત્યાર બાદ થયેલી ચૂંટણીમાં તેઓ શંકરસિંહના પક્ષ રા.જ.પા.માંથી ચૂંટણી લડ્યા અને હારી પણ ગયા હતા.

આ દરમિયાન શંકરસિંહની પાર્ટી કૉંગ્રેસમાં વિલીન થઈ ગઈ. તેઓ કૉંગ્રેસની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા પણ પક્ષપલટો કરીને ફરી તેઓ 2017માં ભાજપ તરફથી લડ્યા અને હાર્યા. જોકે, પેટાચૂંટણીમાં તેમનો વિજય થયો. ત્યાર બાદ રાઘવજી પટેલને ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી બનાવાયા હતા.

જામનગરમાં બીબીસીના સહયોગી દર્શન ઠક્કર કહે છે કે, “તેમનો સહકારી ક્ષેત્રે ભારે દબદબો છે. તેઓ ખેડૂત આગેવાન પણ છે. આ ઉપરાંત કૃષિમંત્રી તરીકેનો બહોળો અનુભવ પણ ધરાવે છે. આ સિવાય પાટીદારો પર પ્રભુત્વ પણ ધરાવે છે. જેના કારણે તેમને ટિકિટ આપવી ભાજપ માટે ન માત્ર જામનગર ગ્રામ્ય બેઠક માટે પણ જામનગરની અન્ય બેઠકો માટે પણ ફાયદાકારક રહી શકે છે.”

કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતા

ભગવાન બારડ

કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતા

ઇમેજ સ્રોત, Twitter/BJP4Gujarat

ભાજપે યાદી જાહેર કરી તેના એક દિવસ પહેલાં જ કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ભગવાન બારડ આહીર સમાજના આગેવાન છે. તેઓ પૂર્વ સાંસદ દિવંગત જશુભાઈ બારડના ભાઈ થાય છે. તેમનો પરિવાર વર્ષોથી કૉંગ્રેસ સાથે જોડાયેલો હતો પરંતુ કૉંગ્રેસ સાથે તેમને વાંકું પડ્યું અને તેઓ ભાજપમાં જોડાયા.

બીબીસીના સહયોગી હનિફ ખોખર કહે છે કે, “સૌરાષ્ટ્ર અને કચ્છમાં આહીર સમાજનું કેટલીક બેઠકો પર વર્ચસ્વ છે. ભાજપ ઇચ્છતું હતું કે તેઓ કચ્છમાં વાસણ આહિરને આ વખતે ટિકિટ નહીં આપે. તેથી તેમણે આહીર સમાજ નારાજ ન થાય તે માટે ભગવાન બારડને પોતાના પક્ષમાં લઈ લીધા.”

હનિફ ખોખર એમ પણ કહે છે, “વર્ષોથી તેમનો પરિવાર કૉંગ્રેસ સાથે જોડાયેલો હતો પણ તેમના પર કેસો એટલા હતા કે તેની પરેશાની પણ તેમને ભાજપ જોડવા માટે કારણભૂત હોઈ શકે.” જોકે જાણકારો એમ પણ કહે છે કે ભાજપ તેમને સાધીને જામનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને કચ્છ જિલ્લામાં કેટલીક બેઠકો પર પ્રભુત્વ ધરાવતા આહીર સમાજ પર પકડ જમાવવા માગતો હતો.

કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ

અશ્વિન કોટવાલ

કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ

ઇમેજ સ્રોત, FB/AshwinKotwal

અશ્વિન કોટવાલનું ઉત્તર ગુજરાતમાં આદિવાસીઓ પર ભારે પ્રભુત્વ છે. તેઓ ખેડબ્રહ્મા બેઠક પર 2007થી ચૂંટાઈને આવે છે. પણ મે 2022માં તેમણે કૉંગ્રેસ છોડી અને ભાજપમાં પ્રવેશ લીધો.

જાણકારો કહે છે કે જ્યારે 2019માં લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની હાર થઈ ત્યારે પરેશ ધાનાણીએ વિપક્ષ નેતા પદેથી રાજીનામું આપ્યું હતું. કૉંગ્રેસે પરેશ ધાનાણીની જગ્યાએ આદિવાસી નેતા સુખરામ રાઠવાને વિપક્ષના નેતા બનાવ્યા હતા.

તે વખતે અશ્વિન કોટવાલને વિપક્ષ નેતા બનવાની ઇચ્છા હતી. કૉંગ્રેસે તેમને વિપક્ષ નેતા ન બનાવતા તેઓ નારાજ થયા અને પછી કૉંગ્રેસ છોડી. કૉંગ્રેસ પહેલાથી જ આદિવાસી વિસ્તારોમાં મજબૂત છે. તેથી આદિવાસીઓના કૉંગ્રેસના આ મજબૂત ગઢને સર કરવા માટે ભાજપે તેમને પોતાના પક્ષમાં લીધા હોવાનું જાણકારોનું માનવું છે.

સાબરકાંઠામાં બીબીસીના સહયોગી પત્રકાર શૈલેષ ચૌહાણ જણાવે છે, "અશ્વિન કોટવાલનું વર્ચસ્વ અંબાજીથી લઈને પંચમહાલ અને દાહોદ સુધી છે. સાબરકાંઠામાં એક ખેડબ્રહ્મા જ એવી બેઠક હતી જે ભાજપના ફાળે આવતી નહોતી. તેથી આ વિસ્તારમાં પગપેસારો કરવા માટે ભાજપે તેમને અહીંથી મેદાનમાં ઉતાર્યા.”

કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ

જવાહર ચાવડા

કૉંગ્રેસ છોડીને ભાજપમાં જનારા નેતાઓ

ઇમેજ સ્રોત, FB/JawaharChavda

તેઓ કૉંગ્રેસ તરફથી 1990માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જવાહર ચાવડા ત્યારે 25 વર્ષની ઉંમરના હતા. તેઓ આહીર સમાજના આગેવાન છે. આ ઉપરાંત તેમની જૂનાગઢ અને પોરબંદરના મેર, ખારવા, અને પાટીદાર સમાજ પર પણ પકડ છે.

તેઓ નાની ઉંમરથી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પદો પર કામગીરી બજાવતા આવે છે એટલે ખેડૂતો પર પણ તેમની પકડ મજબૂત છે. તેમની પરંપરાગત બેઠક માણાવદર છે જે કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.

જોકે 2019માં તેઓ ભાજપમાં જોડાયા હતા. તેમને મંત્રી પણ બનાવાયા હતા. બીબીસીના સહયોગી હનિફ ખોખર જણાવે છે, “ચાવડા પરિવારની આહીર સમાજ પર ભારે પકડ છે. ઉપરાંત તેમની સંચાલિત અનેક સંસ્થાઓ છે જેને કારણે તેમનું પ્રભુત્વ આ વિસ્તારોમાં છે."

તેઓ આગળ કહે છે, "ગત ચૂંટણીમાં જૂનાગઢમાં ભાજપ માત્ર એક જ બેઠક જીતી શક્યો હતો તેથી સૌરાષ્ટ્રમાં આ ચૂંટણીમાં નુકસાનથી બચવા માટે તેમણે જવાહર ચાવડાને પોતાના પક્ષમાં લીધા.”

રેડ લાઇન
કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ