ટી20 વર્લ્ડકપ : એ ત્રણ બાબતો જેના લીધે ભારત ઇંગ્લૅન્ડ સામે હારી ગયું

ભારતીય ક્રિકેટ ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડ સામે ઍડિલેડમાં રમાયેલી સેમિફાઇનલમાં ભારતની દસ વિકેટે હાર થઈ છે. આ સાથે ટી20 વર્લ્ડકપમાં ભારતની સફરનો અંત આવ્યો છે.

ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને ભારતને પ્રથમ બૅટિંગ કરવા જણાવ્યું હતું. ભારતે 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવીને 168 રન કર્યા હતા. ઇંગ્લૅન્ડને જીત માટે મળેલું લક્ષ્ય એક પણ વિકેટ ગુમાવ્યા વિના તેણે માત્ર 16 ઓવરમાં જ મેળવી લીધું હતું.

આ વિજય સાથે જ હવે ફાઇનલ ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જોકે, ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ભારતના પક્ષે એ ત્રણ ખામીઓ જોવા મળી, જેનો ફાયદો ઇંગ્લૅન્ડને મળ્યો અને ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો.

લાઇન

પાવરપ્લેનો ફાયદો ઉઠાવવામાં ભારત નિષ્ફળ

ભારતીય ક્રિકેટ ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી મરાઠીના પત્રકાર પરાગ પાઠકના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે બૅટિંગ કરનારી ટીમ માટે પાવરપ્લેનું મહત્ત્વ એ અર્થમાં હોય કે 30 યાર્ડના સર્કલની બહાર માત્ર બે ખેલાડીઓની ઊભા રાખવાની આ વ્યવસ્થાનો મહત્તમ ફાયદો ઉઠાવી શકાય. જોકે, ભારતની ટીમ પાવરપ્લેનો ફાયદો ઉઠાવવામાં સફળ નહોતી રહી.

પાવરપ્લેના અંતે ભારતે એક વિકેટ ગુમાવીને માત્ર 38 રન કર્યા હતા. જેની સામે ઇંગ્લૅન્ડે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 63 રન ફટકારી દીધા હતા. સ્વાભાવિક છે કે પાવરપ્લેના અંતે થયેલા ઓછા રન અને ગુમાવેલી વિકેટે ટીમ પર દબાણ વધારી દીધું હતું.

આટલું ન નહીં, ભારતીય ઑપનરોની શરૂઆત પણ બહુ ધીમી રહી હતી અને શરૂઆતમાં જ કે. એલ. રાહુલે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. રાહુલ માત્ર પાંચ રન બનાવીને વૉક્સની ઓવરમાં કૅચ આઉટ થઈ ગયા હતા. બીજી તરફ રોહિત શર્મા પ્રેશરમાં જોવા મળ્યા હતા અને 28 બૉલ રમીને માત્ર 27 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયા હતા.

લાઇન

નબળી બૉલિંગ

ક્રિકેટ ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

પરાગ પાઠકના જણાવ્યા અનુસાર બૉલિંગ કરનારી ટીમ પર માટે પાવરપ્લે દરમિયાન વિકેટ લેવી જરૂરી હોય છે. જોકે, ભારતની નબળી બૉલિંગ લાઇન આવું કરવામાં નિષ્ફળ રહી હતી. વળી, ભુવનેશ્વરકુમારની એક નબળાઈ એવી રહી છે કે જ્યારે તેઓ સ્વિંગ નથી મેળવી શકતા ત્યારે સામેની ટીમને સરળતાથી રનો આપવા લાગે છે.

ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં પણ આવું થયું અને ભુવનેશ્વરકુમારની આ નબળાઇનો ઇંગ્લિશ ટીમે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. ભુવનેશ્વરકુમારની બે ઓવરમાં ઇંગ્લૅન્ડે 25 રન આપ્યા રન ફટકાર્યા હતા.

જૉસ બટલરે ભુવનેશ્વરકુમારની પ્રથમ ઓવરમાં જ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ ઓવરમાં કુલ 13 રન બન્યા હતા. ભુવનેશ્વરકુમારની બીજી ઓવરમાં ઍલેક્સ હેલ્સે સિક્સર મારી હતી અને આ ઓવરમાં 12 રન આવ્યા હતા. ત્રણ ઓવરની રમત બાદ ઇંગ્લૅન્ડનો સ્કોર 33 રન થઈ ગયો હતો.

વળી, રોહિત શર્માએ હાર્દિક પંડ્યાને નવમી ઓવર કરવા આપી. હાર્દિક પોતાની બૉલિંગ થકી અપસેટ સર્જવા માટે જાણીતા છે પણ આજની મૅચમાં જ્યારે તેમને બૉલિંગ મળી ત્યાં સુધીમાં મૅચ ભારતના હાથમાંથી લગભગ જતી રહી હતી. આ ઉપરાંત ઇંગ્લિશ ટીમ પાસે બૉલિંગ માટે નવ ખેલાડીઓના વિકલ્પ હતા જ્યારે ભારતીય ટીમ માત્ર સાત બૉલિંગ વિકલ્પ સાથે જ મૅચ રમવા ઊતરી હતી.

લાઇન

નબળી કડી - અક્ષર પટેલ

અક્ષર પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

અક્ષર પટેલ ભારત અને ઇંગ્લૅન્ડની મૅચમાં જ નહીં સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતની સૌથી નબળી કડી બની રહ્યા હોવાનું પરાગ પાઠકનું માનવું છે.

તેમના જણાવ્યા અનુસાર અક્ષર પટેલની બૉલિંગમાં ધાર નહોતી અને એ વાત ઇંગ્લિશ બૅટ્સમૅનો સારી રીતે જાણતા હાતા. હેલ્સ અક્ષર પટેલ પર તૂટી પડતા હતા.

જોકે, આ કહાણી માત્ર આજની મૅચ પૂરતી જ સીમિત નથી રહી. સમગ્ર ટુર્નામેન્ટમાં અક્ષર પટેલનું પ્રદર્શન આવું જ રહ્યું છે. ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડકપ દરમિયાન અક્ષર પટેલે માત્ર નવ રન જ કર્યા છે અને બૉલિંગની વાત કરીએ તો તેમણે માત્ર ત્રણ વિકેટ જ લીધી છે.

પરાગનું માનવું છે કે અક્ષર પટેલની જગ્યાએ ભારતીય ટીમ હર્ષલ પટેલ કે યુજવેન્દ્ર ચહલને રમાડી શકી હોત. આ ઉપરાંત દિનેશ કાર્તિક કે ઋષભ પંત પર પણ પસંદગી ઉતારી શકાઈ હોત.

ભારતની ટીમ ટૉસ હારી અને બેટિંગ માટે ઊતરી

ભારતીય ક્રિકેટ ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે ઍડિલેડમાં રમાયેલી બીજી સેમિફાઇનલમાં ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ટીમે પ્રથમ બૅટિંગ કરી હતી.

ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને કે. એલ. રાહુલ ફરી ફ્લૉપ રહ્યા હતા.

જે પીચ પર અંગ્રેજ બૅટરોએ ધૂંઆધાર બેટિંગ કરી એ જ પીચ પર ભારતીય બૅટરો રન બનાવવા માટે તરસતા જોવા મળ્યા હતા.

રાહુલ ઉપરાંત સૂર્યકુમાર યાદવ (14 રન) અને કૅપ્ટન રોહિત શર્મા (27 રન) પણ આજની મૅચમાં નિષ્ફળ રહ્યા હતા. વિરાટ કોહલીએ પોતાના મનપસંદ મેદાન પર લડાયક મિજાજ બતાવ્યો જોકે, એમના બૅટમાંથી પણ સરળતાથી રન નહોતા આવી રહ્યા.

બીબીસી લાઇન
લાઇન

ઇમેજ સ્રોત, Getty Images