મોહનસિંહ રાઠવાના ભાજપમાં જવાથી કૉંગ્રેસને કેટલો મોટો ફટકો પડશે?

મોહનસિંર

ઇમેજ સ્રોત, @BJP4Gujarat

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

મોહનસિંહ રાઠવા તેમના બંને પુત્રો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ 11 વખત ચૂંટણી લડ્યા હતા અને 10 વખત ધારાસભ્ય બન્યા હતા.

જ્યારે તેઓ 2012માં છોટાઉદેપુરથી ધારાસભ્યપદે ચૂંટાયા ત્યારે તેમણે સતત સૌથી વધુ વખત ચૂંટાવાનો વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો.

વર્ષ 2017માં તેમણે ફરી ધારાસભ્ય બનીને પોતાનો જ વિક્રમ તોડ્યો હતો. જોકે ભાજપમાં જોડાતી વેળા તેમણે કહ્યું હતું કે, "તેમને કૉંગ્રેસ સાથે કોઈ અણબનાવ નથી. તેઓ ભાજપની આદિવાસીઓની યોજનાને લઈને પક્ષમાં જોડાયા."

તેમણે વધુમાં કહ્યું કે સમય બળવાન છે.

બીબીસી

કોણ છે મોહનસિંહ રાઠવા?

મોહનસિંહ રાઠવા

ઇમેજ સ્રોત, Mohansinh Rathva fb

મે મહિનામાં જ મોહનસિંહ રાઠવાએ ગુજરાતની ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું હતું.

તેમણે પત્રકારો સમક્ષ કહ્યું હતું કે, "હવે હું યુવાઓને તક આપવા માગું છું. મેં સતત 11 વખત ચૂંટણી લડી છે જેમાંથી દસ વખત જીત્યો છું. જેતપુર પાવી, બોડેલી અને છોટાઉદેપુરના મતદાતાઓએ મને સૌથીવધુ વખત જીતાડીને ગુજરાત વિધાનસભામાં મોકલ્યો છે. હવે હું 76 વર્ષનો થઈ ગયો છું."

મોહનસિંહે કહ્યું હતું કે, "હવે યુવા નેતાઓની જરૂર છે, જેઓ ગામેગામ ફરી શકે. છોટાઉદેપુરનાં ત્રણ ગામ એવાં છે જ્યાં નાનાં બાળકોને સ્કૂલમાં જવાનો રસ્તો નથી. મેં ઘણી વાર વિધાનસભામાં તેની રજૂઆત કરી છે. પણ હવે નવા યુવા ઉમેદવારો તૈયાર થઈ ગયા છે, તેમના શિરે શેષ જવાબદારી છે કે તેઓ આ પ્રશ્નોનું સમાધાન લઈને આવે."

રાઠવા માત્ર 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. બાકી તેમણે લડેલી વિધાનસભાની તમામ ચૂંટણી જીતી છે.

રાઠવાએ પહેલી ચૂંટણી વર્ષ 1972માં પાવી જેતપુરની અનુસૂચિત જાતિની અનામત બેઠક પરથી લડી હતી અને જીતી હતી.

તે વખતે તેઓ કૉંગ્રેસમાંથી લડ્યા હતા. 1975માં તેઓ ફરી વિધાનસભાની ચૂંટણી જીત્યા અને સરકારમાં મંત્રી બન્યા.

1980 અને 1985માં તેઓ જનતા પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા. બસ ત્યાર બાદ લડેલી તમામ વિધાનસભાની ચૂંટણી તેઓ જીત્યા છે, 2002ની વિધાનસભાની ચૂંટણી વખતે હિંદુત્વના મોજાને કારણે તેઓ હારી ગયા હતા.

બીબીસી

આદિવાસી પટ્ટામાં રાઠવા ત્રિપુટીનું 'રાજ'

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જાણકારો માને છે કે ગુજરાતના આદિવાસી પટ્ટામાં 'રાઠવારાજ' ચાલે છે. સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા.

સુખરામ રાઠવા હાલ વિપક્ષ નેતા છે. નારણ રાઠવા પૂર્વ રેલમંત્રી (રાજ્ય) રહી ચૂક્યા છે અને હાલ રાજ્યસભાના સાંસદ છે. ત્રણેય એકબીજાના સંબંધી મનાય છે. પણ છતાં તેમના વચ્ચેના મતભેદો છૂપા નથી.

મોહનસિંહ રાઠવાના પુત્ર રણજિતસિંહ રાઠવાને કૉંગ્રેસે 2019માં છોટાઉદેપુર લોકસભાની બેઠક પરથી ટિકિટ પણ આપી હતી, જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. સુખરામ અને મોહનસિંહ રાઠવા એકબીજાના વેવાઈ છે. પણ નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા વચ્ચે પુત્રોને ટિકિટ આપવાને લઈને મતભેદો બહાર આવ્યા છે. મોહનસિંહના ભાજપમાં જોડાવાને લઈને કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાનું નિવેદન આવ્યું છે. તેમણે આ નિર્ણયને અયોગ્ય અને વ્યક્તિગત ગણાવ્યો છે.

વરિષ્ઠ પત્રકાર બશીર પઠાણ કહે છે કે, "આ વિસ્તારોમાં ત્રણેય રાઠવા નેતાઓનું પ્રભુત્વ છે. નારણ રાઠવાએ પણ તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા માટે ટિકિટ માગી હતી. અને મોહનસિંહ રાઠવાએ પણ તેમના પુત્ર રાજુ રાઠવા માટે ટિકિટ માગી હતી. બની શકે કે મોહનસિંહની માગ પૂર્ણ થઈ શકે તેમ ન હોઈ કૉંગ્રેસે તેમને ના પાડી હશે. આથી જ નારાજ મોહનસિંહે પક્ષ છોડ્યો હોય."

ભાજપમાં જોડાયા બાદ મોહનસિંહ રાઠવાએ આ મામલે સ્પષ્ટતા આપતા મીડિયાને કહ્યું હતું કે, "ભાજપવાળા તો અમને 100 ટકા ટિકિટ આપવાના જ છે. પણ મારે ટિકિટ નથી જોઈતી."

બીબીસી

શું છે આદિવાસી બેઠકોનું ગણિત?

વીડિયો કૅપ્શન, નરેન્દ્ર મોદીના એક સમયના સાથી શંકરસિંહ વાઘેલા વિરોધી કેવી રીતે બની ગયા?

ગુજરાતમાં આદિવાસીઓ માટે કુલ 27 બેઠકો અનામત છે. જે પૈકી 19 બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે.

ગુજરાતમાં કુલ મત પૈકી 14 ટકા મત આદિવાસી સમુદાયના છે. ગત વિધાનસભાના ગણિતને માંડીએ તો કૉંગ્રેસે આ આદિવાસી બેઠકોમાંથી 15 બેઠકો જીતી હતી અને ભાજપના ફાળે 9 બેઠકો આવી હતી.

બે બેઠકો બીટીપી અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી. જોકે ત્યાર બાદ વિવિધ રાજકીય પરિબળો અને પેટાચૂંટણીનાં પરિણામો બાદ છેલ્લી સ્થિતિ પ્રમાણે ભાજપની પાસે આદિવાસી માટે અનામત હોય તેવી 13 બેઠકો છે અને કૉંગ્રેસ પાસે 12 બેઠકો છે.

જાણકારો કહે છે કે મોહનસિંહ રાઠવાના ભાજપમાં જોડાવાથી ફાયદો ભાજપને થશે. કૉંગ્રેસે વર્ષોથી આ વિસ્તારમાં પ્રભુત્વ જમાવ્યું છે તેને રાઠવાના જવાથી મોટો ફટકો પડશે.

રાજકીય વિશ્લેષક નરેશ વારિયા કહે છે કે, "મોહનસિંહ રાઠવા આદિવાસી વિસ્તારોમાં મોટું નામ હતું. તેમના જવાથી કૉંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. હમણાં જ તેમણે કહ્યું હતું કે તેઓ ચૂંટણી નહીં લડે. તો પછી તેમને કૉંગ્રેસ સાથે ક્યાં વાંધો પડ્યો તે પ્રશ્ન છે."

બીબીસી

ભાજપને કેટલો ફાયદો, કૉંગ્રેસને કેટલું નુકસાન?

વીડિયો કૅપ્શન, જયનારાયણ વ્યાસ ગુસ્સે થઈને સી.આર. પાટીલ અંગે શું બોલ્યા?

વરિષ્ઠ પત્રકાર બશીર પઠાણ કહે છે કે, "આદિવાસી વિસ્તારમાં તેમનું પ્રભુત્વ ઘણું છે. પણ ગત ચૂંટણીમાં તેઓ છોટાઉદેપુર વિસ્તારમાંથી બહુ ઓછા માર્જિનથી જીત્યા હતા. વળી અહીં આપના ઉમેદવાર અરવિંદસિંહ રાઠવા આક્રમક પ્રચાર કરી રહ્યા છે. તેમનું પણ રાઠવા સમાજ પર પ્રભુત્વ છે. એટલે સરવાળે ભાજપને ફાયદો અને કૉંગ્રેસને નુકસાન જશે."

જોકે બશીર પઠાણ કહે છે કે જો ભાજપે તેમના પુત્ર રાજુ રાઠવાને ટિકિટ આપવાની ખાતરી આપી હોય તો ભાજપ માટે પણ મુશ્કેલી ઊભી થશે, કારણ કે રાજુ રાઠવાને ટિકિટ આપવાને લઈને ભાજપમાં બળવો થઈ શકે છે.

રાજકીય વિશ્લેષક રાજીવ શાહ કહે છે કે, "મોહનસિંહના ભાજપમાં જોડાવાને કારણે હવે આદિવાસી વિસ્તારમાં પણ ભાજપ મજબૂત બન્યો છે. શહેરો વિસ્તારમાં તો પહેલાંથી જ કૉંગ્રેસ નબળી છે, હવે આદિવાસી વોટબૅન્કમાં પણ ભાજપે મોહનસિંહને પોતાના પક્ષે લઈને ગાબડું પાડ્યું છે."

બીબીસી

2017 બાદ કૉંગ્રેસના 18 ધારાસભ્યો ભાજપમાં જોડાયા

હર્ષદ રીબડિયાએ અગાઉ કૉંગ્રેસ પાર્ટી છોડી હતી

ઇમેજ સ્રોત, HARSHDRIBADIYA/TWITTER

ઇમેજ કૅપ્શન, હર્ષદ રીબડિયાએ અગાઉ કૉંગ્રેસ પાર્ટી છોડી હતી

હાલમાં જ મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપતા ભાજપમાં જોડાયા હોય તેવા ધારાસભ્યોની સંખ્યા 17 થઈ છે. 4 ઑક્ટોબરે જ હર્ષદ રીબડિયાએ રાજીનામું આપ્યું હતું.

રાજકીય વિશ્લેષક રાજીવ શાહ કહે છે કે, "કૉંગ્રેસ માટે આ આઇડિયોલૉજિકલ પ્રશ્ન છે. તેમનું નેતૃત્વ નબળું પુરવાર થયું છે. ભાજપ પર આરોપ છે કે તેઓ 'યેન-કેન પ્રકારે' જોઈતા માણસોને પોતાના પડખે લઈ લે છે. કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હવે પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ કે કટિબદ્ધ નથી. અન્ય બીજા નેતાઓ જોડાય તો નવાઈ નહીં."

4 એપ્રિલ, 1944ના રોજ મોહનસિંહ રાઠવાનો જન્મ પાવી જેતપુરમાં થયો હતો. સરપંચથી તેમણે તેમની રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી.

તેઓ કૅબિનેટના મંત્રી પણ રહી ચૂક્યા છે અને વિરોધ પક્ષના નેતા પણ. તેઓ 23 જુલાઈ, 2017થી 19 ડિસેમ્બર, 2017 સુધી વિપક્ષ નેતા પદે રહ્યા હતા.

જોકે વર્ષ 2017ની વિધાનસભામાં કૉંગ્રેસે છેલ્લા ત્રણ દાયકાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, તેને કારણે પાટીદાર ચહેરા તરીકે પરેશ ધાનાણીને વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કૉંગ્રેસ એક પણ બેઠક જીતી ન શકી, તેને કારણે પરેશ ધાનાણીએ વિપક્ષ નેતા પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ કૉંગ્રેસે સુખરામ રાઠવાને વિપક્ષ નેતા બનાવ્યા હતા.

મોહનસિંહ રાઠવાને 2019માં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો ઍવૉર્ડ પણ મળ્યો હતો.

Grey line
Redline