ગુજરાતમાં આઝાદી પહેલાં પણ થતી હતી ચૂંટણીઓ, કેવી રીતે ચાલતી હતી વિધાનસભા?

ઇમેજ સ્રોત, Jitendrasinh Raje Gaekwad
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
વર્ષ 1918માં તત્કાલીન ભાવનગર સ્ટેટમાં રાજા ભાવસિંહજીએ એક સંસ્થા ઊભી કરી હતી. તેને લોકપ્રતિનિધિ માટેની ધારાસભા એટલે કે ‘પિપલ્સ રિપ્રેઝન્ટેટિવ ઍસેમ્બ્લી’ નામ આપવામાં આવ્યું હતું.
ધારાસભા જેવી આ સંસ્થામાં 38 સભ્યો હતા. જેમની નિયુક્તિ રાજા ભાવસિંહજી કરતા હતા. આ સભ્યોને પ્રજાલક્ષી પ્રશ્નો પૂછવાનો અધિકાર હતો.
ભાવસિંહજીના મૃત્યુ બાદ તેમના પુત્ર કૃષ્ણકુમારસિંહજીએ વર્ષ 1941માં ‘ભાવનગર લૅજિસ્લેટિવ ઍસેમ્બ્લી’ની સ્થાપના કરી. જેમાં 55 સભ્યો હતા. તે પૈકીના 33 સભ્યો પ્રજા દ્વારા ચૂંટાયેલા અને 16 સભ્યો રાજા દ્વારા નિયુક્તિ પામેલા હતા. જ્યારે અન્ય 6 સભ્યો જાણકારો કે તજજ્ઞો રહેતા.
આ સભ્યોને પ્રજાના પ્રશ્નો પૂછવાનો, બજેટ પર ચર્ચા કરવાનો અને કાયદાઓ કે સુધારાઓ કરવા માટેના વિધેયકો તૈયાર કરવાનો અધિકાર રહેતો. આ સભા વર્ષમાં બે વખત મળતી હતી. ત્યારબાદ પોરબંદરમાં પણ આ પ્રકારની ધારાસભા અસ્તિત્વમાં આવી હતી.
જાણીતા ઇતિહાસકાર રિઝવાન કાદરી બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે, “આ પ્રકારે પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી હોય અને જનપ્રતિનિધિત્વ હોય તેવી ધારાસભા ભાવનગર ઉપરાંત જામનગર, જુનાગઢ, અને વડોદરામાં પણ હતું. પણ આ સંસ્થાનું શ્રેષ્ઠ અને હેતુ પૂર્ણ થાય તે પ્રકારે સંચાલન માત્ર વડોદરા અને ભાવનગરમાં જ થયું.”

જ્યારે 1943માં ટ્રિપલ તલાકનો ધારો પસાર થયો

ઇમેજ સ્રોત, Rizwan Kadri
રિઝવાન કાદરી જણાવે છે, “ભાવનગરની ધારાસભાએ વર્ષ 1943માં હાલના ટ્રિપલ તલાક જેવો ધારો ‘મુસ્લિમ મહિલા લગ્નવિચ્છેદ ધારો’ પસાર કર્યો હતો. પણ તેને લઈને વિવાદો પણ થયા અને વિરોધ પણ થયો. વિરોધ બાદ ધારાસભાએ આ ધારો પાછો ખેંચ્યો હતો. જે બતાવે છે કે આ ધારાસભામાં પ્રજાના મતનું કેટલું માન હતું.”
5મી મે 1946ના દિવસે ભાવનગરની ધારાસભાનું વિશેષ અધિવેશન મળ્યું હતું. જેમાં કૉંગ્રેસ નેતા બળવંતરાય મહેતાએ તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાના આરોપ મૂક્યા હતા.
બળવંતરાય મહેતાએ આરોપ લગાવતા કહ્યું હતું, "વહીવટ નીલમબાગથી ચાલે, અનંતવાડીથી ચાલે કે મોતીબાગથી ચાલે એ મહત્ત્વનો પ્રશ્ન નથી. એમાં પ્રજામતને કેટલું સ્થાન છે, એ મહત્ત્વનું છે. રાજ્યની કચેરીઓ મોતીબાગમાં છે, રાજનીતિ અનંતવાડીમાં ઘડાય છે અને રાજમુદ્રા નીલમબાગમાં મૂકાય છે, તેમાં લોકમતને ક્યાંય સ્થાન નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સંબોધન દરમિયાન બળવંતરાય મહેતાએ સર પ્રભાશંકર પટ્ટણી તથા તત્કાલીન દીવાન અનંતરાય પટ્ટણીની ઉપર સત્તાના તમામ દોર પોતાના હાથમાં રાખવાનો આરોપ મૂક્યો હતો અને ધારાસભાના ધારામાં પણ એ જ દોર ચાલુ રાખવાનો આરોપ મૂક્યો.
કહેવાનો અર્થ એ જ કે આ ધારાસભામાં પ્રજાના પ્રતિનિધિઓ રાજા અને તેમના દરબારી અધિકારીઓ સામે પણ આરોપો કરી શકાતા હતા અને અવાજ ઉઠાવી શકતા હતા. બળવંતરાય મહેતા આગળ જતા ગુજરાતના મુખ્ય મંત્રી પણ બન્યા.
પ્રો. પ્રદ્યુમ્ન ખાચર કહે છે, “તે સમયે પ્રજાના પ્રતિનિધિઓ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા. પ્રજાના હિતમાં કામ ન થતું હોય તો તેઓ રાજા સામે બાંયો ચડાવતા અને ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહ પ્રતિનિધિઓની રજૂઆતો શાંત ચિત્તે સાંભળતા, તેમના વિરોધને કચડતા નહોતા.”
રિઝવાન કાદરીના મત અનુસાર જુનાગઢમાં પણ નવાબ દ્વારા ધારાસભાનું સર્જન કરવામાં આવ્યું હતું અને આ ધારાસભાનું પોતાનું ગૅઝેટ પણ હતું તેનું નામ ‘દસ્તૂર-ઉલ-અમલ’ હતું.

તમામ વર્ગોનાં પ્રતિનિધિત્વનું રખાતુ હતું ધ્યાન

ઇમેજ સ્રોત, Jitendrasinh Raje Gaekwad
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇતિહાસકાર રિઝવાન કાદરી વડોદરા રાજ્યની ધારાસભા વિશે વિગતો આપતા કહે છે કે, “વડોદરા રાજ્યના વહીવટ માટે 1887થી દીવાનના પ્રમુખપદે રાજ્ય કારોબારી સમિતિની રચના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરી હતી પરંતુ પ્રજા પ્રતિનિધિત્વવાળી ધારાસભાની રચના કરવાનો ખ્યાલ સયાજીરાવ ગાયકવાડને 1904માં આવ્યો હતો.”
તેઓ આગળ કહે છે, “આ અંગેનો ધારો 1908માં મંજૂર થયો અને 17 સભ્યોની રાજ્ય ધારાસભા અસ્તિત્વમાં આવી. આ ધારાસભાની પહેલી બેઠક 6 ઑક્ટોબર, 1910માં મળી હતી. પાછળથી આ ધારાસભ્યોની સંખ્યા વધીને 31 થઈ હતી.”
રિઝવાન કાદરી જણાવે છે કે આ ધારાસભામાં અનુસૂચિત જાતિ, જનજાતિ, લઘુમતિ અને અન્ય વર્ગનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે રીતે બેઠકો ફાળવવામાં આવતી હતી.”
1917થી મહાત્મા ગાંધીના અંતેવાસી બનનારા સમાજસુધારક મૂળદાસ ભૂધરદાસજી વૈશ્ય વડોદરા રાજ્યની ધારાસભાના અનુસૂચિત જાતિના ચૂંટાયેલા સભ્ય હતા.
વડોદરામાં ‘બરોડા લૅજિસ્લેટિવ ઍસેમ્બ્લી’નું નિર્માણ તત્કાલીન મહારાજા સયાજીરાવ ગાયકવાડે વર્ષ 1908માં કર્યું હતું. જોકે વર્ષ 1921માં વડોદરાની રિયાસતમાં રહેતી પ્રજાએ તેના ચૂંટેલા પ્રતિનિધિઓને ‘બૉમ્બે સ્ટેટ લૅજિસ્લેટિવ ઍસેમ્બ્લી’માં મોકલવાની શરૂઆત કરી હતી. ગાયકવાડ રાજ પરિવારના સભ્ય અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના વંશજ જિતેન્દ્રસિંહ રાજે ગાયકવાડ કહે છે, “ભારતમાં આમ તો આ પ્રકારે લોકપ્રતિનિધિત્વ ધરાવતી ધારાસભાની સ્થાપના કરવાનું કામ પહેલી વખત વર્ષ 1881માં મૈસૂરના તત્કાલીન રાજા ચામરાજેન્દ્ર વડિયાર દશમે કર્યું હતું. પણ વડોદરા રાજ્યમાં તેની સ્થાપનાની પ્રક્રિયા 1906માં શરૂ થઈ. વડોદરા રાજ્યમાં ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસન તેનો મુખ્ય ધ્યેય હતો.”
જિતેન્દ્રસિંહ વધુમાં કહે છે, “મૈસૂરના રાજા ચામરાજેન્દ્ર વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના પરમ મિત્ર હતા. ચામરાજેન્દ્ર જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે 1894માં તેમના પુત્ર નાલવડી કૃષ્ણરાજ વડિયાર રાજા બન્યા. કૃષ્ણરાજ નાના હતા તેથી સયાજીરાવ ગાયકવાડે તેમને શાસન ચલાવવામાં મદદ કરી. પછી મૈસૂરમાંથી પ્રેરણા લઈને સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં પણ ધારાસભા સ્થાપી.”
જોકે વડોદરાની ધારાસભાના પ્રતિનિધિઓ નિયુક્ત પણ કરાતા અને પ્રજા પણ ચૂંટતી હતી. જિતેન્દ્રસિંહના મત અનુસાર તમામને મતાધિકાર નહોતો અને તમામ લોકો ચૂંટણીમાં ઊભા નહોતા રહી શકતા.
જિતેન્દ્રસિંહના મત અનુસાર તમામને મતાધિકાર નહોતો અને તમામ લોકો ચૂંટણીમાં ઊભા નહોતા રહી શકતા.
તેના માટે રાજવી પરિવારે યોગ્યતા અને લાયકાત નક્કી કરી હતી. કેટલાક સમાજના અને ખાસ કરીને લઘુમતિ સમાજના તથા મહિલા પ્રતિનિધિઓ આરક્ષિત હતા. ઉપરાંત ગુપ્ત મતદાન નહોતું કરવામાં આવતું. મતદારોની યાદી તૈયાર કરવામાં આવતી.

‘બૉમ્બે પ્રેસિડેન્સી’નું અનુકરણ

ઇમેજ સ્રોત, Getty Images
જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે કે, “મોટા ભાગે ‘બૉમ્બે પ્રેસિડેન્સી’માં જ આ પ્રકારે વહીવટ થતો કે જે સુધારાઓ થતા તેનું આ પ્રકારની ધારાસભામાં મહદંશે અનુકરણ કે અનુસરણ થતું. આ પ્રકારની ધારાસભામાં પ્રતિનિધિઓ જે હતા તે મોટા ભાગે ઉચ્ચ જાતિના રહેતા.”
તેઓ આગળ જણાવે છે, “જ્યાં મર્યાદિત ચૂંટણી હતી ત્યાં પણ મતાધિકાર સીમિત લોકોને જ મળતો, કેટલીક જગ્યાએ માત્ર ગ્રૅજ્યુએટ લોકોને અથવા તો જેની પાસે એટલી સંપત્તિ હોય અને ટૅક્સ ચુકવતા હોય તેવા લોકોને મતાધિકાર મળતો”
ઇતિહાસકાર પ્રો. પ્રદ્યુમન ખાચર કહે છે, “સૌરાષ્ટ્રનાં વિવિધ રજવાડાંમાં કેટલાંક પ્રજામંડળો કે પ્રજાપરિષદો કે પછી પ્રતિનિધિસભા પણ હતાં. આ પ્રજામંડળો ઘારાસભાની માફક કામ નહોતાં કરતાં પણ મહદઅંશે અંગ્રેજોથી આઝાદીના ઉદ્દેશ્યથી રચાયાં હતાં. જોકે તેઓ આઝાદીની લડતમાં જોતરાવા સિવાય પ્રજાના પ્રશ્નો મામલે રાજાને રજૂઆતો પણ કરતાં અને ઉકેલ ન આવે તો તેમની સામે લડત પણ આપતાં.”
પ્રો. પદ્યુમન ખાચરના જણાવ્યા પ્રમાણે, “ સ્વાતંત્ર્યસેનાનીઓએ ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ’ની સ્થાપના કરી હતી. આ પરિષદના સૌરાષ્ટ્રની અલગ અલગ નવ જગ્યાએ સંમેલન ભરાયાં હતાં. તે વખતે કેટલાંક રજવાડાં તેનો વિરોધ કરતાં હતાં.”
તેમણે કહ્યું, “વિરોધ છતાય રાજકોટના તત્કાલીન રાજા લાખાજીરાજે 1921માં આ પરિષદનું પહેલું સંમેલન રાજકોટમાં મળે તેની પરવાનગી આપી હતી. આ પરિષદનો મુખ્ય હેતુ અંગ્રેજો સામે લડત જ નહોતો પરંતુ તેઓ રાજા પ્રજાહિતમાં કામ કરે છે કે નહીં તે જોવાનો પણ હતો.”
કાઠિયાવાડ રાજકીય પરિષદનો ઉદ્દેશ દેશી રાજ્યોના રાજાઓ કર્તવ્યપરાયણ બને તેવા પ્રયાસો કરવાનો અને રાજ્યસંસ્થાને બળવાન બનાવવાનો તથા રાજ્યની પ્રજાને પોતાના રાજ્ય અને સમગ્ર ભારત વિશે સ્વદેશાભિમાન કેળવાય તેવા પ્રયાસો કરવાનો હતો.
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે, “આ ધારાસભાઓમાં મહદઅંશે પ્રજાના પ્રશ્નો જેવા કે લોકશિક્ષણ ઉપરાંત સ્થાનિક સુધરાઈ કે પછી સ્થાનિક સંસ્થાઓને આપવામાં આવતી સખાવતો કે ગ્રાન્ટ પર ચર્ચા થતી.”

ગુજરાત વિધાનસભા કેવી રીતે બની?

ઇમેજ સ્રોત, GUJARATASSEMBLY.GOV.IN
1947માં ભારત આઝાદ થયું. બૉમ્બે સ્ટેટ બન્યું. વર્ષ 1952માં સૌરાષ્ટ્ર ધારાસભા સ્થાપવામાં આવી જે 31 ઑક્ટોબર 1956 સુધી કાર્યરત રહી. ત્યારબાદ સૌરાષ્ટ્ર રાજ્યને બૉમ્બે સ્ટેટમાં ભેળવી દેવાયું હતું.
પહેલી મે 1960માં જ્યારે ગુજરાત બૉમ્બે સ્ટેટમાંથી અલગ પડ્યું ત્યારે ગુજરાત વિધાનસભાની રચના કરાઈ.
તે વખતે બૉમ્બે સ્ટેટમાં ચૂંટાયેલા ગુજરાતના 132 ધારાસભ્યો ગુજરાત વિધાનસભાના સભ્યો બન્યા. ત્યારબાદ 1962માં ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 132થી વધારીને 154 કરવામાં આવી.
બાદમાં વર્ષ 1967માં આ સંખ્યા વધીને 168 થઈ અને વર્ષ 1975થી ગુજરાત વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા 182 છે.


તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













