ટી20 વર્લ્ડકપ : ભારતીય ટીમની ત્રણ નબળાઈ, જે તેને વર્લ્ડકપ હરાવી શકે છે

ભારત

ઇમેજ સ્રોત, Getty Images

હાલમાં રમાઈ રહેલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં અગાઉ ક્યારેય ન જોવા મળી હોય તેવી રોમાંચક મૅચો અને પૉઇન્ટ્સ ટેબલમાં અણધાર્યા ચડાવઉતાર જોવા મળ્યા.

ભારતીય ક્રિકેટ ટીમ પણ ક્રિકેટરસિયાઓના હૃદયના ધબકારા વધી જાય તેવી મૅચો બાદ આખરે ઇંગ્લૅન્ડ સામે 10 નવેમ્બરે સેમિફાઇનલ મૅચ રમશે.

બેટિંગમાં સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીના જોરદાર દેખાવ બાદ હજી પણ એમ કહેવું વહેલું કહેવાશે કે ભારતીય ટીમ વર્લ્ડકપ વિજેતા બનવા માટે સંપૂર્ણ સજ્જ છે.

ભારતીય ટીમની ત્રણ નબળાઈઓ એવી છે, જે તેને વર્લ્ડકપ જીતવામાં નડી શકે છે.

બીબીસી

ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની સેમિફાઇનલ સુધીની સફર

ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમના સેમિફાઇનલ સુધી પહોંચવા સુધી રમાયેલી મૅચો પર નજર કરીએ તો કેટલીક નબળાઈઓ ઊડીને આંખ વળગે છે.

ટીમનો દેખાવ દરેક પાસામાં એક મજબૂત ટીમ તરીકે નહીં, કોઈ ચોક્કસ ખેલાડીઓની રમત ઉપરાંત પરિસ્થિતિ, ક્રિકેટના નિયમો અને હરિફ ટીમની ભૂલોને કારણે જીતેલી ટીમ જેવો રહ્યો છે.

ભારત

ઇમેજ સ્રોત, MARTIN KEEP - ICC

ભારત-પાકિસ્તાન મૅચ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઑક્ટોબરે રમાયેલી અત્યંત રોમાંચક મૅચ, બેશક આ ટી20 વર્લ્ડકપની યાદગાર મૅચોમાંથી એક રહેશે. પરંતુ જો ભારતીય ટીમના દેખાવ પર નજર કરીએ તો એક પ્રશ્ન ચોક્કસ થાય કે જો પાકિસ્તાનના બૉલર મોહમ્મદ નવાજે છેલ્લી ઓવરમાં નો-બૉલ અને વાઇડ-બૉલ ન ફેંક્યા હોત તો મૅચનું પરિણામ કંઈક અલગ હોત.

વિરાટ કોહલીએ અણનમ રહીને બનાવેલા 82 રન અને હાર્દિક પંડ્યાના 40 રનને ધ્યાનમાં લીધા બાદ જોઈએ તો ભારતની ઓપનિંગ જોડી કે એલ રાહુલ અને રોહિત શર્મા તથા અન્ય બેટરો કોઈ ખાસ અસર ઊભી કરી શક્યા નહોતા.

આ મૅચમાં ભારતીય બૉલરોનું પ્રદર્શન સંતોષકારક રહ્યું હતું.

બીબીસી

નેધરલૅન્ડ્સ-ભારત મૅચ

27 ઑક્ટોબરના રોજ સિડનીમાં રમાયેલી નેધરલૅન્ડ્સ વિરુદ્ધ ભારતની મૅચ એકતરફી મૅચ હોય તેમ કહી શકાય. ટૉસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરીને નેધરલૅન્ડ્સની ટીમને વિજય માટે 180 રનનું લક્ષ્ય આપ્યું હતું.

સામે આંતરરાષ્ટ્રીય સ્તરે નબળી ગણાતી નેધરલૅન્ડ્સની ટીમ અપેક્ષા મુજબ ભારતીય બૉલરો સામે ટકી શકી નહીં અને નવ વિકેટ ગુમાવીને 20 ઓવરમાં માત્ર 123 રન જ બનાવી શકી. ભારતે આ મૅચ 56 રનથી જીતી લીધી.

બીબીસી

ભારત-દક્ષિણ આફ્રિકા

ભારત-આફ્રિકા

ઇમેજ સ્રોત, TREVOR COLLENS

દક્ષિણ આફ્રિકા સામે પાંચ વિકેટથી પરાજિત થનારી ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવના 68 રન, રોહિત શર્માના 15 રન અને વિરાટ કોહલીના 12 રનને બાદ કરીએ તો કોઈ પણ બેટર બે આંકડામાં રન બનાવી શક્યા નહોતા. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરીને ભારતે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને દક્ષિણ આફ્રિકાને 133 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

દક્ષિણ આફ્રિકાની ટીમે આ લક્ષ્યાંક માત્ર પાંચ વિકેટ ગુમાવીને 19 ઓવર અને ચાર બૉલમાં જ મેળવી લીધો હતો. દક્ષિણ આફ્રિકાના શરૂઆતના ત્રણ ખેલાડીઓને ઓછા રનમાં આઉટ કરી દેનારા ભારતીય બૉલરો એઇડેન મૅર્ક્રમ અને ડેવિડ મિલર વચ્ચે રચાયેલી 100 રનની ભાગીદારીને લાંબા સમય સુધી તોડી શક્યા નહોતા.

બીબીસી

ભારત-બાંગ્લાદેશ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી નવેમ્બરે રમાયેલી મૅચમાં ટોસ જીત્યા બાદ બાંગ્લાદેશે પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું.

ભારતે બેટિંગ કરીને છ વિકેટ ગુમાવીને બાંગ્લાદેશને 184 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં કેએલ રાહુલના 50 રન, વિરાટ કોહલીના અણનમ 64 અને સૂર્યકુમાર યાદવના 30 રન મુખ્ય હતા.

જો મૅચ દરમિયાન વરસાદ ન પડ્યો હોત અને ડકવર્થ-લુઇસ સિસ્ટમ (ડીએલએસ) પ્રમાણે બાંગ્લાદેશનો લક્ષ્યાંક બદલવામાં ન આવ્યો હોત તો ભારત માટે જીતવું મુશ્કેલ હતું.

બીબીસી મરાઠીના પત્રકાર પરાગ ફાટક કહે છે, “લિટ્ટન દાસે જે રીતે બેટિંગ કરી હતી, તે રીતે તેમણે બાંગ્લાદેશના વિજયનો મજબૂત પાયો નાખ્યો હતો. વરસાદને કારણે બગડેલા એક કલાક બાદ પણ બાંગ્લાદેશ પાસે જીતવાની તક હતી. પરંતુ બાંગ્લાદેશના ખેલાડીઓની બૉડી લૅંગ્વેજ પરથી લાગતું હતું કે તેમણે એમ માની લીધું હતું કે મૅચ આગળ નહીં રમાય અને બન્ને ટીમો વચ્ચે એક-એક પૉઇન્ટ વહેંચી આપવામાં આવશે.”

ભારતને ફરીથી શરૂ થયેલી મૅચ અને ડીએલએસના કારણે બાંગ્લાદેશના લક્ષ્યાંકમાં થયેલા ફેરફારનો લાભ મળ્યો હતો.

બીબીસી

ભારત-ઝિમ્બાબ્વે મૅચ

ઝિમ્બાબ્વે વિરુદ્ધ 6 નવેમ્બરે મેલબર્નમાં રમાયેલી એ મૅચમાં ભારતીય ટીમના બેટરો અને બૉલરોએ મજબૂત પ્રદર્શન કર્યું હતું. ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેને 186 રનનું લક્ષ્ય આપ્યું હતું.

જ્યારે ભારતીય બૉલરોએ ઝિમ્બાબ્વેને 17 ઓવર અને બે બૉલમાં જ 115 રનના સ્કોરે ઑલઆઉટ કરી દીધું હતું.

બીબીસી

ભારતીય ટીમની નબળાઈ

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, SAEED KHAN

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતીય ટીમના ત્રણ નબળાં પાસાં વિશે વાત કરતા પરાગ ફાટક આ ત્રણ બાબતો પર વાત કરે છે.

1. બૉલિંગ

ભારતની ટીમે બૉલિંગમાં ઘણો કંટ્રોલ લાવવાની જરૂર છે, ટીમે શિસ્તથી રમવું પડશે.

ભારતની ટીમ પાસે જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા છે, પણ એ બન્નેને ઈજા થવાથી તેઓ વર્લ્ડકપમાં રમી રહ્યા નથી.

આ બન્ને પ્લેયર ન હોવા છતાં બૉલિંગ સારી તો થાય છે, પરંતુ બાકી ટીમોની તુલનામાં ભારતની ટીમ બૉલિંગમાં ઘણી નબળી છે. તેથી ભારતીય ટીમે બૉલિંગની સ્કીલમાં વધારો કરવાની જરૂર છે.

2. મૅચની શરૂઆતની 6 ઓવરમાં ચુસ્ત ફિલ્ડિંગ

મૅચની શરૂઆતની પ્રથમ 6 ઓવરમાં જ અન્ય ટીમના ખેલાડીઓ ભારતની ટીમ સામે વધુ રન ફટકારતા હોય છે, તો તેમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે.

ભારતની ટીમ બેટિંગ સારી કરે છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ જેવા ટૉપના ખેલાડીઓ સારું પ્રદર્શન કરે જ છે, પરંતુ એ સિવાયના ખેલાડીઓએ પણ વધુ પ્રૅક્ટિસ કરવાની જરૂર છે.

આ ખેલાડીઓ ક્યારેય મોટી ઇનિંગ રમ્યા નથી, તેથી તેમણે વધુ ઍલર્ટ રહેવાની જરૂર છે. આ સાથે મિડલ-ઑર્ડર સ્પિનરોએ વધુ ઍલર્ટ રહેવાની જરૂર છે.

3. મનોવૈજ્ઞાનિક રીતે જીતવાનો વિશ્વાસ કેળવવો પડે

ભારતની ટીમના ખેલાડીઓએ પોતાનો ડર દૂર કરવો પડશે. ધોનીએ 2013માં ટુર્નામેન્ટ જીતી હતી. ત્યાર બાદ ટીમે ICCની ટુર્નામેન્ટ ઘણા સમયથી જીતી નથી, જેના કારણે તેમનામાં ડર છે કે આપણે ફાઇનલ, સેમિફાઇનલમાં હારી જઈએ જ છે.

ભારતની ટીમે ધોની જ ટુર્નામેન્ટ જીતી શકે છે, એવો ડર કાઢીને મન દઈને પ્રૅક્ટિસ કરવી જોઈએ.

અર્શદીપ

ઇમેજ સ્રોત, ANI

ભારતીય ટીમનાં ત્રણ નબળાં પાસાં વિશે વાત કરતા વરિષ્ઠ ખેલ પત્રકાર તુષાર ત્રિવેદી ખેલાડીઓનાં પર્ફૉર્મન્સ પર ભાર મૂકે છે.

1. સૌપ્રથમ તો રોહિત શર્માનું ફૉર્મ મહત્ત્વની બાબત છે. રોહિત શર્મા આ વર્લ્ડકપમાં હજુ સુધી કોઈ મોટી ઇનિંગ રમી શક્યા નથી.

અત્યાર સુધી વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ ઘણું સારું રમ્યા છે. હવે પછીની મૅચમાં કદાચ આ બંને ખેલાડીમાંથી કોઈ નિષ્ફળ થાય અને રોહિત શર્માનું ફૉર્મ પાછું ન આવે તો ભારત માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

2. હાલ ભારતની ટીમ સૂર્યકુમાર યાદવ પર વધુ આધાર રાખે છે. તેઓ ઘણું સારું રમી રહ્યા છે, પણ ઘણી વાર એવું બનતું હોય છે કે ક્યારેક તમે કોઈની પર જરૂર કરતાં વધારે આધાર રાખો ત્યારે તમારા હાથમાં નિરાશા જ આવે.

3. વર્લ્ડકપમાં આપણને અત્યાર સુધીમાં જે પણ સફળતા મળી એ બેટિંગના કારણે જ મળી છે. ભારતની બૉલિંગ જોરદાર નથી. ખાસ કરીને પાકિસ્તાન અને દક્ષિણ આફિક્રા જેવી મજબૂત ટીમો સામે ભારતની બૉલિંગ એટલી જોરદાર રહી નથી.

હાલ બે મહત્ત્વની મૅચ આવી રહી છે, એક સેમિફાઇનલ અને ભારત જીતી જાય તો ફાઇનલ. એ સંજોગોમાં ભારતને બૉલિંગમાં એકાદ મૅચમાં અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનને સારી તકો મળી છે, પણ આ બંને ખેલાડી જોરદાર પ્રભાવ પાડી શક્યા નથી.

એની સામે યુજવેન્દ્ર ચહલને એક પણ વખત તક મળી નથી. તે છેલ્લા 15 દિવસથી કોઈ જ મૅચ રમ્યા નથી અને હવે જો તેમને સેમિફાઇનલમાં લેવામાં આવે તો એમનું પ્રદર્શન કેવું રહે તે એક પ્રશ્ન છે.

ભારતની બૉલિંગ એટલી જોરદાર નથી, ભુવનેશ્વર અને અર્શદીપસિંહ સારી બૉલિંગ નાખે છે પણ આ બંનેમાંથી એક ખેલાડી નિષ્ફળ જાય તો મોટી તકલીફ ઊભી થઈ શકે છે.

ભારત

ઇમેજ સ્રોત, SURJEET YADAV

ભારતીય ટીમના ત્રણ નબળાં પાસાં વિશે સ્પૉર્ટસ ઍક્સ્પર્ટ ચિંતન બુચ આ ત્રણ બાબતો પર વાત કરે છે.

કઈ ટીમ સેમિફાઇનલમાં પહોંચશે તે અંગે આજથી એક મહિના અગાઉ પૂછવામાં આવતું તો તેમાંથી ઘણા નિષ્ણાતો ભારતના નામ પર ચોકડી લગાવી દેતા હતા. જેનું મુખ્ય કારણ જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાની ગેરહાજરી હતી. પરંતુ ભારતે પ્રભાવશાળી દેખાવ સાથે અંતિમ ચારમાં સ્થાન નિશ્ચિત કર્યું છે.

હવે સેમિફાઈનલમાં ભારતનો પડકાર ઇંગ્લૅન્ડ સામે છે. આ મુકાબલા અગાઉ કેટલીક બાબતો એવી છે જેની ના માત્ર ટીમની થીંક ટેન્ક બલ્કે ક્રિકેટપ્રેમીઓની ચિંતા વધારી છે.

1.વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પર વધુ પડતો મદાર. આ બંને સસ્તામાં આઉટ થઈ ગયા તો ભારતની મુશ્કેલી વધી શકે છે.

2. ઓપનર રોહિત શર્માનું સામાન્ય ફોર્મ અને લોકેશ રાહુલની ધીમી શરૂઆત. રોહિત 5 મૅચમાં 17.80ની એવરેજથી માત્ર 89 રન કરી શક્યા છે, જ્યારે રાહુલે 121ના સ્ટ્રાઇક રેટથી 121 રન કર્યા છે.

3. ત્રીજી સમસ્યા અક્ષર પટેલનું ફોર્મ છે. અક્ષરે 28.33ની એવરેજથી માત્ર 3 વિકેટ ખેરવી છે અને 3 ઇનિંગ્સમાં માત્ર 7 રન કર્યા છે.

તો ભારતને વર્લ્ડકપ વિજેતા બનતા રોકે એવી ત્રણ નબળાઈ કઈ છે

ક્રિકેટ વિશેષજ્ઞોનાં મંતવ્યોને ધ્યાનમાં લઈએ તો ભારતની ત્રણ નબળાઈને આ રીતે રજૂ કરી શકાય

1. બેટિંગ માટે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પર વધુ પડતો આધાર અને અન્ય ખેલાડીઓનું અનિયમિત પ્રદર્શન

2. બૉલિંગમાં સાતત્યતાનો અભાવ અને અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિનનો નબળો દેખાવ અને ઝડપી બૉલરો પરનો આધાર

3. એક ટીમ તરીકે સાથે મળીને ટુર્નામેન્ટ જીતી શકવાનો આત્મવિશ્વાસ અને મનોવૈજ્ઞાનિક અભિગમ

આ ત્રણ નબળાઈ સામે ભારતને એકલા હાથે પોતાના પ્રદર્શનથી મૅચને વિજય તરફ લઈ જનારા ખેલાડીઓ સેમિફાઇનલ અને ફાઇનલમાં ઝળકી જાય તો વર્લ્ડકપ જીતવો અઘરો નથી.

તમને શું લાગે છે?

બીબીસી
બીબીસી