સૂર્યકુમાર : સરકારી વસાહતમાં રહેવાથી અઢી કરોડની મર્સિડીઝ ખરીદવા સુધીની સફર

સૂર્યકુમાર યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૂર્યકુમાર યાદવ
    • લેેખક, પરાગ ફાટક
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
બીબીસી
  • રાજકોટમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની મૅચમાં ભારતના સૂર્યકુમાર યાદવે સદી ફટકારી છે.
  • સૂર્યકુમારે આઠ સિક્સર અને છ ચોગ્ગાની મદદથી ધુંઆધાર બેટિંગ કરી હતી.
  • વાંચો સૂર્યકુમારની કહાણી
બીબીસી

ભારતીય ક્રિકેટની વર્તમાન ટીમના કદાચ સૌથી મોટા ફટકાબાજ સૂર્યકુમાર યાદવે ટીમમાં સ્થાન મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડી છે.

સૂર્યકુમારે 2010ની 15 ડિસેમ્બરથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી, પરંતુ દેશ માટે સૌપ્રથમવાર રમવાની તક તેમને 2021માં મળી હતી. તેનો અર્થ એ થયો કે ડૉમેસ્ટિક ક્રિકેટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ માટે તેમણે 11 વર્ષ રાહ જોવી પડી હતી.

અગાઉ ઑસ્ટ્રેલિયામાં રમાયેલી વર્લ્ડ ટી-20 ટૂર્નામૅન્ટમાં તેમણે ધમાકેદાર ફટકાબાજી વડે આખા વિશ્વને આશ્ચર્યચકિત કરી નાખ્યું છે.

ભારતીય ટીમને વર્લ્ડ ટી-20 ટૂર્નામેન્ટના સેમિફાઈનલ સુધી પહોંચાડવામાં સૂર્યકુમારે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

તેમને 360 ડિગ્રી બૅટ્સમૅન કહેવામાં આવે છે. તેનો અર્થ એ કે, તેઓ મેદાનના દરેક હિસ્સામાં શોટ ફટકારી શકવાની ક્ષમતા ધરાવતા બૅટર છે.

આ કૌશલ્યને કારણે તેમની સરખામણી એ.બી.ડિવિલિયર્સ સાથે કરવામાં આવી રહી છે. જોકે, સૂર્યકુમાર યાદવ માટે આ સફર ઉતાર-ચડાવ ભરેલી રહી છે.

ડૉમેસ્ટિક ક્રિકેટમાં ઢગલો રન કરતા હતા, ત્યારે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન ન મળવા છતાં સૂર્યકુમારે આશા છોડી ન હતી.

સંઘર્ષના દિવસોમાં સૂર્યકુમાર ઑસ્ટ્રેલિયાના એક ક્રિકેટર માઈક હસીને પોતાના આદર્શ માનતા રહ્યા હતા. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં મહાન ખેલાડીઓ સામેલ હોવાના કારણે માઈક હસીએ પણ દસ વર્ષ સુધી રાહ જોવી પડી હતી.

તેમણે આ બાબતે કોઈ ફરિયાદ કે નારાજગી વ્યક્ત કરી ન હતી. તેઓ રનના ઢગલા ખડકતા રહ્યા હતા અને આખરે તેમને તક મળી હતી.

સૂર્યકુમાર યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૂર્યકુમારને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમવાની તક ગૌતમ ગંભીરે આપી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વાસ્તવમાં રમતજગતની ઝડપી દુનિયામાં, કોઈ ખેલાડીના આયુષ્યના ત્રીજા દાયકાને કારકિર્દીનો અંતિમ તબક્કો માનવામાં આવે છે. માઇક હસીને પણ 30 વર્ષની વય પછી તક મળી હતી.

તેમની પાસે બહુ સમય ન હતો, પરંતુ તેમણે એ તકનો ભરપૂર લાભ લીધો હતો. હસીએ ટેસ્ટ, વન-ડે અને ટી20 ક્રિકેટમાં ખુદને ક્ષમતાવાન સાબિત કર્યા હતા અને તેમની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ફિનિશર્સમાં થવા લાગી હતી. ઉત્તમ ક્રિકેટ રમવાના લીધે તેમને 'મિસ્ટર ક્રિકેટ'નો ખિતાબ પણ મળ્યો હતો.

યોગાનુયોગે સૂર્યકુમારના પિતા પણ તેમને સમયાંતરે માઇક હસીનો દાખલો આપતા હતા. આજે સૂર્યકુમાર પણ માઇક હસીની માફક ક્રિકેટના મેદાનમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે.

હસીની જેમ સૂર્યકુમારને પણ 30 વર્ષની વય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી છે. એ તક મળ્યાના દોઢ જ વર્ષમાં સૂર્યકુમાર ટી20 ફૉર્મેટમાં આઈસીસીના બૅટરોની રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયા છે.

સૂર્યકુમારે ક્ષમતા, કૌશલ્ય, ફિટનેસ, પ્રેશર હેન્ડલ કરવાની ક્ષમતા અને રમતને પારખવા જેવા દરેક મોરચે ખુદને કુશળ પૂરવાર કર્યા છે.

તેઓ મુંબઈ ટીમના ખેલાડી હોવા ઉપરાંત આઇપીએલ ટૂર્નામેન્ટમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમે છે. અગાઉ તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી પણ રમી ચૂક્યા છે.

સૂર્યકુમારને કોલકાતા નાઇટ રાઈડર્સ તરફથી રમવાની તક ગૌતમ ગંભીરે આપી હતી. એ પછી મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્માની નજર તેમના પર પડી હતી.

બીબીસી

મુશ્કેલ પડકારો સામે મજબૂત ખેલાડી

સૂર્યકુમાર યાદવ

ઇમેજ સ્રોત, SURJEET YADAV

ઇમેજ કૅપ્શન, સૂર્યકુમારે બે વર્ષથી પણ ઓછા સમયમાં વિશ્વ ટ્વેન્ટી-20 રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું

2018માં રોહિત શર્માએ સૂર્યકુમારને મુંબઈ ઇન્ડિયન્સ માટે ખરીદ્યા ત્યારથી તેમના નસીબે જોરદાર પલટો માર્યો છે. સૂર્યકુમાર મુંબઈ ઇન્ડિયન્સની કરોડરજ્જૂ બન્યા, પરંતુ ભારતીય ટીમના દરવાજા તેમના માટે આસાનીથી ખુલ્યા નહોતા. આઇપીએલમાં ઢગલો રન કરવા છતાં સૂર્યકુમારને વેઈટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા હતા. આખરે 2021માં તેમને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું.

સૂર્યકુમારના પિતા ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રમાં કાર્યરત છે. પરિવારમાં તેમનાં માતા, બહેન તથા પત્ની છે. પરિવાર મુંબઈના ચેમ્બૂર નજીકના અણુશક્તિનગરમાં રહે છે. સૂર્યકુમારના પરિવારે જોયું કે, તેમને ક્રિકેટમાં વધારે રસ હતો. ટેનિસ બૉલ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ સૂર્યકુમારે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનની અન્ડર-15 તથા અન્ડર-17 ટૂર્નામેન્ટ્સમાં રમવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં તેમને મુંબઈની ટીમમાં સ્થાન મળી ગયું. મુંબઈના ક્રિકેટરોની સૌથી મોટી વિશેષતા છેલ્લી ઘડી સુધી હાર નહીં માનવાની હોય છે. મરાઠીમાં તેને ‘ખડૂસ’ પણ કહેવામાં આવે છે.

સૂર્યકુમાર એક એવા ખેલાડી તરીકે વિખ્યાત છે, જે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાની શૈલી બદલ્યા વિના બેટિંગ કરે છે.

સૂર્યકુમારને સમજાયું હતું કે, તેઓ સપાટાભેર રન નહીં બનાવે ત્યાં સુધી ભારતીય ટીમના દરવાજા તેમના માટે ખુલશે નહીં.

આઈપીએલ ટૂર્નામેન્ટમાં ક્યારેક ફિનિશર તો ક્યારેક મિડલ ઑર્ડર બૅટ્સમૅન તરીકે તેમની ભૂમિકા બદલાતી રહી હતી. પોતાના સાથીઓને ભારતીય ટીમમાં રમવાની તક મળતી હતી ત્યારે પણ સૂર્યકુમાર નિરાશ થયા નહોતા. સૂર્યકુમારે બે વર્ષથી પણ ઓછા સમયમાં વિશ્વ ટી20 રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ ફૉર્મેટમાં તેમના નામે એક સદી પણ નોંધાયેલી છે.

બીબીસી

વડાપાઉં, પાઉંભાજી અને ટ્રિપલ શેઝવાન રાઈસ!

સૂર્યકુમાર યાદવ

ઇમેજ સ્રોત, RANDY BROOKS

ઇમેજ કૅપ્શન, સૂર્યકુમાર મરાઠી ભાષાનું સારુ જ્ઞાન પણ ધરાવે છે

સૂર્યકુમાર મુંબઈમાં ઊછર્યા છે, તેથી દેખીતી રીતે મુંબઈકર છે. ‘બ્રેક ફાસ્ટ વિથ ચૅમ્પિયન્સ’ કાર્યક્રમમાં ગૌરવ કપૂર સાથે વાત કરતાં સૂર્યકુમારે ખાનપાન પ્રત્યેના પોતાના પ્રેમની વાત કરતાં જણાવ્યું હતું કે તેમને વડાપાઉં, પાઉંભાજી અને રેંકડીઓમાં મળતું ચાઈનીઝ ફૂડ, ખાસ કરીને ટ્રિપલ શેઝવાન રાઈસ બહુ પસંદ છે.

ક્રિકેટ રમવા માટે ખાનપાન પર નિયંત્રણ હોવાથી તેઓ આ વાનગીઓ આસાનીથી ખાઈ શકતા નથી. સૂર્યકુમાર મરાઠી ભાષાનું સારુ જ્ઞાન પણ ધરાવે છે. પત્રકાર પરિષદમાં મરાઠી પત્રકાર તેમને મરાઠી ભાષામાં સવાલ પૂછે તો તેઓ તેનો જવાબ મરાઠીમાં પણ આપે છે.

કઈ રીતે પડ્યું ‘સ્કાય’ નામ?

સૂર્યકુમારે આઈપીએલની 2014ની સીઝનથી કોલકાતા નાઈટ રાઇડર્સ માટે રમવાનું શરૂ કર્યું હતું. એ સમયે ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઇડર્સના કૅપ્ટન હતા.

પ્રેકટિસ દરમિયાન ગૌતમ ગંભીર તેમને ‘સ્કાય’ કહીને બોલાવતા હતા. સૂર્યકુમારે પહેલાં તો તેના પર ધ્યાન આપ્યું નહોતું, પરંતુ આ બાબતે તેમણે પૂછ્યું ત્યારે ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, “સૂર્યકુમાર યાદવ નામના પહેલા પ્રત્યેક અક્ષર (એસકેવાય)ને જોડીએ તો સ્કાય શબ્દ બને છે.”

બીબીસી

ગણેશભક્ત અને ટેટૂપ્રેમી

સૂર્યકુમાર યાદવ

ઇમેજ સ્રોત, SURJEET YADAV

ઇમેજ કૅપ્શન, સૂર્યકુમારના શરીર પર અનેક ટેટૂ છે

સૂર્યકુમાર યાદવ તેમના ઈન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર મુંબઈના સિદ્ધિવિનાયક ગણપતિનો ફોટોગ્રાફ નિયમિત રીતે શૅર કરે છે.

સૂર્યકુમારના શરીર પર અનેક ટેટૂ છે, જે અનોખાં છે. તેમણે એક બાજુ તેમનાં માતા-પિતાની તસવીરનું ટેટૂ કરાવ્યું છે અને બીજી તરફ પત્નીના નામનું.

તેમના ડાબા ખભા પર માઓરી સંસ્કૃતિના પ્રતીકનું ટેટૂ છે. સૂર્યકુમાર યાદવ ટૂર પર હોય છે, ત્યારે તેમને તેમનાં બે પ્રિય શ્વાન ‘પાબ્લો’ તથા ‘ઓરિયો’ની યાદ આવે છે. આ કુતરાં ફ્રેન્ચ બુલડોગ નસલના છે.

સૂર્યકુમાર કારના પણ શોખીન છે. તેમણે આ વર્ષે અઢી કરોડ રૂપિયાની મર્સિડીઝ-બેન્ઝ જીએલઈ કૂપ કાર ખરીદી છે. તેઓ નિસાન જોંગા, રેન્જ રોવર વેલાર, મિની કૂપર અને ઓડી આર-ફાઈવ કારના માલિક પણ છે.

રોહિત શર્માએ અભિનંદન મારફતે આપ્યો ડેબ્યૂનો સંકેત

આઇપીએલની સીઝન દરમિયાન સૂર્યકુમારનો 30મો જન્મદિવસ હતો. એ વખતે મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, “હવે ઈન્ડિયા ટીમની કૅપ બહુ દૂર નથી. રોહિત શર્માની વાત સાચી સાબિત થઈ અને થોડા મહિનામાં જ સૂર્યકુમારે ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું.”

તેમને કોલકાતા નાઈટ રાઇડર્સમાંથી મુંબઈ ઇન્ડિયન્સમાં લાવવાના હોય કે પછી ટીમ ઈન્ડિયામાં તક આપવાની હોય, સૂર્યકુમારની પ્રગતિમાં રોહિત શર્માએ મોટી ભૂમિકા ભજવી છે.

સૂર્યકુમાર મીડિયામાં કહી ચૂક્યા છે કે, “મેં રણજી ટ્રૉફીમાં પદાર્પણ કર્યું ત્યારે રોહિત બેટિંગ કરી રહ્યા હતા. ત્યારથી આજ સુધી તેમણે હંમેશાં મને સાથ આપ્યો છે.”

બીબીસી

દેવીશાના પ્રવેશ પછી શું થયું?

સૂર્યકુમાર યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૂર્યકુમારે બેટિંગ કોચ, ડાયેટ કોચની સલાહ લીધી હતી

સૂર્યકુમાર અને દેવિશાએ 2017માં લગ્ન કર્યાં હતાં. જોકે, બન્ને 2010થી એકમેકના પ્રેમમા હતાં. સૂર્યકુમાર વારંવાર કહે છે કે, તેમની કારકિર્દીને નવો આયામ આપવામાં દેવિશાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

દેવીશાએ સૂર્યકુમારને પૂછ્યું હતું કે, 'તમે મુંબઈ માટે રમો છો, આઈપીએલ માટે રમો છો, પરંતુ તમારી કારકિર્દી આગળ કેમ વધતી નથી?' એ પછી બન્નેએ મળીને એક યોજના બનાવી હતી.

સૂર્યકુમારે બેટિંગ કોચ, ડાયેટ કોચ વગેરેની સલાહ લીધી હતી. રૂટિન નિયંત્રિત કર્યું હતું. લેટ નાઈટ પાર્ટીમાં જવાનું બંધ કર્યું હતું. આ બધી મહેનતનું પરિણામ આખરે મળવાનું શરૂ થયું હતું.

સચીનની ઈજા અને આઈપીએલમાં પદાર્પણ

સૂર્યકુમાર યાદવ આઇપીએલમાં તેમની ડેબ્યૂ મૅચ 2021ની 6 એપ્રિલે રમ્યા હતા અને તે પણ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી. પૂણે વૉરિયર્સ સામેની મૅચમાં નક્કી થઈ ગયું હતું કે સચિન તેંડૂલકર નહીં રમી શકે. તેમના સ્થાને યુવાન સૂર્યકુમારને તક આપવામાં આવી હતી.

સચિન જેવા દિગ્ગજના સ્થાને રમવાની તક બહુ ઓછા ખેલાડીઓને મળતી હોય છે. વિડંબના એ છે કે, સૂર્યકુમારને તે મૅચમાં છઠ્ઠા સ્થાને બેટિંગ કરવા મોકલવામાં આવ્યા હતા. તેઓ ખાસ કંઈ કરી શક્યા નહોતા. સૂર્યકુમારે જૂની યાદો તાજી કરતાં જણાવ્યું હતું કે, "એ સમયે સચિને ખુદ મને બાજુમાં બેસવાની જગ્યા આપી હતી અને ત્યારથી હું ત્યાં બેઠો છું."

બીબીસી

જૅક કેલિસે પૂછ્યું, 'તમે મને શીખવશો?'

સૂર્યકુમાર યાદવ

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP

સૂર્યકુમાર યાદવ 2016માં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમનો હિસ્સો હતા. સૂર્યકુમારે એક મૅચમાં ઉત્તમ શૉટ ફટકાર્યો હતો. એ સમયે વિશ્વના સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડરો પૈકીના એક જૅક કેલિસ કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ હતા. તેમણે સૂર્યકુમારને પૂછ્યું હતું કે,' તમે આ શૉટ મારતાં મને શીખવાડશો?'

બીબીસી

ક્રિકેટમાંથી સૂર્યકુમારની કમાણી

  • આઈપીએલની 2012ની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમવા માટે તેમને રૂ. 20 લાખ મળ્યા હતા.
  • 2014થી 2017 સુધી કેકેઆર માટે પ્રતિ સીઝન રૂ. 70 લાખ મળ્યા હતા.
  • 2018માં મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્રતિ સીઝન રૂ. 3.20 કરોડ મળ્યા હતા.
  • 2022માં મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્રતિ સીઝન રૂ. આઠ કરોડ મળ્યા છે.
  • બીસીસીઆઈમાં ગ્રેડ સી કરાર હેઠળ તેમને વાર્ષિક રૂ. એક કરોડ મળે છે.
બીબીસી

ડેબ્યૂ મૅચમાં જોફરા આર્ચરના બૉલ પર લગાવ્યો છગ્ગો

જોફરા આર્ચરને વિશ્વના સૌથી ઝડપી બૉલર ગણવામાં આવે છે. નવા બૉલ સાથે બૉલિંગ કરતાં જોફરા આર્ચર સારામાં સારા બેટ્સમેનો માટે માથાના દુઃખાવા જેવા છે.

જે મેચથી સૂર્યકુમારે પદાર્પણ કર્યું હતું, એમાં તેમને બેટિંગની તક મળી ન હતી. બીજી મેચમાં રોહિત શર્મા અને કે એલ રાહુલની જોડી મેદાનમાં ઊતરી હતી. આર્ચરે રોહિત શર્માને આઉટ કર્યા પછી તેમના સ્થાને સૂર્યકુમાર મેદાનમાં ઊતર્યા હતા.

જોફરા આર્ચરની લૅગ સ્ટમ્પ તરફના ઊછળતા બૉલને સૂર્યકુમારે નટરાજ શૈલીમાં ફાઈન લૅગ તરફ ફ્લિક કર્યો હતો. એ છગ્ગાથી આખું ક્રિકેટવિશ્વ સ્તબ્ધ થઈ ગયુ હતું.

ડેબ્યૂ કરતા ખેલાડી પર સામાન્ય રીતે દબાણ હોય છે, પરંતુ સૂર્યકુમાર યાદવે છગ્ગો ફટકારીને પદાર્પણ કર્યું હતું અને તે પણ જોફરા આર્ચરના પહેલા બૉલ પર જ.

‘ઝી સિનેમા’ ઉપનામ કોણે આપ્યું?

મુંબઈ ટીમના પર્ફોર્મન્સ એનાલિસ્ટ સૌરભ વલકરે સૂર્યકુમારની ઑલરાઉન્ડ ગેઇમ જોઈને તેમનું નામ ‘ઝી સિનેમા’ રાખ્યું છે.

ક્રિકઈન્ફો વેબસાઈટ પર નાગરાજ ગોલાપુડી સાથેના એક ઈન્ટર્વ્યૂમાં સૂર્યકુમારે આ વાત પાછળની કહાણી જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, “તમારી ગેઇમમાં ઍક્શન, મસ્તી, ડ્રામા બધું જ છે એટલે તમે ઝી સિનેમા છો, એવું સૌરભ વલકરે મને કહ્યું હતું.”

બીબીસી

ટી-20 વર્લ્ડકપ પહેલાં ખાસ તૈયારી

સૂર્યકુમાર યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૂર્યકુમાર યાદવ

બહુ ઓછા લોકોને ખબર હશે કે, ટી20 વર્લ્ડકપની તૈયારી માટે સૂર્યકુમારે મુંબઈના પારસી જીમખાનામાં ગ્રીન પીચ બનાવવાની વિનંતી કરી હતી. ગ્રીન પીચ પર બૉલ ઊછળતો હોય છે.

મુંબઈના ભૂતપૂર્વ ખેલાડી વિનાયક માનેના માર્ગદર્શન હેઠળ સૂર્યકુમારે તે પીચ પર અથાક અભ્યાસ કર્યો હતો. વરિષ્ઠ ખેલ પત્રકાર મકરંદ વાયંગકરે એક ટ્વીટમાં લખ્યુ હતું કે, “દરરોજ ચાર કલાકના સત્રમાં તેમણે સૂર્યકુમારના વિવિધ સ્ટ્રોકને વધારે કૉમ્પેક્ટ તથા સટીક બનાવવા માટે કામ કર્યું હતું.”

બીબીસી
બીબીસી