IND vs PAK : 'બ્લૅન્ક ચેકમાં જોઈએ એટલી રકમ ભરી લો, પણ ભારતને હરાવી દો', પાકિસ્તાની ખેલાડીને મળેલી ઑફર

ગાવસ્કર અને રમીઝ રાજા

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા રમીઝ રાજા અને સુનીલ ગાવસ્કર (ફાઇલ ફોટો)
    • લેેખક, આદેશકુમાર ગુપ્ત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપમાં આજે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવૉલ્ટેજ મૅચ રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે સંબંધ કેવા પણ હોય પરંતુ બંને વચ્ચેની મૅચની ટિકિટો ટિકિટબારી ખૂલી એના ગણતરીના કલાકોમાં સાફ થઈ જાય છે.

મૅચ પછી જે દેશની ટીમ જીતે છે, ત્યાં ફટાકડા ફોડવામાં આવે છે અને હારેલી ટીમના દેશમાં માતમ છવાઈ જાય છે. મૅચ હારવાનો ગુસ્સો ટીવી ફોડવા પર ઊતર્યાના કિસ્સા પણ છે

મૅચ જિતાડનાર ખેલાડી રાતોરાત હીરો બની જાય છે અને છેલ્લી ઓવરમાં મૅચનું પરિણામ પલટાયું હોય તો છેલ્લી ઓવર નાખનાર બૉલર લોકોની આંખમાં ખૂંચવા લાગે છે.

આવી જ એક મૅચ શારજાહમાં રમાઈ હતી, જ્યારે પાકિસ્તાનના જાવેદ મિયાંદાદે ચેતન શર્માના છેલ્લા બૉલ પર છગ્ગો મારીને પાકિસ્તાનને જીત અપાવી હતી.

2007માં પ્રથમ ટી-20 વિશ્વ કપમાં ભારતના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ છેલ્લી ઓવર અજાણ્યા બૉલર જોગિંદર શર્મા પાસે કરાવી અને તેમણે શ્રીસંતના હાથે પાકિસ્તાનના મિસ્બાહ ઉલ હકને કૅચ કરાવીને ભારતને ચૅમ્પિયન બનાવ્યું.

તે એક ઓવરને કારણે જોગિંદર શર્મા આજે પણ ભારતમાં પ્રેમ મેળવે છે, ત્યારે મિસબાહ ઉલ હક એ શૉટ હજી નથી ભૂલ્યા.

ધોનીની કૅપ્ટન તરીકેની સફળતાની અદ્ભુત કહાણીનો એ એક મહત્ત્વનો ભાગ છે.

હજી સુધી ભારત અને પાકિસ્તાન એક વખત ફરી ટી-20 વિશ્વકપમાં સામસામે હશે તો ખેલાડીઓની જૂની યાદો પણ તાજી થશે. ખાસ કરીને ત્યારે જ્યારે આ બંને દેશ માત્ર આઈસીસીની ટુર્નામેન્ટમાં જ સામસામે આવે છે.

મિસબાહ ઉલ હક કહે છે કે જ્યારે પણ આ બંને દેશો સામસામે આવે છે, ત્યારે કઈ ટીમની શું રૅન્કિંગ છે, કઈ ટીમ કેટલી મજબૂત છે, એ બધું મહત્ત્વનું નથી રહેતું. મૅચ ભલે હૉકીની હોય કે ક્રિકેટની, હંમેશાં રોમાંચક જ હોય છે અને તેનો અંત પણ રોમાંચક હોય છે.

line

'વર્લ્ડકપમાં પાકિસ્તાનને શું થાય છે, સમજાતું નથી...'

ધોની અને આફરીદી

ઇમેજ સ્રોત, Vivek Prakash-ICC

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન ક્યારેય વર્લ્ડકપમાં ભારતને હરાવી શક્યું નથી.

ક્યારેક અતિ લોકપ્રિય ફાસ્ટ બૉલર રહેલા પાકિસ્તાનના સિકંદર બખ્ત કહે છે કે, "આ બંને દેશો વચ્ચે પ્રતિસ્પર્ધા બહુ રસપ્રદ છે. મને આશ્ચર્ય થાય છે કે ક્યારેય વર્લ્ડકપમાં અમે ભારતને હરાવી નથી શક્યા."

"એક સમય એવો પણ હતો કે પાકિસ્તાનની ટીમ ભારતને સરળતાથી હરાવી દેતી હતી, પરંતુ વિશ્વ કપમાં ક્યારેય અમે ભારતને હરાવ્યું નથી."

તેઓ કહે છે કે, "આ વિચિત્ર વાત છે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં અમે ભારતને ફાઇનલમાં જબરદસ્ત રીતે હરાવ્યું હતું, પરંતુ આઈસીસી વર્લ્ડકપમાં શું થાય છે, એનું કારણ સમજાતું નથી."

બંને દેશોના ખરાબ સંબંધ પાછળ રાજકારણને જવાબદાર ગણાવતા સિકંદર બખ્ત કહે છે, "સામાન્ય લોકોના વિચાર રાજકારણથી અલગ છે."

"મને ભારતમાં જ્યાં પણ રમવાનો મોકો મળ્યો, હું એકલો જ ફર્યો. મને ક્યારેય કોઈએ એવી વાત નથી કહી કે જેથી મને ડર લાગે, ના તો મારું અપમાન થયું છે."

તેઓ કહે છે કે "લોકો વાતચીતની ઢબથી સમજી જતા કે હું પાકિસ્તાનનો છું પરંતુ મને ક્યારેય ભય નથી લાગ્યો. ભારતના ક્રિકેટરો પણ આવું જ કહેશે, ધોની ફિલ્મમાં પણ આવું જ દર્શાવાયું હતું."

સિકંદર બખ્ત ધોની ફિલ્મના નિર્દેશકના એ સીન ન કાપવા માટે વખાણ કરે છે.

આ સીનમાં જ્યારે ધોનીને ફોન કરવો હોય છે તો એક દુકાનદાર તેમને ફોન આપે છે, જ્યારે તે દિવસોમાં મોબાઇલ ફોનનો દોર નહોતો. તે દુકાનદાર કહે છે કે તમને જેટલી વાત કરવી હોય કરો.

સુનીલ ગાવસ્કરની વાત કરતાં સિકંદર બખ્ત કહે છે કે જ્યારે તેઓ એશિયન ચૅમ્પિયનશિપમાં પાકિસ્તાનમાં કૉમેન્ટ્રી કરવા આવ્યા હતા, ત્યારે તેઓ પોતે તેમને શૉપિંગ માટે લઈ ગયા હતા. કોઈ પણ દુકાનદારે તેમની પાસેથી પૈસા ન લીધા.

તેઓ કહે છે કે, "આ આશ્ચર્જનક વાત છે અને ખેલાડીઓ તથા નાગરિકોની પરસ્પર સમજણ એકદમ ભિન્ન છે. આ સુંદર સંબંધ છે."

line

જ્યારે શેઠે રમીઝ રાજાને કોરો ચૅક આપવાની વાત કહી...

રમીઝ રાજા

ઇમેજ સ્રોત, Gareth Copley

ઇમેજ કૅપ્શન, રમીઝ રાજા હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન છે.

બંને દેશો વચ્ચેના રાજકારણ પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરતા તેઓ કહે છે કે મેદાનની બહાર જે પરસ્પર પ્રેમ અને સૌહાર્દ છે, તે મેદાનની અંદર પ્રતિસ્પર્ધામાં બદલાઈ જાય છે.

તેઓ વર્લ્ડકપમાં પાકિસ્તાનની ભારત સામે હંમેશાં થતી હારથી હતાશા વ્યક્ત કરે છે.

તેઓ કહે છે કે "ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ સિવાય ઢાકામાં પણ અમે ભારતને હરાવ્યું હતું, જ્યારે શાહિદ આફ્રિદીએ છગ્ગા ફટકાર્યા હતા."

"જાવેદ મિયાંદાદે છેલ્લા બૉલ પર છગ્ગો ફટકાર્યો, ત્યારે પણ શારજાહમાં ભારત હાર્યું હતું પણ આઈસીસી વર્લ્ડકપમાં પાકિસ્તાનને શું થાય છે એ સમજાતું નથી."

સિંકદર બખ્ત કહે છે કે "મેં ઘણી વખત વિચાર્યું છે પણ જવાબ મળ્યો નથી. બની શકે કે રેકૉર્ડ એટલે જ બને છે કે તેને તોડી શકાય અને બની શકે કે અમે આ વિશ્વ કપમાં જીતી જઈએ."

સિકંદર બખ્ત કહે છે કે બંને દેશોનું ખાનપાન, કપડાં, માહોલ એક જેવાં છે. ફિલ્મો પણ તેમની જોઈએ છીએ. સંસ્કૃતિ પણ એકસરખી છે.

સિકંદર બખ્ત કહે છે કે જ્યારે 1979માં તેઓ ભારતની ટૂર પર આવ્યા હતા ત્યારે તેમના મિત્રનાં માતાએ તેમને કહ્યું હતું કે "ભારત જાઓ છો, તો હારીને ન આવતા અને જો હારી જાવ તો ઘરે ન આવતા."

તેઓ કહે છે કે, "અમારા પર ખૂબ દબાણ હતું અને અમે સિરીઝ હારી ગયા."

"અમને યાદ છે કે સ્વદેશ પરત ફર્યા તો કસ્ટમના લોકોએ અમારી અનેક વસ્તુઓ રાખી લીધી હતી. અમે ભારત સામે હારીને આવીએ તો બહુ ખરાબ રિઍક્શન આવતું."

હાલમાં પાકિસ્તાનના પૂર્વ કૅપ્ટન રમીઝ રાજા જ્યારે પીસીબી ચૅરમૅન બનીને કરાચી ગયા, તો ત્યાં ચેમ્બર ઑફ કૉમર્સમાં લોકો સાથે મુલાકાત કરી.

આ મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે એક મોટા શેઠે તેમને કહ્યું હતું કે બ્લૅન્ક ચેક લઈ લો અને ભારતને હરાવીને જે ઇચ્છો તે ઍમાઉન્ટ ભરી દો.

આ પ્રકારનું પ્રેશર હોય છે. આની અસર ખેલાડીઓ પર પડે છે.

જ્યારે તેઓ મૅચ પહેલાં રાતના સૂવા જઈ રહ્યા હતા તો તેમનાં સ્વપ્નમાં પણ મૅચની વાતો જ ચાલતી રહે છે કે લોકો કેવી રીતે જોશે.

સિકંદર બખ્ત આગળ કહે છે કે "જો અમે ભારત સામે પહેલી મૅચ જીતી જઈએ તો પછી વિશ્વ કપ જીતવામાં સરળતા થશે."

line

બંને દેશોના દર્શકો પર દબાણ

ભારત પાકિસ્તાનના દર્શકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત અને પાકિસ્તાન બંને દેશોના ખેલાડીઓ પર મૅચ વખતે ભારે દબાણ હોય છે

ભારત અને પાકિસ્તાન મૅચને લઈને પાકિસ્તાનના એક પૂર્વ ઑફ સ્પિનર તૌસીફ અહમદ કહે છે કે "અમે જાણીએ છીએ કે આ એક રમત છે, જેમાં એક ટીમ જીતે અને એક ટીમ હારે."

"જો અમે ઑસ્ટ્રેલિયા સામે હારી જઈએ તો ચાલે. ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચમાં જેમ રસાકસી સર્જાતી, તેવી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાતી."

તેઓ કહે છે કે, "આનું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સદીઓથી ચાલતો તણાવભર્યો સંબંધ છે. ભારતની સામે મેં પણ બહુ ક્રિકેટ રમ્યો અને એ દબાણ અલગ જ જાતનું હોય છે."

"આ દબાણ ખેલાડીઓ પર ઓછું અને દર્શકો પર વધારે હોય છે, જે ટીમને હારતી નથી જોવા માગતા અને આ દબાણ પછી ખેલાડીઓ પર પણ આવે છે."

તેઓ કહે છે કે "આ દબાણ ખેલાડીઓ માટે ભારે પડે છે અને તેમાં રમવું એ મોટી વાત છે. આ ભાવનાઓ પર કાબૂ મેળવવાની વાત છે."

"પહેલાંના ખેલાડીઓ ભાવનાત્મક રીતે વધારે મજબૂત હતા. જેમકે જાવેદ મિયાંદાદ, ઇમરાન ખાનમાં નિર્ણય લેવાની ક્ષમતા હતી. ભારતની વિરુદ્ધ દબાણ હોય તો પણ એ બહાર ન દેખાડે."

"અમે ભારતમાં ટેસ્ટ અને વન ડે સિરીઝ પણ જીત્યા, ત્યારે ખેલાડીઓ ભાવનાઓ પર કાબૂ રાખતા હતા. અત્યારના ખેલાડીઓમાં એ વાત નથી."

"સાચું કહું તો હવે ભારત હાવી થઈ રહ્યું છે. ભારત પાસે પહેલાં પણ મહાન ખેલાડીઓ હતા, પરંતુ જાવેદ મિયાંદાદ બધા પર ભારે પડતા હતા."

"ભારતીય ખેલાડીઓ પણ માને છે કે તેઓ શાનદાર ખેલાડી હતા, તેઓ હરીફ ટીમના ખેલાડીઓને પરેશાન કરી નાખતા, એ ખેલનો ભાગ હતો. આજે પણ સ્લેજિંગ થાય છે, પહેલાં પણ થતું, પરંતુ આટલું ખરાબ નહીં."

તૌફીક અહમદ અંતે કહે છે કે તેમની ખુશનસીબી છે તેઓ જાવેદ મિયાંદાદ, ઇમરાન ખાન, મુદ્દસર નઝર અને રમીઝ રાજા જેવા ખેલાડીઓની સાથે રમ્યા, જેઓ દબાણમાં રમવાનું જાણતા હતા.

તેઓ કહે છે કે કેટલાક સમય પહેલાંની ટીમો નહીં પરંતુ હાલ વિશ્વ કપ માટેની પાકિસ્તાન ટીમ દબાણમાં રમવાનું જાણે છે.

line

ભારત અને પાકિસ્તાન ટી-20 વિશ્વ કપમાં

ભારત પાકિસ્તાનના દર્શકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2016માં થયેલા વિશ્વ કપમાં ભારતે પાકિસ્તાનને સુપર-10માં ગ્રૂપ બેના મુકાબલામાં છ વિકેટથી હરાવ્યું.

વર્ષ 2007માં રમાયેલા વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન ગ્રૂપ ડીમાં એક સાથે હતા, જ્યાં ભારતીય ટીમ ટાઈ પછી બૉલ આઉટમાં 3-0થી જીતી હતી. ત્યાર બાદ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ રનથી હરાવ્યું હતું.

વર્ષ 2009માં થયેલી અભ્યાસ મૅચમાં ભારતે પાકિસ્તાનને નવ વિકેટથી હરાવ્યું.

2010માં વિશ્વકપમાં ભારત પાકિસ્તાન સામસામે ન આવ્યા.

2012માં વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને સુપર 8 આઠ વિકેટથી માત આપી હતી.

2014માં વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને સુપર-10માં ગ્રૂપ મૅચમાં સાત વિકેટથી હરાવ્યું હતું.

2016માં થયેલા વિશ્વકપમાં ભારતને પાકિસ્તાનને સુપર-10માં ગ્રૂપ બેના મુકાબલામાં છ વિકેટથી હરાવ્યું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન