ટી-20 વર્લ્ડકપ : પાકિસ્તાનને હરાવનાર ઝિમ્બાબ્વે સૂર્યકુમાર સામે કેવી રીતે ઝૂકી ગયું?

સૂર્યકુમાર યાદવ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવની અણનમ શાનદાર ઇનિંગ્સ બાદ મેલબર્નના મેદાનમાં ભારતીય બૉલર્સે પણ તરખાટ મચાવ્યો હતો. ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું છે. ભારતે ઝિમ્બાબ્વેને જીત માટે 187 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

187 રનના લક્ષ્યનો પીછો કરતી ઝિમ્બાબ્વેની ટીમ 115 રનમાં પરાસ્ત થઈ હતી.

ભારત તરફથી આર અશ્વિને ત્રણ વિકેટ ખેરવી હતી. જ્યારે મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકટ પોતાના નામે કરી હતી. ભુવનેશ્વરકુમાર, અર્શદીપસિંહ અને અક્ષર પટેલના ખાતામાં એક-એક વિકટ આવી હતી.

ભારતની પ્રથમ ઇનિંગ્સમાં કેએલ રાહુલે 51 અને સૂર્યકુમાર યાદવે અણનમ 61 રન (25 બૉલ) ફટકાર્યા હતા. તેમણે છ બાઉન્ડરી અને ચાર સિક્સર ફટકારી હતી. ભારતીય બેટરોએ અંતિમ પાંચ ઓવરમાં 79 રન ઉમેર્યા હતા. જેમાં 56 રન(19 બૉલ) સૂર્યકુમાર યાદવે ફટકાર્યા હતા.

સૂર્યકુમારની શાનદાર ઇનિંગ્સથી ભારતીય ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટ પર 186 રનના મજબૂત સ્કોર સુધી પહોંચી શકી હતી.

ઝિમ્બાબ્વે સામે રવિવારની મૅચમાં કૅપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો હતો. પરંતુ બેટિંગ કરવા રોહિત (15 રન) જ્યારે ઊતર્યા તો લાંબી ઇનિંગ્સ રમી શક્યા નહોતા.

બીબીસી

રાહુલનો કમાલ

કે. એલ. રાહુલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કે. એલ. રાહુલ

રાહુલે શરૂઆતમાં સંભાળીને બેટિંગની શરૂઆત કરી હતી પરંતુ મૅચ જેમ આગળ વધી તેમ તેઓ વધુ આક્રમક રમતા ગયા. રાહુલે કૅપ્ટન રોહિત સાથે મળીને 27 રન જોડ્યા હતા. રોહિતને બ્લેસ્ગિંસ મુઝારબાનીએ આઉટ કર્યા હતા.

બાદમાં જ્યારે વિરાટ કોહલી મેદાનમાં ઊતર્યા ત્યારે તેમણે પ્રથમ બૉલમાં જ બાઉન્ડરી ફટકારીને શરૂઆત કરી હતી. અને સામે રાહુલ પણ આક્રમકતા સાથે શોટ્સ ફટકારી રહ્યા હતા.

પ્રથમ પાંચ ઓવરમાં 36 રન બનાવનારી ભારતીય ટીમના સ્કોર બોર્ડ પર 10 ઓવર બાદ 79 રન થઈ ચૂક્યા હતા.

ઝિમ્બાબ્વેને બીજી સફળતા 12મી ઓવરમાં શૉન વિલિયમ્સે અપાવી હતી. રાહુલ સાથે 60 રનની પાર્ટનરશિપ કરનારા કોહલીએ 25 બૉલમાં 26 રન બનાવ્યા હતા.

દિનેશ કાર્તિકની જગ્યાએ ટીમમાં ઋષભ પંત (3 રન) ખાસ રન કરી શક્યા નહોતા. તેઓ વિલિયમ્સનો બીજો શિકાર બન્યા હતા. 14 રનની અંદર ત્રણ મહત્ત્વની વિકેટો ગુમાવ્યા બાદ ભારતીય ટીમ મુશ્કેલીમાં જણાઈ રહી હતી.

બીબીસી

સૂર્યકુમારની ધમાદેકાર બેટિંગ

સૂર્યકુમાર યાદવે 17મી ઓવરમાં રિચર્ડ નગરાવાને નિશાન પર લીધા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સૂર્યકુમાર યાદવે 17મી ઓવરમાં રિચર્ડ નગરાવાને નિશાન પર લીધા

ત્યાર બાદ સૂર્યકુમાર યાદવે મૅચને સંભાળી હતી અને આવતાની સાથે જ 16મી ઓવરમાં બે બાઉન્ડરી ફટકારી હતી. આ જ ઓવરમાં હાર્દિક પંડ્યાએ પણ એક બાઉન્ડરી ફટકારી હતી.

સૂર્યકુમાર યાદવે 17મી ઓવરમાં રિચર્ડ નગરાવાને નિશાન પર લીધા હતા. આ ઓવરમાં તેમણે આક્રમક બેટિંગ કરી 12 રન કર્યા હતા.

બૉલર્સે સૂર્યકુમારને રોકવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ તેઓ રોકી ન શક્યા અને જોતજોતામાં તેમણે ટીમનો સ્કોર 150 પાર પહોંચાડી દીધો હતો.

સૂર્યકુમાર સાથે 65 રનની પાર્ટનરશિપ કરનારા હાર્દિક પંડ્યા ઇનિંગ્સની 20મી ઓવરમાં આઉટ થયા હતા. તેમણે 18 બૉલમાં 18 રન કર્યા હતા.

સૂર્યકુમારને અંતિમ ઓવરમાં ત્રીજા બૉલ પર સ્ટ્રાઇક મળી હતી અને તે બૉલ પર તેમણે અવિશ્વસનીય સિક્સર ફટકારી હતી. બાદના બૉલમાં તેમણે 23 બૉલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી.

અંતિમ બૉલમાં પણ તેમણે સિક્સ ફટકારી ભારત ટીમને 186 રનના મજબૂત સ્કૉર પર પહોંચાડી હતી.

બીબીસી

ભારતીય બૉલરોનો તરખાટ

ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતને પ્રથમ સફળતા ભુવનેશ્વરકુમારે બીજી ઇનિંગ્સના પ્રથમ બૉલમાં જ અપાવી હતી. તેમણે વેસ્લી મધેવેરની વિકેટ ખેરવી હતી. બાદમાં બીજી ઓવરમાં અર્શદીપે ચકબવાને બોલ્ડ કરી બીજી સફળતા અપાવી હતી. આ બંને ખેલાડી એક પણ રન બનાવ્યા વગર આઉટ થયા હતા.

છઠ્ઠી ઓવરમાં મોહમ્મદ શમીએ શૉન વિલિયમ્સને આઉટ કર્યા હતા. વિલિયમ્સે 11 રન કર્યા હતા.

સાતમી ઓવરમાં હાર્દિક પંડ્યાએ ક્રેગ એર્વાઇનનો કેચ પોતે જ કરી લીધો હતો. તેમણે 13 રન કર્યા હતા.

આઠમી ઓવરમાં શમીએ ઝિમ્બાબ્વેને પાંચમો ઝટકો આપ્યો હતો. તેમણે ટોની મુનિઓંગાને (5 રન) આઉટ કર્યા. આ રીતે ઝિમ્બાબ્વેની અડધી ટીમ માત્ર 36 રનમાં પેવેલિયન પહોંચી ગઈ હતી.

દસ ઓવર બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર પાંચ વિકેટ પર 59 રન પર હતો. અંતિમ 60 બૉલમાં વિરોધી ટીમને જીત માટે 60 બૉલમાં 128 રનની જરૂર હતી.

સ્પિનર્સના આવ્યા બાદ ઝિમ્બાબ્વેના ખેલાડી સરળતાથી રન બનાવી રહ્યા હતા. સિકંદર રઝા અને રાયન બર્લે ભારતીય બૉલરોને નિશાના પર લીધા હતા.

હારનું અંતર ઓછું કરવા માટે મથી રહેલી આ જોડીને અશ્વિને તોડી હતી. તેમણે બર્લ (35 રન)ને બૉલ્ડ કર્યા હતા. બર્લે રઝા સાથે મળીને 60 રન કર્યા હતા. આ બાદ અશ્વિને વેલિંગટન મસ્કાદઝા (1 રન)ને રોહિત શર્માના હાથે કેચ આઉટ કર્યા હતા.

આ જ ઓવરમાં તેમણે રિચર્ડ નગારવા(1 રન)ને બૉલ્ડ કર્યા હતા.

સિકંદર રઝા(34 રન)ને આઉટ કરી હાર્દિક પંડ્યાએ ભારતને નવમી સફળતા અપાવી હતી. જ્યારે અંતિમ વિકેટ અક્ષર પટેલે ખેરવી હતી.

બીબીસી
બીબીસી