વિરાટ કોહલીની બાંગ્લાદેશ સામે 'ફૅક ફિલ્ડિંગ' પર સવાલ, શું છે સમગ્ર મામલો?

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, MARK BRAKE-ICC

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલી
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટી-20 વર્લ્ડકપની મૅચ આજે પણ સમાચારોમાં છવાયેલી છે. મૅચ બહુ રોમાચંક હતી અને તેમાં ભારતનો પાંચ રને વિજય થયો હતો. એક સમયે બાંગ્લાદેશ મજબૂત સ્થિતિમાં હતું, પણ વરસાદને લીધે મૅચમાં વિક્ષેપ સર્જાયો હતો અને એ પછી બાંગ્લાદેશ બૅકફૂટ પર આવી ગયું હતું.

સતત વિકેટ ગુમાવવા છતાં બાંગ્લાદેશની ટીમ હિંમત હારી નહોતી અને છેક છેલ્લી ઓવરમાં મૅચનો ફેંસલો થયો હતો. એ જીત પછી ભારતનો સેમી ફાઈનલમાં પહોંચવાનો માર્ગ મોકળો થયો કે કેમ, એ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ભારતની સ્થિતિ મજબૂત જરૂર થઈ છે.

જોકે, વર્લ્ડકપમાં ઉત્તમ બેટિંગ કરી રહેલા ભારતીય ખેલાડી વિરાટ કોહલીને સાંકળતો એક વિવાદ સર્જાયો છે.

બાંગ્લાદેશના નુરુલ હસમે વિરાટ કોહલી પર ફૅક ફિલ્ડિંગનો આક્ષેપ કર્યો છે. ભારત સાથેની મૅચ પૂર્ણ થયા પછી નુરુલ હસને સનસનાટીભર્યો આક્ષેપ કર્યો હતો.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના નિયમ મુજબ, અમ્પાયરને યોગ્ય લાગે તો પાંચ પેનલ્ટી રન આપી શકાય છે. બાંગ્લાદેશના દાવમાં સૌથી મોટું યોગદાન લિટન દાસે આપ્યું હતું. તેની સાથે નુરુલે પણ 25 રન ઝડપથી બનાવ્યાં હતાં. છતાં આખરે બાંગ્લાદેશ હારી ગયું હતું.

ગ્રે લાઇન

વિરાટ પરનો આક્ષેપ

બાંગ્લાદેશ ક્રિકેટર

ઇમેજ સ્રોત, SURJEET YADAV

પત્રકારો સાથે વાત કરતાં નુરુલ હસને કહ્યું હતું કે "ગ્રાઉન્ડ ભીનું હતું એ આપણે બધાએ જોયું. આપણે બધી વાતોનો ઉલ્લેખ કરતા હોઈએ તો એ પણ કહેવું પડશે કે મૅચમાં એક ફૅક થ્રો પણ કરવામાં આવ્યો હતો. પેનલ્ટી સ્વરૂપે અમને પાંચ રન મળી શક્યા હોત, પણ એવું થયું નહીં."

મૅચ દરમિયાન જબરી બેટિંગ કરી રહેલા બાંગ્લાદેશના ઓપનર લિંટન દાસ 24 બોલમાં 56 રન નોંધાવી ચૂક્યા હતા. મૅચની સાતમી ઓવર અક્ષર પટેલે કરી હતી. એ ઓવરના બીજા બોલ પર લિંટને સ્વીપર બાઉન્ડ્રી કટ મારી હતી.

પહેલો રન આસાનીથી લીધા બાદ બન્ને બૅટ્સમૅન બીજો રન લેવા દોડતા હતા ત્યાં જ, 30 મીટર સર્કલમાં ઊભેલા વિરાટ કોહલી નૉન-સ્ટ્રાઈકર ઍન્ડ તરફ બૉલ ફેંકવાની ઍક્ટિંગ કરતા જોવા મળ્યા હતા.

આ એ સમયે થયું હતું, જ્યારે અર્શદીપ સિંહે બાઉન્ડ્રી પરથી વિકેટકીપર તરફ ફેંકેલો બૉલ વિરાટ કોહલીની જમણી બાજુથી પસાર થઈ રહ્યો હતો. બાંગ્લાદેશી બૅટ્સમૅનોએ રન પૂરો કર્યો અને બૉલ વિકેટકીપર દિનેશ કાર્તિકના ગ્લોવ્ઝમાં પહોંચી ગયો.

આઈસીસીના નિયમ મુજબ, બૅટ્સમૅનનું ધ્યાન ભટકાવવું એ ખોટું છે. સવાલ એ છે કે વિરાટ કોહલીને કારણે બૅટ્સમૅન વાસ્તવમાં ભ્રમિત થયા હતા?

ગ્રે લાઇન

હર્ષ ભોગલેએ ચર્ચામાં ઝંપલાવ્યું

હર્ષ ભોગલે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હર્ષ ભોગલે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે વિખ્યાત કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ ચર્ચામાં ઝંપલાવ્યું હતું, પણ તેમની વાત પાકિસ્તાનને એક પત્રકારને ગમી ન હતી.

 હર્ષા ભોગલેએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે “ફૅક ફિલ્ડિંગની બાબતમાં સચ્ચાઈ એ છે કે તે કોઈએ જોઈ નહોતી. અમ્પાયરોએ તે જોઈ ન હતી. બૅટ્સમૅનોએ તે જોઈ ન હતી અને અમે પણ જોઈ ન હતી. આઈસીસીનો નિયમ 41.5 જણાવે છે કે ફૅક ફિલ્ડિંગ બદલ પૅનલ્ટી રન આપી શકાય છે (પરંતુ અમ્પાયરે તેનું અર્થઘટન કરવાનું હોય છે) પરંતુ કોઈએ તે જોયું નથી તો શું કરી શકાય.”

 તેમણે એવું પણ લખ્યું હતું કે “હું એવું વિચારતો નથી કે મેદાન ભીનું હતું એવી ફરિયાદ કોઈ કરી શકે. શાકિબ સાચા છે. તેમણે એવું કહ્યું કે તેનાથી બૅટ્સમૅનોને ફાયદો થશે ત્યારે અમ્પાયરો તથા પીચ ક્યુરેટરોએ શક્ય હોય ત્યાં સુધી મૅચ રમાડવાના પ્રયાસ કરવા પડે છે. તેમણે આ કામ સારી રીતે પાર પાડ્યું હતું. તેથી સમય ઓછો બગડ્યો.”

 હર્ષા ભોગલેએ બાંગ્લાદેશી ટીમને સલાહ આપી હતી કે તેમણે ફૅક ફિલ્ડિંગ અને મેદાન ભીનું હોવાને તેમની હારનું કારણ ગણાવવાં જોઈએ નહીં. એક બૅટ્સમૅન પીચ પર ટકી રહ્યો હોત તો બાંગ્લાદેશ આ મૅચ જીતી શકે તેમ હતું.

 મેદાન ભીનું હોવાની દલીલના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે મેદાન ભીનું હોય તો ફિલ્ડિંગ કરનાર ટીમ માટે ખરાબ પરિસ્થિતિ હતી.

 હર્ષા ભોગલેએ કહ્યું હતું કે “ભારતીય ટીમ જીતે છે ત્યારે કેટલાક લોકો અને પાડોશીઓ આવું કરે છે. તેઓ તેમની નિરાશા સંતોષવા માટે કારણો શોધવાના પ્રયાસ કરે છે.”

 ટી-20 વર્લ્ડકપમાં કૉમેન્ટ્રી કરતા હર્ષા ભોગલેની આ વાત એક પાકિસ્તાની પત્રકારને ગમી નહોતી. આ વર્લ્ડકપમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ પ્રેમીઓ ભારતીય ટીમ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને અમ્પાયરોને પણ નિશાન બનાવી રહ્યા છે.

 આ બધાની શરૂઆત ભારત-પાકિસ્તાન વચ્ચેની એ મૅચથી થઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો. એ મૅચની છેલ્લી ઓવરમાં નો બૉલ બાબતે મોટા વિવાદ સર્જાયો હતો. એ પછી પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓએ દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં ભારતના હાર બાબતે પણ સવાલ ઉઠાવ્યા હતા.

અમ્પાયરોની ભૂમિકા બાબતે પણ પાકિસ્તાનમાં જબરી ચર્ચા થઈ હતી. બીસીસીઆઈની હેસિયત અને આઈસીસીમાં તેની પહોંચને પણ એક કારણ ગણાવવામાં આવી હતી.

ગ્રે લાઇન

બીસીસીઆઈ પર આક્ષેપ

બીસીસીઆઈ

ઇમેજ સ્રોત, Getty Images

હર્ષા ભોગલેની ટિપ્પણી બાબતે એક પાકિસ્તાની પત્રકાર કામરાન યુસુફે કહ્યું હતું કે “બીસીસીઆઈ દરેક બાબતને નિયંત્રિત કરે છે અને તેમાં બ્રોડકાસ્ટર તથા કૉમેન્ટેટરનો પણ સમાવેશ થાય છે. તેથી ભારતને આઘાત લાગે એવું બધું તેઓ આપણને દેખાડશે નહીં.” 

હર્ષા ભોગલેએ કામરાનને જોરદાર જવાબ આપતાં લખ્યું હતું કે “તમારા અજ્ઞાનને હું સમજી શકું છું.” 

તેમણે કામરાનને ભ્રમ અને ટૂંકી દૃષ્ટિના શિકાર ગણાવ્યા હતા અને લખ્યું હતું કે “પાકિસ્તાનના ખેલાડીઓ તમારા જેવું વિચારતા નથી તે સદ્ભાગ્યની વાત છે.” 

અલબત, વિરાટ કોહલી પરના આક્ષેપ બાબતે લોકોમાં વ્યાપક ભિન્નમત પ્રવર્તે છે.

નઝમુસ સાજિદ ચૌધરીએ વિરાટ કોહલીના કૃત્યને શરમજનક ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે પાંચ પૅનલ્ટી રન આપવા જોઈતા હતા.

'ધ હિન્દુ' ગ્રૂપના ભૂતપૂર્વ તંત્રી એન. રામે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું હતું. તેમણે વિરાટ કોહલીને નિશાન બનાવ્યા હતા અને ભારતીય ક્રિકેટ પ્રેમીઓને સલાહ પણ આપી હતી.

એક ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે “શાંતો કે લિટન કોહલીને કથિત ફૅક ફિલ્ડિંગ કરતા જોયા હતા કે નહીં તે મહત્ત્વનું નથી. મહત્ત્વની વાત એ છે કે બૅટ્સમૅનને જાણીજોઈને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે નહીં. અમ્પાયરોએ આ મામલામાં બુદ્ધિનો ઉપયોગ ન કર્યો હોય એવું લાગે છે.”

પાકિસ્તાનના અગ્રણી અખબાર 'ધ ડૉન'નું કહેવું છે કે આગામી સપ્તાહે યોજાનારી આઈસીસી બોર્ડની બેઠકમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આ મુદ્દો ઉઠાવી શકે છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર તથા કૉમેન્ટેટર આકાશ ચોપડાએ પણ સવાલ ઉઠાવ્યો હતો કે ફૅક ફિલ્ડિંગ વાસ્તવમાં થઈ હતી કે નહીં?

રેડ લાઇન
રેડ લાઇન