બનાસકાંઠાનું એ ગામ જ્યાં સોલર પાર્ક આવી ગયો પણ હજી લોકો વીજળીના પ્રશ્નો અંગે કેમ નારાજ છે?

- લેેખક, હરિતા કાંડપાલ
- પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા ,રાઘાનેસડાથી પરત આવીને
સૌથી ખરાબ અવતાર કોઈનો હોય તો અમારો છે : ઠાકરસિંહ રબારી, રાઘાનેસડાના રહેવાસી
મેં મારી 45 વર્ષની ઉંમરમાં ગામમાં વીજળી નથી જોઈ : માવાભાઈ રબારી, રાઘાનેસડાના રહેવાસી
આટલો મોટો સોલર પ્રૉજેક્ટ ગામમાં નાખી દીધો પરંતુ અમારા ગામમાં જ વીજળી ન આવી : ધેંગા રબારી, રાઘાનેસડાના રહેવાસી
આ ત્રણે વ્યક્તિઓ ગુજરાતના બનાસકાંઠાના રાઘાનેસડા ગામના રહેવાસી છે. દીવા નીચે અંધારું એ કહેવત ગુજરાતના રાઘાનેસડા ગામને બંધ બેસે છે.
આ ગામલોકોના જણાવ્યા અનુસાર તેમણે આજ સુધી અહીં (ગામમાં) વીજળી જોઈ નથી અને તેઓ આ ગામને ‘છેલ્લા દરજ્જા’નું ગામ ગણાવે છે. ગામમાં માત્ર શાળા અને ગ્રામ પંચાયતમાં જ વીજળી છે પરંતુ લોકોનું કહેવું છે કે તેમને ઘરોમાં તારથી વીજળી નથી પહોંચી.
બીજી તરફ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે આ ગામમાં સ્કૂલ અને ગ્રામપંચાયતમાં વીજળી છે. ગામમાં બીએસએફના કૅમ્પમાં પણ વીજળી છે પરંતુ ગામના લોકો પરંપરાગત રીતે ખેતરોમાં રહે છે અને સરકાર અનુસાર તે ગામનો એ ભાગ નથી જેમાં સરકાર રહેવા માટે મંજૂરી આપે છે. સરકાર આને દબાણ માને છે. આ જ કારણ છે કે હજુ સુધી ત્યાં વીજળી નથી પહોંચી શકી.
સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે, નજીકમાં રહેવા માટે 2017માં ગામના લોકોને જમીન ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ગામલોકો પોતાના પારંપરિક નિવાસો છોડવા નથી માગતા.
ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના એમડીએ જણાવ્યું કે "ગામ તળથી દૂર ખેતરમાં રબારી સમુદાયનાં 200 જેટલાં ઘર છે તેમને સોલર લાઇટ્સ આપવામાં આવી પરંતુ તેમને ગામ તળ વડે ગ્રિડથી વીજળી કનેક્શન નથી મળ્યાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ ઘરો છૂટાંછવાયાં છે અને ગામતળથી દૂર છે, એટલે લોકોએ વ્યક્તિગત રીતે અરજી કરીને ગામ તળથી તારથી વીજ કનેક્શન પહોંચાડવા માટે પૈસા ભરવા પડે. આવી કોઈ અરજી પૅન્ડિંગ નથી."

એ ગામ જ્યાં આજ સુધી વીજળી ન આવી શકી

ભારત-પાકિસ્તાનની સરહદથી લગભગ 30 કિલોમીટર દૂર રાજસ્થાન અને કચ્છના રણવિસ્તારથી થોડાક જ કિલોમીટર દૂર વસેલા આ ગામની જમીન પર આની અસર સ્પષ્ટ જોવા મળે છે. અને જો વીજળીની વાત કરવામાં આવે તો 1400 હૅક્ટર કરતાં વધારે જમીન પર 700 કરતાંયે વધારે મેગાવૉટની ક્ષમતા ધરાવતા રાધાનેસડા અલ્ટ્રામેગા સોલરપાર્કનું નિર્માણ થયું છે, પરંતુ આ પ્રૉજેક્ટ જ્યાં છે એ ગામમાં જ આજે પણ તારથી વીજ કનેક્શન પહોંચ્યા નથી.
રાઘાનેસડાની નજીકમાં જ આવેલા એક ટેકરા પર જતા રહો તો તમે ઘણા કિલોમીટર દૂર સુધી પથરાયેલી હજારો સોલર પૅનલ્સ જોઈ શકો.
આટલો મોટો પ્રૉજેક્ટ આવવાથી લોકોને આશા હતી કે એમને રોજગારી મળશે અને ગામના યુવાનોને મજૂરી અને નાનું મોટું કામ મળી રહ્યું છે.
જો આ ગામના શિક્ષણની વાત કરવામાં આવે તો, ગામ લોકો મુજબ એવા ખૂબ ઓછા લોકો છે જેમણે દસમા કે બારમા ધારણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો હશે અને અહીંના લોકો ખેતી કે ખેતરોમાં મજૂરીનાં કામ કરે છે. આ સાથે જ મનરેગા પણ એમની આવકનો એક ભાગ છે.

જો કોઈ સાંભળતા જ નથી તો મતદાન શા માટે કરીએ?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઠાકરસિંહ રબારીએ ગામના જ સોનાભાઈ હેમાભાઈના ખેતરમાં ખોદાયેલા ખાડા બતાવતાં કહ્યું, "આ ખાડા ખોદીખોદીને પાણી પીએ છીએ અને રાતો અંધારામાં વિતાવીએ છીએ."
ગામની ખેતી વરસાદ પર આધારિત છે. સોનાભાઈ હેમાભાઈએ જણાવ્યું કે જે વરસે વરસાદ થાય તે વરસે પોતાના ખેતરમાં બાજરો, જીરું વગેરે ઉગાડે છે, નહીંતર સિંચાઈ માટે નર્મદા કૅનાલનાં પાણીની રાહ જોવી પડે છે.
તેમણે કહ્યું કે, "જો સમયસર પાણી મળી ગયું તો નવેમ્બરમાં જીરું વાવીશું."
હાલ તો એમના સૂકા અને ઊબડખાબડ ખેતરમાં વચ્ચોવચ એક ઝાડની નીચે એક ગાય બાંધેલી હતી, નજીકમાં જ એક નાનકડી સોલર પૅનલ રાખેલી હતી.
ખેતરના ખૂણે એમનું ઘર હતું, જેમાં એક કંતાન અને ઘાસ બાંધીને રસોડું ઊભું કરાયું હતું. વચ્ચે એક નાનો ઓરડો હતો જેમાં સોલર પૅનલની બૅટરી અને બે બલ્બ લાગેલાં હતાં.
બસ આ એક જ ઓરડામાં દરવાજો હતો. બાજુમાં એક ઓસરી જેવી જગ્યા હતી જ્યાં થોડાક ખાટલા રાખવામાં આવ્યા હતા.
સોનાભાઈનાં પત્ની કેશુબહેને કહ્યું કે જ્યારથી તેઓ લગ્ન કરીને આવ્યાં ત્યારથી તેમની આવી જ સ્થિતિ છે. તેમણે કહ્યું, "જો ખબર હોત કે આ ગામમાં આ જ રીતે જીવવું પડશે તો અહીં લગ્ન ના કરત."
તેમના બે પુત્ર છે. ગામના અન્ય લોકોની જેમ એ બંને પણ મજૂરી કરે છે.
તેમણે કહ્યું, "ગરમી હોય કે ઠંડી, વરસાદ હોય કે તડકો, બસ આ રીતે જ અમારું જીવન પસાર થાય છે. અંધારું થયા પછી જીવન જાણે અટકી જાય છે."
તેમણે કહ્યું, "સાંજ પડતાં જ ખાવાનું ખાઈએ છીએ અને એમ જ ખાટલામાં સૂઈ જઈએ છીએ. બીજું કરીએ પણ શું? ન બાળકો ભણી શકે છે, ન ટીવી છે, ન તો રાતના અંધારામાં કશુંયે કરી શકવાની શક્યતા છે."

ખાડાઓમાંથી કાઢેલું ખારું પાણી પીવા માટે મજબૂર

ત્યાંથી થોડાક જ અંતરે ગામના રબારી સમુદાયના લોકોનાં ઘર છે.
માવાભાઈ રબારી પોતાના ઘરે એક હાથથી ઘાસ ભેગું કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે થોડાં વરસ પહેલાં કામ કરતી વખતે મશીનમાં એમનો એક હાથ કપાઈ ગયો હતો અને વાત કરતાં કરતાં તેમણે અમને ઘર, પાણીના વેરાની રસીદ બતાવી.
તેમણે કહ્યું, "45 વર્ષમાં આજ સુધી મારા ગામમાં મેં વીજળી નથી જોઈ. અમે તો મજૂરી કરીને અમારું જીવન પસાર કર્યું. હવે નવી પેઢી માટે વધારે મુશ્કેલીઓભર્યો સમય છે. "
એમને પણ બે પુત્ર છે. પુત્રો પાસે મોબાઇલ ફોન છે.
માવાભાઈએ જણાવ્યું, "છ-સાત વર્ષ પહેલાં સરકાર તરફથી મળેલી સોલર પૅનલ સાથેની બૅટરી બદલાવી હતી, દિવસે મોબાઇલ ફોન ચાર્જ કરી લઈએ છીએ જેથી રાત્રે ખાવાનું બનાવવા માટે એક બલ્બ ચાલુ કરવા જેટલું અજવાળું થઈ શકે."

ત્યાં જ, અગરબહેન રબારીએ કહ્યું, "મારા પિયરમાં બધું જ છે. ટીવી ઉપરાંત વીજળીથી ચાલતી અન્ય વસ્તુઓ પણ છે, પરંતુ મારી સાસરીમાં કશું નથી. હવે સોલરથી થોડું અજવાળું થોડી વાર માટે થાય છે. પહેલાં તો રાત્રે તેલના દીવા બાળતા હતા. કહો, કેટલી વાર સુધી સળગે તેલનો દીવો!, બસ, પછી અંધારામાં રહેતાં હતાં."
અહીં માત્ર વીજળીની સમસ્યા છે એવું નથી. ગામલોકો પાણીની સમસ્યા પણ વેઠે છે.
એમના જણાવ્યા અનુસાર, 2014માં પાણી માટે પાઇપલાઇન નાખવામાં આવી પરંતુ પાણી આવતું નથી. ગામમાં ટૅન્કરથી પાણી આવે છે પરંતુ એનાથી પણ પાણી માટેનો સંઘર્ષ સમાપ્ત નથી થતો.
કેશુબહેને કહ્યું, "ખેતરમાં વીરડો (ખાડો) ખોદી ખોદીને પાણી કાઢી લાવીએ છીએ. એ જ પાણી પોતે પીએ છીએ અને પશુઓને પણ પાઈએ છીએ."
ગામના 22 વર્ષીય યુવાન વશરામ રબારીએ કહ્યું કે અહીંનું પાણી એટલું બધું ખારું છે કે બાજરીના રોટલા બનાવીએ તો એમાં મીઠું નાખવાની જરૂર નથી પડતી.
ગામની જમીન ખારી હોવાના કારણે બોરવેલ ખોદવો પણ નકામો છે.
ઠાકરસિંહભાઈ રબારીએ ખેતરમાં ખોદેલા ઘણા ખાડા તરફ ઇશારો કરતાં કહ્યું, "ચોમાસા પછી થોડા મહિના સુધી વીરડામાં મીઠું પાણી મળે છે, પછી ખારું પાણી આવવા લાગે છે. થોડા સમય સુધી એક ખાડામાંથી પાણી નીકળે છે, પછી નવો ખાડો ખોદવો પડે છે."
ગામમાં એક હજાર કરતાં વધારે મતદારો છે. એક યુવાન અમૃત રબારીની નારાજગી દેખાઈ આવે છે, તેમણે કહ્યું, "ગામમાં કશુંયે નથી. વીજળી નથી, પાણી નથી. અમારાં બાળકોના શિક્ષણની હાલત ખરાબ છે. અમે મતદાન નહીં કરીએ. જ્યારે કોઈ અમારી વાત જ નથી સાંભળતું, તો મત આપવાથી શો ફાયદો? "


પહેલાં શું પ્રયત્નો થયા?

તો, ગામના સરપંચ રત્નાભાઈ ઠાકોરે બીબીસીને જણાવ્યું કે , "2017 પહેલાં ગામમાં સરકારી યોજના અંતર્ગત સોલર પૅનલ આપવામાં આવી હતી, જોકે બધા લોકો એનો લાભ નહોતા લઈ શક્યા. આટલાં વર્ષો પછી કેટલાક લોકો એ સોલર પૅનલની બૅટરીને બદલાવી શક્યા છે. રાત્રે એ બૅટરીથી એકાદ-બે બલ્બની વ્યવસ્થા કરી શકે છે."
રત્નાભાઈના જણાવ્યા અનુસાર, ગામની સમસ્યાઓ બાબતે અધિકારીઓ સમક્ષ તેઓ ઘણી વાર પોતાની રજૂઆત કરી ચૂક્યા છે.

ખેતરોમાં રહે છે લોકો

સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે ગામનું ક્ષેત્રફળ મોટું છે અને લોકો ખેતરોમાં રહે છે તેથી એમને વીજળી નથી આપી શકાઈ.
સ્થાનિક પ્રશાસન મુજબ લોકો પરંપરાગત રીતે ખેતરોમાં રહે છે. અગાઉ કલેક્ટરની પરમિશન લઈને ગામ તળ નીમ કરાવ્યું અને ગામને ફાળવ્યું. ગામ લોકોને ત્યાં રહેવા માટે કહેવામાં આવ્યું પરંતુ લોકો પરંપરાગત રીતે ખેતરોમાં રહેવા માગે છે જેને સરકાર દબાણની જગ્યા માને છે.
બીબીસી ગુજરાતીએ કલેક્ટર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.
પહેલાં, અહીંથી છ-સાત કિલોમીટર દૂર આવેલાં કુંડાલિયા અને બરડવી ગામની સાથે રાઘાનેસડા ગામ ગ્રૂપ પંચાયતનો ભાગ હતું.
કુંડાલિયાના પૂર્વસરપંચ કરસન રાજપૂતે જણાવ્યું કે "આજથી 50-55 વર્ષ પહેલાં ગામમાં બીએસએફે અહીં એક કૅમ્પ નાખ્યો હતો."
એમના જણાવ્યા અનુસાર, એ કૅમ્પ એ ભાગમાં હતો જ્યાં ગામલોકો રહેતા હતા પરંતુ જ્યારે બીએસએફનો કૅમ્પ લાગ્યો ત્યારથી લોકો ખેતરમાં રહેવા જતા રહ્યા. ત્યારથી ગામલોકો ત્યાં જ રહે છે. તે વખતે પણ ગામલોકોને વળતર નહોતું મળ્યું. અહીંના લોકો જમીનના અધિકારો માટે પણ જાગરૂક નહોતા. આ વિશે પણ અમે ઘણી વાર સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરી પરંતુ એનું કોઈ પરિણામ નથી મળ્યું.
એમણે પણ દાવો કર્યો કે સરપંચ હતા ત્યારે તેઓ આ બાબતે ઉચ્ચ સ્તરે માગણી કરી ચૂક્યા છે.
નોંધવા જેવું છે કે રાઘાનેસડામાં લોકોની પાસે આધારકાર્ડ, મતદારકાર્ડ જેવા પ્રમાણપત્રો છે.
આ બાબતે અમે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાથે વાત કરી તો એમણે એનો કશો જવાબ ન આપ્યો.
તો, બનાસકાંઠાના વાવ તાલુકાનાં કૉંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બીબીસીને કહ્યું કે વિધાનસભામાં તેઓ આ મુદ્દો ઉઠાવી ચૂક્યાં છે પરંતુ એનો કોઈ નિવેડો નથી આવ્યો.
ત્યારે ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડના એમડીએ જણાવ્યું કે ગામ તળથી દૂર ખેતરમાં રબારી સમુદાયના 200 જેટલાં ઘર છે તેમને સોલર લાઇટ્સ આપવામાં આવી પરંતુ તેમને ગામ તળ વડે ગ્રિડથી વીજળી કનેક્શન નથી મળી. આ ઘરો છૂટાછવાયાં છે અને ગામતળથી દૂર છે, એટલે લોકોએ વ્યક્તિગત રીતે અરજી કરીને ગામ તળથી તારથી વીજ કનેક્શન પહોંચાડવા માટે પૈસા ભરવા પડશે. આવી કોઈ અરજી પેન્ડિંગ નથી.
ગામમાં જે જમીનોને લોકો ગૌચર કે પછી ખેતી માટે ઉપયોગમાં લેતા હતા તે સરકારી જમીન હતી, જે હવે સોલર પ્રૉજેક્ટમાં જતી રહી છે.
રાધાનેસડા ગામના વીહાભાઈએ જણાવ્યું કે કેટલાક એવા લોકો પણ છે જેઓ સોલર પ્રૉજેક્ટ્સમાં જમીન ખોઈ બેસવાની બીકે ખેતર છોડવા નથી માગતા.
ભવિષ્યની ચિંતા

ગામમાં એકથી આઠ ધોરણ સુધી શાળા છે ત્યાં વીજળી છે. ગામમાં ગ્રામ પંચાયત અને બીએસએફની પોસ્ટમાં વીજળી કનેક્શન આપવામાં આવ્યું છે.
આ ગામમાં સ્કૂલ છે, જ્યાં બાળકોને મધ્યાહ્ન ભોજન મળે છે અને ટૉઇલેટ પણ બનાવવામાં આવ્યાં છે, પરંતુ પાણી ટૅન્કર વડે જ આવે છે.
શિક્ષિકા ઊષાબહેને કહ્યું કે, ગામના મોટા ભાગના લોકો મજૂરી કરવા જતા રહે છે અથવા તો પાણી જેવી મૂળભૂત જરૂરિયાતોની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત રહે છે. બાળકોના ભણતર પર ધ્યાન આપવું એમના માટે અઘરું હોય છે.
બીજ તરફ લોકોનું કહેવું છે કે ઘરમાં પહેલાં ભોજન-પાણીની વ્યવસ્થા કરીએ કે બાળકોને ભણાવીએ? અગરબેને બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે "જો ગામમાં વીજળી-પાણી હોત તો લોકો મજૂરી કરવા બહાર શા માટે જાત?"
લોકોને ડર છે કે એમના પૂર્વજોની જેમ ક્યાંક એમનાં બાળકોનું ભવિષ્ય પણ અંધારામાં ગુમ ના થઈ જાય.
વીહાભાઈ ઠાકોરે કહ્યું કે "વીજળી આવશે તો નવું જીવન આવશે. અંધારામાં કેટલાં વર્ષ જીવીએ! બાળકોનું શિક્ષણ પણ છૂટી જાય છે. અમને વીજળીની જરૂરત છે. "
જ્યારે માવાભાઈએ કહ્યું, "અમે તો મજૂરી કરીને એમ જ જિંદગી પૂરી કરી નાખી, આવનારી પેઢી માટે મુશ્કેલીઓ ઘણી છે. સરકાર અમારા તરફ થોડુંક ધ્યાન આપે તો એમનો આભાર. "














