'તમે અહીં ઊભા રહો, હું તમને હમણાં જ દારૂ લાવી આપું', લઠ્ઠાકાંડના પાંચ મહિના બાદ બોટાદમાં શું સ્થિતિ છે?

- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા, બોટાદથી
બીમાર દીકરીની સારવાર માટે છેલ્લા એક અઠવાડિયાથી પૈસાની વ્યવસ્થા ન થતા આજકાલ મનીષાબહેન દીકરીને માથે પોતાં મૂકીને તાવ દૂર કરવાની કોશિશ કરી રહ્યાં છે.
26મી જુલાઈના રોજ બોટાદના રોજીદ ગામમાં લઠ્ઠાકાંડના મૃતકોમાં મનીષાબહેનના પતિ ભૂપતભાઈ વાઘેલા પણ હતા.
લઠ્ઠાકાંડમાં સૌથી પહેલા મરનારા અમુક લોકોમાં ભૂપતભાઈ હતા. હવે તેમની ત્રણ દીકરી અને વૃદ્ધ માતા-પિતાની જવાબદારી મનીષાબહેનના માથે છે.
લઠ્ઠાકાંડના પાંચ મહિના બાદ અને નરેન્દ્ર મોદીની સુરેન્દ્રનગરમાં સભાના એક દિવસ પહેલાં બીબીસી ગુજરાતી તેમના ઘરે પહોંચ્યું હતું.

બીબીસી સાથે વાત કરતાં મનીષાબહેન કહે છે, “નરેન્દ્ર મોદી અહીં ક્યાં આવે છે તેની મને ખબર નથી. અમે સરકાર પાસે કોઈ પણ પ્રકારની મદદ માટે જતાં નથી, કારણ કે સરકારી અધિકારીઓ અમને જ ટોણાં મારે છે અને કહે છે કે અમે તેમને દારૂ કેમ પીવા દીધો હતો. એટલે મને સરકાર પાસેથી મદદની કોઈ આશા નથી.”
જુલાઈ 26મી જુલાઈના રોજ લઠ્ઠાકાંડમાં બોટાદ અને અમદાવાદ જિલ્લાનાં કેટલાંક ગામોમાં 40થી વધુ લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ બોટાદ અને અમદાવાદ જિલ્લાના પોલીસવડાની બદલી કરી દેવામાં આવી હતી અને કેટલાક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા.

‘આજે પણ પોટલીઓમાં દારૂ વેચાય છે’

લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના વ્યાપારમાં સરકાર અને પોલીસની સાઠગાંઠના આક્ષેપો થયા હતા. સત્તાપક્ષ ઉપર આવા આક્ષેપો વિપક્ષ દ્વારા પણ કરવામાં આવ્યા હતા.
દરમિયાન અધિકારીઓએ આ ઘટના બાદ બોટાદ વિસ્તારમાં દારૂના વ્યવસાયને જડબેસલાક બંધ કરવાના દાવાઓ પણ કર્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમને બોટાદમાં એવા લોકો પણ મળ્યા કે જેમણે પોતે ઝેરી દારૂ પીધો હતો અને થોડી સારવાર બાદ સાજા થઈ ગયા હતા.
આ લોકો અને રોજીદ ગામના બીજા આગેવાનો સહિત અનેક લોકોએ બોટાદ જિલ્લામાં દારૂ ન મળતો હોવાના દાવાને ખોટો ગણાવ્યો હતો.

રોજીદ ગામના સરપંચ જિગરભાઇ ડુંગરિયાળનું કહેવું છે કે તેમણે જુલાઈ મહિનાના લઠ્ઠાકાંડ પહેલાં પોલીસ અને મામલતદાર સહિત અનેક સરકારી ઑફિસોમાં તેમના ગામમાં ગેરકાયદેસર દારૂનો વેપાર થતો હોઈ તેને અટકાવવા માટેની અરજીઓ કરી હતી.
જોકે તેમની અરજી પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને લઠ્ઠાકાંડ જેવી ઘટના બની ગઈ હતી એમ તેઓ કહે છે.
આ ઘટનાના પાંચ મહિના બાદ જિગરભાઈ બીબીસી સાથે વાત કરતા કહે છે, “જે લોકોનાં મૃત્યુ થયાં છે, તેમના પરિવારમાં હવે કોઈ કમાનારું નથી. આખા પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે અને તેમને કોઈ સરકારી સહાય પણ મળતી નથી. બીજી બાજુ રોજીદ ગામમાં તો દારૂનો વ્યવસાય બંધ થઈ ચૂક્યો છે, પરંતુ બરવાળા વિસ્તારમાં અનેક સ્થળોએ આજે પણ પોટલીઓમાં દારૂ વેચાય છે અને આ કારોબાર પર પોલીસની કોઈ જ રોકટોક નથી.”

“…કેમ કે સરકારે ઝેરી દારૂ વેચાવા દીધો”

લઠ્ઠાકાંડમાં પોતાના ભાઈને ગુમાવનારા રાજુભાઈ ખોરાદને અમે મળ્યા.
તેઓ કહે છે, “તમે અહીં જ ઊભા રહો, હું તમને હમણાં જ દારૂ મેળવી આપું, કારણ કે દારૂનો વ્યવસાય અહીં ફરીથી જોરશોરથી ચાલી રહ્યો છે. હું પોતે દારૂ પીતો હતો, પરંતુ તે દિવસે મારા ભાઈએ દારૂ પીધો અને મેં નહોતો પીધો. મારા ભાઈ દેવજીભાઈનું મૃત્યુ થયું અને હજી સુધી તેમના પરિવારને કોઈ પણ પ્રકારની મદદ મળી નથી.”
મુખ્ય માર્ગથી રોજીદ ગામમાં પ્રવેશતા જ પહેલાં દલિત સમુદાયનાં કેટલાંક મકાનો આવે છે. આ ગામમાં દસ લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાંથી બે લોકો આ મહોલ્લામાં રહેતા હતા.
મનીષાબહેનના મકાનની ઓસરીમાં ભૂપતભાઈનો ફોટો, તેના પર હાર અને તેની પાસે તેમની બીમાર દીકરી ખાટલામાં સૂતી છે.
બીબીસી સાથે વાત કરતાં મનીષાબહેન કહે છે, “અમારે સરકાર પાસેથી વળતર જોઈએ છે. સરકારે ઝેરી દારૂ વેચાવા દીધો અને એ દારૂ મારા પતિએ પીધો એટલે એમનો જીવ ગયો. મારા પતિનો જીવ ગયો એમાં જેટલા ઝેરી દારૂ વેચનારા જવાબદાર છે, એટલી જવાબદાર સરકાર છે, કારણ કે તેમની નજર હેઠળ આ દારૂ કેમ વેચાઈ રહ્યો હતો?”

“ખાવાના ફાંફાં, દીકરીઓને ભણવા કેવી રીતે મોકલું?”

લટ્ઠાકાંડમાં જીવ ગુમાવનાર વશરામભાઈ પરમારનાં વિધવા આરતીબહેન પણ જીવનનિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યાં છે.
તેમની 10 વર્ષની દીકરી સાડી પર જરી ચોડવાનું કામ કરીને દિવસના 20 રૂપિયા કમાય છે.
આરતીબહેન કહે છે, “હું શું કરું, મને ખબર પડતી નથી. મારી દીકરીઓની શાળાની ફી ભરવાની પણ સગવડ મારી પાસે નથી, હું તેમને શાળાએ કેવી રીતે મોકલું? હાલમાં તો મારે ખાવાના ફાંફાં છે, તેવામાં તેમને ભણવા કેવી રીતે મોકલું?”
હજુ પણ દારૂ વેચાતો હોવા સહિતના સરકાર પર લાગતા આરોપો સંદર્ભે બીબીસી ગુજરાતીએ બોટાદ જિલ્લાના પોલીસવડા કિશોર બાળોલિયા સાથે વાત કરી.
તેઓ કહે છે, “પોલીસનું પેટ્રોલિંગ સતત ચાલુ છે. દારૂ વેચનારા લોકોને પકડીને તેમની પર તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સતત કૉમ્બિંગ પણ ચાલુ છે અને આવા ઇસમોને જામીન પણ ન મળે તે રીતે પોલીસ તપાસ કરતી હોય છે.”

લઠ્ઠાકાંડના આરોપીઓ સામેની કાર્યવાહી કયા તબક્કે પહોંચી તે જાણવા લઠ્ઠાકાંડની તપાસ માટે નિમાયેલી વિશેષ તપાસ સમિતિ (એસઆઈટી)ના અધિકારી નિર્લિપ્ત રાયનો સંપર્ક કર્યો.
નિર્લિપ્ત રાયે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે તેમની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ હાલમાં કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.
તેઓ કહે છે, “જે કંપનીમાંથી મિથેનોલ નીકળ્યો હતો, તેની ઉપર પણ અમે કાર્યવાહી કરી છે અને આ પ્રકારે ઝેરી રસાયણો બહાર ન આવે તેની તકેદારી પણ લેવાઈ છે.”
જોકે બીજી બાજુ સરકારના આ તમામ દાવાઓ વચ્ચે રોજીદ અને તેની આસપાસના ગામના લોકોનો મજબૂત દાવો છે કે દારૂ વેચનારા દારૂ વેચી રહ્યા છે અને પીનારા પી પણ રહ્યા છે.














