'મારે પતિ અને બાળકો વચ્ચે પસંદગી કરવાની હતી', સતામણીને કારણે ચીનમાંથી ભાગવા મજબૂર મહિલાની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માઈકલ બ્રિસ્ટો
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
જેંગ હેએ સતામણી, નજરકેદ અને તેના પરિવારના વિભાજનનો ભોગ બનવું પડ્યું છે અને આ બધું માત્ર તેમણે જે પુરુષ સાથે લગ્ન કર્યાં તે કારણે બન્યું. જેંગની કહાણી શી જિનપિંગના ચીનની કાળી બાજુને છતી કરે છે.
ચીન સરકારની રાક્ષસી તાકાતનો પહેલો પરિચય ક્યારે થયો તે જેંગને બરાબર યાદ છે. ઘટના જેંગ તેમની પુત્રી ગ્રેસને બીજિંગમાં એક બ્યૂટી સલૂનમાં વાળ કાપવા માટે લઈ ગયાં હતાં ત્યારની છે.
અચાનક લોકોનું એક ટોળું ધસી આવ્યું અને તેમને બાનમાં લીધાં. તે સિક્રેટ પોલીસ હતી.
શરૂઆતમાં જેંગ સમજી શક્યાં નહીં કે શું થઈ રહ્યું છે અથવા તેમને અને તેમની પુત્રીને પકડવા આવેલા લોકો કોણ છે.
જેંગે માત્ર એટલી પરવાનગી માગી કે તેમની પુત્રીના વાળ કપાવી લેવા દો, પરંતુ જવાબ મળ્યો, "ના".
બીજા અધિકારીઓ બહાર શેરીમાં હતા, એ સિવાયના કેટલાક તેમના ઍપાર્ટમેન્ટ બ્લૉકમાં તેમની રાહ જોઈ રહ્યા હતા.
જેંગ કહે છે, "મેં આજુબાજુ જોયું તો પહેલો અને બીજો માળ લોકોથી ભરેલો હતો."
એજન્ટોએ જેંગનો ઍપાર્ટમેન્ટ શોધી કાઢ્યો અને જેંગને કહેવામાં આવ્યું કે રાજધાનીની દક્ષિણે શેનડોંગ પ્રાંતમાં તેમના પતિની પણ ધરપકડ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટનાનું વર્ષ હતું 2006નું. તેમના કૌટુંબિક જીવનના અંતની શરૂઆત પણ અહીંથી થઈ.

પતિની ધરપકડ
જેંગ હેના પતિ ગાઓ ઝિશેંગ વકીલ હતા. તેમને સામ્યવાદી સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી હતી પરંતુ તેમણે એવા લોકોનો બચાવ કરવાનું શરૂ કર્યું કે જેમનો તેઓ બચાવ કરે તેવું સત્તાવાળાઓ ઇચ્છતા ન હતા.
તેમના અસીલોમાં પ્રતિબંધિત આધ્યાત્મિક ચળવળ ફાલુન ગોંગના અનુયાયીઓ માન્યતા વિના પ્રચારનો આરોપ ધરાવતા ચાઇનીઝ ખ્રિસ્તીઓ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જમીન જપ્ત કરવા સામે લડતા લોકોનો સમાવેશ થાય છે.
ધરપકડ બાદ ઉશ્કેરણીના આરોપસર તેમણે થોડાં વર્ષો જેલ અને નજરકેદમાં વિતાવ્યાં.
નજરકેદ દરમિયાન અધિકારીઓએ જ્યાં દંપતી રહેતું હતું તે ઍપાર્ટમેન્ટ બ્લૉકમાં એક ખાસ પોલીસ સ્ટેશન બનાવ્યું જેથી તેમના પર 24 કલાક નજર રાખવાનું સરળ બને.
જેંગ કહે છે, "ક્યારેક હું માત્ર એ જોવા માટે પડદા ખોલતી કે નીચે કેટલાં પોલીસ વાહનો છે અને મારા પતિ મને બૂમ પાડતા કે તમે શું કરો છો? તેમને મોકો શું કામ આપો છો?"
પરિસ્થિતિ વધુ ને વધુ અસહ્ય બનતી ગઈ. સત્તાવાળાઓએ દંપતીને સ્થળાંતર કરવાની ફરજ પાડી અને પછી ગ્રેસ માટે શાળા શોધવામાં મુશ્કેલી પડી.

એક મુશ્કેલ પસંદગી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આખરે પરિસ્થિતિનો સામનો જેંગ હેએ એક ખતરનાક વિચાર સાથે કર્યો: 16 વર્ષની પુત્રી ગ્રેસ અને 5 વર્ષના પુત્ર પીટર સાથે પતિથી અલગ ચીનમાં અન્યત્ર રહેવું કે ભાગી જવું. અર્થાત્ પતિને છોડીને જવું પડશે.
જેંગ કહે છે, "મને ખરાબ લાગ્યું, કારણ કે મારે મારા પતિ અને મારાં બાળકો વચ્ચે પસંદગી કરવાની હતી, અને મેં મારા બાળકોને પસંદ કર્યા."
આટલું કહેતાં જેંગ આંસુ રોકી શક્યાં નહીં.
માનવાધિકાર કાર્યકરોની મદદથી ત્રણેય 2009માં ચીનની બહાર ભાગી ગયા હતાં. જેંગ હે અને તેમના પતિ પહેલાંથી જ સંમત થયા હતાં કે તેઓએ ભાગવાનો પ્રયાસ કરવો પડશે, પરંતુ પ્રસ્થાન એટલી ઉતાવળમાં હતું કે જેંગ તેમને કહ્યાં વિના જ નીકળી ગયાં.
જેંગ કયા માર્ગે ભાગ્યાં તેની વિગતો જાહેર કરવા નથી માગતાં, કેમકે જો તેઓ જાહેર કરે તો આ માર્ગ પસંદ કરનાર અન્ય લોકો માથે જોખમ આવી શકે છે. અલબત્ત, તેમાં થોડી બસ મુસાફરી પણ સામેલ હતી.
આખરે, તેમણે ગેરકાયદેસર રીતે ચીન અને થાઇલૅન્ડની સરહદ પાર કરી, જ્યાંથી યુએસ તેમને આશ્રય આપવા સંમત થયું.
યુએસમાં જીવન શરૂઆતમાં મુશ્કેલ હતું. જેંગને મુશ્કેલીઓ પડી. ભાષા સહિતની કેટલીક મુશ્કેલીઓ આજ પર્યંત ચાલુ છે. જેંગને સતત તેમનાં બાળકોની ચિંતા સતાવતી હતી.
સ્વાભાવિક છે કે પતિ અને પિતા વિના તેમના માટે તે મુશ્કેલ હતું. ગ્રેસ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પરંતુ 13 વર્ષ પછી બાળકોએ આખરે તેમના ભૂતકાળ સાથે સમાધાન કર્યું અને યુએસમાં પોતાનું જીવન સામાન્ય બનાવ્યું. ગ્રેસ આજે 28 વર્ષનાં થયાં છે, તેમણે હમણાં જ લગ્ન કર્યાં છે અને 19 વર્ષીય પીટર યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે.

પતિનું ગાયબ થઈ જવું
પરંતુ બીજી તરફ જેંગના પતિ ગાઓ ઝિશેંગ ભારે પીડા ભોગવી રહ્યા છે, કારણ કે તેમનો પરિવાર યુએસ ભાગી ગયો હતો.
તેમના કહેવા પ્રમાણે તેમને જેલમાં અને બહાર ત્રાસ આપવામાં આવ્યો છે. જ્યારે તેમણે 2014માં તેની સજા ભોગવી ત્યારે તેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડ્યું હતું. તેના ઘણા દાંત એટલા ઢીલા થઈ ગયા હતા કે તે હાથ વડે ખેંચી શકાતા હતા.
તેમની સજાના અંતે ગાઓ ઝિશેંગને કથિત રીતે મુક્ત હોવા છતાં ઉત્તરીય પ્રાંત શાંક્સીમાં તેના વતનમાં ફરીથી નજરકેદ કરવામાં આવ્યા હતા.
ચીની કાયદાના અમેરિકન નિષ્ણાત કહે છે કે "આભાસી મુક્તિ અને અદ્દશ્ય કેદનું આ એક ઉદાહરણ છે."
કેટલીક વાર જેંગ તેમના પતિનો ફોન દ્વારા સંપર્ક કરતાં હતાં. છેલ્લી વખત તેમણે પાંચ વર્ષ પહેલાં ફોન પર વાત કરી હતી.
"મને બરાબર યાદ નથી કે અમે શેના વિશે વાત કરી હતી. મેં તેને પૂછ્યું કે તે કેમ છે અને તેમણે કહ્યું કે તેમને સારું છે. તેઓ હંમેશાં આત્મવિશ્વાસથી ભરેલા અને હકારાત્મક રહ્યા છે."
જ્યારે જેંગે થોડા દિવસો પછી પતિને ફરીથી ફોન કર્યો, ત્યારે તેમને સામે છેડેથી કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારથી જેંગ તેમના પતિ સાથે વાત કરી શક્યાં નથી અને તેમને ખબર નથી કે તેઓ જીવે છે કે મરી ગયાં છે.
જેંગ કહે છે, "મને ડર લાગે છે કે ક્યાંક કૉમ્યુનિસ્ટ પાર્ટી કોવિડના ઓઠા હેઠળ મારા પતિને કાયમ માટે અદૃશ્ય ન કરી દે."
તેઓ એ વાતે પણ ચિંતિત છે કે ચીની સત્તાવાળાઓ જાહેરાત કરી દેશે કે તેમના પતિનું બીમારીથી મૃત્યુ થયું છે. આવી રીતનું કુદરતી મૃત્યુ જે તેમને કોઈ પણ જવાબદારીમાંથી મુક્ત કરી દેશે.

ભય

ઇમેજ સ્રોત, GENG HE
માત્ર વકીલને જ સહન કરવું પડ્યું નથી. તેમની સામેની ઝુંબેશના પરિણામથી ચીનમાં રહેતા તેમના બૃહદ પરિવારને ભાગે પણ પીડા આવી છે.
જેંગ હેના દિયર પણ આવા ત્રાસનો ભોગ બન્યા હતા. તેમને ભારે બીમારી લાગુ પડી હતી, પરંતુ પોલીસે ગાઓ ઝિશેંગના સંબંધીઓનાં ઓળખ કાર્ડ લઈ લીધાં હોવાથી તેઓ યોગ્ય તબીબી સારવાર મેળવી શક્યા ન હતા. આખરે તેમણે આત્મહત્યા કરી.
અપેક્ષિત રીતે જ આ ઘટનાઓએ જેંગ હેને સતર્ક કરી દીધા.
થોડાં વર્ષો પહેલાં સાન ફ્રાન્સિસ્કો નજીક તેમના ઘરના બગીચામાં અચાનક એક અજાણી વ્યક્તિ દેખાઈ. અંધારામાં સ્પષ્ટ રીતે જોવું મુશ્કેલ હતું, પરંતુ તે ચીની સત્તાવાળાઓ સાથે જોડાયેલી હોઈ શકે છે તે ડરથી, જેંગ હેએ ઘરમાં રાખેલી બંદૂકમાંથી હવામાં ચેતવણીની ગોળી ચલાવી. તેમને જે પરિણામ જોઈતું હતું તે મળી ગયું: અજાણી વ્યક્તિ ભાગી ગઈ.
જેંગે હવે આધાર માટે નક્કર જમીન મેળવી લીધી છે. બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કર્યા પછી હવે તેમણે ફરીથી તેમનું ધ્યાન તેમના પતિ પર કેન્દ્રિત કર્યું છે.
જેંગ પરિવારના સંઘર્ષમાં ચીન અને વિદેશમાં જાહેરજીવનમાંથી ધીમે ધીમે અદ્દશ્ય થઈ ગયાં હતાં.
જેંગે તેમના પતિ ક્યાં છે તે શોધવાનો પ્રયાસ કરવા અને તેમનું નામ સાવ ભૂંસાઈ ન જાય તે સુનિશ્ચિત કરવા માટે ઝુંબેશ ચલાવવા માટે પોતાને સમર્પિત કરી દીધા છે.
ઑગસ્ટમાં તેમના પતિના ગુમ થયાની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે તેમણે લૉસ ઍન્જલસમાં ચીની દૂતાવાસની બહાર ગાઓ ઝિશેંગના ચહેરાની એક છબી રજૂ કરી અને સપ્ટેમ્બરમાં તેમણે 7હજારથી વધુ ખાલી બુલેટમાંથી બનાવેલા તેમના ચહેરાના શિલ્પનું અનાવરણ કર્યું.
જેંગે બીજિંગમાં વકીલોને પણ રાખ્યા છે કે જેથી તેમના પતિને શોધી શકાય, પરંતુ કોઈ સરકારી વિભાગ તેમને કોઈ માહિતી આપી રહ્યો નથી.
જેંગ ઉત્તર અમેરિકામાં સ્થાયી થયેલા જૂજ ચાઈનીઝ પૈકીનાં એક છે, જેઓ ચીનમાં તેમનાં પ્રિયજનોને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ચીનમાં કેટલા કાર્યકરો કેદ છે તે જાણવું મુશ્કેલ છે, કારણ કે બીજિંગ રાજકીય કેદીઓને રાખવાનું પણ સ્વીકારતું નથી.
જેંગ તે કબૂલ કરે છે કે તેઓ યુએસ ગયા ત્યાં સુધી ક્યારેય તેમના પતિના કામનાં જોખમોને ખરેખર ક્યારેય સમજી શક્યા ન હતા, તેમને હવે ઘણે અંશે જોખમનો અહેસાસ થાય છે, ભલે તેઓ તેમનાં બાકીના જીવન માટે અલગ રહેતાં હોય.
જેંગ કહે છે, "હવે મને લાગે છે કે હું એક સાથીદાર જેવી છું જે ખભેખભો મેળવીને સાથે લડે છે. તેમણે મારા જીવનને નવો અર્થ આપ્યો છે."
ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી જેવી શક્તિશાળી શક્તિનો સામનો કરવામાં જેંગ હેને અભિયાન નિષ્ફળ જશે તેવું લાગે છે. પરંતુ તેઓ આ અભિયાન ચાલુ રાખવા માટે મક્કમ છે.
તેઓ ઉમેરે છે, "મારા નાનકડા પરિવારે ખૂબ જ સહન કર્યું છે, પરંતુ મને લાગે છે કે મેં તેનાથી પણ મોટો પરિવાર મેળવ્યો છે."
"હું એવા ઘણા લોકોને મળી જેઓ ચીનના ઊજળા ભવિષ્ય માટે સખત મહેનત કરી રહ્યા છે."
મારા પતિને અજ્ઞાત ભાગ્યના સહારે પાછળ છોડી દેવાનો અપરાધભાવ કદાચ ક્યારેય દૂર થશે નહીં. પરંતુ તમારાં બાળકોની સફળતામાં, નવા મિત્રોમાં અને વધુ સારા ભવિષ્યમાં વિશ્વાસમાં આશાની ઝાંખી મળી શકે છે."














