ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા બની રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી
- પદ, નવી દિલ્હી
તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલા જી-20 શિખર સંમેલન બાદ નેતાઓના ઘોષણાપત્ર એટલે કે 'બાલી-ડિક્લેરેશન' સાથે જોડાયેલી વાતચીતમાં ભારતે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.
વ્હાઇટ હાઉસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનનાં વખાણ કર્યાં હતાં જેમાં તેમણે કહ્યું હતું, "આજનો યુગ યુદ્ધનો યુગ નથી."
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કૅરેન જ્યાં પિયરેએ પત્રકારપરિષદમાં કહ્યું, "ભારતે જી-20 શિખર સંમેલનના ઘોષણાપત્ર સંબંધિત વાતચીતમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. વડા પ્રધાન મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ ન હોવો જોઈએ."
તેમણે કહ્યું, "આપણી પાસેની ઘણી પ્રાથમિકતાઓ વચ્ચે એક લવચીક વૈશ્વિક અર્થવ્યવસ્થા બનાવવાના આપણા પ્રયાસોને યથાવત્ રાખીને વર્તમાન ખાદ્ય અને ઊર્જા સુરક્ષાના પડકારોને દૂર કરવા માટે પ્રયત્નો કરવાના છે."
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન બુધવારે ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલા જી-20 શિખર સંમેલનમાં ભાગ લઈને પાછા ફર્યા હતા.
ભારત આવતા વર્ષે જી-20 શિખર સંમેલનનું આયોજક હશે. ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ 17માં જી-20નું સમાપન વડા પ્રધાન મોદીના હાથોમાં આવનારા સંમેલનની કમાન સોંપીને કર્યું હતું.

ભારત મોટી વૈશ્વિક શક્તિ તરીકે સામે આવી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન મીડિયા સીએનએને એક લેખમાં ભારતને એશિયામાં નવી વિકસી રહેલી વૈશ્વિક શક્તિ જણાવી છે.
સીએનએને લખ્યું છે કે જી-20 સંમેલનમાં તમામ દેશોએ મળીએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું. જેમાં રશિયા તરફથી યુક્રેન પર કરાયેલા હુમલાની નિંદા કરવામાં આવી હતી. તેમાં એક જ વાક્યનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું - 'આજનો યુગ યુદ્ધનો નથી.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ એ જ વાક્ય છે જે આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં કહ્યું હતું.
જે રીતે ભારતે રશિયા અને પશ્ચિમી દેશો સાથેના પોતાના સંબંધોને ચતુરતાથી સંતુલિત કર્યા છે, વિશ્લેષકોનું કહેવું છે કે મોદી એક એવા નેતા તરીકે સામે આવી રહ્યા છે, જેમનું તમામ પક્ષો સન્માન કરે છે. તેણે ભારતને એક આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી તરીકે મજબૂત કર્યું છે.
સીએનએને પોતાના લેખમાં જાણકારોને ટાંકીને લખ્યું છે કે ભારતનો જી-20નો એજન્ડા માપી-તોલીને તૈયાર કરાયેલો હતો. ભારતનો એજન્ડા હતો કે તેઓ યુદ્ધના પરિણામસ્વરૂપ ઊર્જા, જળવાયુ અને આર્થિક સ્તરે થયેલી ઊથલપાથલના મુદ્દાની આસપાસ ચર્ચા કરશે અને ભારતની વાત પશ્ચિમી નેતાઓએ આ ક્ષેત્રમાં એક પ્રમુખ હિતેચ્છુ તરીકે સાંભળી છે, કારણ કે ભારત એક એવો દેશ છે જે પશ્ચિમી દેશો અને રશિયા બંનેની નજીક છે.
જ્યારે 'વૉશિંગ્ટન પોસ્ટ'ના અહેવાલ પ્રમાણે ભારત અને ચીન રશિયાને લઈને પોતાનું વલણ બદલતા દેખાઈ રહ્યા છે.
આ વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે મહિનાઓ સુધી રશિયા અને યુક્રેન યુદ્ધ મામલે સીધી રીતે રશિયાની ટીકા કરવાથી બચનાર ભારત અને ચીન આ વખતે જી-20ના સંયુક્ત નિવેદનમાં રશિયાની ટીકા કરવાની વચ્ચે આવ્યા નહીં.
શું એ ભારત અને ચીનની વિદેશ નીતિમાં કરાયેલો મોટો ફેરફાર છે જેથી તેઓ પોતાનું સ્ટેન્ડ અમેરિકા સાથે સરખાવી શકે. અમેરિકા અને તેમના સહયોગી દેશો માને છે કે યુક્રેન યુદ્ધમાં રશિયા પર દબાણ ઊભું કરવું ભારત અને ચીનના સહયોગ વગર શક્ય નથી.
આ બંને દેશો રશિયાના મહત્ત્વપૂર્ણ વેપાર ભાગીદાર છે.
ભારતે જી-20માં કહ્યું કે "આજનો સમય યુદ્ધનો નથી." જ્યારે ચીને કહ્યું કે "પરમાણુ હુમલો કે તેની ધમકી અનુચિત છે."
આ બેઠકમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાજર રહ્યા ન હતા.

જી-20માં મોદીએ શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
સંમેલનના પહેલા દિવસે પોતાની વાત મૂકતા વડા પ્રધાન મોદીએ કહ્યું, "કોરોના બાદ એક નવી વિશ્વ વ્યવસ્થા બનાવવાની જવાબદારી આપણા શિરે છે. હાલ જરૂરિયાત છે કે આપણે એક સાથે મળીને શાંતિ અને સુરક્ષા બનાવી રાખવા માટે સંકલ્પ લઈએ."
"મને ભરોસો છે કે બુદ્ધ અને ગાંધીની ધરતી પર જી-20ના નેતા મળશે, તો આપણે વિશ્વને શાંતિનો એક મજબૂત સંદેશો પાઠવીશું."
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર વડા પ્રધાન મોદીએ કહ્યું, "હું પુનરાવર્તન કરવા માગું છું કે આપણે યુક્રેનમાં યુદ્ધવિરામ અને વાટાઘાટ પાછી લાવવાનો રસ્તો શોધવો પડશે. બીજા વિશ્વયુદ્ધે દુનિયામાં તબાહી મચાવી દીધી હતી. તે સમયે નેતાઓએ જે રીતે શાંતિ સ્થાપવાના પ્રયત્નો કર્યા હતા, આપણે પણ હાલ એમ કરવાની જરૂર છે."
ખાદ્યસંકટ વિશે વડા પ્રધાન મોદીએ કહ્યું, "આજે આદ્યની અછત એ આવતી કાલનું ખાદ્યસંકટ છે, જેનું સમાધાન વિશ્વ પાસે નહીં હોય. આપણે ખાદ્ય અને અનાજ બંનેની સપ્લાય ચેઇનને સ્થિર અને સુનિશ્ચિત રાખવા માટે સમજૂતી કરવી જોઈએ."
જ્યારે આંતરરાષ્ટ્રીય મીડિયામાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ત્રણ કલાક ચાલેલી મુલાકાતની ચર્ચા થઈ રહી હતી. તે સમય નરેન્દ્ર મોદી ઘણા વૈશ્વિક નેતાઓની મુલાકાત લઈ રહ્યા હતા.

નરેન્દ્ર મોદી અને ઋષિ સુનકની મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન મોદી અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનક વચ્ચે જી-20માં થયેલી મુલાકાત બાદ તેમણે કહ્યું કે યુકેની સરકાર ભારત સાથે ચાલી રહેલી 'ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ'ની વાતચીતને ઝડપથી સફળ દિશામાં આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે.
ઍપ્રિલમાં બંને પક્ષોએ 'ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ'ને અંતિમ સ્વરૂપ આપવા માટે દિવાળી સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી પરંતુ કેટલાક મુદ્દાઓને લઈને મતભેદોના કારણે વાતચીત પૂરી થઈ શકી ન હતી.
સુનક અને વડા પ્રધાન મોદીની મુલાકાત બાદ હવે તેને જલદીથી પૂર્ણ કરાશે તેવી સંભાવના છે.
હાઉસ ઑફ કૉમન્સમાં ભારતીય મૂળના રાષ્ટ્રપતિ ઋષિ સુનકે કહ્યું કે જી-20માં પ્રથમ વખત ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં અમે 'ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ' મુદ્દે વાત કરી.
તેમણે એમ પણ કહ્યું કે ભારત સાથે અમારી ભાગીદારી વેપારથી ઘણી વધારે છે.
એટલું જ નહીં વડા પ્રધાન મોદી અને સુનક વચ્ચે થયેલી એ વાતચીતના ગણતરીના કલાકોમાં જ યુકેએ ત્રણ હજાર ભારતીયો માટે વિઝા જાહેર કર્યા. આ વિઝા અંતર્ગત ભારતીયોને બે વર્ષ માટે યુકેમાં કામ કરવાની અનુમતિ આપવામાં આવશે.
આ એક એવી પ્રક્રિયા છે જેમાં ભારત પણ યુકેના નાગરિકો માટે વિઝા જાહેર કરશે. સુનકે સદનમાં એમ પણ કહ્યું કે તેમણે ભારત સાથે સુરક્ષા ભાગીદારી વધારવા મુદ્દે પણ વાત કરી છે.

મિઝોરમમાં થશે જી-20નું આયોજન

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે 2023માં યોજાનારા 18મા જી-20 સંમેલનની જવાબદારી સ્વીકારી તો તેમણે કહ્યું કે ભારતના અલગઅલગ ભાગોમાં આવનારું સંમેલન યોજાશે.
ભારત 1 ડિસેમ્બર 2022થી લઈને 30 નવેમ્બર 2023 સુધી જી-20નું યજમાન રહેશે.
કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું છે કે ઉત્તર-પૂર્વ ભારતમાં આગામી શિખર સંમેલનનું આયોજન કરવામાં આવશે અને ઘણાં આયોજનોથી એક આયોજન મિઝોરમની રાજધાની આઈઝોલમાં કરાશે.
મીડિયા સાથેની વાતચીતમાં રેડ્ડીએ કહ્યું કે ભારતમાં 200 બેઠકો 55 જગ્યાઓએ આયોજિત કરવામાં આવશે. તેમાંથી એક બેઠક આઇઝોલમાં યોજાશે.
મિઝોરમના પર્યટનમંત્રી રૉબર્ડ રોમાવિયા રૉયટે કહ્યું છે કે આઇઝોલમાં એક પણ ફાઇવસ્ટાર હૉટલ નથી અને તેઓ એ દિશામાં પ્રયાસ કરશે.
આવનારા સમયમાં રાજ્યમાં ખાનગી સૅક્ટરને રોકાણ માટે પ્રોત્સાહન આપવામાં આવશે.














