ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બન્યા તેનાથી ભાજપ કેમ ખુશ થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા

- 42 વર્ષના ઋષિ સુનક બોરિસ જ્હોન્સનની સરકારમાં નાણા પ્રધાન હતા
- ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઋષિ સુનકના વધામણી કરતી વખતે દિવાળી હોવાનો ઉલ્લેખ કર્યો
- સોનિયા ગાંધીના પીએમ બનવા સામેના આ વિરોધને સુષમા સ્વરાજે છેક પોતાના અવસાન સુધી છોડ્યો નહોતો
- સોનિયા ગાંધીએ 1999માં લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકના બેલ્લારીમાં સુષમા સ્વરાજને હરાવ્યા હતા

ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બન્યા એ અંગે કેટલાક લોકોએ આને ગૌરવ અને આનંદની ઘડી ગણાવી, જ્યારે અન્ય કેટલાકે લખ્યું કે બ્રિટનમાં લઘુમતી ગણાય તેવા હિન્દુને વડા પ્રધાન બનવાની તક મળી, તેના પરથી દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતે પણ કંઈક શીખવાની જરૂર છે.
સુનક વડા પ્રધાન બન્યા તેના ખબર આવ્યા તે પછી ભારતના સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓમાં આનંદ સમાતો નથી. ભાજપના નેતાઓ સોશ્યલ મીડિયામાં ઋષિ સુનક હિન્દુ છે તેનો ખાસ ઉલ્લેખ કરે છે અને તેના બદલ બહુ ગૌરવની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઋષિ સુનકને અભિનંદન આપતા ટ્વીટ કર્યું કે આપને હિન્દુ હોવાનું ગૌરવ છે અને અમને આપની સિદ્ધિ બદલ ગર્વ છે.
ભાજપના નેતા કપિલ મિશ્રાએ પણ ઋષિ સુનકને અભિનંદન આપતા લખ્યું કે દિવાળીના દિવસે જ એક ધર્મપરાયણ હિન્દુ બ્રિટનના વડા પ્રધાન બન્યા છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઋષિ સુનકના વધામણા કરતી વખતે દિવાળી હોવાનો ઉલ્લેખ કર્યો.
42 વર્ષના ઋષિ સુનક બોરિસ જ્હોન્સનની સરકારમાં નાણા પ્રધાન હતા. તે વખતે તેમનું નિવાસસ્થાન 11 ડાઉનિંગ સ્ટ્રીટ હતું ત્યાં પણ તેમણે દિવાળીના દિવસે દીવડાં પ્રગટાવ્યા હતા.
અમેરિકાની ન્યૂઝ વેબસાઇટ સીએનએનના અહેવાલમાં જણાવાયું હતું કે 2015માં સુનકે બિઝનેસ સ્ટાન્ડર્ડને ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે તેમાં કહ્યું હતું કે, ''બ્રિટિશ ભારતીય વસતી ગણતરીમાં એક કેટેગરીમાં પોતાને પસંદ કરે છે. પરંતુ હું તો પૂર્ણપણે બ્રિટિશ છું. આ જ મારું ઘર છે અને આ જ મારો દેશ છે. પરંતુ મારો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો ભારતીય છે.
મારી પત્ની ભારતીય છે. હું હિન્દુ છું અને તે કંઈ છુપાવવાની વાત નથી.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઋષિ સુનક પીએમ બન્યા એટલે માત્ર ભાજપના ટેકેદારોમાં જ ખુશી હોય તેવું નથી, મોટા ભાગના હિન્દુઓ આનંદ વ્યક્ત કરી રહ્યા છે.
કેટલાક ભારતીયોએ લખ્યું કે ઋષિ સુનક આ જ વર્ષે બ્રિટનના વડા પ્રધાન બન્યા તે ખાસ છે, કેમ કે બ્રિટિશ સામ્રાજ્યમાંથી ભારત આઝાદ થયું તેની 75મી જયંત હાલ મનાવવામાં આવી રહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

સુષમા સ્વરાજે કર્યો હતો સોનિયા ગાંધીનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
140 કરોડની વસતિના આ દેશમાં લોકો વિદેશમાં વસી ગયેલા ભારતીયોની સિદ્ધિઓ બદલ ગૌરવ અનુભવે છે.
અમેરિકામાં કમલા હેરિસ વાઈસ પ્રેસિડન્ટ બન્યા કે સત્ય નડેલા માઇક્રોસોફ્ટ કંપનીના અને સુંદર પિચાઈ આલ્ફાબેટ કંપનીના સીઈઓ બન્યા તે બાબત પણ ગૌરવ વ્યક્ત કરતા રહ્યા છે.
જોકે કેટલાકને નવાઈ લાગે છે કે ભારતીયો આ રીતે વિદેશમાં વસેલા લોકો માટે કેમ ગૌરવ લે છે. 2004માં કૉંગ્રેસને લોકસભામાં જીત મળી ત્યારે સોનિયા ગાંધી વડા પ્રધાન બનશે તેવી વાત ચાલતી થઈ હતી.
તે વખતે ભારતના મુખ્ય વિપક્ષ તરીકે રહેલા ભાજપે સોનિયા ગાંધી પીએમ બને તેનો આકરો વિરોધ કર્યો હતો.
તે વખતે ભાજપના વરિષ્ટ નેતા સુષમા સ્વરાજે ધમકી આપી હતી કે જો સોનિયા ગાંધી વડા પ્રધાન બનશે તો પોતે માથું મુંડાવી નાખશે અને સફેદ વસ્ત્રો ધારણ કરી લેશે.
હિન્દુ ધર્મમાં માથું મુંડાવવું અને સફેદ વસ્ત્રો પહેરવા તે શોક વ્યક્ત કરવા માટે હોય છે.
સોનિયા ગાંધીએ 1999માં લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકના બેલ્લારીમાં સુષમા સ્વરાજને હરાવ્યા હતા. તે વખતે બેલ્લારીમાં ચૂંટણી પ્રચારમાં દેશની બેટી સામે વિદેશી વહૂ એવી રીતે પ્રચાર કરવાની કોશિશ થઈ હતી, પરંતુ ભાજપની એ કારી ફાવી નહોતી. એવું માનવામાં આવે છે તે વખતથી જ સ્વરાજ સોનિયા ગાંધી સામે પ્રતિસ્પર્ધી તરીકે પોતાને જોતા હતા.
સોનિયા ગાંધીના પીએમ બનવા સામેના આ વિરોધને સુષમા સ્વરાજે છેક પોતાના અવસાન સુધી છોડ્યો નહોતો.
સુષમા સ્વરાજે પોતાના વલણને યોગ્ય ઠરાવતા 2013માં એનડીટીવીને જણાવ્યું હતું કે, ''સોનિયા ગાંધી સામે મારો એક જ વાંધો છે કે હું તેમને વડા પ્રધાન તરીકે સ્વીકારી શકું નહીં. બહુ તકલીફ અને બલીદાન પછી મારા દેશે ગુલામીમાંથી મુક્તિ મેળવી છે. આજના આઝાદ હિન્દુસ્તાનમાં ભારતના માતાના સંતાનોમાં પૂરતી લાયકાતો છે. કૉંગ્રેસમાં પણ એવા લાયક લોકો છે, પરંતુ કૉંગ્રેસ વડા પ્રધાન તરીકે સોનિયા ગાંધીને આગળ કરે ત્યારે મારો વિરોધ રહેવાનો અને હંમેશાં રહેવાનો.''
ભારતના બંધારણ અનુસાર સોનિયા ગાંધી વડા પ્રધાન બની શકે તેમ છે, તેમ છતાં સુષમા સ્વરાજ તેમનો વિરોધ કરતા રહ્યા હતા.

ભારતમાં લઘુમતીઓની ઉપેક્ષા?

ઇમેજ સ્રોત, Getty Images
હવે ઋષિ સુનક બ્રિટનમાં પીએમ બની ગયા તો ભાજપના લોકો ફુલાઈ રહ્યા છે, ત્યારે લોકો યાદ કરાવી રહ્યા છે કે સોનિયા ગાંધીનો વિરોધ કેવી રીતે કરવામાં આવ્યો હતો.
સાથે જ લોકો સંભળાવી રહ્યા છે કે ખ્રિસ્તી બહુમતી અને ગોરા લોકોના દેશ બ્રિટનમાં રૂઢિવાદી પક્ષે કન્ઝર્વેટિવ પાર્ટીએ એક બિનગોરાને અને ધાર્મિક લઘુમતી એવા હિન્દુને પોતાના વડા પ્રધાન બનાવ્યા છે.
લોકતંત્રમાં આ રીતે સૌનો સમાવેશ થવો જોઈએ એવું લોકો જણાવી રહ્યા છે.
બીજી બાજુ દુનિયાની સૌથી મોટી લોકશાહી તરીકે ભારતની ગણના થાય છે ત્યાં હાલની સરકારમાં એક પણ પ્રધાન મુસ્લિમ નથી. એટલું જ નહીં ભારતમાં કે જ્યાં મુસ્લિમોની વસતિ અંદાજે 20 ટકા છે, ત્યાં ભાજપ જેવા મોટા રાજકીય પક્ષમાં એક પણ સાંસદ મુસ્લિમ નથી.
કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે લખ્યું કે, ''ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન પદ સુધી પહોંચ્યા છે તે ઘણી રીતે અસાધારણ બાબત છે. બ્રિટને આ કર્યું છે તે એક અપવાદ છે. બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોએ એક એવી વ્યક્તિને પસંદ કરી જેની ત્વચા ઘઉંવર્ણી છે, ધર્મ હિન્દુ છે, એશિયાઇ લઘુમતી છે, જેની વસતિ બ્રિટનમાં માંડ 7.5 ટકા જેટલી છે.''
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ઋષિ સુનક નાણાં પ્રધાન બન્યા ત્યારે ભગવત ગીતા પર હાથ મૂકીને શપથ લીધા હતા. એ જ રીતે અગાઉ તેઓ પીએમ તરીકેની સ્પર્ધામાં હતા ત્યારે કૃષ્ણ જન્માષ્ટમી વખતે પૂજા કરતી તેમની તસવીર પણ સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવી હતી.
ઋષિ સુનક વડા પ્રધાન બની ગયા છે તેવા સમાચાર સોશિયલ મીડિયામાં ફરતા થયા ત્યારે શશિ થરૂરે સવાલ કરીને લખ્યું કે, ''શું ભારતમાં આવું શક્ય છે ખરું? 2004માં ચૂંટણી જીત્યા પછી કૉંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનમાં સોનિયા ગાંધીના નામની દરખાસ્ત આવી ત્યારે કેવો હંગામો મચ્યો હતો તે આપણે ભૂલવું જોઈએ નહીં. સોનિયા ગાંધીને વિદેશી કહેવામાં આવ્યા અને એક મોટા નેતાએ માથું મુંડાવીને સંસદની બહાર ઉપવાસ પર બેસવાની ધમકી આપી હતી.''
શશિ થરૂરે લખ્યું કે, ''સોનિયા ગાંધીએ પીએમ બનવા માટેની દરખાસ્તને નકારી કાઢી હતી. એ વાત સાચી કે મનમોહન સિંહએક લઘુમતી સમાજના છે, પણ મોટા ભાગના હિન્દુઓ શીખોને પોતાનાથી અલગ ગણતા નથી. બહુમતીવાદનું રાજકારણ જોરમાં છે, ત્યારે શું આપણે કલ્પના કરી શકીએ ખરા કે કોઈ હિન્દુ, શીખ, જૈન કે બૌદ્ધ સિવાયના કોઈ દેશના વડા પ્રધાન બની શકે? જે દિવસે આવું થશે ત્યારે ભારત ખરેખર એક પરિપક્વ લોકતંત્ર તરીકે ઉપસી આવશે.''

શીખોને મુસ્લિમોની જેમ હિન્દુથી કેમ અલગ નથી ગણવામાં આવતા?

ઇમેજ સ્રોત, Getty Images
આ સવાલ માત્ર શશિ થરૂર નહીં, પણ બીજા પક્ષના નેતાઓ પણ ઉઠાવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષા મહેબુબા મુફ્તિએ કહ્યું કે એક તરફ બ્રિટનમાં લઘુમતીને પીએમ બનાવવામાં આવે છે, પણ બીજી બાજુ ભારતમાં એનઆરસી અને સીએએ જેવા વિભાજનકારી અને ભેદભાવયુક્ત કાયદા બનાવવામાં આવી રહ્યા છે.
જોકે ભાજપના નેતાઓ આવી ટીકાઓને નકારી રહ્યા છે. ભાજપના માહિતી અને ટેક્નિકલ વિભાગના પ્રભારી અમિત માલવીયે ટ્વીટ કરીને કહ્યું કે, ''ભારતમાં ત્રણ મુસ્લિમો અને એક શીખ રાષ્ટ્રપતિ બન્યા છે. એક શીખ 10 વર્ષ સુધી ભારતના વડા પ્રધાન રહ્યા છે. લઘુમતી વ્યક્તિ ભારતના ન્યાયતંત્રમાં ટોચના સ્થાને પહોંચી છે. સેનામાં પણ કમાન્ડ તેમને આપવામાં આવેલું છે. અમારે વિવિધતા અને સમાવેશક રાજનીતિ બીજા કોઈ દેશમાંથી શીખવાની જરૂર નથી.''
ભારતમાં રાષ્ટ્રપતિનું પદ બંધારણીય છે અને તેમની પાસે કોઈ ખાસ અધિકારો નથી. એટલે ઘણી વાર ભારતના રાષ્ટ્રપતિને રબર સ્ટેમ્પ પણ કહેવામાં આવે છે.
ભારતના રાજકારણમાં ઘણી વાર એવું બન્યું છે કે કેન્દ્રમાં જેમની સરકાર હોય તેમની પસંદગીના રાષ્ટ્રપતિ બનાવવામાં આવે છે. ભાજપે જ અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ પદ માટે પસંદ કર્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
આ ઉપરાંત ઝાકિર હુસૈન અને ફકરુદ્દીન અલી અહમદ ભારતમાં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. જ્ઞાની ઝૈલ સિંહ શીખ હતા અને રાષ્ટ્રપતિ બન્યા હતા. સેનાના વડા તરીકે પણ શીખની નિમણૂક થયેલી છે, જોકે કોઈ મુસ્લિમ સેનાના વડા નથી બન્યા. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશના પદ સુધી મુસ્લિમો પહોંચ્યા છે ખરા.
ભારતના જમણેરીઓ શીખ, બૌદ્ધ અને જૈનને હિન્દુ ધર્મનો જ હિસ્સો માને છે. સાવરકરની જે હિન્દુત્વની વિચારધારા ભાજપે અપનાવી છે તેમાં પણ શીખ, બૌદ્ધ અને જૈનને ઇસ્લામની જેમ અલગ ધર્મ તરીકે જોવામાં આવતા નથી.
સાવરકર પૂણ્યભૂમિ અને પિતૃભૂમિની વાત કરે છે. એટલે કે જે ધર્મનો ઉદય ભારતમાં થયો હોય તેમના માટે આ પિતૃભૂમિ છે અને સાથે જ ભારત તેમના માટે પૂણ્યભૂમિ છે. સાવરકરનો
તર્ક એવો હતો કે ઇસ્લામનો જન્મ ભારતની બહાર થયો છે એટલે તેના અનુયાયીઓ માટે ભારત પિતૃભૂમિ છે, પરંતુ તેમના માટે પૂણ્યભૂમિ વિદેશમાં છે.
સાવરકરનું કહેવું હતું કે આ કારણસર તેમનામાં પિતૃભૂમિ અને પૂણ્યભૂમિ વચ્ચેના લગાવમાં ખેંચતાણ થવાની છે. આ તર્કના આધારે હિન્દુત્વના રાજકારણમાં શીખ, બૌદ્ધ અને જૈનને મુસ્લિમો કરતાં અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવે છે.

ભાજપ શા માટે ખુશ છે?

ઇમેજ સ્રોત, @RISHISUNAK
ઋષિ સુનક વડા પ્રધાન બન્યા તેમાં ભાજપ આટલો ખુશ થાય તે કેટલું વાજબી? આ સવાલના જવાબમાં ભાજપ સમર્થક પત્રકાર પ્રદીપ સિંહ કહે છે, ''દુનિયાભરમાં ભારતીય મૂળના લોકો વસી ગયા છે, પણ મહત્ત્વના હોદ્દા પર પહોંચેલા તેમાંના મોટા ભાગના લોકોએ હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવેલો છે. આ બાબતમાં ઋષિ સુનક અલગ પડે છે. તેઓ પોતે હિન્દુ હોવાની વાતને છુપાવતા નથી. તેઓ જાહેરમાં હિન્દુ પૂજાપાઠ પણ કરે છે. એટલે ખુશી વ્યક્ત કરવામાં આવે તેમાં કંઈ ખોટું નથી.''
સોનિયા ગાંધીનો વિરોધ અને ઋષિ સુનક માટે ખુશી શું ભાજપનો વિરોધાભાસ નથી બતાવતા?
પ્રદીપ સિંહ કહે છે, ''ઋષિ સુનકનો જન્મ બ્રિટનમાં થયો હતો. તેઓ જન્મથી જ ત્યાંના નાગરિક છે. સોનિયા ગાંધી લગ્ન બાદ આવ્યા અને ઘણા વર્ષો પછી તેમણે ભારતીય નાગરિકતા લીધી હતી.
સોનિયા ગાંધીએ ઇચ્છ્યું હોય તો પીએમ બની શક્યા હોત. ભાજપને કારણે નથી બન્યાં એવું નથી. એ પણ યાદ રાખવું જોઈએ કે ઋષિ સુનકને લોકોએ ચૂંટીને વડા પ્રધાન નથી બનાવ્યા, કન્ઝર્વેટિવ પક્ષના સાંસદોએ તેમને પસંદ કર્યા છે. તેમને લોકો ચૂંટશે કે કેમ તે જોવાનું બાકી છે. એટલે સોનિયા ગાંધી સાથે સરખામણી કરવી યોગ્ય નથી.''
અલાહાબાદ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર હેરંબ ચતુર્વેદી કહે છે, ''ભાજપ ખુશ થાય છે તે બેગાની શાદીમાં અબ્દુલ્લા દિવાના જેવું છે. બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી નીકળી ગયું, ત્યાં હિન્દુ પીએમ બન્યા તેની ખુશી લોકો વ્યક્ત કરી રહ્યા છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "ઋષિ સુનકે સુલેલાને ગૃહ પ્રધાન તરીકે પસંદ કરીને સંદેશ આપી પણ દીધો છે. ભારત સાથે વેપાર કરવાની વાત હતી ત્યારે સુલેલાએ કહ્યું હતું કે ભારતીયોનું ઇમ્રિગેશન વધી જશે. ભારતે આ નિવેદનનો વિરોધ કર્યો હતો. ભાજપે પોતાને બદલવાની જરૂર છે અને તેણે બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી શીખવાની જરૂર છે.''

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














