ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બન્યા તે પહેલાંથી વિવાદમાં રહેલાં તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ

ઇમેજ સ્રોત, Getty Images

- પરિવાર પ્રચૂર પ્રમાણમાં સંપત્તિ ધરાવતો હોવા છતાં અક્ષતા શરૂઆતથી જ અત્યંત વિનમ્ર રહ્યાં છે
- માતા સુધા મૂર્તિ અને પિતા નારાયણ મૂર્તિ કારકિર્દી આગળ વધારવા મુંબઈ આવ્યાં હતાં
- ઋષિ સાથે અક્ષતાની પહેલી મુલાકાત યુનિવર્સિટીમાં થઈ હતી

આખરે ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડા પ્રધાન બનશે. 42 વર્ષના સુનક બ્રિટનના પહેલાં એશિયન વડા પ્રધાન હશે.
ઋષિ સુનકની સાથે સાથે જ બીજું કારણ એ પણ છે કે તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ ભારતીય અબજપતિ અને ભારતના બિલ ગેટ્સ તરીકે વિખ્યાત ઉદ્યોગપતિ એન આર નારાયણ મૂર્તિનાં પુત્રી છે. નારાયણ મૂર્તિ ભારતની બહુરાષ્ટ્રીય આઈટી કંપની ઇન્ફોસિસના સ્થાપક છે.
અબજોની સંપત્તિનાં વારસદાર અક્ષતા બ્રિટનમાં નૉન-ડોમિસાઇલનું સ્ટેટસ ધરાવે છે, એવું આ વર્ષની શરૂઆતમાં જાહેર થયું પછી તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યાં હતાં.
આ સ્ટેટસનો અર્થ એ છે કે, બ્રિટનની બહારથી થતી કમાણી પર તેમને કોઈ ટૅક્સ ચૂકવવાનો હોતો નથી. બાદમાં અક્ષતા વિશ્વમાંથી થતી આવક પેટે બ્રિટનમાં કર ચૂકવવા રાજી થયાં હતાં.
તેમનો પરિવાર પ્રચૂર સંપત્તિ ધરાવતો હોવા છતાં અક્ષતા શરૂઆતથી જ અત્યંત વિનમ્ર રહ્યાં છે.
અક્ષતાના માતા-પિતાએ ઘરમાં ટીવી ન વસાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
પિતા નારાયણ મૂર્તિએ તેમનાં પુત્રી અક્ષતાને લખેલાં પત્રોનું સંકલન 2013માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
નારાયણ મૂર્તિને એપ્રિલ 1980માં અક્ષતાના જન્મના સમાચાર તેમના સહકર્મીએ આપ્યા હતા, કારણ કે એ સમયે તેમને ફોન રાખવાનું પરવડે તેવું ન હતું. આ ઘટનાને નારાયણ મૂર્તિએ અક્ષતાને લખેલા પત્રમાં યાદ કરી છે.
તેમણે લખ્યું હતું કે "હું અને તારી મમ્મી એ સમયે યુવાન હતાં અને કારકિર્દીમાં અમારા પગ જમાવવા સંઘર્ષ કરતાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અક્ષતા થોડા મહિનાઓના થયા ત્યારે તેમને તેમનાં નાના-નાનીને ત્યાં મોકલી આપવામાં આવ્યાં હતાં, કારણ કે તેમનાં માતા સુધા મૂર્તિ અને પિતા નારાયણ મૂર્તિ કારકિર્દી આગળ વધારવા મુંબઈ આવ્યાં હતાં.
તેના એક વર્ષ પછી નારાયણ મૂર્તિ ઇન્ફોસિસ નામની ઇન્ફર્મેશન ટેકનૉલૉજી કંપનીના સહસ્થાપક બન્યા હતા. આ કંપનીએ તેમને ભારતના ધનાઢ્યો પૈકીના એક બનાવ્યા છે.
સંખ્યાબંધ સિદ્ધિઓ મેળવી ચૂકેલાં સુધા અને નારાયણ મૂર્તિએ શિક્ષણ અને આકરી મહેનત પર ધ્યાન કેન્દ્રીત કરવાના સંસ્કાર તેમનાં બન્ને સંતાનોને પણ આપ્યાં છે.
અક્ષતાએ કહ્યું હતું કે અભ્યાસ, વાંચન અને દોસ્તો સાથેની મુલાકાતો તથા ચર્ચાઓ માટે સમય કાઢી શકાય એ હેતુસર માતા-પિતાએ ઘરમાં ટીવી વસાવ્યું ન હતું.
અક્ષતાએ કૅલિફોર્નિયાની ખાનગી લિબરલ ક્લેરમોન્ટ મેકેન્ના કૉલેજમાં અર્થશાસ્ત્ર અને ફ્રૅન્ચ ભાષાનો અભ્યાસ કર્યો છે. એ પછી ડેલોઇટ તથા યુનિલીવરમાં જોડાતાં પહેલાં અને સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરતાં પહેલાં તેમણે ફૅશન કૉલેજમાંથી ડિપ્લોમા મેળવ્યો હતો.
અક્ષતા ડિઝાઇન્સે તેનું પહેલું કલેક્શન 2011માં લૉન્ચ કર્યું

ઇમેજ સ્રોત, CONSERVATIVE PARTY
ઋષિ સાથે તેમની પહેલી મુલાકાત યુનિવર્સિટીમાં થઈ હતી. તેમણે 2009માં લગ્ન કર્યાં હતાં અને તેઓ બે પુત્રીઓનાં માતાપિતા બન્યાં હતાં.
અક્ષતા ડિઝાઇન્સ નામનું પોતાનું લેબલ લૉન્ચ કરતાં પહેલાં, 42 વર્ષનાં અક્ષતાએ તેમની કારકિર્દીનો પ્રારંભ કૅલિફોર્નિયામાં ફાઇનાન્સ ક્ષેત્રમાં કર્યો હતો. અક્ષતા ડિઝાઇન્સે તેનું પહેલું કલેક્શન 2011માં લૉન્ચ કર્યું હતું.
તેમણે વોગ ઇન્ડિયા સામયિકને જણાવ્યું હતું કે પોતાની ડિઝાઇન્સ બનાવવા તેમણે ભારતના અંતરિયાળ ગામડાઓમાં કળાકારો સાથે કામ કર્યું હતું. તેમનું એ સાહસ "વિશ્વસનીયતા, કળાકૌશલ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના જતન માટેનું હતું."
અલબત, ગાર્ડિયન અખબારના અહેવાલ મુજબ, એ બિઝનેસ ત્રણ જ વર્ષમાં પડી ભાંગ્યો હતો.

ઇમેજ સ્રોત, POOL
અક્ષતાની વ્યાવસાયિક રુચિ પૈકીની એક કેટમરાન વેન્ચર્સની લંડનસ્થિત એક શાખા છે. અક્ષતા અને ઋષિએ તેની સ્થાપના 2013માં કરી હતી તથા તે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે.
અક્ષતાનું નામ ડિગ્મે ફિટનેસ નામની એક જિમ્નેશિયમ કંપનીના ડિરેક્ટર તરીકે પણ નોંધાયેલું છે. ફર્લો ફંડ મળવા છતાં કોવિડ-19 મહામારી દરમિયાન આવકમાં ઘટાડો થતાં ગત ફેબ્રુઆરીમાં આ કંપનીને ઍડમિનિસ્ટ્રેશન પર મૂકવામાં આવી હતી.
અક્ષતાની લિંક્ડઈન પ્રોફાઇલ પરની માહિતી મુજબ, તેઓ પુરુષોનાં મોંઘાં વસ્ત્રોનું વેચાણ કરતી ન્યૂ ઍન્ડ લિંગવૂડ કંપનીનાં ડિરેક્ટર પણ છે.
કંપનીના તાજા વાર્ષિક અહેવાલમાંની માહિતી મુજબ, અક્ષતા ઇન્ફોસિસમાં 0.9 ટકા હિસ્સો ધરાવે છે, જેનું મૂલ્ય આશરે 70 કરોડ પાઉન્ડ હોવાનો અંદાજ છે.
શું અક્ષતામાં મીડિયાને વધારે રસ પડશે?

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે અક્ષતાનો ઇન્ફોસિસમાંનો હિસ્સો વિવાદનો વિષય બન્યો હતો. એ વખતે ઇન્ફોસિસ પર મોસ્કોમાંની તેની કામગીરી અટકાવી દેવા દબાણ લાવવામાં આવ્યું હતું. બીબીસીને એપ્રિલમાં જણાવવામાં આવ્યું હતું કે ઇન્ફોસિસ રશિયામાંની તેની ઑફિસ બંધ કરી રહી છે.
વધારે વિગતે વાત કરીએ તો અક્ષતા અને ઋષિ જંગી સંપત્તિનાં માલિક હોવાથી એવો સવાલ કરવામાં આવી રહ્યો છે કે ઋષિ ખાસ કરીને ગુજરાન ખર્ચની કટોકટી દરમિયાનની સામાન્ય લોકોની તકલીફોથી વાકેફ છે કે કેમ.
ભૂતકાળમાં વડા પ્રધાનનાં કેટલાક જીવનસાથીઓ લો-પ્રોફાઇલ રાખતાં રહ્યાં છે. તેમાં થેરેસા મેના પતિ ફિલિપનો પણ સમાવેશ થાય છે.
માનવાધિકાર વકીલ ચેરી બ્લેર જેવાં અન્યો લોકોનું ધ્યાન વધારે આકર્ષતાં રહ્યાં હતાં. ચેરીએ તો તેમના પતિ ટોની બ્લેર બ્રિટનના વડા પ્રધાન બન્યા પછી પણ પોતાની હાઈ-પ્રોફાઇલ કામગીરી ચાલુ રાખી હતી. ચેરી બ્લેર તેમના સખાવતી કામો અને બૂક કોન્ટ્રાક્ટ્સ સંદર્ભે સમાચારોમાં ચમકતા રહ્યા હતા.
અક્ષતાએ અત્યાર સુધી તો મીડિયાનું ધ્યાન પોતાના ભણી આકર્ષ્યું નથી, પરંતુ તેમને વિવાદોમાં સંડોવવામાં આવ્યાં છે.
જોકે, તેમના પતિના બ્રિટનના સર્વોચ્ચ પદ પરના સત્તારોહણનો અર્થ એ થાય કે મીડિયાને અક્ષતામાં વધારે રસ પડશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















