UK : ભારતીય મૂળના ઋષિ સુનકને વડા પ્રધાન બનાવવા બ્રિટન કેટલું તૈયાર છે?
બ્રિટનના ભાવિ વડા પ્રધાનપદની સ્પર્ધામાં અંતિમ બે ઉમેદવારો અંગે નિર્ણય થઈ ગયો છે. બ્રિટનમાં વડા પ્રધાનપદની દાવેદારીની સ્પર્ધામાં ભારતીય મૂળના ઋષિ સુનક પાંચમા રાઉન્ડમાં પણ સૌથી આગળ રહ્યા છે.
બોરિસ જૉન્સનના મંત્રી રહેલા ઋષિ સુનક હાલ બ્રિટનમાં વડા પ્રધાનની રેસમાં સૌથી આગળ છે
સુનક બ્રિટનના નાણામંત્રી પણ રહી ચૂક્યા છે અને કન્ઝર્વેટિવ પાર્ટીના એક મહત્ત્વના નેતા પણ છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના 160,000 સભ્યો ઋષિ સુનક કે લિઝ ટ્રસમાંથી એકને મત આપીને બ્રિટનનાં આગામી વડા પ્રધાન ચૂંટશે. આ રેસમાં કોણ જીતશે એની જાણ 5 સપ્ટેમ્બરે થશે.
તો શું એ શક્ય છે કે બ્રિટનના આગામી વડા પ્રધાન ભારતીય મૂળના હશે?
સાત વર્ષના ટૂંકા સમયગાળામાં ભારતીય મૂળના નેતા સાંસદથી હવે વડા પ્રધાનપદના ઉમેદવાર બની ગયા છે.
ઋષિ સુનકનો જન્મ બ્રિટનના સાઉથૅમ્પ્ટન ખાતે થયો હતો. સુનકનાં માતા-પિતા મૂળે ભારતીય છે, જેઓ પૂર્વ આફ્રિકામાંથી ઇંગ્લૅન્ડ ખાતે હિજરત કરી ગયાં હંતા. સુનકના પિતા જનરલ પ્રૅક્ટિશનર હતા, જ્યારે માતા ફાર્મસી સ્ટોર ચલાવતાં. નાનપણમાં ઋષિ તેમનાં માતાને સ્ટોરમાં મદદ કરતા.
ઋષિએ વિનચેસ્ટર કૉલેજ ખાતે શિક્ષણ મેળવ્યા બાદ પોતાના ઉનાળા વેકેશન દરમિયાન તેમણે સાઉથેમ્પટનમાં એક રેસ્ટોરાંમાં વેઇટર તરીકે નોકરી કરી હતી. જુલાઈ-2020માં જ્યારે બ્રિટનમાં લૉકડાઉન ખૂલી રહ્યું હતું અને લોકો જાહેરસ્થળોએ જતાં ખચકાઈ રહ્યા હતા ત્યારે લોકોના ખચકાટને દૂર કરવા એક રેસ્ટોરાંમાં તેમણે ભોજન પીરસ્યું હતું.
તેમણે બહુપ્રતિષ્ઠિત ઓક્સફૉર્ડ યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ, ફિલોસૉફી તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને પ્રથમ વર્ગ સાથે ઉત્તીર્ણ થયા. એમબીએનો (માસ્ટર ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન) ઉચ્ચ અભ્યાસ કરવા માટે તેઓ કૅલિફૉર્નિયાની સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટી ગયા.
ઋષિના કહેવા પ્રમાણે, નાનપણમાં તેમને વંશીય ભેદભાવનો ખાસ સામનો કરવો નહોતો પડ્યો. છતાં એક વખત તેઓ પોતાના નાના ભાઈ તથા નાનાં બહેન સાથે રેસ્ટોરાંમાં ગયા હતા ત્યારે "પી" વર્ડ સાંભળવો પડ્યો હતો, જેનો ડંખ તેમને રહી ગયો હતો.
2001થી 2004 દરમિયાન તેમણે ગૉલ્ડમૅન સાશ ખાતે ઍનાલિસ્ટ તરીકે કામ કર્યું, એ પછી તેઓ હેજફંડમાં પાર્ટનર પણ રહ્યા.
ત્યારે શું યુકે ઋષિ સુનક માટે તૈયાર છે? એ સમજવાનો પ્રયાસ આજની કવર સ્ટોરીમાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
