મહિલાઓએ જ્યારે બળાત્કારના આરોપીને ભરી અદાલતમાં મારી નાખ્યો

નૅટફ્લિક્સની 'ઇન્ડિયન પ્રિડેટર' શ્રેણી હેઠળની ડૉક્યુસિરીઝ 'મર્ડર ઇન અ કોર્ટરૂમ'નું પોસ્ટર

ઇમેજ સ્રોત, netflix.com

ઇમેજ કૅપ્શન, નૅટફ્લિક્સની 'ઇન્ડિયન પ્રિડેટર' શ્રેણી હેઠળની ડૉક્યુસિરીઝ 'મર્ડર ઇન અ કોર્ટરૂમ'નું પોસ્ટર
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

નોંધ : આ અહેવાલની વિગતો સંવેદનશીલ વાચકોને વિચલિત કરી શકે છે. વાચકનો વિવેક અપેક્ષિત છે.

મહારાષ્ટ્રના નાગપુરમાં એક બપોરે અઢી વાગ્યે માથાભારે શખ્સની છાપ ધરાવતા અક્કુ યાદવને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો. સુનાવણી વખતે ડઝનોની સંખ્યામાં મહિલાઓ ત્યાં આવી હતી.

અક્કુને પોતાની સંપર્કો અને કાયદાકીય છટકબારીઓ ઉપર વિશ્વાસ હતો. તેણે હાજર મહિલાઓ તરફ તિરસ્કારભરી નજર નાખી. એમાંથી એક યુવતી ઉપર તેણે અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. એ પીડિતાને એણે અપશબ્દ કહીને ફરી કુકર્મ આચરવાની ધમકી આપી.

એ યુવતીનો આક્રોશ ફાટી નીકળ્યો અને એણે એણે આગળ આવી અને સ્લીપર કાઢીને અક્કુ યાદવના માથા પર મારતાં કહ્યું, "આ વખતે કાં તો હું તને મારી નાખીશ અથવા તું મને મારી નાખજે."

આ સાથે જ કસ્તુરબાનગરની મહિલાઓની ધીરજનો બંધ તૂટી ગયો. હોહા અને બૂમાબૂમ થઈ ગઈ. કેટલીક મહિલાઓએ તેમનાં કપડાંમાંથી મરચાંનો પાઉડર કાઢ્યો અને અક્કુ યાદવ તથા તેના જાપ્તામાં આવેલા બે પોલીસવાળા પર છાંટ્યો.

મહિલાઓનો આક્રોશ જોઈને પોલીસ તથા અદાલતના કર્મચારીઓ જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટ્યા. મહિલાઓએ પોતાનાં વસ્ત્રોમાંથી છરીઓ કાઢી અને અક્કુ યાદવને ઘા મારવા લાગી. આ હુમલાથી અક્કુ યાદવમાં ભય ફેલાઈ ગયો અને ફરીથી આવું નહીં કરવાની વાત કરતા એ માફી માગવા લાગ્યો છતાં મહિલાઓ કશું સાંભળવા તૈયાર નહોતી.

ઉપસ્થિત દરેક મહિલાએ કમ સે કમ એક વખત અક્કુને ચાકુ મારવાનું નક્કી કર્યું હતું. એ પછી એક મહિલાએ તેનું ગુપ્તાંગ વાઢી લીધું. 'ઑરેંજ સિટી' નાગપુરની અદાલતની સફેદ ફર્શ લાલ થઈ ગઈ. લોહીના ખાબોચિયાં ભરાઈ ગયાં.

બૅન્ચ, કબાટ તથા કઠેડા પર લોહીના છાંટા ઊડ્યા હતા. લગભગ 15 મિનિટ પછી જજની બેઠકની સામે જ અક્કુ યાદવનો નિશ્ચેતન દેહ પડ્યો હતો. મહિલાઓએ 13 વર્ષથી ચાલતા અક્કુના ભયના સામ્રાજ્યનો અંત લાવી દીધો હતો. આ માટે તેમને કોઈ પસ્તાવો ન હતો, પરંતુ ગર્વ હતો.

નિકોલસ ક્રિસ્ટૉફે તેમના પુસ્તક 'હાફ ધ સ્કાય'માં (પેજ નંબર 51-52) પર અદાલતમાં બનેલા ઘટનાક્રમનું વિવરણ લખ્યું. પરંતુ અક્કુ યાદવે એવું તે શું હતું કે એ દિવસે મહિલાઓ મરવા-મારવા પર આવી ગઈ હતી.

line

અક્કુ યાદવનો આરંભ

અક્કુ યાદવ

ઇમેજ સ્રોત, PRAVEEN MUDHOLKAR

અક્કુ યાદવનું જન્મનું નામ ભરત કાલીચરણ હતું. 1980ના દાયકામાં નાગપુર શહેરનો વિકાસ થઈ રહ્યો હતો, ત્યારે શહેરની બહાર કસ્તુરબાનગરનો વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો હતો. જેમાં મોટા ભાગે દલિતો અને આદિવાસીઓ રહેતા હતા.

મોટા ભાગના લોકો રોજેરોજનું રળી ખાનારા હતા. પુરુષો હમાલી કરીને, હાથલારી ચલાવીને કે મજૂરીકામ કરતા જ્યારે મહિલાઓ ઘરકામ કરીને કે કચરો વીણવા જેવાં કામ કરીને ઘરના બે છેડા ભેગા કરવામાં મદદ કરતી.

એવા વખતે અક્કુ યાદવના પિતા આ સ્લમવિસ્તારમાં જ રહીને દૂધનો વેપાર કરતા હતા. અક્કુના જન્મ પછી સંતોષ અને યુવરાજનો જન્મ થયો હતો.

લાઇન

સંક્ષિપ્તમાં: જ્યારે મહિલાઓએ બળાત્કારના આરોપીને ભરી અદાલતમાં રહેંસી નાખ્યો

લાઇન

2004માં અક્કુ યાદવ નામના માથાભારે શખ્સની નાગપુરની સ્થાનિક અદાલતમાં મહિલાઓએ હત્યા કરી નાખી હતી. આ હત્યાએ દેશભરમાં ભારે ચર્ચા જગાવી હતી. વિફરેલી મહિલાઓ પર કાબૂ મેળવવા પોલીસ પણ સક્ષમ નહોતી. આ હત્યા બાદ જ્યારે રાષ્ટ્રીય મીડિયા કસ્તુરબાનગર નામની ઝૂડપપટ્ટીમાં પહોચ્યું ત્યારે દર બીજા કે ત્રીજા ઘરમાંથી મહિલા અક્કુ યાદવના જાતીય અત્યાચારનો ભોગ બની હોવાની વાત મહિલાઓએ કૅમેરા પર કરી હતી.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે કસ્તુરબાનગરની મહિલાઓએ ખુલ્લામાં કુદરતી હાજતે જવું પડતું. ત્યારે અક્કુ તેમની પાછળ-પાછળ જતો અને તેમને જોઈને વિકૃત આનંદ મળતો. મહિલાઓ સાથે અનૈતિક કૃત્યો તરફની આ શરૂઆત હતી. સાંજે સાત વાગ્યા પછી મહિલાઓ ઘરની બહાર નીકળી નહોતી શકતી.

પોલીસ ઉપરાંત સ્થાનિક રાજનેતાઓના પણ તેના ઉપર ચાર હાથ હતા. આ વાતનો અંદાજ એના પરથી મૂકી શકાય કે હત્યાના સમયે અક્કુના શરીરમાંથી આલ્કૉહૉલ મળ્યો હોવાનો પૉસ્ટમૉર્ટમના રિપોર્ટમાં ખુલાસો થયો હતો. પાંચ દિવસથી પોલીસ કસ્ટડીમાં હોવા છતાં તેના શરીરમાં શરાબ કેવી રીતે પ્રવેશ્યો?

અક્કુની હત્યા પછી કસ્તુરબાનગરના રહેવાસીઓએ દેશના સ્વતંત્રતા દિવસના બે દિવસ પહેલાં પોતાનો 'સ્વતંત્રતા દિવસ' ઊજવ્યો હતો

લાઇન

નાનપણથી જ અક્કુને પિતાના ધંધામાં રસ ન હતો અને શ્રમિક તરીકે કામ કરી શકે તેમ ન હોવાથી તેનાં ડગ આપોઆપ ગુનાની દુનિયા તરફ મંડાઈ ગયાં હતાં.

2005માં નાગપુરની મુલાકાત સમયે સ્થાનિકો પાસેથી સાંભળ્યું હતું કે કસ્તુરબાનગરની મહિલાઓએ ખુલ્લામાં કુદરતી હાજતે જવું પડતું. ત્યારે અક્કુ તેમની પાછળ-પાછળ જતો અને તેમને જોઈને વિકૃત આનંદ મળતો. મહિલાઓ સાથે અનૈતિક કૃત્યો તરફની આ શરૂઆત હતી.

અક્કુ યાદવે દારૂની હેરફેર, ખંડણી ઊઘરાવી, લૂંટ અને ચોરીના માલના વેપાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. અનેક પરિવારોએ અક્કુના આતંકથી કસ્તુરબાનગર છોડી દીધું હતું. જે લોકો છોડી શકે તેમ નહોતા, તેવા અનેક પરિવારોએ તેમની દીકરીઓને સગાંસંબંધીઓને ત્યાં મોકલી દીધી હતી. જે પરિવારો આમાંથી કશું કરી શકે તેમ ન હતા, તેમણે પરિવારની દીકરીઓ અને મહિલાઓ ઉપર નિયંત્રણો લાદી દીધાં.

સાંજે સાત વાગ્યા પછી તેઓ ઘરની બહાર નીકળી નહોતી શકતી. જો કુદરતી હાજતે જવું હોય તો પણ તે કામ ઘરમાં જ પતાવી લેવું પડતું.

શરાબ, કબાબ અને શબાબ પીરસીને અક્કુએ સ્થાનિક પોલીસને પોતાની સાથે લીધી હતી. સ્થાનિક રાજનેતાઓના પણ તેના ઉપર ચાર હાથ હતા. આ વાતનો અંદાજ એના પરથી મૂકી શકાય કે હત્યાના સમયે અક્કુના શરીરમાંથી આલ્કૉહૉલ મળ્યો હોવાનો પૉસ્ટમૉર્ટમના રિપોર્ટમાં ખુલાસો થયો હતો.

પાંચ દિવસથી પોલીસ કસ્ટડીમાં હોવા છતાં તેના શરીરમાં શરાબ કેવી રીતે પ્રવેશ્યો તે સમજવા માટે સામાન્ય સમજ જ પૂરતી છે.

દુષ્કર્મની તવારીખ

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

મૃત્યુ સમયે અક્કુ યાદવની ઉંમર 32 વર્ષની હતી, પરંતુ તેની સામે પ્રથમ ગુનો વર્ષ 1991માં નોંધાયો હતો. એ સમયે એ માત્ર 19 વર્ષનો જ હતો. એ કેસ ગૅંગરૅપનો હતો, જેના સાત આરોપીમાંથી એક નામ અક્કુ યાદવનું પણ હતું.

અક્કુ યાદવ સામે 'ઔપચારિક રીતે' નોંધાયેલી તે એકમાત્ર દુષ્કર્મની ફરિયાદ છે.

2004માં અદલાતમાં હત્યાની ઘટના પછી સ્થાનિક અને રાષ્ટ્રીય મીડિયા આ વસતીમાં પહોંચ્યું, ત્યારે સ્થાનિક મહિલાઓએ દર બીજા કે ત્રીજા ઘરમાંથી મહિલા અક્કુ યાદવના જાતીય અત્યાચારનો ભોગ બની હોવાની વાત કૅમેરા પર કહી હતી.

નિકોલસ તેમના પુસ્તકમાં લખે છે કે કસ્તુરબાનગરમાં પોતાના ભયનું સામ્રાજ્ય ફેલાવવા માટે અક્કુએ દુષ્કર્મનો એક ઓજાર તરીકે ઉપયોગ કર્યો હતો. જો કોઈની હત્યા કરવામાં આવે તો મૃતદેહને ઠેકાણે પાડવો પડે, પોલીસને પૈસા આપવા પડે. જ્યારે રૅપને 'લાંછનરૂપ' માનવામાં આવતો હોવાથી સામાન્ય રીતે પીડિત ચૂપ રહે અને ભય ફેલાય.

ક્રિસ્ટોફે સ્થાનિકોના મોઢેથી સાંભળેલાં આવા જ કેટલાક કિસ્સા પોતાના પુસ્તકમાં (પેજ નંબર 49) ટાંક્યા છે.

અક્કુ યાદવે એક યુવતી સાથે તેનાં લગ્નની રાત્રે જ રૅપ કર્યો હતો. એક શખ્સને નગ્ન કરીને તેને સિગારૅટના ડામ દીધા હતા અને 16 વર્ષની દીકરી સામે નાચવા માટે મજબૂર કર્યો હતો.

અક્કુ તથા તેના સાગરીતોએ એક યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાના 10 દિવસ પહેલાં જ પીડિતાએ એક બાળકને જન્મ આપ્યો હતો. સમગ્ર ઘટના સહન ન થતાં પીડિતાએ કૅરોસિન છાંટીને આત્મહત્યા કરી લીધી હતી.

આ સિવાય સાત મહિનાની સગર્ભાને સરાજાહેર નિર્વસ્ત્ર કરીને જાહેરમાં તેની સાથે અક્કુ અને તેના સાગ્રિતોએ દુષ્કર્મ આચર્યું હતું.

અન્ય એક મહિલા પર એની દીકરીની સામે અત્યાચાર કર્યો હતો અને તેના સ્તન કાપી નાખ્યાં હતાં અને હત્યા કરી નાખી. એક પાડોશીએ આ ઘટના વિશે પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું હતું. આ અંગે અક્કુને ગંધ આવી જતાં તેણે આ પાડોશીની પણ હત્યા કરાવી નાખી હતી.

line

ફરિયાદ

અક્કુ યાદવ

ઇમેજ સ્રોત, PRAVEEN MUDHOLKAR

ઊષા નારાયણેનો જન્મ કસ્તુરબા નગરના જ દલિત પરિવારમાં થયો હતો. તેમનાં માતા-પિતાને યોગ્ય શિક્ષણ મળી શક્યું નહોતું પરંતુ તેઓ ભણતરની કિંમત સમજતાં હતાં. એટલે તેમણે નાનપણથી જ ઊષા તથા તેમના ભાઈને ભણવા માટે બહાર મોકલી દીધાં હતાં. ઊષાએ હોટલ મૅનેજમૅન્ટનો અભ્યાસ કર્યો હતો.

ઉષાનાં બહેનનું લગ્ન વિલાસ ભાંડે સાથે થયું હતું. જેઓ આ વિસ્તારમાં વકીલ હતાં. તેમણે અક્કુ યાદવ સામે હસ્તાક્ષર અભિયાન હાથ ધર્યું હતું. પહેલી ઑગસ્ટના રોજ તેમણે પોલીસને ફરિયાદ આપી હતી અને પાછળથી પત્રકારપરિષદ પણ સંબોધી હતી.

સ્વાતી મહેતાએ 'કૉમનવૅલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિસિયેટિવ' માટે 'કિલિંગ જસ્ટિસ : વિજલાન્ટિઝમ ઇન નાગપુર'ના નામથી અહેવાલ લખ્યો છે. જેમાં પોલીસને ટાંકતાં તેઓ લખે (પેજ નંબર 5) છે કે શરૂઆતમાં વિલાસ અને અક્કુ સાથે હતા. આગળ જતાં વિલાસે અક્કુના કેસ લડવાની ના પાડી હતી, જેના કારણે તેમના વચ્ચે વેર બંધાયું હતું.

કથિત રીતે અક્કુએ વિલાસના સાળાને ધમકી આપી હતી અને બનેવીને સમજાવી દેવા કહ્યું હતું. આ જ અરસામાં એક રાત્રે અક્કુ અને તેના 40 જેટલા સાગરીતોએ (ક્રિસ્ટોફ પેજ નંબર 50-51) ઊષાનાં ઘરેને ચારે તરફથી ઘેરી લીધું અને ઊષાએ વ્યક્તિગત રીતે કરેલી ફરિયાદ પાછી લેવા માટે કહ્યું.

જો તેઓ એમ ન કરે તો તેમના ઉપર ઍસિડ છાંટવાની, સામૂહિક દુષ્કર્મ કરવાની તથા કલ્પના ન કરી શકે તેવાં પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. ઊષાએ પોતાના ઘરના દરવાજાની આગળ આડશ ગોઠવી દીધી તથા અક્કુને તેની જ ભાષામાં જવાબ આપ્યો.

જ્યારે અક્કુના સાગરીતોએ બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઊષાએ ગૅસના સિલિન્ડરનો વાલ્વ ખોલી નાખ્યો અને જો તેઓ ઘરમાં પ્રવેશે તો પોતે તો મરશે, પણ તેમને પણ લેતાં જશે, તેવી ધમકી આપી.

ગૅસની વાસ આવતાં અક્કુ તથા તેના સાગરીતોએ પીછેહઠ કરી અને ત્યાંથી નાસી છૂટ્યા.

આ ઘટના પછી અક્કુના અત્યાચારથી વર્ષોથી દબાયેલાં કચડાયેલાં અને અવાજવિહિન બનેલાં સ્થાનિકોમાં હિંમત આવી. તેમણે અક્કુનો પ્રતિકાર કરવાનું શરૂ કર્યું.

સંતોષના ભત્રીજાએ અદાલતમાં જુબાની (ચુકાદામાં મુદ્દા નંબર 32) આપી હતી કે ઊષા તથા વિલાસે 30-40 લોકોની સાથે મળીને અક્કુ યાદવના ઘરમાં તોડફોડ કરી હતી.

સ્થાનિકોને મન ઊષા નાયિકા બની ગયાં હતાં.

અક્કુની હત્યા પછી કોઈ પણ અજાણી વ્યક્તિ તેમનું નામ-સરનામું પૂછતી આવે એટલે તેને ખોટા રસ્તે ચઢાવીને ખોટી-ખોટી જગ્યાએ મોકલવાની અને પાછળથી કોઈ ઊષાને જાણ કરી દે તેવી વાતો સંભળાતી. સંભવિત ભય સામે ઊષાને બચાવવામાં લોકો આવો યત્ન રહેતો હતો.

line

ઘટના એક, સવાલ અનેક

વિલાસના પ્રયાસો અને હસ્તાક્ષર અભિયાનને કારણે પોલીસ ઉપર દબાણ આવ્યું અને અક્કુ યાદવની સામે કાર્યવાહી કરવામાં આવી અને જેલમાં બંધ કરી દેવાયો.

અક્કુને લોકોના આક્રોશથી સલામત રાખવા માટે આ 'સેટિંગ' માત્ર હોવાનો સ્થાનિકોએ આરોપ મૂક્યો હતો, કેમ કે જો પોલીસે ખરેખર કાર્યવાહી કરી હોત તો માત્ર અક્કુ જ નહીં, તેના ભાઈ-ભત્રીજા તથા ગૅંગના અન્ય સભ્યો પણ જેલના સળિયા પાછળ હોત.

એવામાં 8 ઑગસ્ટ, 2004ના રોજ પહેલી સુનાવણી સમયે અક્કુ યાદવને અદાલતમાં પેશગી સમયે પણ મહિલાઓ ઉગ્ર બની ગઈ હતી અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સશસ્ત્ર પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો.

મૂળ નાગપુરના બીબીસી મરાઠીના ગુલશન વાંકરના કહેવા પ્રમાણે, "એ સમય સોશિયલ મીડિયાનો ન હતો, છતાં અદાલતમાં આવું કેવી રીતે થઈ શકે તેના વિશે ભારે હોબાળો થયો હતો. એ બધું સમજવા માટે મારી ઉંમર નાની હતી, પરંતુ શહેરમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો."

બીબીસી , ન્યૂ યૉર્ક ટાઇમ્સ, ગાર્ડિયન સહિતની આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓએ આ ઘટનાની નોંધ લીધી હતી.

અક્કુની હત્યા પછી મહિલાઓ કસ્તુરબાનગરમાં પરત ફરી હતી. દેશના સ્વતંત્રતાદિવસના બે દિવસ પહેલાં કસ્તુરબાનગરના રહેવાસીઓએ પોતાનો 'સ્વતંત્રતાદિવસ' ઉજવ્યો હતો. હવે તેઓ અક્કુ યાદવના ભયના ઓથાર હેઠળ ન હતા.

લોકોએ જોર-જોરથી સંગીત વગાડીને, ફટાકડાં ફોડીને નાચગાન કરીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે અંદરોઅંદર મીઠાઈ ખવડાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

પોલીસ જ્યારે તપાસ માટે કસ્તુરબા નગર પહોંચી, ત્યારે તમામ મહિલાઓએ એકસ્વરૂપે પોતે હત્યા કરી હોવાની તથા પુરુષોને જાણ પણ ન હોવાની વાત કહી હતી.

એ સમયના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 200થી 400 મહિલાઓ અદાલત પરિસરમાં મોં પર બુકાની વીંટીને પહોંચી હતી. જોકે, અદાલતના ચુકાદામાં (મુદ્દા નંબર 17) 10થી 12 મહિલાઓ અને 25-30 પુરુષોએ પોલીસજાપ્તામાંથી અક્કુ યાદવને છોડાવ્યા હોવાની વાત નોંધી છે.

અક્કુ યાદવની હત્યા પછી પોલીસે ઉતાવળે પાંચ મહિલાઓની ધરપકડ કરી હતી, પરંતુ ગણતરીના દિવસોમાં તેમને જામીન ઉપર છોડી દેવામાં આવ્યાં હતાં. અદાલતમાં હાજરી માત્રથી તેમને આરોપી બનાવી દેવામાં આવ્યા હતા.

પૂરક ચાર્જશીટમાં પોલીસે એકનાથ ચવ્હાણને મુખ્ય આરોપી બનાવ્યા હતા. તે અગાઉ અક્કુ સાથે કામ કરતો હતો તથા એક-બે કેસમાં સહઆરોપી પણ હતો. આગળ જતા તેણે અલગ ગૅંગ ઊભી કરી હતી. પોલીસની થિયરી હતી કે મહિલાઓની આડ લઈને હરીફ ગૅંગે આ કૃત્યને અંજામ આપ્યો હતો.

આ સિવાય વિલાસ, ઊષા તથા અન્યોને પણ આરોપી બનાવવામાં આવ્યાં હતાં. અદાલતમાં અક્કુ યાદવના ભત્રીજા અને પરિવારજનો આરોપીઓની ઓળખ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્રણમાંથી માત્ર એક જ પોલીસ કર્મચારીની વર્દી ઉપરથી અક્કુ યાદવના લોહીના ડાઘ મળ્યા હતા, જેથી અન્ય બે કર્મચારીઓની જુબાનીને ગ્રાહ્ય રાખી ન હતી.

ઘટનાના નવ વર્ષ 11 મહિના અને ત્રણ દિવસ પછી 2014માં જે અદાલતમાં અક્કુ યાદવની હત્યા થઈ હતી, તે નાગપુરની સ્થાનિક કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા.

જોકે, ચાકૂ અને ગુપ્તી જેવાં તીક્ષ્ણ હથિયારોથી પ્રહાર અને મરચાંની ભૂક્કીનો વપરાશ સ્પષ્ટ કરે છે કે આ હુમલો સ્વયંભૂ ન હતો.

નેટફ્લિક્સ દ્વારા 'ઇન્ડિયન પ્રિડેટર' શ્રેણી હેઠળ ભારતમાં ઘટેલી ભયાનક ગુનાહિત ઘટનાઓને ડૉક્યુ-સિરીઝ સ્વરૂપે રજૂ કરવામાં આવી રહી છે.

પહેલા ભાગમાં 'ધ બૂચર ઑફ દિલ્હી'ના નામથી ચંદ્રકાંત ઝા નામના સિરિયલ કિલરની કહાણી રજૂ કરાઈ હતી. તેમાં બીજો કિસ્સો 'ધ ડાયરી ઑફ અ સિરિયલ કિલર'નો હતો. જેમાં રાજા કોલાંદર નામના સિરિયલ કિલરની વાત હતી, જેના ઉપર 13 હત્યા તથા નરભક્ષી હોવાના આરોપ લાગ્યા હતા.

હવે, 'મર્ડર ઇન અ કૉર્ટરૂમ'ના નામથી નેટફ્લિક્સ અક્કુ યાદવની કહાણી લાવી રહ્યું છે, જે 28મી ઑક્ટોબરે રજૂ થશે. અક્કુ યાદવના જીવન પર અગાઉ 'કિંચક'ના (મહાભારતમાં દ્રૌપદી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરનાર) નામથી બંગાળી ફિલ્મ બની હતી. ગત વર્ષે '200 હલ્લા હો' તથા 'નાગપુર ગૅંગસ્ટર'ના નામથી ફિલ્મો બની ચૂકી છે.

કેટલી મહિલાઓ અક્કુ યાદવના અત્યાચારનો ભોગ બની હતી, તેનો આંકડો કદાચ ક્યારેય બહાર નહીં આવે, પરંતુ પોલીસની નિષ્ક્રિયતા, ન્યાય મેળવવાની ઢીલી વ્યવસ્થા તથા વર્ષોથી દબાવી રાખેલો આક્રોશ એ દિવસે બહાર આવ્યો હતો, તે વાતમાં કોઈ શંકા નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન