એ 'આફ્રિકન ટાઇટેનિક' જેમાં 444 બાળકો સહિત હજારો લોકો ડૂબી ગયાં

સમુદ્ર કાંઠે મરિયમ ડીઓફ

ઇમેજ સ્રોત, EFREM GEBREAB - BBC

ઇમેજ કૅપ્શન, સમુદ્રકાંઠે મરિયમ ડીઓફ
    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

આજથી વીસ વર્ષ પહેલાં એ ગુરુવારે મરિયમ ડીઓફ ડકાર જઈ રહેલી એ ખીચોખીચ ભરેલી બોટમાં સવાર હતાં.

"એક યુવક તેના ઘરે કંઈક ભૂલી ગયો હતો અને તેની ટિકિટ પર હું જુલા બોટમાં ચડી ગઈ."

અને 26 સપ્ટેમ્બર, 2002ના રોજ સરકારી માલિકીનું જૂલા જહાજ ઉપડ્યું એના થોડા જ કલાકોમાં ગેમ્બિયનના કાંઠા નજીક પલટી મારી ગયું.

સેનેગલના કાસામાન્સ અને રાજધાની ડકાર વચ્ચે ફેરી મારતા જૂલા જહાજની ક્ષમતા 536 મુસાફરો અને 35 કારની હતી.

પરંતુ જહાજ ડૂબ્યું ત્યારે 1,800થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

ત્યારે મરિયમ ચાર મહિનાનાં ગર્ભવતી હતાં. મરિયમ બીબીસીના પત્રકાર નિકોલા મિલ્ને અને એફ્રેમ ગેબ્રેબને કહે છે, "કદાચ ભગવાનની મરજી હોત તો હું પણ મારા ગર્ભમાં રહેલા બાળક સાથે મરી જાત."

મરિયમ આમ એટલાં માટે કહે છે કેમકે આ બોટમાં સવાર પૈકી માત્ર 64 લોકોને બચાવી શકાયા હતા અને તેમાં એકમાત્ર મહિલા મરિયમ હતાં.

"ટાઈટેનિક કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ અહીં તેના કોઈ સમાચાર ન બન્યા," એમ કહે છે પેટ વિલી જે ઍરોસ્પેસ એન્જિનિયર છે અને તેમણે અપોલો પ્રોગ્રામ પર કામ કર્યું હતું. હાલમાં તેઓ નૉર્થ કેરોલિનામાં રહે છે.

કોસ્ટ ગાર્ડનું લાઇસન્સ ધરાવતા વિલીએ 10 વર્ષ સુધી આ દુર્ઘટનાની તપાસ કરી હતી અને 2013માં "ધ સીંકિંગ ઑફ ધ એમવી લે જૂલા: ધ આફ્રિકન ટાઇટેનિક" પુસ્તક પ્રકાશિત કર્યું છે.

તેમના પુસ્તકમાં બોટ કેમ ડૂબી, ત્યાંથી લઈને બચાવ પ્રયાસમાં 10 કલાકથી વધુ સમય કેમ લાગ્યો સુધીના ઘણા અનુત્તરિત પ્રશ્નોનો ઉલ્લેખ છે.

સૌથી પહેલાં બચાવ માટે આ વિસ્તારના માછીમારો આવ્યા હતા. ત્રણ દિવસ સુધી આ માછીમારોએ પોતાનાં બધાં કામ પડતાં મૂકીને બચી ગયેલા લોકોને મદદ કરવાના અને મૃતદેહોને કાઢવાના કામમાં લાગી ગયા હતા.

આ માછીમારોએ બીબીસીને જણાવ્યું કે આ દુર્ઘટનાના એક મહિના પછી પણ જ્યારે તેઓ ઊંડા દરિયામાં માછીમારી કરવા જતા ત્યારે તણાતા મૃતદેહો મળી રહ્યા હતા.

line
લાઇન

સંક્ષિપ્તમાં: એ "આફ્રિકન ટાઇટેનિક" જેમાં ટાઇટેનિક કરતા પણ વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં

લાઇન
  • સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે સેનેગલના કાસામાન્સ અને રાજધાની ડાકાર વચ્ચે ફેરી મારતા જુલા જહાજની ક્ષમતા 536 મુસાફરો અને 35 કારની હતી તો જહાજ ડૂબ્યું ત્યારે 1,800થી વધુ લોકો કેમ મૃત્યુ પામ્યા હતા?
  • "ટાઈટેનિક કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ અહીં તેના કોઈ સમાચાર ન બન્યા," આ શબ્દો છે પેટ વિલીના જે ઍરોસ્પેસ એન્જિનિયર છે અને તેમણે અપોલો પ્રોગ્રામ પર કામ કર્યું હતું
  • બોટ કેમ ડૂબીથી લઈને બચાવ પ્રયાસમાં 10 કલાકથી વધુ સમય કેમ લાગ્યો સુધીના ઘણા અનુત્તરિત પ્રશ્નો વિશે તેમણે તપાસ કરી.
  • માછીમારોએ બીબીસીને જણાવ્યું કે આ દુર્ઘટનાના એક મહિના પછી પણ જ્યારે તેઓ ઊંડા દરિયામાં માછીમારી કરવા જતા ત્યારે તણાતા મૃતદેહો મળી રહ્યા હતા
  • સરકારે આ દુર્ઘટના માટે જહાજના કપ્તાન ઇસા ડાયરાને દોષી ઠેરવ્યા હતા અને કપ્તાનનો કોઈ પત્તો નહોતો
  • સંશોધક પેટ વિલી એક એ તારણ પર પણ પહોંચ્યા છે કે ઘણા લોકો ટિકિટ વિના જ જૂલા પર ચડી ગયા હતા
  • પરંતુ હજુ અનેક પ્રશ્નોના જવાબ મળ્યા નથી.

જવાબદાર કોણ?

લે જુલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લે જૂલા જહાજ

પેટ વિલીએ બીબીસીને જણાવ્યું હતું કે, "તે રાતે દરિયામાં તોફાન તો હતું જ, પરંતુ એ સિવાયનાં ઘણાં પરિબળો હતાં કે જેને લઈને જૂલા ડૂબ્યું હતું અને તેના માટે સૌથી વધુ જવાબદાર સરકાર છે."

સરકારે આ દુર્ઘટના માટે જહાજના કપ્તાન ઇસા ડાયરાને દોષી ઠેરવ્યા હતા અને કપ્તાનનો કોઈ પત્તો નહોતો.

તે સમયે સેનેગલના પ્રમુખ, અબ્દુલયે વેડે, સેનેગાલી સમાજની આંતરિક સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું:

"આપણે મૃતકો માટે શોક કર્યા પછી અને તેમના માટે પ્રાર્થના કર્યા પછી, આપણી અંદર એક દૃષ્ટિ દોડાવવાની જરૂર છે અને સ્વીકારવું રહ્યું કે આ દુર્ઘટનાના મૂળમાં જે દુર્ગુણો છે તે આપણી આદતો, ગંભીરતાનો અભાવ, બેજવાબદારી અને વધુ પડતો લોભ છે અને એનું આપણે ક્યારેક વેઠવું પડે છે. આ ખતરનાક વૃત્તિ છે જેમાં આપણે માત્ર આપણો લાભ જ જોઈએ છીએ."

સંશોધક પેટ વિલી એક એ તારણ પર પણ પહોંચ્યા છે કે ઘણા લોકો ટિકિટ વિના જ જૂલા પર ચડી ગયા હતા.

તેઓ કહે છે, "ટિકિટ વિના લોકોને બેસાડવામાં ઘણો ભ્રષ્ટાચાર થયો હતો, તેથી કદાચ 2,000થી વધુ લોકો જહાજમાં ચડી ગયા હતા, પરંતુ તમારે યાદ રાખવું પડશે કે સરકાર જહાજની માલિકી ધરાવે છે અને તેથી તે લોકો માટે જવાબદાર છે કે જેઓ ટિકિટોનું નિયંત્રણ કરે છે."

જૂલા ડૂબી એમાં 12 દેશોના નાગરિકોએ તેમના જીવ ગુમાવ્યા, જેમાંથી મોટાભાગના એટલે કે 1,000થી વધુ લોકો સેનેગલના કાસામાન્સના હતા.

ફૂટબોલ એકેડમીના 26 છોકરાઓ અને તેમના કોચ મિશેલ ડિયાટ્ટા જુલામાં ડૂબી મર્યા હતા.

ઇમેજ સ્રોત, NICOLA MILNE - BBC

ઇમેજ કૅપ્શન, ફૂટબોલ એકેડમીના 26 છોકરાઓ અને તેમના કોચ મિશેલ ડિયાટ્ટા જુલામાં ડૂબી મર્યા હતા.

લેમિન કોલી દુર્ઘટનાને યાદ કરતાં કહે છે, "બોટ ઝિગુઇન્ચોરથી જ ફુલ હતી અમે કારાબાને પહોંચ્યા તો ઘણા ચડી ગયા, આમ બોટમાં ભાર ઘણો વધી ગયો હતો." લેમિન જૂલા બોટમાં સવાર તેમના નગરના 35 લોકોમાંથી એકમાત્ર જીવિત રહ્યા છે.

કોલીએ બીબીસીને કહ્યું કે અચાનક વરસાદ શરૂ થયો અને, "તેઓએ અમને બધાને નીચે જવા કહ્યું, અને જ્યારે અમે મુખ્ય ડૅકથી નીચે હતા ત્યારે અમને હૈયેહૈયું દળાય એટલી મેદની જોઈને બોટના ભારને લઈને ચિંતા થવા લાગી."

બચી ગયેલા લોકોને યાદ છે કે પહેલા લાઇટ ઝબકતી હતી અને પછી બધે અંધારું થઈ ગયું હતું. કોલી કહે છે, "મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે આટલું મોટું જહાજ પલટી જશે, પરંતુ જ્યારે મેં પાણીનું મોજું જોયું, ત્યારે મને સમજાયું કે હવે તો નક્કી જહાજ પલટી ગયું સમજવું."

તેઓ ઉમેરે છે, "ચારેકોર અંધાધૂધી હતી કેમકે કોઈને ગમ નહોતી પડતી કે કોને બચાવવા અને કોને નહીં. ચીસો પડી રહી હતી, કેટલાક લોકો ખેંચાઈ રહ્યા હતા. કોઈ તમારી સાથે તરતું હોય અને અચાનક તમે તેમને ડૂબતા જોતા હતા. હું તેને ભૂલી શકતો નથી."

મૃતકોમાં 444 બાળકોનો સમાવેશ થાય છે.

line

સામૂહિક કરુણાંતિકા

માછીમારોએ પહેલા બચાવકાર્ય હાથ ધર્યુ અને મૃતદેહો શોધવાનું શરૂ કર્યું

ઇમેજ સ્રોત, EFREM GEBREAB - BBC

ઇમેજ કૅપ્શન, માછીમારોએ પહેલા બચાવકાર્ય હાથ ધર્યુ અને મૃતદેહો શોધવાનું શરૂ કર્યું

એલી ડિયાટ્ટા ઝિગુઇન્ચોર વિક્ટિમ્સ ઍસોસિએશનના કાયદાકીય બાબતોનો હવાલો સંભાળે છે.

તેમના ભાઈ મિશેલ ફૂટબૉલ સ્કૂલના કોચ હતા અને સેનેગલની નેશનલ ટીમમાં રમી ચૂક્યા હતા. તેઓ જૂલામાં તેમનાં 26 બાળ ખેલાડીઓ સાથે મૃત્યુ પામ્યા હતા.

એલી કહે છે, "ફૂટબૉલ ક્લબનાં બાળકોના 26 પરિવારો મારી પાસે આવ્યા અને કહ્યું કે 'અમને અમારાં બાળકો પાછાં આપો'."

લેમિના કોલી કહે છે, "એક છબી જે હું ભૂલી શકતી નથી તે એલીના ભાઈ મિશેલ ડિયાટ્ટાની છે; બહાર આવીને જ્યારે તેણે બાળકોને જોયા નહીં ત્યારે તેણે કહ્યું હતું કે 'હું તેમના માતાપિતાને શું જવાબ આપીશ?' અને તેના ડીઝલથી ખરડાયેલા શરીર સાથે પાછો પાણીમાં ભૂસકો માર્યો અને ડૂબી ગયો."

એલી કહે છે કે જે દિવસે છોકરાઓના પરિવારોએ માગ કરી હતી કે તેઓ તેમને પરત કરવામાં આવે, ત્યારે તેમણે પીડિતોનું સંગઠન બનાવવાનું નક્કી કર્યું: "હું તમારાં બાળકોને પરત કરવા જઈ રહ્યો છું, પરંતુ અલગ રીતે," તેમણે તેમને કહ્યું.

સેનેગલની નેશનલ ટીમના કોચ અલીઉ સિસે દુર્ઘટનામાં તેમની બહેન અને અન્ય સંબંધીઓને ગુમાવ્યાં. તે સમયે તે બ્રિટનની ટીમ બર્મિંઘમ સિટીના ખેલાડી હતા અને તેમના પરિવાર સાથે રહેવા માટે સેનેગલ ગયા હતા.

તેમણે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, "આ દુર્ઘટના માત્ર વ્યક્તિગત નહીં પણ તે સામૂહિક છે. તમારે યાદ રાખવું જોઈએ કે તે જહાજ પર સેનેગલના તમામ સમાજના લોકો હતા. વાસ્તવમાં, સમગ્ર પ્રદેશને તબાહ કરવામાં આવ્યો હતો."

એલી ડિયાટ્ટા ઇચ્છે છે કે સેનેગલ સરકાર જુલાના અવશેષો શોધી કાઢે.

ઇમેજ સ્રોત, NICOLA MILNE - BBC

ઇમેજ કૅપ્શન, એલી ડિયાટ્ટા ઇચ્છે છે કે સેનેગલ સરકાર જુલાના અવશેષો શોધી કાઢે.

આટલાં વર્ષોમાં સેનેગલ સરકારે પીડિતોને વળતર આપ્યું છે, જૂલાની જગ્યાએ અન્ય જહાજ મૂકવામાં આવ્યું છે. ઝિગુઇન્ચોરમાં યુનિવર્સિટી બનાવી છે અને કબ્રસ્તાનોનું નવીનીકરણ કરાવ્યું છે.

આ વર્ષગાંઠે સરકાર ઝિગુઇન્ચોરમાં એક સ્મારક બનાવી રહી છે.

પરંતુ ઘણા બચી ગયેલા લોકો અને પીડિતોના સંબંધીઓ કંઈક એવું પૂછે છે જેનો અત્યાર સુધી જવાબ આપવામાં આવ્યો નથી:

એલી કહે છે, "આજ પર્યંત ન્યાય મળ્યો નથી, કોઈ સત્ય બહાર આવ્યું નથી અને જીવિત રહેલાએ કોઈ પ્રદર્શનો કર્યાં નથી, તેથી અમારા પરિવારો પીડાતા રહે છે."

ઑગસ્ટ 2003માં એવી જાહેરાત કરવામાં આવી હતી કે કોઈ ફોજદારી કાર્યવાહી થશે નહીં. 2005માં, યુરોપિયન યુનિયને સેનેગલને 20 મીટર ઊંડાઈએથી અવશેષો કાઢવા માટે ભંડોળ આપ્યું હતું, પરંતુ તેમ થયું નહીં.

સેનેગલ સરકારે આ અહેવાલને લઈને બીબીસી દ્વારા અનેક વખત કરવામાં આવેલી વિનંતીનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને જૂલા ડૂબી હતી તે સ્થળે પ્રવેશ માટેની બીબીસીની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી.

line

વસાહતી વારસો

જુલાના અવશેષો હજુ પણ સમુદ્રના પેટાળમાં છે.

ઇમેજ સ્રોત, NICOLA MILNE - BBC

ઇમેજ કૅપ્શન, જુલાના અવશેષો હજુ પણ સમુદ્રના પેટાળમાં છે.

સંશોધક પેટ વિલી માને છે કે, 20 વર્ષ વીતી ગયા છે અને હવે તેઓ શું શોધી શકશે તેની શંકા છે.

ઇંજિન અને યાંત્રિક ખામીને પગલે જૂલાને સપ્ટેમ્બર 2001 અને 2002ની વચ્ચે સેવામાંથી બહાર કરવામાં આવી હતી. અકસ્માતનાં બે અઠવાડિયાં પહેલાં તેની કામગીરી ફરી શરૂ થઈ હતી.

વિલી કહે છે, "તેઓએ વહાણને સફર માટે સલામત જાહેર કર્યું અને પણ તે સાચું ન હતું. વહાણ યોગ્ય રીતે સંતુલનમાં નહોતું, તે ખૂબ સ્પષ્ટ હતું."

તેઓ ઉમેરે છે કે, તેની તપાસમાં તેમને મળી આવ્યું કે લાઇફબોટ કામ કરતી નહોતી અને મોટાભાગના મુસાફરો પાસે ફુલાવી શકાય તેવી વેસ્ટ નહોતી.

અન્ય સંશોધનમાં ડકારસ્થિત ચેફ ડિઓપ યુનિવર્સિટીના પ્રોફેસર જિબી દિયાખાતે જણાવે છે કે જૂલા દુર્ઘટનાનાં કારણો દુર્ઘટનાના મહિનાના ઘણા સમય પહેલાંથી હાજર હતાં:

"જહાજનું ડૂબવું ભૌગોલિક, ઐતિહાસિક અને આર્થિક દૃષ્ટિએ અનેક સમસ્યાઓને દર્શાવે છે."

દિયાખાતે માને છે કે ફ્રૅન્ચ વસાહતીકરણના સમયથી, સેનેગલ પાસે દરિયાકિનારા પર તેની મોટાભાગની ઉત્પાદક માળખાકીય સુવિધાઓ છે, જે મુખ્યત્વે ડકારમાં કેન્દ્રિત છે, જે દેશનો સૌથી નાનો પ્રદેશ છે અને સાથે જ સૌથી વધુ ગીચ વસ્તી ધરાવે છે.

મરિયમ ડીઓફ દર ગુરુવારને યાદ કરે છે અને તેમને થાય છે કે જાણે તે દુર્ઘટનાનો દિવસ આ જ છે.

ઇમેજ સ્રોત, EFREM GEBREAB - BBC

ઇમેજ કૅપ્શન, મરિયમ ડીઓફ દર ગુરુવારને યાદ કરે છે અને તેમને થાય છે કે જાણે તે દુર્ઘટનાનો દિવસ આ જ છે.

તેઓ કહે છે, "સેનેગલમાં કોઈ પ્રાદેશિક સાતત્ય નથી. કાસામાન્સ જવાનો જમીન માર્ગ સાવ બગડેલો છે, તેથી લોકોને કાર દ્વારા મુસાફરી કરવામાં મુશ્કેલી પડે છે; બધું નષ્ટ કરી દેવાયું અને હવે દરેક વસ્તુનું પુનઃનિર્માણ સત્તા પર નહીં પરંતુ સંસ્થાઓ પર આધારિત છે."

મરિયમ ડીઓફ સાથે એમ જ થયું હતું. સપ્ટેમ્બર 26, 2002ના રોજ તેમના મોટા ભાઈએ કારમાં જવાનું નક્કી કર્યું હતું પરંતુ પૂરતા પૈસા ન હોવાથી તેમને બોટમાં જવું પડ્યું.

અને છેલ્લી ઘડીએ તેમને મળેલી ટિકિટ તેમના જીવનનું દુ:સ્વપ્ન બની ગયું.

મરિયમ કહે છે, "લાખ ભૂલવા ચાહો તો પણ ન ભૂલાય તેવો તે અનુભવ હતો. આજે પણ દર ગુરુવારે મને એ યાદો તાજી થઈ જાય છે. એવું લાગે છે કે આ જ દુર્ઘટનાનો દિવસ છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન