વાત એ મહિલાઓની જેમણે 'હકથી સિંગલ' રહેવાનું નક્કી કર્યું

- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યુઝ, દિલ્હી

સારાંશ
- ગ્રામીણ ભારતમાં એકલી મહિલાને તેમનો પરિવાર હંમેશાં ‘બોજ’ માને છે
- ‘સિંગલ વુમન’ને બોલીવુડ ફિલ્મ જેવી લોકપ્રિય સંસ્કૃતિમાં પણ સ્થાન મળ્યું છે
- ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, ‘અપરણિત મહિલાઓ સહિત તમામ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર છે’
- 2011ની વસતીગણતરી મુજબ, 7.14 કરોડ ‘સિંગલ વુમન’ છે
- સામાન્ય રીતે ભારત એક પિતૃસત્તાક સમાજથી બનેલો દેશ છે

ભારતમાં પરંપરાગત રીતે છોકરીઓનો ઉછેર એવી રીતે કરવામાં આવે છે કે તેઓ એક સારી પત્ની અને માતા બને અને લગ્ન તેમના જીવનનો મહત્ત્વપૂર્ણ ધ્યેય હોય છે.
જોકે હવે મોટી સંખ્યામાં મહિલાઓ પોતાની સ્વતંત્રતા માટે એકલા ચાલવાનો માર્ગ અપનાવીને સિંગલ રહેવાનો વિકલ્પ પસંદ કરી રહી છે.
ગયા રવિવારે દક્ષિણ દિલ્હીના કૅરેબિયન લૉજમાં બે ડઝન મહિલાઓ સાથે એક લંચમાં હું સામેલ થઈ હતી. લૉજનો રૂમ ઉત્સાહજનક વાતચીત અને ખુશીથી ભરાઈ ગયો હતો.
આ તમામ મહિલાઓ ભારતનાં ‘સિંગલ વુમન’ની એક ફેસબુક કૉમ્યુનિટી ‘સ્ટેટસ સિંગલ’નાં સભ્ય હતાં.
આ કૉમ્યુનિટીનાં ફાઉન્ડર અને લેખિકા શ્રીમઈ પીયુ કુંડુએ હાજર તમામ મહિલાઓને કહ્યું હતું કે, “આપણે પોતાને વિધવા, છૂટાછેડા લેનાર અથવા અપરિણિત કહેવાનું બંધ કરી દેવું જોઈએ. આપણે પોતાને ગર્વથી ‘સિંગલ’ કહેવાનું શરૂ કરવું જોઈએ.”
લંચ માટે હાજર મહિલાઓએ તેમની વાતને તાળીઓથી વધાવી લીધી. જે દેશને સામાન્ય રીતે ‘લગ્નઘેલો’ ગણવામાં આવે છે, ત્યાં સિંગલ હોવાને લઈને હજુ પણ ઘણી ગેરમાન્યતાઓ છે.
ગ્રામીણ ભારતમાં એકલી મહિલાને તેમનો પરિવાર હંમેશાં ‘બોજ’ માને છે, અપરણિતને ઘણા ઓછા અધિકાર મળે છે અને વિધવાઓને તો વૃંદાવન અને વારાણસી જેવા સ્થળોએ દેશનિકાલ કરી દેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કુંડુ અને દિલ્હી પબમાં મળેલી મહિલાઓ ઘણી અલગ છે. મોટાભાગની મહિલાઓ મધ્યમ વર્ગમાંથી આવે છે. જેમાં શિક્ષિકા, ડૉક્ટર, વકીલ, પ્રૉફેશનલ, બિઝનેસ વુમન, ઍક્ટિવિસ્ટ, લેખિકા અને પત્રકાર પણ સામેલ છે.
કેટલીક મહિલાઓ પોતાના પતિથી અલગ થઈ રહે છે અથવા છૂટાછેડા લઈ લીધા છે, અથવા વિધવા છે. જ્યારે અન્ય એવી મહિલાઓ પણ છે, જેમણે લગ્ન કર્યાં જ નથી.

ભારતમાં કેટલી ‘સિંગલ વુમન’ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંપન્ન શહેરી સિંગલ મહિલાઓને સારાં ગ્રાહક ગણવામાં આવે છે. બૅન્ક, જ્વૅલરી મેકર્સ, કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓ અને ટ્રાવેલ એજન્સી તેમને સંપન્ન ગ્રાહક તરીકે જુએ છે.
‘સિંગલ વુમન’ને બોલીવૂડ ફિલ્મ જેવી લોકપ્રિય સંસ્કૃતિમાં પણ સ્થાન મળ્યું છે, ઉદાહરણ તરીકે ‘ક્વીન’ અને ‘પીકુ’ જેવી ફિલ્મો. ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ જેવી વેબ સિરીઝમાં તો સિંગલ મહિલાઓ મુખ્ય પાત્રની ભૂમિકામાં છે. આ વેબ સિરીઝ વ્યવસાયિક દૃષ્ટિએ ઘણી સફળ રહી છે.
ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, ‘અપરણિત મહિલાઓ સહિત તમામ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર છે.’ તેને સર્વોચ્ચ અદાલત દ્વારા સિંગલ મહિલાઓના અધિકારની સ્વીકૃતિ તરીકે જોવામાં આવ્યું.
આ તમામ આવકાર્ય ફેરફારો છતાં પણ સમાજનું વલણ હજુ રૂઢિચુસ્ત છે. કુંડુ કહે છે કે, “એકલું રહેવું અમીર લોકો માટે પણ સરળ નથી, તેમને હંમેશાં જજ કરવામાં આવે છે.”
તેઓ કહે છે કે, “સિંગલ મહિલા તરીકે મારે ભેદભાવ અને અપમાનનો સામનો કરવો પડ્યો છે. જ્યારે હું મુંબઈમાં ભાડાનું ઘર શોધી રહી હતી, ત્યારે હાઉસિંગ સોસાયટીના સભ્યો મને પૂછતા કે શું તમે દારૂ પીઓ છો? શું તમે સેક્સ્યુઅલી ઍક્ટિવ છો?”
તેઓ એક ગાયનોકૉલૉજિસ્ટને મળ્યાં, જેઓ ‘વાતોથી પાડોશી’ જેવાં હતાં. થોડાં વર્ષો પહેલાં તેમની માતાએ એક ઍલિટ મેટ્રીમોનિયલ વેબસાઇટ પર તેમની જાહેરાત આપી હતી. જેના દ્વારા તેમની મુલાકાત એક પુરુષ સાથે થઈ જેમણે “વાતચીતની 15 મિનિટમાં જ પૂછી લીધુ કે શું હું વર્જિન છું?”
તેઓ કહે છે કે, “આ એવો સવાલ છે, જે સામાન્ય રીતે દરેક સિંગલ મહિલાને પૂછવામાં આવે છે.”
જોકે, એકલા રહેતા લોકોને શરમિંદા કરવાનું ચલણ એક એવા દેશમાં શોભા આપતું નથી, જ્યાં 2011ની વસતીગણતરી મુજબ, 7.14 કરોડ ‘સિંગલ વુમન’ છે. આ સંખ્યા બ્રિટન અથવા ફ્રાંસની કુલ વસતી કરતાં પણ વધુ છે.
આ સંખ્યા વર્ષ 2001ના આંકડા 5.12 કરોડ કરતાં 39 ટકા વધુ હતી. કોવિડ-19 મહામારીના કારણે 2021ની વસતીગણતરી મુલતવી રાખવામાં આવી, પરંતુ કુંડુનું કહેવું છે કે “હવે અમારી સંખ્યા 10 કરોડને પાર કરી ગઈ હશે.”
સિંગલ મહિલાઓની સંખ્યામાં વધારો એ તથ્યથી સમજી શકાય છે કે, ભારતમાં લગ્ન કરવાની ઉંમર વધી છે. એનો અર્થ છે કે 20-30 વર્ષની વયજૂથમાં સિંગલ મહિલાઓની મોટી સંખ્યા છે.
આમાં એક મોટી સંખ્યા વિધવાઓની છે, કારણ કે મહિલાઓ પુરુષોની સરખામણીએ વધારે જીવે છે.
કુંડુનું કહેવું છે કે, “હવે વધુથી વધુ મહિલાઓ પોતાની ઇચ્છાથી સિંગલ રહેવાનું પસંદ કરી રહી છે નહીં કે કોઈ સંજોગોના કારણે, આ એક નોંધપાત્ર પરિવર્તન છે, જે સ્વીકારવું મહત્ત્વપૂર્ણ છે.”
તેઓ કહે છે કે, “મારો કહેવાનો અર્થ એ છે કે ઘણી મહિલાઓ જે પોતાની મરજીથી સિંગલ રહેવાની વાત કહે છે, તેઓ લગ્નના ખ્યાલને નકારી કાઢે છે કારણ કે આ એક પિતૃસત્તાક સંસ્થા છે, જે મહિલાઓ વિરુદ્ધ અન્યાય કરે છે અને તેમને દબાવે છે.”

સામાજિક ભેદભાવ અને ગરીબી

ઇમેજ સ્રોત, SREEMOYEE PIU KUNDU
“મોટા થતાં-થતાં મેં જોયું છે કે એકલી રહેતી મહિલાઓને આપણી પિતૃસત્તાક, મહિલાવિરોધી સમાજવ્યવસ્થામાં હાંસિયામાં ધકેલી દેવાય છે.”
“તેમને સીમંતોન્નયન અને લગ્નમાં બોલાવવામાં આવતાં નથી અને દુલ્હનથી દૂર રહેવાનું કહેવામાં આવે છે કારણકે વિધવાનો પડછાયો પણ અશુભ માનવામાં આવે છે.”
44 વર્ષની ઉંમરમાં જ્યારે તેમનાં માતાને પ્રેમ થયો હતો અને તેમણે ફરી લગ્ન કર્યાં, ત્યારે તેમને સમાજની નારાજગી વેઠવી પડી હતી.
“એક વિધવા દુઃખી ન થવાની હિંમત કેવી રીતે કરી શકે? તેને રોતડ, બ્રહ્મચર્યનું પાલન કરનારી અને દુઃખી મહિલાના રૂપમાં જોવાની અપેક્ષા સમાજને હોય છે. તે ફરી લગ્ન કરવાની હિમ્મત કેવી રીતે કરી શકે?”
તેઓ કહે છે કે, “તેમનાં માતાના અપમાનની તેમની પર ઊંડી અસર પડી હતી.”
તેઓ કહે છે કે, “હું લગ્ન કરવાની ઝંખનામાં મોટી થઈ છું. હું એ પરિકથાઓમાં માનતી હતી કે લગ્ન સ્વીકૃતિ લાવશે અને મારો અંધકાર દૂર કરી દેશે.”
26 વર્ષની ઉંમરે શારીરિક અને માનસિક દુર્વ્યવહાર અને બે નિષ્ફળ સંબંધો બાદ કુંડુને અહેસાસ થયો કે પરંપરાગત લગ્ન તેમનાં માટે નથી, જેમાં એક મહિલા એક પુરુષને આધીન હોય છે.
તેઓ કહે છે કે તેમના માટે આદર્શ રિલેશનશિપ એ છે કે જેઓ રિવાજો, ધર્મ અથવા સમુદાયના બદલે ‘સન્માન, માન્યતા અને ઓળખાણ પર આધારિત હોય.’
આ એક એવી તર્કસંગત માગ અને વિચાર છે, જેના પર એ રવિવારની સાંજે મળેલી તમામ મહિલાઓ સહમત હતી.
સામાન્ય રીતે ભારત એક પિતૃસત્તાક સમાજથી બનેલો દેશ છે, જ્યાં 90 ટકા લગ્ન પરિવાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને મહિલાઓની મરજી ઓછી ચાલે છે.
44 વર્ષનાં ભાવના દહિયા ગુરુગ્રામમાં લાઇફ કોચ છે, તેમણે લગ્ન કર્યાં જ નથી. તેઓ કહે છે કે “ચીજો બદલાઈ રહી છે અને ‘સિંગલ વુમન’ની વધતી સંખ્યા પર ખુશ થવું જોઈએ.”
તેઓ કહે છે કે, “આપણે સમુદ્રના એક ટીપા જેવા હોઈ શકીએ, પરંતુ ઓછામાં ઓછું હવે એ ટીપું તો છે.”
“સિંગલ વુમનના જેટલાં ઉદાહરણ હશે, એટલું જ સારું છે. આનો વિષય પતિની કારકિર્દી, તેમની યોજના, બાળકોની સ્કૂલ વિશે હતો, જેમાં મહિલાઓની ઇચ્છા અંગે ખૂબ ઓછું વિચારવામાં આવે છે, પરંતુ વાતચીતની આ પદ્ધતિ બદલાઈ રહી છે.”
“અમે દુનિયામાં અમારી હાજરીનો અહેસાસ કરાવી રહ્યાં છીએ.”














