હૈતીઃ ક્રૂર ટોળકીઓએ બાનમાં લીધેલી રાજધાનીમાં ખેલાતા જીવલેણ જંગની કહાણી

ઘટનાસ્થળે પોલીસ

ઇમેજ સ્રોત, BBC / GOKTAY KORALTAN

ઇમેજ કૅપ્શન, ઘટનાસ્થળે પોલીસ
    • લેેખક, ઓર્લા ગ્યુરિન
    • પદ, વરિષ્ઠ આંતરરાષ્ટ્રીય સંવાદદાતા

પોર્ટ-ઓ-પ્રિન્સમાં સીમા દેખાતી નથી, પરંતુ તે ક્યાં છે એ જાણવું જરૂરી છે. આ શહેરમાં રહેતા લોકોના જીવનનો આધાર તેના પર છે.

પ્રતિસ્પર્ધી ગુંડા ટોળકીઓ રાજધાનીના હિસ્સાને પોતપોતાના તાબામાં લઈ રહી છે, પોતાની ઇચ્છા અનુસાર અપહરણ, બળાત્કાર અને હત્યાઓ કરી રહી છે.

તેઓ લોહી વડે સીમાંકન કરે છે. એક ટોળકીના કબજા હેઠળના વિસ્તારમાંથી બીજા પ્રદેશમાં જાઓ તો તમે જીવતા પાછા આવશો તે નક્કી નથી.

અહીં રહેતા લોકો લીલા, પીળા અને રેડ ઝોન્સમાં શહેરને વિભાજિત કરતો માનસિક નકશો પોતાની સાથે રાખે છે. લીલો એટલે કે ગ્રીન ઝોન આજે સલામત છે. પીળો એટલે કે યલો ઝોન આજે સલામત છે, પણ આવતી કાલે જીવલેણ બની શકે છે અને રેડ ઝોનમાં પ્રવેશી શકાતું નથી.

ગ્રીન ઝોન સંકોચાઈ રહ્યો છે, કારણ કે ભારે શસ્ત્રસજ્જ ટોળકીઓ તેના પરની પોતાની પકડ મજબૂત બનાવી રહી છે.

હૈતીના માનવાધિકાર જૂથોના જણાવ્યા અનુસાર, રાજધાની અને તેની આસપાસનો કમસે કમ 60 ટકા વિસ્તાર સશસ્ત્ર ટોળકીઓના અંકુશ હેઠળ છે. ત્યાં તેઓ આતંક ફેલાવી રહ્યા છે.

તેમણે શહેરના ભાગ પાડ્યા છે, આવવા-જવાના રસ્તા પર તેમનું નિયંત્રણ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ કહે છે કે આ વર્ષે જાન્યુઆરીથી જૂન દરમિયાન ગુંડા ટોળકીઓએ 1,000 લોકોની હત્યા કરી છે.

પોર્ટ-ઓ-પ્રિન્સ હરિયાળી ટેકરીઓ અને કેરેબિયનના બ્લૂ પાણી વચ્ચે આવેલું છે. તેમાં ગરમી અને ઉપેક્ષા છવાયેલી છે. ઘૂંટણ સુધીનો કચરો ચારે તરફ ફેલાયેલો છે, જે દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી હદે વણસેલી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અહીં કોઈ સત્તાવાર શાસનકર્તા નથી (છેલ્લા શાસકની હત્યા કરવામાં આવી છે). સંસદ કાર્યરત નથી (ટોળકીઓએ તેની આસપાસના વિસ્તારો પર કબ્જો જમાવ્યો છે) અને અમેરિકાનું પીઠબળ ધરાવતા એરિયલ હેન્રી વણ-ચૂંટાયેલા તથા લોકોમાં અત્યંત અપ્રિય વડા પ્રધાન છે.

સરકાર જેવું કશું સક્રિય ન હોવાથી લોકો સબડી રહ્યા છે. કુલ વસ્તી પૈકીના લગભગ અડધોઅડધ – 47 લાખ હૈતીવાસીઓ તીવ્ર ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર, રાજધાનીના આસપાસ 20,000 લોકો દુકાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. અમેરિકનો માટે આવું પહેલી વાર બન્યું છે.

જીવલેણ કોલેરા પાછો ફર્યો છે, પરંતુ સૌથી મોટો રોગ તો સશસ્ત્ર ટોળકીઓ છે.

તેમણે અહીં પોતાનું સમયપત્રક બનાવ્યું છે. તે મુજબ સવારના છથી નવ વાગ્યા સુધીના ધસારાના સમયમાં સૌથી વધુ અપહરણ થાય છે.

કામ પર જતા ઘણા લોકોને રસ્તામાંથી ઉઠાવી લેવામાં આવે છે. અન્યોને સાંજના ધસારાના સમય ત્રણથી છ દરમિયાન નિશાન બનાવવામાં આવે છે.

શહેરની મધ્યમાં આવેલી એક હોટલના 50 ટકા કર્મચારીઓ હોટલમાં જ રહે છે, કારણ કે ઘરે જવું ખતરનાક છે. કેટલાક અંધારા પછી બહાર નીકળે છે. મૅનેજર કહે છે કે તેઓ હોટલ છોડીને બહાર જતા જ નથી.

અહીં અપહરણ સતત વિકસી રહેલો ઉદ્યોગ છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી ઑક્ટોબર દરમિયાન અપહરણના 1,107 કેસ નોંધાયા છે. કેટલીક ટોળકીઓ માટે અપહરણ એ આવકનો મુખ્ય સ્રોત છે. અપહૃત લોકોની મુક્તિ માટે 200 ડૉલરથી માંડીને દસ લાખ ડૉલર સુધીની ખંડણી વસૂલવામાં આવે છે. ખંડણી ચૂકવવામાં આવે તો મોટા ભાગના અપહૃતો જીવતા પાછા ફરે છે, પરંતુ તેમને પારાવાર ત્રાસ આપવામાં આવે છે.

ગ્રે લાઇન

ડેલમાસમાં સવાર

ફ્રાન્કોઇસ સિન્કલેર

ઇમેજ સ્રોત, BBC / WIETSKE BUREMA

ઇમેજ કૅપ્શન, ફ્રાન્કોઇસ સિન્કલેર

અમે બખતરબંધ કારમાં પ્રવાસ કરીએ છીએ, જે સામાન્ય રીતે યુક્રેન જેવા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં કરવું પડતું હોય છે, પરંતુ પોર્ટ-ઓ-પ્રિન્સમાં અપહરણકર્તાઓને દૂર રાખવા માટે આવી કારમાં ફરવું જરૂરી છે.

આ રીતે પોતાનું રક્ષણ કરવાનું બધાને પોસાતું નથી. આ પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો સૌથી ગરીબ દેશ છે, જે કુદરતી અને રાજકીય એમ બન્ને પ્રકારની આફતથી ગ્રસ્ત છે.

નવેમ્બરના અંતમાં વહેલી સવારે અમે કારમાં નીકળ્યા ત્યારે મધ્યમવર્ગીય ઉપનગર ડેલમાસ 83માં ગુનાખોરીની ઘટના જોવા મળી હતી.

ફૂટપાથ પર સૂર્યપ્રકાશમાં ચમકતો બુલેટનો કચરો વેરાયેલો હતો અને પાછળની ગલીમાં લોહીના ખાબોચિયામાં એક માણસનો ઊંધો મૃતદેહ પડ્યો હતો.

ગ્રે રંગની એક પિકઅપ ટ્રક દીવાલ તોડીને અંદર ઘૂસેલી પડી હતી. તેની એક બાજુએ ગોળીબારથી પડેલાં છિદ્રો દેખાતાં હતાં. ભારે શસ્ત્રોથી સજ્જ પોલીસ ટુકડીએ પિકઅપ ટ્રકને ઘેરી લીધી હતી. એ પૈકીના કેટલાકના ચહેરા ઢંકાયેલા હતા.

ઉત્સુક લોકોનું ટોળું રસ્તા પર એકઠું થયું હતું. તેમને કશું પૂછવું હોય તો પણ તેઓ સવાલ કરતા નથી. ટોળકીઓના ઓછાયામાં રહેવાનું હોય ત્યારે મૌન રહેવામાં જ શાણપણ છે.

પોલીસે અમને જણાવ્યું હતું કે વહેલી સવારે અપહરણ કરવા નીકળેલી એક ટોળકી સાથે સંઘર્ષ થયો હતો. ટોળકી પગપાળા નાસી છૂટી હતી, પણ એક શંકાસ્પદ અપહરણકર્તા ઘાયલ થયો હતો. તેનો ગલી સુધી પીછો કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને ઠાર કરવામાં આવ્યો હતો.

27 વર્ષના અનુભવી એક પોલીસ અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું કે “પોલીસ અધિકારી અને ગુંડાઓ વચ્ચે અથડામણ થઈ હતી. એમના પૈકીનો એક માર્યો ગયો હતો”

તેમના જણાવ્યા મુજબ, રાજધાનીમાં પરિસ્થિતિ આટલી ખરાબ ક્યારેય ન હતી. આ ટોળકીઓને અંકુશમાં કેમ નથી લઈ શકાતી, એવો સવાલ મેં કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે “જુઓ, અમે આજે જ તેમને અટકાવ્યા છે.”

એ જ સવારે શહેરમાં બીજી તરફ ટ્રાફિકમાં અટવાયેલા 42 વર્ષના બિઝનેસમૅન ફ્રાન્સવા સિન્ક્લેરે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો.

તેમણે કેટલાક બંદૂકધારીઓને આગલી બે કાર અટકાવીને ઊભેલા જોયા હતા. તેથી તેમણે તેમની કારના ડ્રાઇવરને કાર પાછી વાળી લેવા જણાવ્યું હતું, પરંતુ તેઓ પાછા ફરવાનો પ્રયાસ કરતા હતા ત્યારે બંદૂકધારીઓની નજરમાં આવી ગયા હતા.

મેડિસિન્સ સાન્સ ફ્રન્ટિયર્સ સંચાલિત ટ્રૉમા હૉસ્પિટલમાં એક ટ્રૉલી પર બેઠેલા ફ્રાન્સવા અમને કહ્યું હતું કે “તેમણે, કોણ જાણે ક્યાંથી, મારી કાર પર ગોળીબાર કર્યો હતો અને ચારે તરફ લોહી ફેલાઈ ગયું હતું.”

હિંસાથી દૂર જવા તમે ક્યારેય દેશ છોડવાનું વિચાર્યું છે, એવો સવાલ મેં કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે “દસ હજાર વખત વિચાર કર્યો છે. મારી સાથે શું થઈ રહ્યું છે એ જણાવવા હું મારી માતાને ફોન સુધ્ધાં કરી શકતો નથી, કારણ કે તેઓ વૃદ્ધ થઈ રહ્યાં છે. અહીં જે પરિસ્થિતિ છે તેને જોતાં બીજે ક્યાંય જવા મળતું હોય તો જવું જ જોઈએ.”

આ વાત અમને વારંવાર સાંભળતા મળતી રહી હતી, પરંતુ મોટા ભાગના હૈતીવાસીઓ પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

એમએસએફ હૉસ્પિટલના વૉર્ડ્ઝ ગોળીબારનું નિશાન બનેલા લોકોથી ભરેલા છે. ગોળીબારમાં ડાબા પગનો નીચેનો હિસ્સો ગુમાવી ચૂકેલા ક્લાઉડેટે મને જણાવ્યું હતું કે હવે તેઓ અપંગ થઈ ગયાં છે. તેથી ક્યારેય પરણી શકશે નહીં. તેમની નજીકના પલંગમાં સૂતેલાં 15 વર્ષનાં લેલિએન ટાઇમ પાસ કરવાં ક્રૉસવર્ડ પઝલ ભરી રહ્યાં હતાં. તેને પેટમાં ગોળી વાગી હતી.

લેલિએને કહ્યું હતું કે “હું અને મારી મમ્મી ભોજનનું લેવા માટે ઘરની બહાર નીકળ્યાં હતાં. અમે ઑર્ડર આપતાં હતાં ત્યારે મને કશુંક વાગ્યાની અનુભૂતિ થઈ હતી. એ જોતાંની સાથે જ મેં ચીસ પાડી હતી. મારા બચવાની આશા ન હતી. મારા ઘરથી દૂર ગોળીબારના અવાજ સતત સંભળાતા રહે છે. ઘટના બની એ દિવસે ગોળી મારા સુધી પહોંચી ગઈ હતી.”

હૈતીના છેલ્લા ફરજરત રાષ્ટ્રપતિ પણ તેમના ઘરમાં સલામત ન હતા. જોવેનેલ મોઇસીની 2021ના જુલાઈમાં બંદૂકધારીઓએ હત્યા કરી હતી.

પોલીસે એ માટે કોલમ્બિયાના ભાડૂતી હત્યારાઓને જવાબદાર ઠરાવ્યા હતા અને એ પૈકીના 20ની ધરપકડ કરી હતી, પરંતુ એ ઘટનાના એક વર્ષથી વધુ સમય પછી પણ ગોળીબાર કે હત્યાનો આદેશ આપવા બદલ કોઈની સામે પગલાં લેવાયાં નથી.

માનવાધિકાર કર્મશીલો જણાવે છે કે આ કેસમાં ચાર ન્યાયમૂર્તિઓ આવ્યા અને ગયા. હવે તેનો ફેંસલો કરવાનું કામ પાંચમાને સોંપવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિની હત્યાને કારણે સત્તામાં અવકાશ સર્જાયો છે અને પ્રતિસ્પર્ધી ટોળકીઓ તેમના દોસ્તોની મદદથી તે પૂરવાનો પ્રયાસ કરી રહી છે.

નિષ્ણાતો જણાવે છે કે સશસ્ત્ર જૂથોએ સત્તાધારી અને વિરોધ પક્ષના નેતાઓને ભ્રષ્ટતામાં સાંકળવાના પ્રયાસ કર્યા છે. તેઓ ટોળકીઓને શસ્ત્રો સપ્લાય કરે છે, તેમને નાણાં આપે છે અથવા રાજકીય સંરક્ષણ આપે છે. તેના બદલામાં ટોળકીઓ રાજકારણીઓનાં ગંદાં કામ કરે છે, ભયનું વાતાવરણ સર્જે છે અને જરૂર પડ્યે સ્થિરતા કે અસ્થિરતાને ટેકો આપે છે.

ગ્રે લાઇન

તાજેતરની ઘટનાઓ

પગનો નીચેનો હિસ્સો ગુમાવી ચૂકેલા ક્લાઉડેટે

ઇમેજ સ્રોત, BBC / WIETSKE BUREMA

ઇમેજ કૅપ્શન, પગનો નીચેનો હિસ્સો ગુમાવી ચૂકેલા ક્લાઉડેટે

સલામતી નિષ્ણાત અને સ્ટેટ યુનિવર્સિટી ઑફ હૈતી ખાતે આંતરરાષ્ટ્રીય સંબંધના વિષયના પ્રોફેસર જેમ્સ બોયાર્ડ કહે છે કે “મુખ્યત્વે મોટા પ્રમાણમાં મતદારોવાળા ગરીબ વિસ્તારોની કેટલીક ટોળકીઓ અને રાજકારણીઓ વચ્ચે હંમેશાં સંબંધ હોય છે, પરંતુ 2011ની ચૂંટણી પછી એ સંબંધ સંસ્થા સ્વરૂપના થઈ ગયા છે. ટોળકીઓ રાજકીય હિંસાના પેટા-કૉન્ટ્રેક્ટર્સ તરીકે કામ કરે છે.”

માનવાધિકાર કર્મશીલોના જણાવ્યા મુજબ, “સમગ્ર દેશમાં આશરે 200 સશસ્ત્ર ટોળકીઓ કાર્યરત છે અને એ પૈકીની અડધોઅડધ તો રાજધાનીમાં જ સક્રિય છે.”

કોઈની ધરપકડ કરવામાં આવે તો તેમના સ્થાનિક ટેકેદારની મદદથી તેને વિના વિલંબે તેના હથિયાર સાથે મુક્ત કરવામાં આવે છે. ગુનાખોરી વ્યાપક છે, પરંતુ સજા કોઈને થતી નથી, એવું માનવાધિકાર કર્મશીલો જણાવે છે.

હૈતીના નેશનલ હ્યુમન રાઇટ્સ ડિફેન્સ નેટવર્કના મૅરી રોઝી ઑગસ્તે ડુસેના કહે છે કે “અદાલતી કાર્યવાહી થતી નથી. ન્યાયમૂર્તિઓ આવા કેસની કાર્યવાહી હાથ ધરવા તૈયાર નથી હોતા. તેમને ટોળકીઓ પૈસા ચૂકવે છે. કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ટોળકીઓને મદદ કરે છે. તેમને બખતરગાડી અને ટીયર ગૅસ પૂરા પાડે છે.”

અન્ય અધિકારીઓ ટોળકીના સભ્ય હોય છે, એવું જણાવતાં માનવાધિકાર કર્મશીલ ગેડોન જીન કહે છે કે “દરેક ટોળકીમાં કમસે કમ બે ફરજરત કે નિવૃત્ત પોલીસ કર્મચારીઓ કામ કરે છે તે અમે જાણીએ છીએ. પોલીસની લાઈસન્સ પ્લૅટ્સ સાથેની કારનો ઉપયોગ અપહરણ માટે કરવામાં આવે છે એ પણ અમે જાણીએ છીએ. આવા કામમાં પોલીસ એક સંસ્થા તરીકે સંડોવાયેલી છે કે નહીં, એ અમે નથી જાણતા.”

વાસ્તવમાં કેટલાક વર્તમાન અને નિવૃત્ત પોલીસ અધિકારીઓની પોતાની ટોળકીઓ છે, જે બાઝ પાઇલટ તરીકે ઓળખાય છે. માનવાધિકાર કર્મશીલોના જણાવ્યા મુજબ, પોર્ટ-ઓ-પ્રિન્સના મધ્યના વિસ્તારોની મુખ્ય શેરીઓ પર આવી ટોળકીઓનો આંશિક અંકુશ છે.

પોલીસની સંડોવણી એ કોઈ રહસ્ય નથી. કેટલાક અધિકારીઓ મહિને 300 ડૉલર જ કમાય છે અને કેટલાક ટોળકીઓના અંકુશ હેઠળના પાડોશી વિસ્તારોમાં રહે છે. તેમના માટે આ જીવન-મરણનો સવાલ છે.

ગ્રે લાઇન

એક પતિની કથા

પતિએ તેમની પત્ની પરનાં બળાત્કારની ઘટના કહી

ઇમેજ સ્રોત, BBC / GOKTAY KORALTAN

ઇમેજ કૅપ્શન, પતિએ તેમની પત્ની પરનાં બળાત્કારની ઘટના કહી

મિયામીથી વિમાન માર્ગે બે કલાક દૂર આવેલા આ સ્થળે માત્ર હિંસા થતી નથી.

એવું લાગે છે કે પોર્ટ-ઓ-પ્રિન્સમાંની ટોળકીઓ એકમેકની સાથે ઘાતકીપણાની હરીફાઈમાં ઊતરી છે અને આશરે દસ લાખ લોકોની વસ્તી ધરાવતા આ શહેરમાંનો કોઈ પણ નાગરિક તેનું નિશાન બની શકે છે.

ત્રીસથી વધુ વર્ષની વયના, કોઈ ટોળકી સાથે સંબંધ ન ધરાવતા એક પાતળા માણસે તેમણે અને તેમનાં પત્નીએ થોડા મહિના અગાઉ શું સહન કરવું પડ્યું હતું તેની કથા અમને જણાવી હતી.

તેમની પાડોશના વિસ્તાર પર એક ટોળકીનો અંકુશ છે અને તેની પ્રતિસ્પર્ધી ટોળકી લોકોની હત્યા કરી રહી હતી. આ પાતળા માણસની સલામતી ખાતર અમે તે વિસ્તારનું અને તેમની સાથેના દુર્વ્યવહારમાં સંડોવાયેલી ટોળકીનું નામ ગુપ્ત રાખ્યું છે.

એ માણસે બોલવાનું શરૂ કર્યું પછી અટક્યા વિના સતત 13 મિનિટ એવી રીતે બોલતો રહ્યો હતો, જાણે કે તે શબ્દો અને પોતાની વેદના પર તેનો અંકુશ ન હોય.

તેમણે કહ્યું હતું કે “મેં મારી જાતને કહેલું કે ગોળીબારનો અવાજ નજીક આવી રહ્યો છે અને આપણે અહીંથી છટકવાનો પ્રયાસ કરવો જોઈએ, પરંતુ તેઓ અમારા પાડોશને ફેંદી રહ્યા હતા. હું મારાં પત્ની સાથે ઘરમાં પાછો ચાલ્યો ગયો હતો. હું અત્યંત ભયભીત હતો અને ધ્રૂજતો હતો. શું કરવું તે સમજાતું ન હતું. તેઓ મોટા ભાગે યુવા પુરુષની હત્યા કરતા હોય છે. મારી પત્નીએ મને પલંગની નીચે કપડાંના ઢગલામાં છુપાવી દીધો હતો. મારો ભત્રીજો વૉર્ડરૉબમાં છુપાયો હતો.”

ગણતરીની મિનિટોમાં કેટલાક પુરુષો ઘરમાં ધસી આવ્યા હતા. તેમણે એક માણસનાં પત્નીને માર માર્યો હતો અને સ્થાનિક ટોળકીના સભ્યો વિશે માહિતી માગી હતી. એ માણસના ભત્રીજાએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ઠાર કરવામાં આવ્યો હતો. એ માણસ પલંગમાં છુપાઈને યાતના સહન કરતો રહ્યો હતો.

તેમણે કહ્યું હતું કે “હું નાસી છૂટવા, જોરથી રડવા ઇચ્છતો હતો. મને સૌથી વધારે દુઃખ એ વાતનું થયું હતું કે હું પલંગમાં છુપાયેલો હતો એટલે કશું જોઈ શકતો ન હતો, પરંતુ ટોળકીના પુરુષો મારાં પત્ની પર બળાત્કાર કરતા હતા તેનો અવાજ મને સંભળાતો હતો. તેઓ પલંગ પર મારાં પત્ની ઉપર બળાત્કાર કરતા હતા અને હું કશું કરી શક્યો ન હતો.”

એ પછી તેમના મકાનને આગ ચાંપવામાં આવી હતી અને તેઓ તથા તેમનાં પત્ની અલગ-અલગ દિશામાં નાસી છૂટ્યા હતા. તેઓ હજુ પણ તેમના દોસ્તો તથા સગાંઓ સાથે અલગ-અલગ રહે છે, પરંતુ નાનકડા બાળક સાથે ઘર ફરી ઊભું કરવાની તેમને આશા છે.

“જે થયું હતું તેના ઘા મારા શરીર અને આત્માને પીડા આપી રહ્યા છે.”

તેમનાં પત્ની હવે ગર્ભવતી છે અને ગર્ભમાંના બાળકના પિતા તેઓ જ છે કે હુમલાખોર પૈકીનો કોઈ એ તેઓ જાણતા નથી. તેઓ કહે છે કે ભલે ગમે તે હોય, અમે બાળકને સ્વીકારીશું અને તેને અમારું નામ આપીશું.

તેઓ કહે છે કે “મારે જે સહન કરવું પડ્યું એ તો કશું જ નથી. એક સ્ત્રીને એક જ સંતાન હતું અને એક ટોળકીએ મહિલાના તે પુત્રનું ગળું તેની હાજરીમાં જ કાપી નાખ્યું હતું. એ યુવાન એકેય ટોળકીમાં સામેલ ન હતો.”

પતિ અને પત્ની પાસેનું, દેશ પ્રત્યેના પ્રેમ સહિતનું બધું જ લૂંટી લેવાયું હતું. તેઓ કહે છે કે “અમારા હૃદયમાંથી હૈતી ભૂંસાઈ ગયું છે. અમને તક મળશે એટલે તરત જ અમે અહીંથી ચાલ્યા જઈશું.”

આટલું કહીને તેઓ ભાંગી પડે છે. તેમની છાતી ભરાઈ આવે છે.

અહીં મેં લોકોની જે વ્યથાકથા સાંભળી તે, વિદેશી સંવાદદાતા તરીકેની મારી કારકિર્દીમાં 80થી વધુ દેશોમાં કરેલા રિપોર્ટિંગ દરમિયાન સાંભળેલી સૌથી વધુ દર્દનાક કથાઓ છે અને મને એવું લાગે છે કે હું તો હજુ સપાટી સુધી જ પહોંચ્યો છું.

પોર્ટ-ઓ-રિકોની ટોળકીઓ માટે કોઈ મર્યાદા નથી.

થોડા દિવસ પછી હું સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી ત્રણ યુવતીને મળ્યો હતો. એ પૈકીનાં સૌથી નાનાં 16 વર્ષનાં જ હતાં.

એક જ ટોળકીના લોકોએ એ છોકરી તથા તેની એક સંબંધી મહિલા પર બળાત્કાર કર્યો હતો. એ પછી તેમને ઘરમાં જ જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી. બળાત્કાર કરવામાં આવ્યો ત્યારે બીજાં મહિલાના પેટમાં છ માસનો ગર્ભ હતો.

તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો ત્યારે જ તેમના પતિની હત્યા કરવામાં આવી હતી. મહિનાઓ પછી પણ એ મહિલા તેમના પતિનો મૃતદેહ શોધી શક્યાં નથી.

ટોળકીઓ બળાત્કારનો એક શસ્ત્ર તરીકે વધુને વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહી છે. તેઓ પ્રતિસ્પર્ધી ટોળકીના અંકુશ હેઠળના વિસ્તારોમાં રહેતી મહિલાઓ અને છોકરીઓને નિશાન બનાવે છે.

કર્મશીલોના જણાવ્યા મુજબ, હૈતીના સૌથી ગરીબ અને વિશાળ સિટી સોલીલ જિલ્લામાં જુલાઈમાં પ્રતિસ્પર્ધી ટોળકીઓ વચ્ચે થયેલી અથડામણમાં 300થી વધુ લોકોની હત્યા કરવામાં આવી હતી.

એ પૈકીના મોટા ભાગના સળગાવી દેવામાં આવ્યા હતા. કમસે કમ 50 મહિલાઓ તથા છોકરીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.

સિટી સોલીલમા કરવામાં આવેલા સામૂહિક બળાત્કારનું દસ્તાવેજીકરણ હૈતીના નેશનલ હ્યુમન રાઇટ્સ ડિફેન્સ નેટવર્કે કર્યું હતું.

આ સંગઠને જણાવ્યું હતું કે ઘણા લોકોને ‘જીવતા રહી જવાનો રંજ છે.’ 50 પૈકીની 20 મહિલાઓ પર તો તેમનાં સંતાનોની હાજરીમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો. છ મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો ત્યારે તેમની નજર સામે તેમના પતિઓની હત્યા કરવામાં આવી હતી.

સિટી સોલીલના મોટા હિસ્સા પર પોર્ટ-ઓ-રિકોમાંની સૌથી શક્તિશાળી ટોળકી જી-નાઈન ફૅમિલી અને તેના સાથીઓનો કબજો છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટોળકીને હત્યા કરાયેલા રાષ્ટ્રપતિ તથા શાસક પક્ષ સાથે ગાઢ સંબંધ છે અને મોટા ભાગે ખંડણી ઉઘરાવવાનું કામ જ કરે છે.

જી-નાઈન ફૅમિલીએ શહેરના મુખ્ય ઈંધણ ટર્મિનલને સપ્ટેમ્બરમાં બ્લૉક કરી દીધું હતું. પરિણામે દેશ લગભગ બે મહિના સુધી ખોડંગાયેલો રહ્યો હતો અને માનવીય કટોકટી સર્જાઈ હતી.

એ ટોળકીના નેતા અને બાર્બેક્યુ નામે ઓળખાતા જિમ્મી ચેરિઝીયર પ્રસંગોપાત પત્રકાર પરિષદ યોજે છે. અમે મધ્યસ્થી મારફત તેમની મુલાકાત માગી હતી, પરંતુ તેનો કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. આજકાલ તેઓ ઓછું બોલે છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે તેમના પર નિયંત્રણો લાદ્યા છે. તેમના પર હૈતીમાં શાંતિ તથા સ્થિરતા પર જોખમ સર્જવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

અમેરિકા અને કૅનેડાએ સૅનેટના વર્તમાન પ્રમુખ જોસેફ લેમ્બેર્ટ સહિતના હૈતીના બે રાજકારણી પર ટોળકીઓ સાથે કથિત મિલીભગતના આરોપસર તાજેતરમાં નિયંત્રણો લાદ્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, નિયંત્રણોની થોડી અસર દેખાય છે, કારણ કે ટોળકીઓનો ઉપયોગ કરતા રાજકારણીઓ હાલ ટાઢા પડ્યા છે.

ગ્રે લાઇન

‘ગુંડાઓએ દેશને બાનમાં લીધો છે’

સળગાવી દેવાયેલી કાર
ઇમેજ કૅપ્શન, સળગાવી દેવાયેલી કાર

ટોળકીઓ વચ્ચેના લડાઈમાં ઘેરાયેલા એક ઉપનગરના છેવાડાના વિસ્તારોની મુલાકાત જીન સિમોન્સ દેસાન્ક્લોસે લીધી ત્યારે તેમને પરિવારની સળગાવી દેવામાં આવેલી બ્લેક સુઝુકીના ખોખા સિવાય પરિવારની કોઈ વ્યક્તિ જોવા મળી ન હતી. સળગાવી દેવામાં આવેલાં તેમનાં પત્ની તથા બે દીકરીઓના મૃતદેહ શબઘરમાં લઈ જવામાં આવ્યા હતા.

56 વર્ષનાં જોસેટ્ટે ફિલ્સ દેસાન્ક્લોસ તેમની 24 વર્ષનાં એક દીકરીને યુનિવર્સિટીએ અને બીજી દીકરી શેરવૂડ સોન્જેને તેમના બર્થ-ડે માટે શૉપિંગ કરવાં લઈ જતાં હતાં.

બીજાં દીકરી 29 વર્ષનાં થવાનાં હતાં. બન્ને દીકરીઓ પિતાની માફક કાયદાનો અભ્યાસ કરતાં હતાં. બન્ને દીકરીઓ તેમના માટે રાજકુમારી હતી.

તેમણે કહ્યું હતું કે “20 ઑગસ્ટે મેં મારું બધું ગુમાવી દીધું હતું. મારો પરિવાર જ નહીં, પરંતુ કુલ આઠ લોકોની એ દિવસે હત્યા કરવામાં આવી હતી. એ હત્યાકાંડ હતો.”

મૃદુભાષી અને સુસજ્જ દેસાન્ક્લોસ વકીલ અને માનવાધિકાર કર્મશીલ છે. તેઓ હવે એક વંચિત વ્યક્તિ છે. તેઓ જે અવાજ સાંભળવા ઇચ્છે છે એ ક્યારેય સાંભળી નહીં શકે.

તેમણે કહ્યું હતું કે “આપણે આપણાં સંતાનોના ફોન કૉલની રાહ હંમેશાં જોતા હોઈએ. મેં મારાં પત્ની અને જેમને આ મુશ્કેલ દેશમાં ઉછેરી હતી એ બે દીકરીઓનો પ્રેમ કાયમ માટે ગુમાવી દીધો છે. આ બધું અબજોપતિ માણસ રાતોરાત ગરીબ થઈ જાય એવું છે.”

પોતાના જીવ પર જોખમ હોવા છતાં તેઓ તેમનાં પત્ની તથા દીકરીઓ માટે ન્યાય માગી રહ્યાં છે.

તેઓ કહે છે કે “પરિવાર પવિત્ર બાબત છે. તેમના માટે ન્યાયની માગણી નહીં કરું તો તેમની સાથે છેતરપિંડી કરી ગણાશે. મારી દીકરીઓને ખબર છે કે તેમના પિતા યોદ્ધા છે, જે પોતાના પરિવાર કે લોકોને ક્યારેય છેહ દેતા નથી. જોખમ પ્રચંડ છે, પરંતુ હવે મારી પાસે ગુમાવવા જેવું શું બચ્યું છે?”

તેઓ ઉમેરે છે કે “આ દેશને ગુંડાઓએ બાનમાં લીધો છે. તેઓ તેમના પોતાના કાયદા બનાવે છે. તેઓ હત્યા કરે છે. બળાત્કાર કરે છે. વિનાશ વેરે છે. મારી દીકરીઓનું બલિદાન છેલ્લું હોય એવી મારી ઇચ્છા છે.”

તેઓ ગૌરવપૂર્વક, આત્મવિશ્વાસ સાથે વાત કરે છે, પરંતુ જાણે છે કે તેમની ઇચ્છા કદાચ પૂરી નહીં થાય.

જીન સિમસન દેસાંક્લોસ તેમના પત્ની અને બે પુત્રીઓ સાથે
ઇમેજ કૅપ્શન, જીન સિમસન દેસાંક્લોસ તેમના પત્ની અને બે પુત્રીઓ સાથે

હૈતીમાં સરકારનું નહીં, પરંતુ ગુંડા ટોળકીઓનું રાજ ચાલે છે. વડા પ્રધાન એરિયલ હેન્રી પણ તેમની ઑફિસે જઈ શકતા નથી, કારણ કે તેમની ઑફિસનો વિસ્તાર સશસ્ત્ર જૂથોના તાબા હેઠળ છે. અમે ઇન્ટરવ્યૂ માટે તેમને અનેક વિનંતી કરી હતી, પરંતુ તેમણે ઇન્કાર કર્યો હતો.

હૈતીની હાલની નબળી સરકારે દેશમાં કાયદાનું શાસન ફરી સ્થાપિત કરવા આંતરરાષ્ટ્રીય દળોને મદદની હાકલ કરી છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ સિવાયનાં સશસ્ત્રદળોની જરૂરિયાત બાબતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ વાત ચાલી રહી છે, પરંતુ તેનું નેતૃત્વ કરવાની ઉતાવળ કે તેમાં ભાગ સુધ્ધાં લેવા કોઈ તૈયાર હોય એવું લાગતું નથી.

હૈતીમાં વિદેશી હસ્તક્ષેપની છાપ અને ઇતિહાસ ખરાબ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના છેલ્લા મિશન પર જાતીય સતામણીનો અને હૈતીમાં નેપાળમાંના સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિરક્ષકો દ્વારા કોલેરા ફેલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તે રોગચાળામાં આશરે 10,000 લોકો માર્યા ગયા હતા.

અહીં શાંતિ સ્થાપવા માટે વિદેશી સૈન્ય લાવવાના વિચાર બાબતે પણ મિશ્ર મત પ્રવર્તે છે. અત્યાર સુધી જેમણે સશસ્ત્ર ટોળકીઓનો ઉપયોગ કર્યો છે, પરંતુ હવે તેમના પર લગામ તાણવા ઇચ્છતા કેટલાક બિઝનેસ અને ટોળકી અંકુશિત વિસ્તારોમાં ફસાયેલા લોકો આ વિચારને ટેકો આપે છે.

સમાજનો એક અન્ય વર્ગના નેતાઓ તેનો વિરોધ કરે છે અને કહે છે કે હૈતીએ એકલપંડે જ આગળ વધવું જોઈએ.

આંતરરાષ્ટ્રીય સમુદાય ચર્ચા અને વિરોધ કરે છે, જ્યારે અહીંની ટોળકીઓ માટે હત્યાકાંડ રોજિંદી બાબત છે.

સ્થાનિક સૂત્રો કહે છે કે લાંબા સમયથી ચૂંટણી યોજાઈ ન હોવાથી સશસ્ત્રજૂથો નિર્દયતાપૂર્વક પોતપોતાનો પ્રદેશ વિસ્તારી રહ્યા છે. ટોળકીઓના અંકુશ હેઠળના વિસ્તારોમાંથી રાજકારણીઓએ મત મેળવવા હોય ત્યારે તેમણે બંદૂકધારીઓને પૈસા ચૂકવવા પડે છે.

અત્યાચારની તાજી ઘટના પોર્ટ-ઓ-રિકોના ઉત્તર પ્રવેશદ્વાર પાસે 30 નવેમ્બરે બની હતી.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, નવી ટોળકીના સશસ્ત્ર સભ્યો એ વિસ્તારમાં ફરી રહ્યા હોવાનું કેટલાક લોકોને ધ્યાનમાં આવ્યું હતું અને તેમણે આ બાબતે પોલીસને માહિતી આપી હતી.

તેનો બદલો લેવા બંદૂકધારીઓએ રાતે ગોળીબાર કર્યો હતો અને તેમાં કમસે કમ 11 લોકો મૃત્યુ પામ્યા હતા. કેટલાકને જીવતા સળગાવી દેવાયા હતા.

અહીં ફરી વખત સીમાની આંકણી લોહી વડી કરવામાં આવી હતી. શહેરમાં રહેતા લોકોએ તેમના માનસિક નકશાને ફરીથી અપડેટ કરવો પડશે, કારણ કે વધુ એક વિસ્તાર ગ્રીનમાંથી રેડ ઝોન બની રહ્યો છે.

(પૂરક માહિતીઃ વિતેસ્કે બુરેમાં, ગોક્ટે કોરાલ્ટન અને આંદ્રે પોલ્ટ્રે)

રેડ લાઇન
રેડ લાઇન