એ માતા જે પુત્રોની જાતીય સતામણી કરતા વૃદ્ધની હત્યા કરી પોલીસ સ્ટેશન પહોંચ્યાં...

સારા અને તેમના બાળકો
ઇમેજ કૅપ્શન, સારા અને તેમના બાળકો
    • લેેખક, જુન કેલી
    • પદ, બીબીસી ન્યૂઝ

બાળકોની જાતીય સતામણી બદલ દોષી પુરવાર થયેલા એક શખ્સની સારા સેન્ડ્ઝે આઠ વર્ષ પહેલાં હત્યા કરી હતી.

2014ની પાનખરની એક રાતે સારા તેમના ઈસ્ટ લંડનમાં આવેલા ડુપ્લેક્સમાંથી માથા પર હૂડી પહેરી, હાથમાં છરી લઈને બહાર આવ્યાં હતાં.

બાજુના બ્લૉકમાં રહેતો વૃદ્ધ પુરુષ બહાર ન આવ્યો ત્યાં સુધી તેમણે તેની રાહ જોઈ હતી.

માઈકલ પ્લીસ્ટેડ નામનો એ પુરુષ બહાર આવ્યો, ત્યારે તેમણે તેના પર છરીના આઠ ઘા કર્યા. 77 વર્ષની વયના પ્લીસ્ટેડનું મોત થયું હતું. તે કૃત્યને બાદમાં “પૂર્વનિર્ધારિત હુમલા” તરીકે વર્ણવવામાં આવ્યું હતું.

પ્લીસ્ટેડ બાળકોની જાતીય સતામણી માટે અગાઉ દોષી પુરવાર થયો હતો અને તેના પર નવા આરોપ પણ હતા. તે જ્યાં રહેતો હતો એ સિલ્વર ટાઉન વિસ્તારમાં છોકરાંઓની જાતીય સતામણીનો આરોપ તેના પર હતો.

આ કેસમાં સંકળાયેલાં તમામ બાળકોનાં નામ તો કાયદાકીય જોગવાઈને કારણે જાહેર કરવામાં આવ્યાં ન હતાં, પરંતુ એ પૈકીના ત્રણ બાળકોએ પોતાની ઓળખ ગુપ્ત રાખીને બીબીસી ન્યૂઝ સાથે વાત કરી હતી. આ ત્રણેય સારા સેન્ડ્ઝનાં સંતાનો છે.

ગ્રેલાઈન

'માતા સાથે જેલમાં રહીને મોટા થવું મુશ્કેલ હતું'

હત્યાની રાતે સારા પ્લીસ્ટેડના ઍપાર્ટમૅન્ટમાં જતા હોવાનું સિક્યૉરિટી કેમેરામાં ઝડપાયું હતું
ઇમેજ કૅપ્શન, હત્યાની રાતે સારા પ્લીસ્ટેડના ઍપાર્ટમૅન્ટમાં જતાં હોવાનું સિક્યૉરિટી કેમેરામાં ઝડપાયું હતું

આ ત્રણમાં સૌથી મોટા બ્રૅડલી પર જાતીય હુમલો કરવામાં આવ્યો, ત્યારે તે 12 વર્ષના હતા. તેમણે તેમની સાથેના દુર્વ્યવહારની શાખ પુરવા, પોતાની ઓળખ ગુપ્ત રાખવાનો અધિકાર ગયા વર્ષે ત્યજ્યો હતો.

બીબીસી ન્યૂઝ સાથેના ઈન્ટર્વ્યૂમાં તેમના બે નાના, જોડિયા ભાઈઓ એલ્ફી તથા રીસીએ પણ એવું જ કર્યું હતું. તેમની જાતીય સતામણી કરતા વૃદ્ધની તેમની માતાએ હત્યા કરી, ત્યારે આ ભાઈઓ 11 વર્ષના હતા.

હવે તેઓ 19 તથા 20 વર્ષના છે અને તેઓ નાના હતા, ત્યારે તેમનાં માતાએ જે કર્યું તે તેમને હજુ યાદ છે.

તેમણે જણાવ્યું હતું કે, “માતા સાથે જેલમાં રહીને મોટા થવું મુશ્કેલ હતું. સારાને પોતાના કૃત્યનો પસ્તાવો થાય છે, ત્યારે તેમનાં સંતાનોએ માતાના કામ બાબતે ઈમાનદારીથી વાત કરી હતી.”

બ્રૅડલીએ બીબીસીને કહ્યું હતું કે, “હું માનતો હતો કે હું ખોટો છું. હું તેનો ઇનકાર નહીં કરું.”

એલ્ફીએ કહ્યું હતું કે, “માતાએ કરેલાં કામથી અમે વધારે સલામતી અનુભવતા થયા હતા. તેનાથી તકલીફનો અંત આવ્યો ન હતો, પરંતુ તેણે સલામતીની લાગણી જરૂર જન્માવી હતી, કારણ કે શેરીના નાકે પેલો વૃદ્ધ મળશે એવા ભયના વિચારથી અમે શેરીમાં કે ઘરની બહાર નીકળતા નહોતા.”

બ્રૅડલીએ કહ્યું હતું કે, “તે વૃદ્ધ અમારી સામેના મકાનમાં જ રહેતો હતો. અમે બારી ખોલીએ તો સામે જ તેનું ઘર હતું.”

ઘટના બની ત્યારે રીકી 11 વર્ષનો હતો. તેણે કહ્યું હતું કે, “એ વૃદ્ધ મરી ગયો તે સાંભળીને સારું લાગ્યું હતું.”

ગ્રેલાઈન

સિલ્વર ટાઉનની કથા

પ્લીસ્ટેડનું મૂળ નામ રોબિન મોલ્ટ હતું
ઇમેજ કૅપ્શન, પ્લીસ્ટેડનું મૂળ નામ રોબિન મોલ્ટ હતું

સારા સેન્ડ્ઝ અને તેમનો પરિવાર વૃદ્ધની હત્યાના થોડા મહિના પહેલાં જ સિલ્વર ટાઉન ખાતેના તેમના નવા ઘરમાં રહેવા આવ્યો હતો. તેઓ એકલા રહેતા પ્લીસ્ટેડના દોસ્ત બની ગયાં હતાં.

પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો પ્લીસ્ટેડ મોટા ભાગે કિઓસ્કની બહાર પડેલી બેન્ચ પર બેસી રહેતો હતો. એ રીતે સ્થાનિક રહેવાસીઓ અને બાળકો સાથે તેનો સંપર્ક થતો હતો.

સારાએ કહ્યું હતું કે, “અમને એમ હતું કે તે મજાનો માણસ છે. હું તેના માટે ભોજન બનાવતી. તેની સારસંભાળ લેતી અને સમય હોય તો તેની સાથે ગપ્પાં પણ મારતી હતી.”

પ્લીસ્ટેડ નાનું-મોટું કામ કરતો હતો અને શનિવારે કેટલાંક બાળકો પણ તેને મદદ કરતાં હતાં.

પ્લીસ્ટેડે સારાને પૂછેલું કે, ‘બ્રૅડ તેને મદદ કરી શકે કે કેમ. એ સાંભળીને બ્રૅડ રાજી થઈ ગયો હતો.’

સારા માને છે કે, તેમના મોટા દીકરાની સતામણી કરવાની સાથે-સાથે પ્લીસ્ટેડ જોડિયા ભાઈઓનો વિશ્વાસ પણ કેળવતો હતો. તે ત્રણેય ભાઈને પોતાના ઘરે બોલાવતો હતો.

એક સપ્તાહ પછી બ્રૅડલીએ પણ જાતીય સતામણીની વાત કરી હતી.

ગ્રેલાઈન

શું હતો આરોપ?

સારા સેન્ડ્ઝ અને તેમનાં ત્રણ બાળકો
ઇમેજ કૅપ્શન, સારા સેન્ડ્ઝ અને તેમનાં ત્રણ બાળકો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફરિયાદને પગલે પ્લીસ્ટેડની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર બાળકો વિરુદ્ધના ગુના આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

કેસ ચાલવાને વાર હતી તેથી અદાલતે તેને જામીન પર મુક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે, “તે સિલ્વર ટાઉનમાં કામ કરવા જતો રહેશે.”

સારાના જણાવ્યા મુજબ, “કોર્ટના નિર્ણયથી એ બહુ દુઃખી હતી અને તેને કશું સમજાતું ન હતું. એ પછી તેઓ તેમના પરિવારને તેમના દાદીના નાનકડા ઘરે લઈ ગયા હતાં.”

હત્યાની રાતે તેઓ પ્લીસ્ટેડના ઍપાર્ટમૅન્ટમાં જતા હોવાનું સિક્યૉરિટી કેમેરામાં ઝડપાઈ ગયું હતું.

સારાના કહેવા મુજબ, “તેઓ ઈચ્છતાં હતાં કે પ્લીસ્ટેડ તેનો ગુનો કબૂલી લે અને તેમનાં ત્રણેય સંતાનોને અદાલતમાં જવાના ચક્કરમાંથી ઉગારી લે.

સારાએ કહ્યું હતું કે, “હું ત્યાં શું કરવા ગઈ હતી તેની મને ખબર નથી. હવે મને સમજાય છે કે તે મોટી ભૂલ હતી. પ્લીસ્ટેડને ખોટું કર્યાનો રંજ ન હતો. તેણે મને કહેલું કે, તમારા બાળકો ખોટું બોલી રહ્યાં છે. હું સ્તબ્ધ થઈ ગઈ હતી. મારા ડાબા હાથમાં છરી હતી અને મને યાદ છે કે તેણે છરી ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો.”

સારાના જણાવ્યા મુજબ, “તેમનો ઈરાદો પ્લીસ્ટેડની હત્યા કરવાનો ન હતો.”

થોડા કલાકો પછી હાથમાં લોહીવાળી છરી અને લોહીના ડાઘાવાળા વસ્ત્રો સાથે સારા પોલીસ સ્ટેશને પહોંચી ગયાં હતાં.

આ કેસની સુનાવણી દરમિયાન જજે જણાવ્યું હતું કે, “સારા બુદ્ધિપૂર્વક વિચારીને સાથે ચાકુ લઈ ગયાં હતાં એ વાત હું માની શકતો નથી, પરંતુ ચાકુના ઉપયોગ વિશે તેમણે જરૂર વિચાર્યું હશે તેની મને ખાતરી છે.”

ગ્રેલાઈન

ત્રણ સંતાનોનાં સિંગલ મધર સારા જેલમાં હતાં

સિલ્વર ટાઉન સાઉથ લંડનનો એક સમુદાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સિલ્વર ટાઉન સાઉથ લંડનનો એક સમુદાય છે

સારાને હત્યા નહીં, પણ માનવવધ બદલ દોષી ઠરાવવામાં આવ્યાં હતાં. તેમને સાડા ત્રણ વર્ષની સજા કરવામાં આવી હતી, જે બાદમાં વધારીને સાડા સાત વર્ષની કરવામાં આવી હતી. તેનું કારણ એ હતું કે, તેમને પહેલા ચુકાદામાં ઓછી સજા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

અપીલ કોર્ટના જજે કહ્યું હતું કે, “સારાએ પ્લીસ્ટેડની મદદ માટે કશું કર્યું ન હતું. તેમણે ઇમર્જન્સી સર્વિસને ફોન પણ કર્યો ન હતો.”

સારાએ લગભગ ચાર વર્ષ જેલમાં ગાળ્યાં હતાં. તેઓ હવે કહે છે કે, “મેં કાયદો મારા હાથમાં લીધો હતો. હું મારા કૃત્યની જવાબદારી લઉં છું.”

ત્રણ સંતાનોના સિંગલ મધર સારા જેલમાં હતાં, ત્યારે બે જોડિયા ભાઈઓ તેમની નાની સાથે રહ્યા હતા.

બ્રૅડલીએ બીબીસીને જણાવ્યું હતું કે, “અમે એક રૂમમાં સાથે રહેતા હતા. પ્રાઈવસી જેવું કશું ન હતું.”

બ્રૅડલીએ કહ્યું હતું કે, “મારાં નાની જેલમાં મારી મમ્મીને મળવા આવતાં હતાં અને મારી મમ્મીને પૂછતાં કે છોકરાંઓને બહાર રમવા મોકલું કે નહીં. મારી મમ્મી તેમને સ્પષ્ટ ના કહેતી હતી.”

શું થયું હતું એ બધા જાણતા હતા, પણ બ્રૅડલીને પૂછતાં હતા કે, તારી મમ્મી ક્યાં છે? હમણાં દેખાતી કેમ નથી?

સારાએ કહ્યું હતું કે, “હું જેલમાં ગઈ એ પહેલાં બધાની સાથે સારો સંબંધ હતો, પણ એ પછી અચાનક બધા દૂર થઈ ગયા હતા. એમનું વર્તન ભયાનક હતું.”

ગ્રેલાઈન

'ગુનેગારો નામ બદલે પછી નવા નામે ડ્રાઈવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ મેળવી શકે'

સારાનો પુત્ર રીકી 19 વર્ષનો છે
ઇમેજ કૅપ્શન, સારાનો પુત્ર રીકી 19 વર્ષનો છે

અદાલતી કાર્યવાહી દરમિયાન એવું બહાર આવ્યું હતું કે, પ્લીસ્ટેડનું મૂળ નામ રોબિન મોલ્ટ હતું અને તે બાળકોની જાતીય સતામણીનો ગુનેગાર હતો. તેણે ત્રણ દાયકાથી વધુ સમયમાં 24 જાતીય ગુના આચર્યા હતા. તેને કારાવાસની સજા થઈ હતી, પરંતુ તે જ્યાં રહેતો હતો ત્યાંનો એકેય રહેવાસી પ્લીસ્ટેડના ભૂતકાળથી વાકેફ ન હતો.

જાતીય ગુના આચરીને પોતાનું નામ બદલ્યું હોય તેવા ગુનેગારો સામે આકરાં પગલાં લેવાની ઝુંબેશ ચલાવતા એક ગ્રુપમાં સારા સેન્ડ્ઝ હવે જોડાયાં છે.

લેબર પક્ષના સંસદસભ્ય સારા ચૅમ્પિયને જણાવ્યું હતું કે, “જાતીય ગુના આચરી ચૂકેલા કેટલાક ગુનેગારો ચોક્કસ કામ મેળવવા માટે જરૂરી ચકાસણીમાંથી પાર ઊતરવા નવી ઓળખ અપનાવતા હોય છે.”

સારા ચૅમ્પિયને કહ્યું હતું કે, “આવા ગુનેગારો નામ બદલે પછી તેઓ નવા નામે ડ્રાઈવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ મેળવી શકે છે. અમને જાણવા મળ્યું છે કે આવા લોકો સ્કૂલો તથા બાળકો હોય તેવાં અન્ય સ્થળે જાય છે અને લોકોએ તેમનામાં મૂકેલા વિશ્વાસનો ગેરલાભ ઉઠાવે છે.”

રેડલાઈન
રેડલાઈન