લચિત બરફુકન : એ હિંદુ રાજા જેમના સૈનિકો 'રાક્ષસો' બનીને મોગલો સામે લડ્યા અને હરાવ્યા

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, અશોકકુમાર પાંડે
- પદ, ઇતિહાસકાર તથા લેખક, બીબીસી માટે
આસામના યોદ્ધા લચિત બરફુકનની 2022ની 24 નવેમ્બરે 400મી જન્મજયંતી છે. સોળમી સદીમાં મોગલ વિસ્તારવાદનો સફળ સામનો કરનાર લચિત આસામના સમાજમાં નાયક તરીકે પ્રતિષ્ઠિત છે.
છેક 1930થી સમગ્ર આસામમાં દર વર્ષે તેમની જન્મજયંતીની ઉજવણી ‘લચિતદિવસ’ તરીકે ધામધૂમથી કરવામાં આવે છે.
ભારતીય સૈન્યએ નેશનલ ડિફેન્સ એકૅડેમી(એનડીએ)ના સર્વશ્રેષ્ઠ કૅડેટને દર વર્ષે ‘લચિત બરફુકન સુવર્ણચંદ્રક’ આપવાનો નિર્ણય 1999માં કર્યો હતો.
અહોમ વિદ્વાન ગોલપચંદ્ર બરુઆએ દેવઘાય પંડિત પાસે ઉપલબ્ધ બુરાંજી (એટલે કે અજ્ઞાત કથાઓનો ભંડાર. આસામના પ્રાચીન પંડિતોના ઇતિહાસના ગ્રંથો)નો મૂળ સહિત 1930માં અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. તેમાં લચિત બરફુકાનની કથા વિસ્તારથી જણાવવામાં આવી છે.
ઇતિહાસકાર એસ. કે. ભૂઈયાને લખેલા પુસ્તક ‘લચિત બુરફુકાન ઍન્ડ હિઝ ટાઇમ્સ’નું પ્રકાશન આસામ સરકારે આઝાદી બાદ તરત જ 1947માં કર્યું હતું અને અમર ચિત્રકથા સિરીઝ હેઠળ તેમના વિશેનું એક કૉમિક પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું, પરંતુ આસામ બહારના લોકો આજે પણ લચિત બુરફુકાન વિશે બહુ ઓછું જાણે છે.

અહોમ વંશ અને મોગલ આક્રમણ

ઇમેજ સ્રોત, ANI
નિર્મલકુમાર બાસુએ 1970માં પ્રકાશિત તેમના પુસ્તક ‘અસમ ઇન અહોમ ઍજ’માં જણાવ્યું છે કે આસામમાં તેરમી સદીમાં અહોમ વંશનું સામ્રાજ્ય સ્થપાયું હતું. મહાન તાઈ વંશની શાન શાખાના અહોમ યોદ્ધાઓએ સુખપાના નેતૃત્વ હેઠળ સ્થાનિક નાગા લોકોને પરાજિત કરીને વર્તમાન આસામ કબજે કર્યું હતું અને એ પછીનાં 600 વર્ષ સુધી તેમનું આસામ પર આધિપત્ય રહ્યું હતું.
એ વિસ્તારનું વર્તમાન નામ ‘આસામ’ પણ આ અહોમ વંશના નામ પર આધારિત છે. અહોમ વંશનો આરંભિક ધર્મ બાંગફી તાઈ ધર્મ, બૌદ્ધ ધર્મ અને સ્થાનિક ધર્મનું મિશ્ર સ્વરૂપ હતો. કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયની તપનકુમાર ગોગોઈના દિગ્દર્શન હેઠળની 2010ની દસ્તાવેજી ફિલ્મ ‘હિઝ ઍજેસ્ટી ધ અહોમ્સ’માં જણાવ્યા અનુસાર, અઢારમી સદીમાં ત્યાં સંપૂર્ણપણે હિંદુ ધર્મની સ્થાપના થઈ હતી.
નિર્મલકુમાર બાસુના જણાવ્યા અનુસાર, એ પ્રદેશમાં સોળમી સદીથી વૈષ્ણવ સંપ્રદાયનો પ્રભાવ વધવા લાગ્યો હતો. અહોમ રાજા અન્ય ધર્મો પ્રતિ બહુ સહિષ્ણુ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સતરમી સદીના આરંભ સુધી આસામ અહોમ શાસકો હેઠળનું સંપૂર્ણપણે સ્વતંત્ર રાજ્ય હતું અને તેની સીમા પશ્ચિમમાં મનહા નદીથી પૂર્વમાં સાદિયાની પહાડી સુધીના લગભગ 600 માઇલ વિસ્તારમાં ફેલાયેલી હતી. તેની સરેરાશ પહોળાઈ પચાસથી સાઠ માઈલ હતી. સાદિયા પહાડીમાંથી તિબેટ જવાના અનેક રસ્તા હતા, જ્યારે મનહા નદીના પૂર્વીય તટ સુધી મોગલ સામ્રાજ્ય ફેલાયેલું હતું.
એ દિવસોમાં રાજ્યની રાજધાની પૂર્વ વિસ્તારમાં આવેલું ગરગાંવ હતી અને ગૌહાટીમાં લૉઅર આસામના પ્રમુખ બુરફુકનનું વડું મથક હતું. એ વખથ મોગલ સામ્રાજ્યના વિસ્તરણનો હતો અને અહોમ સેનાપતિ મોમાઈ-તામૂલી બરબરુઆ તથા મોગલ સેનાપતિ અલ્લા યારખાન વચ્ચે 1639માં થયેલી સંધિ મુજબ ગૌહાટી સહિતનું પશ્ચિમ આસામ મોગલોના હાથમાં ચાલ્યું ગયું હતું.
જોકે, 1648માં અહોમ સામ્રાજ્યના પ્રમુખ બનેલા રાજા જયધ્વજસિંહે શાહજહાંની બીમારીનો લાભ લઈને મોગલોને મનહા (માનસા) નદીની પેલે પાર ધકેલી દીધા હતા અને ઢાકા નજીકના મોગલ વિસ્તારો કબજે કરીને અનેક મોગલ સૈનિકોને બંદી બનાવ્યા હતા. એ વખતે કૂચ બિહારે પણ પોતાને આઝાદ જાહેર કરી દીધું હતું.

મીર જુમલાનું અભિયાન

ઇમેજ સ્રોત, PENGUIN INDIA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિલ્હીની સત્તા કબજે કર્યા બાદ ઔરંગઝેબે પૂર્વ ભારત પર ફરીથી મોગલ સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે મીર જુમલાને મોકલ્યા હતા. કૂચ બિહાર પર વિજય મેળવ્યા બાદ મીર જુમલા 1662માં આસામ પહોંચ્યા હતા અને મનહા નદીથી ગૌહાટી વચ્ચેનો પ્રદેશ આસાનીથી જીતીને તેઓ આગળ વધ્યા હતા.
ઇતિહાસકાર ભૂઈયાંના જણાવ્યા મુજબ, એક કાયસ્થની નિમણૂંક લૉઅર આસામના શાસક તરીકે કરવાના રાજાના નિર્ણયથી સામંત વર્ગ નારાજ હતો અને તેમણે મીર જુમલા સામેની લડાઈમાં ખાસ ઉત્સાહ દાખવ્યો નહોતો. પરિણામે મીર જુમલા લગભગ વિરોધ વગર જ વિજય મેળવીને આગળ વધતા રહ્યા હતા.
અલબત, મોગલ સૈન્ય કાલિયાબાર સુધી પહોંચ્યું એ પછી અહોમ સૈનિકો ચેતી ગયા હતા, પરંતુ મીર જુમલાના સેનાપતિ દિલેરખાન દાઉદઝઈએ 1662ની 26 જુલાઈએ સિમલુગઢનો કિલ્લો જીતી લીધો હતો. રાજા જયધ્વજસિંહ પહાડીઓમાં નાસી છૂટ્યા હતા અને 1662ની 17 માર્ચે મીર જુમલાએ રાજધાની ગરગાંવ કબજે કરી હતી.
એમ છતાં આસામની જનતાએ પ્રતિકાર ચાલુ રાખ્યો હતો અને જયધ્વજસિંહના નેતૃત્વ હેઠળના સંઘર્ષમાં મીર જુમલાને પણ સમજાઈ ગયું હતું કે ત્યાં ટકી રહેવામાં કોઈ શાણપણ નથી. આખરે જાન્યુઆરી, 1663માં ઘિલાઝારી ઘાટમાં એક સંધિ થઈ હતી, જેમાં અહોમ રાજાએ પશ્ચિમ આસામ મોગલોને હવાલે કર્યું હતું અને યુદ્ધના નુકસાન સ્વરૂપે ત્રણ લાખ રૂપિયા અને 90 હાથીઓ ઉપરાંત વાર્ષિક ભેટ પેટે 20 હાથી આપવાનું વચન આપ્યું હતું.
એ ઉપરાંત તેમણે તેમની એકમાત્ર દીકરી તથા ભત્રીજીને મોગલ હરમમાં મોકલી આપી હતી. એ પછી ફેબ્રુઆરી, 1663માં મીર જુમલા 12,000 આસામી બંધકો સાથે લોઅર આસામનો અંકુશ રાશિદ ખાનને સોંપીને પાછા ફર્યા હતા.

લચિત બરફુકને પલટ્યું પાસું

ઇમેજ સ્રોત, ASSAM GOVT
સંધિ પછી પણ રાજા સંધિની શરતોનું પાલન ઉપરછલ્લી રીતે કરતા હતા, પરંતુ અંદરખાને પોતાના રાજ્યને મોગલોના અંકુશમાંથી મુક્ત કરાવવાના પ્રયાસ પણ કરતા હતા. પોતાના સૈન્યને મજબૂત કરવા ઉપરાંત એમણે પાડોશી રાજ્યોને સહકારની અપીલ પણ કરી હતી, પરંતુ નવેમ્બર, 1663માં રાજા જયધ્વજસિંહનું મૃત્યુ થતાં તેમના પિતરાઈ ભાઈ ચક્રધ્વજ સિંહ નવા શાસક બન્યા હતા.
નવા રાજાએ પદભાર સંભાળતાં જ મોગલ સૈન્ય સામે લડાઈનો ઈરાદો જાહેર કર્યો હતો, પરંતુ પ્રધાનો તથા દરબારીઓની સલાહ અનુસાર, બે વર્ષ સુધી તમામ પ્રકારની તૈયારી કરી હતી. એ તૈયારીમાં યુદ્ધકાળ દરમિયાન પૂરતા અનાજની વ્યવસ્થા, સૈન્યની પુનર્રચના અને નૌકાદળને મજબૂત બનાવવાનો સમાવેશ થતો હતો.
સૌથી મોટો સવાલ અહોમ સેના માટે સેનાપતિની પસંદગીનો હતો. સપ્તાહો સુધી ચાલેલી સલાહ-મસલત પછી તે જવાબદારી લચિત બરફુકનને સોંપવામાં આવી હતી.
લચિત બરફુકન ભુતપૂર્વ સેનાપતિ મોમાઈ-તામૂલી બરબરુઆના સૌથી નાના પુત્ર હતા, જેઓ જહાંગીર અને શાહજહાંના સમયમાં મોગલ સૈન્ય સામે યુદ્ધ લડ્યા હતા.
લચિતનાં બહેન પાખરી ગભારુનાં લગ્ન રાજા જયધ્વજસિંહ સાથે થયાં હતાં અને તેમની પુત્રી રમાની ગભારુનાં લગ્ન ઘિલાઝારી ઘાટ સંધિ અનુસાર, ઔરંગઝેબના ત્રીજા દીકરા સુલતાન આઝમ સાથે થયાં હતાં.
લચિતનું સૈન્ય તથા અન્ય શિક્ષણ એક વરિષ્ઠ સામંતની જેમ જ થયું હતું. અહોમ સૈન્યના સર્વોચ્ચ પદ પર પહોંચતા સુધીમાં તેઓ ઘોડેસવાર દળના વડા, દુલિયા બરુઆ, કરવસૂલાત વિભાગના વડા અને પોલીસ વિભાગના વડા તરીકે કામ કરી ચૂક્યા હતા.

યુદ્ધનો આરંભ અને રાજા રામસિંહ સામે ટક્કર

ઇમેજ સ્રોત, Getty Images
મોગલો પાસેથી પોતાની જમીન પાછી મેળવવા માટે અહોમ સૈન્યએ 1667ની 20 ઑગસ્ટે પ્રસ્થાન કર્યું હતું. લાંબા યુદ્ધ પછી 1667ની બીજી નવેમ્બરે તેમણે ઇટાખુલીનો મહત્ત્વનો કિલ્લો તથા ગૌહાટી પર નિયંત્રણ મેળવ્યું હતું. શત્રુને મનહા નદીની પાર ધકેલી દેવામાં આવ્યા હતા તથા મીર જુમલાએ બંદી બનાવેલા અહોમ સૈનિકોને છોડાવવા માટે અનેક મોગલ સરદારોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
જીતેલા વિસ્તારોની સલામતીની વ્યવસ્થા નવેસરથી કરવામાં આવી હતી, જેથી ભવિષ્યના સંભાવિત આક્રમણનો સામનો કરી શકાય.
બીજી તરફ ઔરંગઝેબ શાંત રહેવાના ન હતા. તેમણે આસામ ફરીથી કબજે કરવા માટે રાજા જયસિંહના દીકરા રાજા રામસિંહને મોકલ્યા હતા.
ઇતિહાસકાર ભૂઈયાઈંસે તેને તેમની યોગ્યતાનું સન્માન ગણાવે છે, પરંતુ શિવાજી અને ગુરુ તેગબહાદુર બન્ને રામસિંહને થાપ આપીને નાસી છૂટવામાં સફળ થયા હોવાથી મોગલો રામસિંહથી નારાજ હતા.
કહેવાય છે કે આ ઘટનાઓ પછી રામસિંહની પદવી તથા દરબારમાં સામેલ થવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો. તેથી જયસિંહને એટલો આઘાત લાગ્યો હતો કે તેઓ મૃત્યુ પામ્યા હતા. જયસિંહના મૃત્યુ પછી રામસિંહને પદવી તથા અધિકાર તો પાછાં મળ્યાં પરંતુ મનમાં ખટકો રહી ગયો હતો.
મીર જુમલાના મૃત્યુ પછી રામસિંહને બાદશાહ સૌથી કાબેલ વ્યક્તિ ગણતા હતા. તેથી તેમને 1668ની છઠ્ઠી જાન્યુઆરીએ આસામ આક્રમણના સેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નૌકાદળનું નેતૃત્વ ઇસ્માઈલ સિદ્દીકીને સોંપવામાં આવ્યું હતું.
રાજા રામસિંહના સૈન્યમાં 21 રાજપૂત સામંત, 30,000નું પાયદળ, 18,000 તુર્કી ઘોડેસવાર અને 15,000 તીરંદાજ સામેલ હતા. તેમાં ઢાકાથી વધુ 2,000 સૈનિકો સામેલ થયા હતા. પટનાથી ગુરુ તેગબહાદુરસિંહ અને પાંચ મુસ્લિમ પીરને કામરુપમાં કોઈ સંભવિત કાળા જાદુના મુકાબલા માટે સાથે લેવામાં આવ્યા હતા.
અહોમ સૈન્ય જાણતું હતું કે રાજા રામસિંહ સામે ટક્કર લેવાનું આસાન નથી. આ એ સમય હતો, જ્યારે શિવાજીએ ગેરીલા ટેકનિક અપનાવીને લડાઈમાં બહુ સફળતા મેળવી હતી. ચક્રધ્વજસિંહ તેનાથી પરિચિત હતા અને તેના પ્રશંસક પણ હતા. લચિત બરફુકને તે ટેકનિકના ઉપયોગનો નિર્ણય કર્યો હતો. કિલ્લેબંધીના તેઓ કેટલા આગ્રહી હતા તે એ વાત પરથી સમજી શકાય કે એક કિલ્લાનું નિર્માણ સમયસર ન થયું ત્યારે તે કામની જવાબદારી જેમને સોંપવામાં આવી હતી (જેઓ તેમના સગા કાકા હતા) એમને તેમણે મોતની સજા ફરમાવતા કહ્યું હતું કે “મારા કાકા મારા દેશથી મોટા નથી.”
અહોમ સૈન્યનો ઐતિહાસિક વિજય

ઇમેજ સ્રોત, ANI
ફેબ્રુઆરી, 1969માં પોતાના વિશાળ સૈન્ય સાથે રાજા રામસિંહ રાંગામાટી ખાતેની સીમાચોકી સુધી પહોંચી ગયા હતા. તેમનો સીધો મુકાબલો કરવાને બદલે લચિત બરફુકને ગેરીલા યુદ્ધની નીતિ અપનાવી હતી. રાજા રામસિંહને તેજાપુર પાસેની બે લડાઈમાં વિજય મળ્યો હતો, પરંતુ નૌકાદળ સાથેના યુદ્ધમાં અહોમ તેમને ભારે પડ્યું હતું.
સુઆલકુચી પાસે થયેલા યુદ્ધમાં પણ અહોમ સેનાનો જળ તથા સ્થળ એમ બન્ને સ્થળે વિજય થયો હતો. છાપામાર યુદ્ધ હેઠળ બરફુકનના સૈનિકો અડધી રાતે કિલ્લામાંથી નીકળીને શત્રુ સૈન્ય પર છુપાઈને હુમલો કરતા હતા અને તેમને મોટું નુકસાન કરતા હતા.
રાજા રામસિંહે તેનો વિરોધ કરતાં બરફુકનને એક પત્ર લખ્યો હતો અને તેમાં હુમલાની આ પદ્ધતિને ચોર-ડાકુ જેવી હરકત ગણાવી હતી તેમજ આવા યુદ્ધમાં ભાગ લેવાનું પોતાની શાનને અનુરૂપ ન હોવાનું જણાવ્યું હતું. તેના જવાબમાં પરફુકનના બ્રાહ્મણ દૂતોએ જણાવ્યું હતું કે અહોમ સેના માત્ર રાતે જ યુદ્ધ કરી શકે છે, કારણ કે તેના સૈન્યમાં એક લાખ રાક્ષસ છે.
આ વાત સાબિત કરવા માટે બીજી રાતે સૈનિકોને રાક્ષસોના વેશમાં મોકલવામાં આવ્યા હતા અને આખરે રાજા રામસિંહે સ્વીકાર્યું હતું કે તેમણે રાક્ષસોનો મુકાબલો કરવાનો છે.
રામસિંહે અહોમ સેનાને સીધા યુદ્ધનો પડકાર ફેંક્યો હતો, પરંતુ લચિત બરફુકને પોતાની નીતિ બદલી ન હતી. સેસા પાસે અચાનક હુમલો કરીને અહોમ સેનાએ મોગલોને મોટું નુકસાન કર્યું ત્યારે રામસિંહે વળતા હુમલામાં ભયાનક વિનાશ વેર્યો હતો.
એ પછી બન્ને પક્ષો વચ્ચે શાંતિ મંત્રણા શરૂ થઈ હતી અને લડાઈ થોડા દિવસ મોકૂફ રહી હતી. એ દરમિયાન ચક્રધ્વજસિંહનું મૃત્યુ થયું હતું અને તેમના ભાઈ માજૂ ગોહેન ઉદયાદિત્યના નામે સિંહાસન પર બેઠા હતા. તેમણે તેમના દિવંગત ભાઈનાં પત્ની સાથે લગ્ન પણ કર્યાં હતાં. ઉદયાદિત્યએ શાંતિમંત્રણા બંધ કરીને ફરી યુદ્ધના પ્રારંભનો નિર્ણય કર્યો હતો.
અનેક ઉતાર-ચડાવ અને અલાબોઈના મેદાની યુદ્ધમાં 10,000 સૈનિકો ગુમાવ્યા પછી સરાયઘાટના નિર્ણાયક યુદ્ધમાં અહોમ સૈન્યનો વિજય થયો હતો અને રામસિંહે માર્ચ, 1671માં રાંગામાટી પાછું ફરવું પડ્યું હતું.
આ યુદ્ધમાં પ્રારંભે મોગલ સૈન્યને સફળતા મળી અને અહોમ સૈન્ય પીછેહઠ કરવા લાગ્યું ત્યારે બીમાર લચિત બરફુકન પોતે એક નાની હોડીમાં બેસીને યુદ્ધમાં ઊતર્યા હતા. તેમનો લલકાર સાંભળીને અહોમ સૈનિકોમાં જોમ આવ્યું હતું અને તેમણે જોરદાર હિંમત સાથે લડીને રાજા રામસિંહને પારોઠનાં પગલાં ભરવાં મજબૂર કર્યા હતા.
અહોમ સૈન્ય તથા લચિત બરફુકનને વખાણતાં રાજા રામસિંહે કહ્યું હતું કે “એક જ સેનાપતિ આખા સૈન્યનું નિયંત્રણ કરે છે. દરેક આસામી સૈનિક હોડી ચલાવવામાં, તીરંદાજીમાં, ખાઈ ખોદવામાં અને બંદુક તથા તોપ ચલાવવામાં ઉસ્તાદ છે. મેં ભારતના એકેય હિસ્સામાં આવું બધું જાણતું હોય તેવું સૈન્ય જોયું નથી. હું યુદ્ધમાં સામેલ હતો તેમ છતાં તેમની એકેય નબળાઈને પારખી શક્યો ન હતો.”
જોકે, મોગલ સૈન્યએ પ્રયાસો કરવાનું ચાલુ જ રાખ્યું હતું, પરંતુ 1681માં અહોમ સૈન્યએ નિર્ણાયક વિજય મેળવ્યો હતો અને મોગલ સામ્રાજ્યના પતનના દૌરમાં નિર્બળ શાસકોએ આસામને ફરી કબજે કરવાના કોઈ પ્રયાસ કર્યા ન હતા.
ઓગણીસમી સદી આવતાં સુધીમાં નબળું થઈ ગયેલું અહોમ સામ્રાજ્ય બ્રિટિશ શાસકો સામે ઘૂંટણિયે પડ્યું હતું અને 600 વર્ષના સ્વતંત્ર શાસન બાદ તે બ્રિટિશ સામ્રાજ્યવાદનું ગુલામ થઈ ગયું હતું.














