યુનાઇટેડ નેશન્સ પર ગંભીર આરોપો : "અહીં રોજ જાતીય સતામણી અને ઉત્પીડન થાય છે"

- લેેખક, બીબીસી ન્યૂઝ
- પદ, .
બીબીસીની નવી ડૉક્યુમૅન્ટરી સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ)માં ભ્રષ્ટાચાર, મૅનેજરોના આંખ આડા કાન અને જાતીય સતામણીના આરોપો પર પ્રકાશ પાડે છે.
ગેરકાયદેસર વર્તન સામે બોલવાનો પ્રયાસ કરનારાં યુએન કર્મચારીઓએ બીબીસીને જણાવ્યું કે તેઓ બોલ્યાં પછી ઊલટું તેમને સીધાદોર કરી દેવાયાં અને કેટલાકને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં.
પૂર્ણા સેનને 2018માં ઉત્પીડન, બળાત્કાર અને ભેદભાવના મુદ્દાઓ માટે પ્રવક્તા તરીકે નિયુક્તિ કરવામાં આવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે સંસ્થામાં એવી મહિલાઓ હતી કે "જેમને લાલચ અપાઈ હતી, જેમની સાથે દુર્વ્યવહાર થયો હતો અને જેમની ઉપર બળાત્કાર આચરાયો હતો."
"જ્યાં સુધી આવી ઘટનાઓમાં પુરુષો છૂટી જતા રહેશે, ત્યાં સુધી આવું જ થતું રહેશે" એમ તેમણે કહ્યું હતું.
પૂર્ણા સેને માગ કરી હતી કે યુનાઇટેડ નેશન્સ દ્વારા સ્ટાફના અનુભવોના વિશ્લેષણ માટે અને નક્કર પગલાંની ભલામણ માટે બહારથી સમિતિ બેસાડવામાં આવે.
યુએન કહે છે કે તે "સાચા વ્હિસલબ્લૉઅર"ને રક્ષણ પુરું પાડવા અને તેમાં સંડોવાયેલા સ્ટાફ સામે કાર્યવાહી માટે પ્રતિબદ્ધ છે. યુએને એમ કહ્યું હતું કે તે "કોઈ પણ પ્રકારના ગુનાઓ સામે લડવા" તમામ બાહ્ય સમીક્ષા માટે તૈયાર છે.

'મને બળજબરીથી કિસ કરી અને લિફ્ટમાં ખેંચી'

યુએનએઇડ્સના ભૂતપૂર્વ વરિષ્ઠ સલાહકાર માર્ટિના બ્રોસ્ટ્રોમે બીબીસીની ડૉક્યુમેન્ટ્રી 'ધ વ્હિસલબ્લૉઅર્સ: ઇનસાઇડ ધ યુએન'ને કહ્યું હતું કે યુએનમાં તેઓ કામગીરી દરમિયાન જાતીય સતામણીનો ભોગ બન્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "યુએન હેડક્વાર્ટરમાં જાતીય સતામણી, શોષણ અને ઉત્પીડન થાય છે, તે સોમથી શુક્ર દરરોજ થાય છે, કામકાજના કલાકો દરમિયાન થાય છે, આખા યુએનમાં થાય છે."
માર્ટિનાએ જણાવ્યું હતું કે તેમની સતામણી યુએનએઇડ્સના ડેપ્યુટી ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સેક્રેટરી-જનરલના સહાયક લુઇઝ લૌરેસ દ્વારા કરવામાં આવી હતી, આ સતામણીને માર્ટિનાએ "સ્લીઝી" કહી હતી અને તેમને અયોગ્ય વર્તન માટે કુખ્યાત ગણાવ્યા હતા.
માર્ટિનાએ કહ્યું હતું કે 2015માં બેંગકોકમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓ મિટિંગમાંથી બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે તેમણે બળપૂર્વક કિસ કરી અને લિફ્ટમાં ખેંચીને મને તેમના રૂમમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
માર્ટિનાએ કહ્યું, "મેં તેને રોકાવા માટે આજીજી કરી અને મને છોડી દેવા કહ્યું. અંદર રહેવા માટે મેં લિફ્ટના દરવાજા સાથે મારી જાતને ચોંટાડી રાખવી પડી હતી કારણ કે હું તે લાંબા કોરિડોરથી ડરતી હતી."
તેમણે કહ્યું. "મારું મન દેખીતી રીતે ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આપી રહ્યું હતું અને આગળ શું થશે તે વિચારીને ડરતું હતું."
માર્ટિનાએ ઔપચારિક ફરિયાદ નોંધાવી અને યુએનના તપાસકર્તાઓ સાથે વાત કરી. માર્ટિનાએ જણાવ્યું હતું કે "UNAIDSએ મારી સામે ખરાબ રીતે અને બદલાની ભાવનાથી કામ કર્યું".
"કાર્યવાહીથી ભારે દુખ થયું, એવું લાગ્યું કે ફરીથી બળાત્કાર થઈ રહ્યો છે. મને શ્વાસ લેવાની પણ ફુરસદ આપવામાં આવતી ન હતી."
આની સામે, 2018માં લુઇઝ લૌરેસ "તેમની 22 વર્ષની સમર્પિત સેવા આપવા" બદલ આભાર સાથે યુએનમાંથી નિવૃત્ત થયા હતા. બીબીસી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા, તેણે જવાબ આપ્યો: "મેં ક્યારેય કોઈની સતામણી કે ઉત્પીડન કર્યું નથી કે બળાત્કાર કર્યો નથી. આરોપો પાયાવિહોણા છે."
આ સંદર્ભમાં, યુએનએ જાહેર કર્યું કે "ડૉ. લૌરેસ સામેના સતામણીના આરોપોની તપાસ કરવામાં આવી હતી," અને હાલ પુરતા તેઓ "આ આરોપોની સત્યતા પર ટિપ્પણી કરી શકે તેવી સ્થિતિમાં નથી."
ઑગસ્ટ 2021માં, માર્ટિનાને યુએન તરફથી એક પત્ર મળ્યો જેમાં યુએને (UN) સ્વીકાર્યું કે "લાંબા સમય સુધી તેમની જાતીય સતામણી કરવામાં આવી હતી" પરંતુ, 2015માં જાતીય સતામણીના તેમનાં આરોપ "તેમની સાથે સતત આઘાતજનક ઘટનાઓ ઘટી હતી" સામે એવો નિષ્કર્ષ એવો નીકળે છે કે તપાસનાં તારણો "સાબિતિ માપદંડો અનુસાર પૂર્ણ નથી."

સંક્ષિપ્તમાં: યુનાઇટેડ નેશન્સ ઉપર ગંભીર આક્ષેપો: "અહીં રોજ જાતીય સતામણી અને ઉત્પીડન થાય છે"

- બીબીસીની નવી ડૉક્યુમૅન્ટરી 'ધ વ્હીસલબ્લોઅર્સ: ઇનસાઇડ ધ યુએન' સંયુક્ત રાષ્ટ્રમાં જાતીય સતામણીના આરોપો પર પ્રકાશ પાડે છે.
- અવાજ ઉઠાવનારા યુએન કર્મચારીઓએ જણાવ્યું કે તેઓ બોલ્યા પછી ઊલટું તેમને સીધાદોર કરી દેવાયા અને કેટલાકને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા.
- યુએનમાં ઉત્પીડન, બળાત્કાર અને ભેદભાવના મુદ્દાઓ માટે પ્રવક્તા રહી ચૂકેલા પૂર્ણા સેને જણાવ્યું હતું કે સંસ્થામાં એવી મહિલાઓ હતી કે "જેમની ઉપર બળાત્કાર આચરાયો હતો."
- માર્ટિનાએ કહ્યું હતું કે 2015માં બેંગકોકમાં એક કાર્યક્રમ દરમિયાન મીટિંગમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે બળપૂર્વક ચુંબન કર્યું અને લિફ્ટમાં ખેંચીને તેમણે મને તેના રૂમમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
- યુનાઈટેડ નેશન્સ એક સુરક્ષિત કાનૂની દરજ્જો ધરાવતી સંસ્થા છે અને તેના ઉચ્ચ અધિકારીઓ તમામ રાષ્ટ્રીય કાયદાઓ તરફથી રાજદ્વારી સંરક્ષણ ભોગવે છે.
- બીબીસીને એક ગુપ્ત રેકોર્ડિંગ મળ્યું છે જે સૂચવે છે કે સૌથી ગંભીર આરોપો સામે કાર્યવાહી કરતી યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઑફ ઇન્ટરનલ ઓવરસાઇટ સર્વિસિસ (OIOS) હંમેશાં અસરકારક નથી.
- ગુપ્ત રેકોર્ડિંગમાં, અધિકારી કહે છે કે યુએનના ઉચ્ચ-ક્રમના મહિલા અધિકારીએ આંખમાં આંસુ સાથે તેમને કરી હતી કે કેવી રીતે સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના એક સહાયકે તેમના પૅન્ટની અંદર હાથ નાખ્યો હતો.
- એક વ્યક્તિ કહે છે, "મેં ન્યુયોર્કમાં યુએન હેડક્વાર્ટરમાં તપાસકર્તા તરીકે ચાર વર્ષ ગાળ્યા હતા. તે અનુભવના આધારે હું માનું છું કે સંસ્થા પગથી માથા સુધી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે."


રાજદ્વારી સંરક્ષણ યાને કે ડિપ્લૉમેટિક ઇમ્યુનિટીનો પેચ

ઇમેજ સ્રોત, Getty Images
યુનાઇટેડ નેશન્સ એક સુરક્ષિત કાનૂની દરજ્જો ધરાવતી સંસ્થા છે અને તેના ઉચ્ચ અધિકારીઓ તમામ રાષ્ટ્રીય કાયદાઓ તરફથી રાજદ્વારી સંરક્ષણ ભોગવે છે.
આ સંરક્ષણ સંસ્થાને તેની ફરજો બજાવવામાં દખલગીરી ઊભી ન થાય તે માટે આપવામાં આવ્યું છે. જોકે યુએન નોંધે છે કે આ પ્રકારનો દરજ્જો તેના કર્મચારીઓનાં અંગત લાભ માટે આપવામાં આવતો નથી, તેથી તે કાનૂન જાતીય સતામણી જેવો ગુના આચરનારાઓ રક્ષણ આપતો નથી.
યુએન અનુસાર, સ્ટાફની તમામ ફરિયાદોનું આંતરિક વિશ્લેષણ કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઑફ ઇન્ટરનલ ઓવરસાઇટ સર્વિસિસ (OIOS) સૌથી ગંભીર આરોપો સામે કાર્યવાહી કરે છે, જેમાં ફોજદારી ફરિયાદોનો સમાવેશ થાય છે, પરંતુ તેની પાસે કાનૂની સત્તા નથી.
બીબીસીને એક ગુપ્ત રૅકોર્ડિંગ મળ્યું છે જે સૂચવે છે કે ઓઆઈઓએસ હંમેશા અસરકારક નથી.
ગુપ્ત રૅકોર્ડિંગમાં, તપાસ વિભાગના ડાયરેક્ટર બેન સ્વાનસન સ્ટાફ મિટિંગને સંબોધી રહ્યાં છે. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે યુએનના ઉચ્ચ-ક્રમના અધિકારી આંખમાં આંસુ સાથે તેમને મળ્યાં હતાં અને ફરિયાદ કરી હતી કે કેવી રીતે સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના એક સહાયકે તેમનાં પૅન્ટની અંદર હાથ નાખ્યો હતો.
રૅકોર્ડિંગમાં સ્વાનસન કહે છે કે તેમણે સેક્રેટરી જનરલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને જાતીય સતામણીના આરોપની વિગતો આપી, પરંતુ તેઓએ તેમની બોલતી બંધ કરી દીધી. તેઓ રૅકોર્ડિંગમાં એમ કહી રહ્યાં છે કે "મેં આ વાત કહેવાનો પ્રયાસ કર્યો અને... તેઓએ મને ચૂપ કરી દીધો."
તેમણે ઉમેર્યું હતું કે, તે મહિલાની કથિત જાતીય સતામણીની ફરિયાદને ન લેવાઈ અને કહેવામાં આવ્યું હતું કે ફરિયાદ નોંધાવવાથી કોઈ ફાયદો નહીં થાય કારણ કે જેમની સામે ફરિયાદ કરી રહ્યાં છો તે વ્યક્તિ "ફૅવરિટ"ની યાદીમાં આવે છે.
આ ઑડિયો રૅકોર્ડિંગ જેમણે શૅર કર્યું હતું અને માહિતી આપી હતી તે પીટર ગેલો ડૉક્યુમૅન્ટરીમાં ખાતરીપૂર્વક કહે છે કે, "મેં ન્યુયોર્કમાં યુએન હેડક્વાર્ટરમાં તપાસકર્તા તરીકે ચાર વર્ષ ગાળ્યા હતા. તે અનુભવના આધારે હું માનું છું કે સંસ્થા પગથી માથા સુધી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે."
તેમની જુબાની સાંભળ્યા પછી, પૂર્ણા સેને આશ્ચર્ય વ્યક્ત કર્યું, "સેક્રેટરી-જનરલે એમ કહેવુ જોઈએ કે 'આ અસ્વીકાર્ય છે, આપણે આ શું કરવા જઈ રહ્યાં છીએ?' તેના બદલે આપણે સાંભળીએ છીએ 'ના, આપણે તેને અડવાનું નથી.'
પૂર્ણા સેનનાં મતે, યુએન માનવાધિકાર માટે સંરક્ષક અને હિમાયતી હોવા છતાં "તેઓ હજુ સુધી સંસ્થા માટે કામ કરનારાં લોકોને આ માનવઅધિકારોઓ મામલે પ્રોત્સાહન આપવાનું શીખી નથી."
યુએન સેક્રેટરી-જનરલનું કાર્યાલય કહે છે કે તે "અમે કોઈ પણ કર્મચારી, ઊંચી પાયરીના હોય કે નીચી પાયરીના, જે જાતીય સતામણી કરે છે તેને સજા માટે પ્રતિબદ્ધ છીએ."

શૂન્ય સહિષ્ણુતા

જોકે પૂર્ણા સેને બીબીસીને જણાવ્યું હતું કે તેમને આ "ભારે વિચલિત કરનારી" જુબાનીઓની નવાઈ લાગતી નથી. તેમણે કહ્યું કે માર્ટિના બ્રોસ્ટ્રોમનો કેસ યુએનમાં વ્યાપેલા સડાનું લક્ષણ છે.
ડૉક્યુમૅન્ટરીમાં, તેમણે જણાવ્યું કે યુએન સ્ટાફનાં ત્રીજા ભાગ લોકોનું કહેવું છે કે તેઓને કામ પર જાતીય સતામણીનો અનુભવ થયો છે, પરંતુ તેમના કેસ મોટેભાગે નોંધાયા નથી.
તેમણે કહ્યું, "અમે જે કિસ્સાઓ વિશે જાણીએ છીએ તે હિમશીલાની બહાર દેખાતી ટોચ માત્ર છે. લોકોને લાગે છે કે જો તેઓ ફરિયાદ કરશે તો તેના ખરાબ પરિણામો આવશે કે તેમની સામે બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવશે."
"જો મારી સાથે જાતીય સતામણી અથવા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોત, તો મેં કદાચ તેની જાણ ન કરી હોત. હું તે પ્રક્રિયાના સંપર્કમાં આવી શકત નહીં."

ઇમેજ સ્રોત, Reuters
એક નિવેદનમાં, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના કાર્યાલયે જાહેર કર્યું કે "જેમાંથી કોઈ સંસ્થા બાકાત નથી તેવી જાતીય સતામણીની સમસ્યાનો સામનો કરવા માટે નોંધપાત્ર સુધારાઓ કરવામાં આવ્યા છે."
તેમણે જણાવ્યું હતું કે સુધારાના પગલાંઓમાં આરોપોની તપાસ માટે મહિલા તપાસકર્તાઓની ભરતી, ગેરવર્તણૂકની જાણ કરવા માટે સ્ટાફ માટે હોટલાઇન અને ઉચ્ચ પદાધિકારીઓ માટે વધુ સારી તાલીમનો સમાવેશ થાય છે.
જોકે, બીબીસી સાથેની વાતચીતમાં, પુર્ણા સેન કહે છે કે ડૉક્યુમૅન્ટરીમાં જે પુરાવાઓ દેખાય છે તે દર્શાવે છે કે યુએનએ કાર્ય સ્થળે જાતીય સતામણી મામલે તેની ઝીરો ટૉલરન્સની નીતિનું વચન નિભાવ્યું નથી, તેણે હજુ ઘણી "લાંબી મજલ કાપવાની છે".
તેમણે કહ્યું, "ભ્રષ્ટાચાર હોય, છેતરપિંડી હોય કે જાતીય સતામણી હોય, [યુએન સ્ટાફ] માને છે કે તેઓ રિપોર્ટ પણ કરી શકતા નથી, તેમની ફરિયાદો આવે એવી તરત જ કાઢી નાખવામાં આવે છે. તેમને કોઈ કાર્યવાહીના વિકલ્પો પણ આપવામાં આવતા નથી. અપીલ કરવાની કોઈ તક પણ આપવામાં આવતી નથી."
"તે સાચું છે કે યુએનએ ભૂતકાળની તેની કેટલીક મોટી ભૂલોને સંબોધી છે, પરંતુ સંસ્થા પર્યાપ્ત રીતે આગળ વધી નથી. મેં ભારે ચિંતા કરાવે એવી બાબતો જોઈ છે. જેને માત્ર શાબ્દિક રીતે જ નહીં, એક તાકીદની બાબત તરીકે જોવાની જરૂર છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













