ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ચીને અરુણાચલ પાસે સૈન્ય કેમ ખડકી દીધું હતું?

ભારત-ચીન સીમા વિવાદ

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, રાઘવેંદ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી

સારાંશ

  • તાજેતરમાં ભારત-ચીન વચ્ચે ફરી એકવાર સીમા વિવાદને લઈને વિવાદ વકર્યો છે
  • અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણની વાત સંરક્ષણમંત્રીએ લોકસભામાં માની હતી
  • ત્યારે વાત એ સમયની જ્યારે પાકિસ્તાન સાથેના ઘર્ષણ સમયે ‘ચીની સૈનિકોએ ભારતની મુશ્કેલી વધારી હતી’
બીબીસી ગુજરાતી

નવ ડિસેમ્બરે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલ ઘર્ષણ અને ઝપાઝપીના કારણે અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાનો યાંગ્ત્સે વિસ્તાર ફરી એક વાર સમાચારમાં છે.

આ એ જ યાંગ્ત્સે છે જ્યાં ઑક્ટોબર 2021માં બંને દેશોના ડઝનો સૈનિક સામસામે આવી ગયા હતા અને એક તણાવપૂર્ણ સ્થિતિ બની ગઈ હતી. આ તણાવ અમુક કલાક સુધી જ ચાલ્યો હતો જેમાં બંને પક્ષ એકબીજાને પીછેહઠ કરવાનું કહેતા રહ્યા. આખરે મામલાનું સ્થાનિક સૈન્ય કમાન્ડરોના સ્તરે નિરાકરણ કરી લેવાયું.

મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે યાંગ્ત્સે એક એવો વિસ્તાર છે જ્યાં ભારત અને ચીન અત્યાર સુધી કે પાછલાં અમુક વર્ષોથી નહીં પરંતુ વર્ષ 1999થી એકબીજા સાથે અથડાઈ રહ્યાં છે.

વર્ષ 1997થી 2000 સુધી ભારતીય સેનાના અધ્યક્ષ રહેલા જનરલ વી. પી. મલિકનું કહેવું છે કે જે સમયે વર્ષ 1999માં કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું, તે સમયે ચીનના યાંગ્ત્સે પાસે ભારે સંખ્યામાં સૈનિકો જમા થઈ ગયા હતા.

જનરલ મલિક જણાવે છે કે, “કારગિલ યુદ્ધ દરમિયાન જુલાઈ માસમાં ચીન યાંગ્ત્સે પાસે વધુ સૈનિકો લઈ આવ્યું હતું અને બંને દેશોની સેનાઓ સામસામે આવી ગઈ હતી. એ સમયે ઘર્ષણ કે ઝપાઝપી નહોતી થઈ, પરંતુ ચીનના સૈન્યનું જૂથ સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રહ્યું હતું.”

લગભગ ત્રણ મહિના સુધી અમે તેમની સામસામે રહ્યા હતા અને આખરે તેઓ પોતાની જગ્યાએ પાછા ફરી આવ્યા હતા. જનરલ મલિક પ્રમાણે, યાંગ્ત્સે ઘણા સમયથી એક વિવાદિત ક્ષેત્ર રહ્યું છે જે ભારતના નિયંત્રણમાં છે.

બંને દેશો વચ્ચે વર્ષ 2020માં પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં હિંસક ઘર્ષણ થયા બાદ સર્જાયેલ પરિસ્થિતિ હજુ સુધી ખતમ નથી થઈ. આવી પરિસ્થિતિમાં ભારતના પૂર્વોત્તરમાં તાજેતરમાં થયેલ આ ઘર્ષણે એ સ્પષ્ટ કર્યું છે કે બંને દેશો વચ્ચેનો સીમા વિવાદ વિવાદિત લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ પર ઘણી જગ્યાઓએ બરકરાર છે.

જનરલ મલિક જણાવે છે કે 1990ના દાયકામાં બંને દેશો વચ્ચે સીમા વિવાદોના નિરાકરણ માટે જૉઇન્ટ વર્કિંગ ગ્રૂપ બનાવાયું હતું અ એ સમયે ભારત અને ચીને અમુક વિવાદિત ક્ષેત્રોની ઓળખ કરી હતી. તેઓ કહે છે કે, “આ વિવાદિત ક્ષેત્રો પૈકી એક છે અરુણાચલ પ્રદેશમાં હતા અને યાંગ્ત્સે તે પૈકી એક હતું.”

તેઓ કહે છે કે બંને દેશો વચ્ચે ચર્ચા થતી ગઈ, કેટલાક અન્ય વિવાદિત ક્ષેત્રોની ઓળખ પણ કરાઈ. “વર્ષ 2002 બાદ ચીન તરફથી નકશાનું આદાન-પ્રદાન બંધ કરી દીધું અને કહ્યું કે માનચિત્ર પર વાસ્તકવિક નિયંત્રણ રેખાને ચિહ્નિત કરવાનો કોઈ સવાલ નથી.”

ગ્રે લાઇન

‘અરુણાચલમાં વિકાસ પરિયોજનાઓથી ચીનને મુશ્કેલી’

ભારત-ચીન સીમા વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાછલાં અમુક વર્ષોમાં એવી ઘણી તકો આવી જ્યારે સમયાંતરે અરુણાચલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરીની કોશિશોના સમાચાર આવતા રહ્યા.

નિનૉન્ગ એરિંગ હાલ અરુણાચલ પ્રદેશ વિધાનસભામાં ધારાસભ્ય છે. વર્ષ 2019માં ધારાસભ્ય બન્યા એ પહેલાં તેઓ લોકસભા સાંસદ રહ્યા અને ઘણી વાર સંસદમાં અને સંસદની બહાર અરુણાચલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરીના મુદ્દા ઉઠાવતા રહ્યા.

મંગળવારે જ્યારે બીબીસીએ તેમની સાથે વાત કરી તો તેઓ અરુણાચલ પ્રદેશના સીમાડાના વિસ્તારોનો પ્રવાસ કરી રહ્યા હતા.

તેમણે જણાવ્યું, “અરુણાચલ પ્રદેશની ચીન સાથે ક્યારેય કોઈ સીમા નથી રહી. અરુણાચલ પ્રદેશની સીમા તિબેટ સાથે જોડાયેલી છે. હજુ પણ અમે આ વાતને જ માન્યતા આપીએ છીએ. મૅકમોહન લાઇનનું સન્માન થવું જોઈએ. ચીન એવું નથી કરી રહ્યું. જે પ્રકારે ચીન આ વિસ્તારમાં પોતાનો પ્રભાવ જમાવવાની કોશિશ કરતું રહ્યું છે, તે અરુણાચલના લોકો માટે દુ:ખદ બાબત છે.”

એરિંગ પ્રમાણે, ચીનની સતત ઘૂસણખોરીની કોશિશો પાછળ એક મોટું કારણ કદાચ ભારત દ્વારા અરુણાચલ પ્રદેશમાં માળખાગત સુવિધાઓના સુધારા માટે નવી યોજનાઓ શરૂ કરવું પણ છે.

તેઓ કહે છે કે, “અરુણાચલ સાથે જોડાતી સીમાએ ચીન પોતાના વિસ્તારમાં માળખાગત સુવિધાઓ વિકસાવી રહ્યું છે. અમારી તરફ માળખાગત સુવિધાઓનો અભાવ રહ્યો છે. પરંતુ હવે ભારત પણ આ દિશામાં કામ કરી રહ્યું છે, બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશ રસ્તા બનાવી રહ્યા છે, અન્ય પણ ઘણી યોજનાઓ આવી રહી છે.”

“મને લાગે છે આ કારણે ચીનને પરેશાની થઈ રહી છે. ભારતે અરુણાચલમાં વિકાસની યોજનાઓ બરકરાર રાખવી પડશે.”

જનરલ વી. પી. મલિક કહે છે કે ભારતે અરુણાચલ પ્રદેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાનું ત્યારે જ શરૂ કર્યું જ્યારે તેણે એ જોયું કે તે પાછળ પડતું જઈ રહ્યું છે. “એ ચીન જ હતું જેણે પૂર્વ લદ્દાખમાં અચાનક વધુ સૈનિકોને લાવીને એક નવી સ્થિતિ પેદા કરી દીધી હતી. આપણે સંપૂર્ણ સીમા રેખાને જોવાનું રહેશે.”

“આપણે એવું ન વિચારી શકીએ કે તેઓ પૂર્વમાં શાંત છે અને પશ્ચિમમાં આક્રમક છે. જ્યારે તેમણે પોતાની આંતરમાળખાકીય સુવિધામાં સુધારો કરવાનું શરૂ કરી દીધું અને વધારાના સૈન્યબળ લાવ્યા, ત્યારે આપણે પણ વધારાના સૈનિક લાવવા પડ્યા અને પોતાની આંતરમાળખાકીય સુવિધાઓની પ્રવૃત્તિઓમાં સુધારો કરવા માટે મજબૂર થવું પડ્યું.”

ગ્રે લાઇન

યાંગ્ત્સેમાં થયેલ ઘર્ષણને કેવી રીતે જોવો

ભારત-ચીન સીમા વિવાદ

ઇમેજ સ્રોત, TAUSEEF MUSTAFA

2020માં પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ઘર્ષણ બાદ ભારતે પણ લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ પર પોતાની સૈન્ય તાકત વધારી દીધી હતી અને તેની અસર અરુણાચલ પ્રદેશમાં પણ થઈ. મનાઈ રહ્યું છે કે આ જ કારણ છે કે નવ ડિસેમ્બરની ઘટના વખતે ભારતીય સેના ખૂબ ઓછા સમયમાં ભારે સંખ્યામાં સૈનિકોને પહોંચાડવામાં સફળ રહી હતી.

જનરલ મલિક કહે છે કે, “2016 બાદથી ભારત અને ચીનની સીમાએ આવી ઘટનાઓમાં વધારો થયો છે. પાછલાં અઢી વર્ષમાં પૂર્વ લદ્દાખની સ્થિતિને કારણે આ પ્રકારની કોઈ ઘટના અમારી સામે નથી આવી. હવે અરુણાચલ પ્રદેશમાં થયેલ તાજેતરની આ ઘટના ચિંતાજનક છે. પરંતુ અમારા સૈનિક પણ તૈયાર છે. હું કહીશ કે તેઓ અગાઉની સરખામણીએ બહેતર પ્રકારે તૈયાર છે.”

તેમના પ્રમાણે, આ કાર્યવાહી અત્યંત સમજી-વિચારીને કરાઈ છે કારણ કે નવ ડિસેમ્બરથી અમુક દિવસ પહેલાંથી જ આ વિસ્તારમાં વધારાના સૈનિક તહેનાત કરવાની શરૂઆત થઈ ગઈ હતી.

જનરલ મલિક કહે છે કે, “રાજદ્વારી સ્તરે સ્થિતિ સુખદ નથી. આપણે તૈયાર રહેવું પડશે. આપણે દરેક ક્ષણ સતર્ક રહેવું પડશે કારણ કે આ પ્રકારની ઘટનાઓ ગમે ત્યારે બની શકે છે.”

આવી જ રીતે વર્ષ 2019માં પણ ચીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસ અંગે આપત્તિ વ્યક્ત કરી હતી. આના જવાબમાં ભારતના વિદેશમંત્રાલયે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને ભારતીય નેતા સમયાંતરે અરુણાચલ પ્રદેશનો પ્રવાસ એવી જ રીતે કરે છે જેવી રીતે તેઓ ભારતના અન્ય ભાગોમાં પ્રવાસ કરે છે.

બીબીસી ગુજરાતી

અરુણાચલ પર ચીનનું આક્રમક વલણ

દલાઈ લામા

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, દલાઈ લામા

ચીન સમગ્ર અરુણાચલ પ્રદેશ પર દાવો કરતું આવ્યું છે અને ભૂતકાળમાં તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા જ્યારે અરુણાચલ પ્રદેશ ગયા ત્યારે પણ વિરોધ વ્યક્ત કરાયો છે. વર્ષ 2021માં ચીને તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અરુણાચલ પ્રવાસ પર પણ વિરોધ વ્યક્ત કર્યો હતો, જે ભારતે ફગાવી દીધો હતો.

આટલું જ નહીં ડિસેમ્બર, 2021માં ચીને અરુણાચલ પ્રદેશનાં 15 સ્થળોનાં નામ પણ બદલી દીધાં હતાં. વિશ્લેષક માને છે કે ભારત અને અમેરિકાની વધતી નિકટતા પણ ચીન માટે તકલીફ બનતી જઈ રહી છે.

વર્ષ 2016માં ભારતમાં અમેરિકાના રાજદૂત રિચર્ડ વર્મા રાજ્ય સરકારના આમંત્રણ પર એક મહોત્સવમાં સામેલ થવા તવાંગ ગયા હતા. ચીને એ સમયે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ત્રીજા પક્ષની દખલ બીજિંગ અને નવી દિલ્હી વચ્ચેના વિવાદને વધુ જટિલ બનાવી દેશે.

ભારતે એ સમયે કહ્યું હતું કે અમેરિકન રાજદૂત અરુણાચલ પ્રદેશ જાય તેમાં કંઈ પણ અસામાન્ય નથી કારણ કે અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે. સંરક્ષણ મામલાના જાણકાર માને છે કે નવેમ્બર માસમાં ઉત્તરખંડના ઔલીમાં ભારત અને અમેરિકાના ‘યુદ્ધ અભ્યાસ’ના નામથી કરાયેલ સૈન્ય અભ્યાસ પણ ચીન માટે એક ખતરાની ઘંટડી સાબિત થયો છે.

આ સૈન્ય અભ્યાસ લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલથી લગભગ 100 કિલોમિટર દૂર આયોજિત કરાયો હતો. તેનો વિરોધ કરતાં ચીને કહ્યું હતું કે આ નવી દિલ્હી અને બીજિંગ વચ્ચે થયેલ બે સીમા સમાધાનોની ભાવનાનું ઉલ્લંઘન કરે છે. આના જવાબમાં ભારતે કહ્યું હતું કે ભારત જેની સાથે ઇચ્છે તેની સાથે સૈન્ય અભ્યાસ કરી શકે છે.

ભારતને ‘સતર્ક’ રહેવાની જરૂર

ભારત અને ચીનના સૈનિક

ઇમેજ સ્રોત, Getty Images

લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલને સંપૂર્ણપણે નકશા પર અંકિત ન કરાયેલ હોઈ સીમા પર ઘણી જગ્યાઓ એવી છે જ્યાં બંને દેશો વચ્ચે વિવાદ છે.

જનરલ મલિકનું માનવું છે કે જ્યાં સુધી વાસ્તવિક નિયંત્રણ રેખાને માનચિત્ર પર અંકિત નહીં કરાય ત્યાં સુધી આવી ઘટનાઓ થતી રહેશે.

“ભારત આ વાત ઉઠાવતું રહ્યું છે. હું જ્યારે સૈન્ય પ્રમુખ હતો ત્યારે પણ આ વાત કરાઈ હતી. પરંતુ ચીન આનાથી સંમત નથી. બલકે તે વધુ આક્રમક થઈ ગયું છે.”

તેમના પ્રમાણે, વ્યૂહરચનાત્મક દૃષ્ટિએ જોઈઓ તો ચીનના રાજનેતાઓએ જે નીતિઓ કે વલણ અપનાવ્યાં છે તેમાં કોઈ ફેરફાર નથી થયો, “તેઓ કહેતા રહ્યા છે કે તેઓ શાંતિ સ્થાપિત કરવા માગે છે. પૂર્વ લદ્દાખની સ્થિતિ પર બંને સેનાઓ 16 વખત એકબીજા સાથે વાત કરી ચૂકી છે પરંતુ તે મામલાનું નિરાકરણ હજુ નથી થયું.”

“એવું લાગે છે કે તેમની સેનાને સપાટી પર શાંતિ સુનિશ્ચિત કરવા માટે અલગથી કોઈ આદેશ નથી અપાઈ રહ્યો. જો આવું હોત તો આવી ઘટનાઓ ન થતી હોત.”

જનરલ મલિક કહે છે કે સ્થિતિ તણાવપૂર્ણ છે. આવી પરિસ્થિતિમાં હંમેશાં ખતરો રહે છે કે કોઈ પણ મોટી ઘટના મામલાને મોટું સ્વરૂપ આપી શકે છે.

રેડ લાઇન
રેડ લાઇન