ભારત-ચીન સંબંધ : અણબનાવ હોવા છતાં ભારત ચીન પર આટલું બધું નિર્ભર કેમ રહે છે?
કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા 53 જેટલી ચાઇનીઝ મોબાઇલ ઍપ્લિકેશનોને દેશની સુરક્ષા માટે જોખમરૂપ માની તેની પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં ગારેના ફ્રી ફાયર, બ્યુટી કૅમેરા, ઇક્વેલાઇઝર વગેરે જેવી ઍપનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી ફેબ્રુઆરીના હૈદરાબાદના એક મંદિર ખાતે રામાનુજાચાર્યની 126 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું ત્યારે પણ વિવાદ ઊભો થયો હતો. વડા પ્રધાન મોદીએ રામાનુજાચાર્યની પ્રતિમાને 'સમાનતાની પ્રતિમા' એવું નામ આપ્યું હતું.
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 9 ફેબ્રુઆરીના ટ્વીટ કરીને કહ્યું, "સ્ટેચ્યૂ ઑફ ઇક્વાલિટી ચીનમાં બની છે. શું નવભારત ચીન ઉપર આધારિત છે?"
મીડિયા અહેવાલો મુજબ આ પ્રતિમા ચીનના ઍરોસન કૉર્પોરેશન દ્વારા બનાવવામાં આવી હતી. કેન્દ્ર સરકારના સંસ્કૃતિમંત્રી જી. કૃષ્ણ રેડ્ડીએ કૉંગ્રેસના નેતા દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો.
રેડ્ડીનું કહેવું છે કે આ પ્રતિમાના નિર્માણકાર્ય સાથે સરકાર કોઈ પણ રીતે જોડાયેલી નથી. આ એક ખાનગી અભિયાન હતું, જેને આઠ વર્ષ અગાઉ હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું, 'આત્મનિર્ભર ભારત' અભિયાન પહેલાંથી જ આ પ્રતિમા પર કામ ચાલુ હતું.
આ વિવાદને અવગણવામાં આવે તો પણ ચીન ભારતમાં વૅલેન્ટાઇન્સ ડેથી માંડીને દિવાળી અને ક્રિસમસનો સામાન અને ઉત્તરાયણ ઉપર પતંગની દોરી પણ નિકાસ કરે છે.
આ પહેલાં ભારત ટિકટોક, લાઇક, વિબો અને ક્લેશ ઑફ કિંગ્સ જેવી ઍપ પર પણ પ્રતિબંધ મૂકી ચૂક્યું છે. ત્યારે પણ તેને સુરક્ષાને માટે જોખમરૂપ માનવમાં આવી હતી.

'નિર્વિકલ્પ' ચીન
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વ્યૂહાત્મક દૃષ્ટિએ દુશ્મન પર આધાર રાખવાને નબળાઈ માનવામાં આવે છે. જો ભારત દ્વારા ચીનને દુશ્મન માનવામાં આવતું હોય તો એક કડવું સત્ય એ પણ છે કે અનેક બાબતોમાં ભારતે પાડોશી દેશ ચીન પર આધાર રાખવો પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વના અનેક દેશ ચીન પરની નિર્ભરતાને ઓછી કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને તેમાં ભારત પણ સામેલ છે, છતાં તેમાં તત્કાળ સફળતા મળતી જણાઈ નથી રહી.
ઑગસ્ટ-2017માં ડોકલામ સંકટ સમયે તત્કાલીન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે હવેના સમયમાં કોઈ પણ દેશની ક્ષમતા તેની લડવાની તાકતથી નહીં, પરંતુ આર્થિક ક્ષમતાના આધારે પણ તોલવામાં આવે છે. સ્વરાજે કહ્યું હતું કે ભારતની આર્થિક ક્ષમતા વધી રહી છે, તેમાંથી ઘણો એવો ભાગ ચીનથી આવે છે.
સુષ્મા સ્વરાજે કહ્યું હતું, "મે-2016 પહેલાં ચીનનું રોકાણ 116 અબજ ડૉલર હતું, જે વધીને 160 અબજ ડૉલર પર પહોંચ્યું છે. ચીને ભારતમાં મોટા પાયે રોકાણ કર્યું છે, એટલે તેમનું જોખમ વધારે છે."
2017માં સ્વરાજે આ મુદ્દે સતર્ક કર્યા હોવા છતાં, આ દિશામાં મોદી સરકારે પહેલું પગલું એપ્રિલ-2020માં લીધું. એ સમયે એલએસી ઉપર તણાવ વકરતાં ચીનમાંથી આવતા રોકાણ ઉપર કડકાઈ દેખાડવામાં આવી. આમ છતાં એક વાત નિશ્ચિત છે કે ચીનમાંથી ભારતમાં આયાત થતાં માલમાં ઘટાડો નથી થયો.

રેકૉર્ડ વેપાર

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય વાયુદળે ચીન સાથેની સરહદ પર પોતાની સક્રિયતા વધારી છે
કોવિડની મહામારી દરમિયાન ભારત સહિત વિશ્વભરના દેશોની સપ્લાય ચેઇનમાં વિક્ષેપ ઊભો થયો છે. ગત મહિને બહાર પાડવામાં આવેલા વેપારડેટા પર નજર કરીએ તો વર્ષ 2021 દરમિયાન પણ ભારતમાં ચીનમાંથી થતી આયાત વધી છે.
બંને દેશો વચ્ચે સરહદ પર ભારે તણાવ પ્રવર્તમાન હોવા છતાં વેપાર વધ્યો છે. જોકે, વધતો વેપાર એ વાતનો પુરાવો નથી કે બંને દેશ વચ્ચે 'બધું બરાબર' છે.
ચાઇના જનરલ ઍડમિનિસ્ટ્રેશન ઑફ કસ્ટમ (જીએસી) દ્વારા જાન્યુઆરી મહિનામાં ભારત સાથેના વેપારસંબંધિત ડેટા બહાર પાડવામાં આવ્યો હતો. જે મુજબ, વર્ષ 2021 દરમિયાન બંને દેશ વચ્ચેનો વેપાર 125.6 અબજ ડૉલર પર પહોંચી ગયો હતો.
પહેલી વખત વેપાર 100 અબજ ડૉલરનો આંક વટાવ્યો છે. ભારતે 97.5 અબજ ડૉલરની આયાત કરી હતી અને માત્ર 28.1 અબજ ડૉલરની નિકાસ કરી હતી. આમ આયાત અને નિકાસની દૃષ્ટિએ આ એક રેકૉર્ડ છે.
2020 દરમિયાન આગલા વર્ષ (2019)ની સરખામણીમાં બંને દેશો વચ્ચેના વેપારમાં ઘટાડો જોવાયો હતો, જેના માટે મહામારી કારણભૂત હતી. ચીનમાંથી ભારતની આવક સતત વધી રહી છે. અને વેપારતુલામાં અસમતુલા (ચીનમાં ભારતની નિકાસ કરતાં ત્યાંથી આયાત વધુ) ભારત માટે અગાઉથી જ ચિંતાનો વિષય છે અને તે ઘટવાને બદલે વધતી રહી છે.

સમગ્ર દુનિયા નિર્ભર

ઇમેજ સ્રોત, Getty Images
માત્ર ભારત જ નહીં, દુનિયાભરનો ચીન પરનો મદાર વધ્યો છે. વિલી શિહ હાવર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર છે. તેમણે અમેરિકા અને ચીનની સપ્લાઈ ચેઇન મુદ્દે ખૂબ જ લખ્યું છે. 24મી એપ્રિલ 2020ના 'ધ એટલાન્ટિક'માં પ્રકાશિત એક લેખમાં તેમણે લખ્યું :
"ઉત્પાદનની બાબતે સમગ્ર વિશ્વ ચીન ઉપર આધાર રાખે છે. જે માત્ર મેડિકલ સાધનો પૂરતો મર્યાદિત નથી, પરંતુ ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, રમકડાં સહિતની અન્ય તમામ ચીજોની ચીન દ્વારા અડધા ટ્રિલિયન ડૉલરની નિકાસ કરવામાં આવે છે. જો તમે ચીન સાથે ટકરાવા ઇચ્છતા હો તો તેનાં પરિણામો માટે પણ તૈયાર રહેવું ઘટે."
ટકાવારીની દૃષ્ટિએ જોવામાં આવે તો ભારત-ચીન વચ્ચે આયાતનિકાસ વધી છે. છતાં વેપારતુલા ચીનની તરફ જ નમેલી છે. ચીનમાંથી ભારતની આયાત 46.2 ટકા વધી છે, જ્યારે નિકાસમાં 34.2 ટકાનો વધારો થયો છે.
ચીન પાસેથી ભારત ઇલેક્ટ્રિકલ તથા મિકેનિકલ મશીનરી ઉપરાંત અનેક પ્રકારનાં કેમિકલ ખરીદે છે, જે તેની ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે મહત્ત્વપૂર્ણ છે. આ સિવાય ઑટો પાર્ટ તથા મેડિકલ ચીજવસ્તુઓની આયાત પણ સામેલ છે.
ભારતના વાણિજ્યમંત્રાલયના જણાવ્યા મુજબ, 2021 દરમિયાન ચીનમાંથી લૅપટોપ, કમ્પ્યૂટર, ઓક્સિજન કૉન્સેન્ટ્રેટર ઉપરાંત એસિટિક ઍસિડની આયાત રેકૉર્ડસ્તર પર પહોંચી છે. ભારત દ્વારા ચીનમાં મુખ્યત્વે ચોખા, શાકભાજી, સોયાબિન, ફળ, કોટન તથા સી-ફૂડની નિકાસ કરવામાં આવે છે. ચીન દ્વારા ભારતમાં નિર્મિત માલની આયાત કરવામાં નથી આવતી.
ચીનના સત્તારૂઢ સામ્યવાદી પક્ષના મુખપૃષ્ઠ મનાતા અંગ્રેજી અખબાર 'ધ ગ્લોબલ ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, ભારતના ફાર્માઉદ્યોગ દ્વારા વપરાશમાં લેવામાં આવતાં કેમિકલ તથા અન્ય સામગ્રીનો લગભગ 50થી 60 ટકા હિસ્સો ચીનમાંથી આયાત થાય છે. જીએસીના આંકડા પ્રમાણે, ચીન સાથેના ટ્રૅડપાર્ટનરની સંખ્યાની દૃષ્ટિએ ભારત 15મા ક્રમે છે.
ગત પાંચ વર્ષના ડેટા પર નજર કરીએ તો ચીન સાથેના વેપારમાં ભારતની ખાધ સતત વધી રહી છે. વર્ષ 2017માં વેપારખાધ 51 અબજ ડૉલરની હતી, જે વધીને 69.4 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે.

સરહદ પર તણાવ, વેપારમાં ઘટાડો નહીં

ઇમેજ સ્રોત, Getty Images
ચીન સાથેના સૈન્યતણાવ બાદ ભારતે કહ્યું હતું કે જ્યાં સુધી સરહદ ઉપર તણાવ રહેશે, ત્યાં સુધી બંને દેશો વચ્ચે સંબંધ પૂર્વવત્ નહીં થઈ શકે. આમ છતાં ચીન સાથેનો વેપાર વધતો રહ્યો છે.
સરકાર દ્વારા લાદવામાં આવેલાં નિયંત્રણોને કારણે ચીનમાંથી આવતું રોકાણ ઘટ્યું છે. ભારતે 5જી ટ્રાયલમાંથી ચીનની કંપનીઓને બાકાત રાખી છે અને અગાઉ 200થી વધુ તથા તાજેતરમાં 50થી વધુ ચાઇનીઝ ઍપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ચીનની મોબાઇલનિર્માતા કંપની શાઓમીના રેડ બ્રાન્ડ દ્વારા ભારતમાં સ્માર્ટફોન બનાવવામાં આવે છે. આ પ્રતિબંધની અસર તેની ઉપર પણ થઈ હતી. આથી ચાઇનીઝ કંપનીઓએ વાંધો પણ નોંધાવ્યો હતો.
જેએનયુમાં સેન્ટર ફૉર ચાઇનીઝ સ્ટડીના પ્રોફેસર બીઆર દીપકે બીબીસી સાથેની વાતચીમાં ચીન પર ભારતની વધતી જતી નિર્ભરતા અંગે કહ્યું, "ભારતમાં ચાઇનીઝ મોબાઇલનું બહુ મોટું માર્કેટ છે. હજુ પણ બજારના 55થી 56 ટકા હિસ્સા ઉપર ચાઇનીઝ કંપનીઓનો કબજો છે. કોરિયન કંપની સેમસંગ બજાર માટેની લડાઈમાં પાછળ રહી ગઈ છે. દિલ્હી મેટ્રોના કામમાં શાંઘાઈ અર્બન ગ્રૂપ કૉર્પોરેશન કામ કરી રહ્યું છે."
બીઆર દીપકનું કહેવું છે, "મેડિકલના રૉ મટીરિયલની આયાત પણ ચીનમાંથી જ થાય છે. આ મામલે ભારત સંપૂર્ણપણે ચીન ઉપર આધારિત છે. ગત ચાર દાયકા દરમિયાન ચીને પશ્ચિમી ટેકનિકની ઉઠાંતરી કરીને સસ્તામાં માલ વેચ્યો છે."
ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકા અને ચીનની વચ્ચે વેપારયુદ્ધ છેડાયું હતું. આમ છતાં વર્ષ 2021 દરમિયાન બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 755.6 અબજ ડૉલર ઉપર પહોંચી ગયો હતો.
વર્ષ 2021 દરમિયાન બંને દેશના વેપારમાં 28.7 ટકાનો વધારો થયો હતો. જેમાં અમેરિકાએ માત્ર 179.53 અબજ ડૉલરની નિકાસ કરી હતી. ચીનના છ ટ્રિલિયન ડૉલરના નિકાસમાં અમેરિકામાં માત્ર 12 ટકા ચીજો નિકાસ કરી હતી. અત્રે એ યાદ રાખવું ઘટે કે અમેરિકા અને ચીન દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













