ચીન યુક્રેન સંકટમાં રશિયા સાથે કેમ ઊભું છે? શું છે ચીનની વ્યૂહરચના?
- લેેખક, ટેસા વૉન્ગ
- પદ, બીબીસી ન્યૂઝ
યુક્રેનને લઈને અમેરિકા અને રશિયા એકબીજા પર જેવી રીતે શાબ્દિક હુમલા કરી રહ્યા છે, આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક મોટો દેશ પોતાની વાત મજબૂતી સાથે બધાની સામે મૂકી રહ્યો છે, તે છે ચીન.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ચીને હાલમાં જ બંને પક્ષોને શાંતિ જાળવવા અને શીતયુદ્ધની માનસિકતા ખતમ કરવાની વાત કહી છે. પરંતુ એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેઓ રશિયાની ચિંતાઓના સમર્થનમાં છે.
સ્પષ્ટ છે કે ચીન પોતાના જૂના સહયોગી રશિયાનો સાથ આપશે. પરંતુ તે આવું કેમ અને કેવી રીતે કરી રહ્યું છે, તેના પાછળ એક લાંબી કહાણી છે.

‘વિશ્વની રક્ષા કરે છે ચીન અને રશિયા’

ઇમેજ સ્રોત, Mikhail Svetlov
ગત અઠવાડિયે જ વિદેશમંત્ર ઘી વાંગ યીએ રશિયાની ચિંતાઓને ‘વાજબી’ ઠેરવી હતી. સાથે જ એવું પણ કહ્યું હતું કે તેની ગંભીરતા સમજવાની જરૂર છે અને તેનો નિકાલ થવો જોઈએ.
બીજી તરફ સોમવારે સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના રાજદૂતના એ દાવાને ખારિજ કરી દીદો, જેમાં અમેરિકાની તરફથી એવું કહેવાઈ રહ્યું હતું કે રશિયા આંતરરાષ્ટ્રીય શાંત માટે ખતરો પેદા કરી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાને લઈને ચીનના રાજદૂતે અમેરિકાની ટીકા કરી અને તેને ‘મેગાફોન ડિપ્લોમસી’ ગણાવી હતી.
રાજદ્વારી બોલચાલમાં વાત કરીએ તો યુક્રેન સંકટ પર ચીનની સતર્કતાથી પોતાનો આધિકારિક સ્ટૅન્ડ લઈ રહ્યું છે.
પરંતુ યુક્રેન સંકટને કવર કરી રહેલા ચીનના અમુક સરકારી મીડિયા આઉટલેટ તેને જુદી રીતે રજૂ કરી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનમાં જ્યારે હાલ પશ્ચિમવિરોધી ભાવના વધી રહી છે, અમુક મીડિયા આઉટલેટ યુક્રેન સંકટને પશ્ચિમની વધુ એક નાકામી તરીકે રજૂ કરી રહ્યાં છે.
તેમના હિસાબે અમેરિકામાં નેતૃત્વવાળું નેટો, રશિયા અને ચીન જેવા દેશોના સાર્વભૌમત્વ વિરુદ્ધ કામ કરી રહ્યું છે. તેઓ આ દેશોનાં સાર્વભૌમત્વના રક્ષણના અધિકારનું સન્માન નથી કરી રહ્યા.
ચીનના ગ્લોબલ ટાઇમ્સ અખબારનો દાવો છે કે રશિયા અને ચીન વચ્ચેના સંબંધો હાલ ખૂબ જ સારા છે અને આ બંને એવા ડિફેન્સ પાવર છે જે ‘વર્લ્ડ ઑર્ડર’નું રક્ષણ કરે છે.
બીજી તરફ ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે અમેરિકા પોતાના ઘરેલુ મુદ્દાઓ પરથી ધ્યાન હઠાવવા માટે યુરોપ પર પોતાના પ્રભુત્વને ફરીથી વધારવાની કોશિશ કરી રહ્યું છે.
બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનનાં પૉલિસી ડિરેક્ટર જેસિકા બ્રાન્ટ જણાવે છે કે આ પ્રકારની નિવેદનબાજીને ટ્વિટર પર ઘણી ભાષામાં શૅર કરાઈ રહી છે.
એ ટ્વિટર જે ચીનમાં બૅન છે. આ એ દૃષ્ટિકોણ બનાવવાની કોશિશ છે કે અમેરિકા અને નેટોને સમગ્ર વિશ્વમાં કેવી રીતે જોવામાં આવે.
બ્રાંટ બીબીસીને જણાવે છે કે, “મને લાગે છે કે તેનો હેતુ અમેરિકાના સૉફ્ટ પાવરને કમજોર કરવાનો છે. લિબરલ ઇન્સ્ટિટ્યૂશનની વિશ્વસનીયતાને ધૂમિલ કરવાનો અને સ્વતંત્ર મીડિયાને બદનામ કરવાનો છે.” તેઓ કહે છે કે આ એક ઉદાહરણ છે કે જ્યારે વાત ચીનના હિતમાં હોય ત્યારે બેઇજિંગ કેવી રીતે યુક્રેન પર રશિયાની વાતને વધુ મજબૂત કરે છે.

સમાન લક્ષ્ય, સમાન દુશ્મન

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઘણા વિશેષજ્ઞોનું માનવું છે કે કદાચ સ્ટાલિન અને માઓના દિવસો કરતાં પણ વધુ નિકટતા હાલ રશિયા અને ચીન વચ્ચે છે.
2014નું ક્રિમીયા સંકટ એ તક હતી જ્યારે રશિયા, ચીનની વધુ અને વધુ નિકટ જવા લાગ્યું. રશિયા એ સમયે સમગ્ર વિશ્વમાંથી પ્રતિબંધોનો માર વેઠી રહ્યો હતો, આવા સમયે ચીને તેને આર્થિક અને રાજદ્વારી મદદ કરી હતી.
શુક્રવારથી ચીનમાં શીતકાલીન ઑલિમ્પિક શરૂ થયું છે. આ તકે શી જિનપિંગના નિમંત્રણ પર વ્લાદીમિર પુતિન બેઇજિંગ પહોંચ્યા હતા.
બંને વચ્ચે એક બેઠક પણ ગોઠવવામાં આવી છે, આ સાથે જ પાછલાં બે વર્ષમાં શી જિનપિંગ સાથે વ્યક્તિગત મુલાકાત કરનારા પ્રથમ મોટા વિદેશી નેતા પુતિન છે.
ચીનના રાષ્ટ્રપતિ વિદેશપ્રવાસ નથી કરી રહ્યા, મહામારી શરૂ થઈ એ બાદથી અત્યાર સુધી અમુક જ વિદેશી નેતાઓ સાથે તેમણે મુલાકાત કરી છે.
રશિયા અને ચીન બંને દેશોના પશ્ચિમ સાથે તણાવપૂર્ણ સંબંધ છે. ટફ્ટ્સ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય ઇતિહાસના આસિસ્ટન્ટ પ્રોફેસર ક્રિસ મિલર કહે છે કે, “આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અમેરિકા અને યુરોપને પાછાં ધકેલવા અને પોતાના માટે મોટી ભૂમિકા તૈયાર કરવામાં રશિયા અને ચીન બંનેનાં સમાન હિત છે.”

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સંઘર્ષમાં વધારો થાય છે તો પશ્ચિમના દેશ રશિયા પર પ્રતિબંધ લાદી શકે છે, આવી પરિસ્થિતિમાં કેટલાક વિશેષજ્ઞો માને છે કે ચીન, રશિયાને આર્થિક મદદ કરશે. આ મદદમાં વૈકલ્પિક ચૂકવણીની વ્યવસ્થા તૈયાર કરવું, રશિયાની બૅંકો અને પેઢીઓને લૉન આપવી અને રશિયા પાસેથી ઑઇલની ખરીદી જેવી ભૂમિકા ચીન ભજવી શકે છે.
ક્રિસ મિલર કહે છે કે આ પ્રકારની સહાયમાં ચીનને ખૂબ ખર્ચ વેઠવો પડશે. આવી પરિસ્થિતિમાં વિશેષજ્ઞો માને છે કે આ એક કારણસર હાલ ચીન, રશિયાનાં નિવેદનોનું જ સમર્થન કરતું જોવા મળી શકે છે. મિલર કહે છે કે, “ચીન માટે રશિયાની નિવેદનબાજીનું સમર્થન ઓછું ખર્ચાળ પગલું છે.”
યુક્રેનમાં જો સૈન્યસંઘર્ષ થાય છે તો અમેરિકાનું ધ્યાન એ તરફ ખેંચાશે, તેથી ચીન માટે તો તે ફાયદાકારક જ છે. પરંતુ ઘણા માને છે કે ચીન યુદ્ધ નથી ઇચ્છતું.
જર્મન માર્શલ ફંડમાં એશિયા પ્રોગ્રામનાં ડિરેક્ટર બોની ગ્લેસરનું કહેવું છે કે ચીન હાલ અમેરિકા સાથે પોતાના સંબંધો સ્થિર કરવાના પ્રયત્નમાં છે. આવા સમયે ચીને રશિયાનું વધુ સમર્થન કર્યું તો અમેરિકા સાથે તેના સંબંધો તણાવપૂર્ણ બની જશે.
રાજ્યશાસ્ત્રી મિનક્સિન પેઈએ હાલમાં જ કહ્યું છે કે ચીન જો રશિયાનું પૂરજોશમાં સમર્થન કરશે તો યુરોપિયન યુનિયન તેનો વિરોધ કરી શકે છે. યુરોપિયન યુનિયન, ચીનનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે.
પ્રોફેસર પેઈનું કહેવું છે કે સંભવ છે કે આ કારણે તાઇવાનનું સમર્થન વધી શકે છે.

‘તાઇવાન, યુક્રેન નથી’
અમેરિકાની સાથોસાથ સમગ્ર વિશ્વના ચીની સમુદાયની નજર યુક્રેનના સંકટ પર છે, તેઓ જોવા માગે છે કે અમેરિકા પોતાના સહયોગીઓ માટે કેટલું વફાદાર છે.
ઘણા લોકો પૂછી રહ્યા છે કે રશિયા જો યુક્રેન પર હુમલો કરે છે તો અમેરિકા સૈન્ય હસ્તક્ષેપ કરશે, આવી પરિસ્થિતિમાં જો ચીન તાઇવાન પર પોતાના દાવા માટે આવું જ કરે છે તો અમેરિકાનું બીજું પગલું શું હશે?
તાઇવાન ખુદને સ્વતંત્ર રાષ્ટ્ર ગણાવે છે અને અમેરિકાને પોતાનો મોટો સહયોગી દેશ માને છે. બીજી બાજુ ચીન માને છે કે તાઇવાન તેનો એક પ્રાંત છે, જે ફરીથી ચીનનો ભાગ બની જશે.
એશિયામાં આના અંગે ચિંતા છે કે શું તાઇવાન માટે અમેરિકા, ચીન સાથે યુદ્ધમાં ઊતરશે.
અમેરિકા જાણીજોઈને એ સ્પષ્ટ નથી કરતું આવ્યું કે હુમલાની સ્થિતિમાં ખરેખર તે શું કરશે. અમેરિકામાં એક કાયદો છે, જે અંતર્ગત તેણે તાઇવાનની સુરક્ષામાં મદદ કરવી પડશે પરંતુ આ સાથે જ અમેરિકા ચીનની વન ચાઇના પૉલિસીને પણ માને છે.
વન ચાઇના પૉલિસીનો અર્થ એ નીતિ સાથે છે, જે પ્રમાણે ‘ચીન’ નામનું એક જ રાષ્ટ્ર છે અને તાઇવાન અલગ દેશ નથી, પરંતુ તેનો એક પ્રાંત છે.
જોકે, વિશેષજ્ઞોનું કહેવું છે કે યુક્રેન અને તાઇવાન બંનેની સ્થિતિ અને ચિંતાઓ અલગ અલગ છે.
તેઓ કહે છે કે અમેરિકાના તાઇવાન સાથે ગાઢ અને ઐતિહાસિક સંબંધ છે. અમેરિકા તાઇવાનને એશિયા માટે વૈચારિક, વ્યૂહરચનાકીય અને સૈન્ય રણનીતિની ધરી તરીકે જુએ છે.
ગ્લેસર કહે છે કે, “ચીન રશિયા નથી, અને તાઇવાન યુક્રેન નથી. યુક્રેનની સરખામણીએ તાઇવાન પર અમેરિકાનું ઘણું બધું દાવ પર લાગેલું છે...”


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














