યુક્રેનના જે શહેરમાં રશિયા તરફી વિદ્રોહીઓએ કબજો જમાવ્યો એ ડૉનેસ્કમાં કેવી સ્થિતિ છે?
- લેેખક, . .
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
પશ્ચિમી સત્તા સામે રશિયાની લશ્કરી તંગદિલી વધી છે તેના કેન્દ્રમાં છે પૂર્વ યુક્રેનમાં આવેલા બે વિસ્તારો, જેના વિશે બહારની દુનિયાને ભાગ્યે જ કંઈ જાણ છે.
2014માં ડોનેસ્ક નગરને ઘેરી લેવાયું અને કેટલાકે નગર છોડી દેવું પડ્યું. તેમાંના જ એક રહેવાસીની કથા અહીં જણાવી રહ્યા છે.

ઇમેજ સ્રોત, ALEXANDER NEMENOV/AFP
હાલમાં જ તેમણે પોતાના વતનના શહેરની મુલાકાત લીધી. વતનની મુલાકાત કેવી રીતે તેનો જાત અનુભવ અહીં તેમણે પોતાના જ શબ્દોમાં વર્ણવ્યા છે.
સલામતીના કારણો તે રહેવાસીની ઓળખ બીબીસીએ જાહેર કરી નથી.
યુક્રેનની રાજધાની કિવથી ડોનેસ્ક જવા માટે રાત્રે સૂતા-સૂતા પ્રવાસ કરી શકાય તેવી ટ્રેનો ચાલતી હતી, પરંતુ હવે તમારે મિનિબસમાં જ આ પ્રવાસ કરવો પડે છે.
યુરોપથી ન્યૂઝિલૅન્ડ પહોંચતાં થાય એટલા 27 કલાક આ મુસાફરીમાં લાગી જાય છે. 27 કલાક ભારે તકલીફો સાથે પસાર કરવાના રહે છે.
રશિયન તરફી બળવાખોરોએ આ વિસ્તારને કબજે કરી લીધો છે એટલે તેની મુલાકાત લેવાની મંજૂરી પણ મારી પાસે હતી નહી. એટલે યુક્રેનમાંથી જ પસાર થવાના બદલે મારે ઊલટો રસ્તો લેવો પડ્યો અને રશિયામાંથી જ સીધો પ્રવેશ કર્યો.

ડોનેસ્ક નગરમાં શું સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનના નાગરિકો માટે આ માર્ગે પ્રવાસ કરવો એ ગેરકાયદે છે, એટલે અમારી મિનિબસ રશિયન સરહદે આવી પહોંચી ત્યારે ડ્રાઇવરે કહ્યું કે નજીકના ગામમાં લગ્નમાં જઈએ છીએ એમ કહેજો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે પછી બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારમાં પ્રવેશવા માટે અમે બીજા વાહનમાં બેઠા હતા.
આ વાહનની નંબર પ્લેટ કહેવાતા ડોનેસ્ક પિપલ્સ રિપબ્લિક (DNR)ના નામે આપવામાં આવી હતી. વિશ્વના બીજા દેશોમાં આવી સત્તાને કોઈ માન્યતા નથી. ડ્રાઇવરે અમને કહ્યું કે 24 કલાકની મુસાફરી કરીને તે આવ્યો છે.
એકવાર સરહદ પાર કરી લઈએ તો એ પછી મારા માટે મુશ્કેલી નહોતી, કેમ કે મારી પાસે હજીય ડોનેસ્કનું મારા ઘરનું સરનામું નોંધાયેલું છે અને તેના કારણે યુક્રેનનો "ઇન્ટરનલ" પાસપૉર્ટ મારી પાસે હતો.
સરહદે અમારા બધાના પાસપૉર્ટ લઈ લેવાયા અને ચકાસી લેવાયા. તે પછી બધાને પરત થયા, પણ મારો પાસપૉર્ટ પાછો અપાયો નહીં.
તે લોકોએ મને ટ્રકમાંથી બહાર આવવાનું કહ્યું. એક કૅબિનમાં મને લઈ ગયા, જ્યાં ટેબલ પર જૂનું કમ્પ્યુટર મૉનિટર પડ્યું હતું. હું જરાય ગભરાતો ના હોઉં તેવો દેખાવ કરતો રહ્યો.

10 વર્ષ પહેલાં જ યુક્રેન અને પોલૅન્ડની મૅચ રમાઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images
મને બેસવા કહ્યું અને લૅધર જૅકેટ પહેરેલા એક બોલકા માણસે મને ધ્યાનપૂર્વક જોયો. મને પૂછ્યું તારી ઉંમર કેટલી છે, ક્યાં કામ કરે છે અને DNRમાં કેટલીવાર પ્રવાસ કરે છે. મેં મારી રીતે જવાબો આપ્યા એટલે મને બીજા પ્રવાસીઓ સાથે પછી જવા દેવાયો.
આ રીતે અમે સરહદ પાર કરીને યુક્રેનમાં દાખલ થયા અને હવે મારું જૂનું શહેર અહીંથી 120 કિમી દૂર હતું.
હું આ રીતે વતન પહોંચ્યો, પણ મારા જ વતનને હું જાણે ઓળખી શક્યો નહીં.
10 વર્ષ પહેલાં જ 2012માં યુરોપિયન ફૂટબૉલ ચૅમ્પ્યિનશિપની યુક્રેન અને પોલૉન્ડની મૅચ અહીં રમાઈ હતી.
આ મૅચ માટે ડોનેસ્કને નવેસરથી સજાવાયું હતું, નવી ઈમારતો બની હતી. નવું ઍરપૉર્ટ, નવા રસ્તા, અને ચમકતી નવી હોટેલો બની હતી.
યુરો 2012ના એ રમતોત્સવને કારણે ઇંગ્લિશ, ફ્રેન્ચ, સ્પેનિશ અને પોર્ટુગીઝ ભાષા બોલનારા રમતગમત પ્રેમીઓથી શહેર ઊભરાઈ ગયું હતું. જાણે કે કોઈ યુરોપિયન શહેર હોય તેવું લાગતું હતું.
પણ દસ વર્ષે 2022માં મારું નગર મને બદલાયેલું લાગ્યું. તેને હવે ઓળખવું પણ મુશ્કેલ બને એટલું બદલાયેલું.

સ્ટાલિનના યુગની વિશાળ ઇમારત શહેરની મધ્યમાં આવી છે, જ્યાં બળવાખોરોનું મહેસૂલમંત્રાલય બેસે છે. બિલ્ડિંગની સ્થિતિ સારી છે અને તેની ચારે બાજુ ફૂલો ઉગાડેલાં છે. પરંતુ તેની નજીકની દુકાનો અને કાફે બંધ છે.
ઘણાની બારીઓ પર પાટિયાં જડી દેવાયેલાં છે. નજીકમાં એક રમતનું ખાલી મેદાન પડ્યું છે અને તેમાં ઝાડીઝાંખરા ઊગી ગયાં છે.
નજીકના સ્પોર્ટસ સેન્ટરમાં આવેલા આઉટડોર ટેનિસ કોર્ટની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. મારી ઊંચાઈનું ઘાસ ત્યાં ઊગી નીકળ્યું છે.
વિશાળ સિસ્ને બ્લેન્કો શોપિંગ મૉલ ખરીદદારોથી ધમધમતું રહેતું હતું. જૂતાથી માંડીને જ્વેલરી સુધીની વસ્તુઓ વેચતી દુકાનો તેમાં હતી, પણ હવે આખી ઈમારત ભૂતિયા લાગે છે.
જોકે ડોનેસ્ક શહેર સાવે સુસ્ત થઈ ગયું છે એવું કહેવું પણ ખોટું છે. શહેરના મધ્યથી દૂર જઈએ તો એક વિસ્તારમાં ઘણી રેસ્ટોરાં અને કાફે ભરચક દેખાય છે. સ્થાનિક થિયેટરોમાં હવે પ્રવાસી રશિયન નાટકમંડળીનાં નાટકો ચાલે છે અને મને જણાવાયું કે મોટા ભાગના શો હાઉસફૂલ જાય છે.

રાત્રે 11 વાગ્યાથી કર્ફ્યૂ

ઇમેજ સ્રોત, Getty Images
શહેરની મધ્યથી તમે ઈશાન દિશામાં જાવ તો વળી ત્યાં ખંડેર હાલતમાં ફ્લેટ દેખાશે. આ ઇમારતોને બૉમ્બમારાથી નુકસાન થયું હશે એવો ખ્યાલ આવી જાય છે.
સપ્ટેમ્બર 2014માં ડોનેસ્ક ઍરપૉર્ટનો કબજો કરવા માટે થયેલી લડાઈને કારણે આ વિસ્તારને મોટું નુકસાન થયું હતું.
ડોનેસ્કની ઘણી શેરીઓ દિવસે ભરેલી રહે છે, પરંતુ રાત પડતાં જ તે ખાલીખમ થઈ જાય છે.
રાત્રે 11 વાગ્યાથી બીજા દિવસે સવારે પાંચ વાગ્યા સુધીનો રાત્રી કર્ફ્યુ લાગેલો હોય છે એટલે સૌ કોઈ ઝડપથી પોતાના ઘરે પહોંચી જવા માગતા હોય છે.
રાત્રી કર્ફ્યુનો કડક અમલ કરવામાં આવે છે. મને એવી વાતો સાંભળવા મળી કે લોકો રાત્રે કચરો વીણવા નીકળે તેમને પણ પકડી લેવામાં આવે છે.
શહેરની મધ્યથી થોડા કિલોમિટર દૂર પ્રસિદ્ધ ડોનેસ્ક સેન્ટર ફૉર કન્ટેમ્પરરી આર્ટ આવેલું છે. કલાના આ ધામને હવે જેલમાં બદલી નાખવામાં આવ્યું છે.
આ જગ્યાએ વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડના શૉરૂમ હતા, તે બધા અદૃશ્ય થઈ ગયા છે.

ઇમેજ સ્રોત, Getty Images
આજે હાલત એવી છે કે વસ્ત્રો, જૂતાં કે ઘરવખરીનો સામાન લેવા માટે સ્થાનિક લોકોએ સરહદ પાર કરીને રશિયામાં જવું પડે છે.
આ રીતે પ્રવાસ કરી શકે તેમ ના હોય એ લોકોએ જ્યાં નાની બજાર ભરાતી હોય છે ત્યાં જઈને વસ્તુઓ મેળવવી પડતી હોય છે. આવી બજારમાં ઘણી વાર વસ્તુઓ મળતી પણ નથી.
સુપરમાર્કેટમાં દારૂ અને નાસ્તા સરસ રીતે ગોઠવેલા હોય છે, પણ આ સારી ગુણવત્તાની વસ્તુઓ બહુ મોંઘી મળતી હોય છે. એક આયાતી વ્હિસ્કિની નજીક જ એક દેશી બ્રાન્ડની રેડ ડેનિયન્સની બૉટલ પણ છે, જેની કિંમત માત્ર દસમાં ભાગની હોય છે.
ડોનેસ્ક છોડવાનો મારો દિવસ આવી ગયો તેની આગલી રાત્રે હું મારા જૂના સહાધ્યાયીઓને મળ્યો. અમે લેનિન સ્કૅવરમાં એક કાફેમાં ભેગા થયા હતા.
2014માં જ મૅક્ડોનલ્ડ્સ બંધ થઈ ગયું હતું, પણ તેની જગ્યાએ ડૉનમૅક એવા નામે ત્રણ રેસ્ટોરાં ખૂલી છે.
અમે બર્ગર, ફ્રાઇ અને કૉફી મગાવ્યાં. મેં કહ્યું કે સામાન્ય કરતાં આ ખાણીપીણીનો સ્વાદ જુદો લાગી રહ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
મારા એક જૂના મિત્રે અફસોસ સાથે કહ્યું, "હવે અહીં બધું એવું જ છે. આપણી પાસે જે કંઈ હતું તે બધું જતું રહ્યું છે અને તેની જગ્યાએ નબળી ગુણવત્તાની વસ્તુઓ આવી ગઈ છે!"
"લોકો માંડમાંડ જીવન ગુજારો કરી રહ્યા છે, પણ શેરીઓમાં આપણને ઉજળા ભવિષ્યના નારાઓ સાંભળવા મળે છે."
મને સવાલ થયો કે શું ડોનબાસ વિસ્તાર ફરીથી યુક્રેનના કબજામાં આવશે ખરો? માત્ર મિત્રે ખભો ઉલાળ્યો અને કહ્યું કે હવે અહીં સ્થાનિક લોકો પાસે રશિયાના પાસપૉર્ટ છે. 2014 પછી જન્મેલી નવી પેઢીએ આ જ દુનિયા જોઈ છે.
"DNR સરકારમાં કામ કરનારા કે બીજા સરકારી વિભાગોમાં કામ કરનારા લોકો યુક્રેનમાં પાછા જવા માગે છે. પરંતુ વર્ષો વિતવાં લાગે છે કે પાછા જવાની શક્યતા ઘટી રહી છે."
- મંત્રીમંડળ બદલી નાખ્યા બાદ હવે સીઆર પાટીલના નિશાને ગુજરાતના બોર્ડ-નિગમો કેમ છે?
- ગુજરાતમાં કોરોનાથી થયેલાં મૃત્યુનો આંક સરકારે જાહેર કર્યો એનાથી ક્યાંય વધુ?
- નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરાથી ખેડૂતો નારાજ કેમ છે?
- ભાજપ યુપીની ચૂંટણી જીતવા ગુજરાતના હિંદી ભાષીઓનો ઉપયોગ કઈ રીતે કરે છે?
- યુપીમાં કૉંગ્રેસનાં 'પોસ્ટરગર્લ' પ્રિયંકા મૌર્ય ભાજપમાં કેમ જોડાયાં?


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












