ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના 121 દિવસ સુશાસનનો દાવો કેટલો સાચો અને કેટલો ખોટો?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી ગુજરાતી
મુખ્ય મંત્રી વિજય રૂપાણીના અણધાર્યા રાજીનામા પછી 13 સપ્ટેમ્બર 2021ના રોજ મુખ્ય મંત્રીપદે ભૂપેન્દ્ર પટેલની સોગંદવિધિ થઈ હતી. તેમણે મુખ્ય મંત્રીપદ સંભાળ્યું તેના 121 દિવસનું શાસનસરવૈયું 17 જાન્યુઆરીએ પ્રગટ કરવામાં આવ્યું હતું.
સુશાસનના 121 દિવસ નામની 52 પાનાંની પુસ્તિકામાં ભૂપેન્દ્ર પટેલે 121 દિવસમાં કરેલાં કાર્યોની વિગતો અને વાહવાહી છે.

ઇમેજ સ્રોત, cmogujarat.gov.in
"ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણીનું વર્ષ છે એટલે આ પુસ્તિકા પ્રગટ કરવામાં આવી છે. કોઈ પણ પક્ષની સરકાર હોય તે આવું કરતી હોય છે." વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે પુસ્તિકા વિશે આ વાત કહી હતી.
રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત 2022નો ત્રણ દિવસનો કાર્યક્રમ રદ કર્યો હતો. એને પણ જનતાના વ્યાપક હિતમાં સુશાસનના મહત્ત્વના પગલા તરીકે લેખાવ્યું હતું.
રાજ્ય સરકારે વાઇબ્રન્ટ માટે દિલ્હીથી લઈને દુબઈ સુધી રોડ શો અને કાર્યક્રમો કર્યા હતા, મોટા ભાગની તૈયારીઓ થઈ ગઈ હતી. કરોડોનો ખર્ચ થઈ ગયો હતો. ગણતરીના દિવસો બાકી હતા ત્યારે કોરોનાને કારણે વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.
સવાલ એ છે કે કોરોનાનો સળવળાટ તો રાજ્યમાં શાંત પડ્યો ન હતો. શું સરકારે એની ગંભીરતા પ્રત્યે આંખ આડા કાન કરીને આયોજન કર્યું હતું?
જાણીતા પત્રકાર અને અમદાવાદમાં રહેતા પ્રશાંત દયાળ કહે છે કે, "સરકારે વાઇબ્રન્ટ કાર્યક્રમ રદ કરવાનું જે પગલું લીધું તે વાજબી અને આવકારદાયક જ હતું. આવી બાબતોમાં સરકારનો બંને તરફથી મરો થતો હોય છે."
જો સરકાર રદ ન કરે તો ટીકા થાય કે મહામારીમાં કેસ વધી રહ્યા હતા ત્યારે સરકારે કાર્યક્રમ યોજ્યો. સરકાર જો કાર્યક્રમ રદ કરે તો ટીકા થાય કે શા માટે આયોજન કરવું જોઈતું હતું?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સુશાસન સામે લોકોના સવાલો
ખેતી, આરોગ્યસેવા, શિક્ષણ, વંચિતોના વિકાસ, માળખાગત સુવિધા, મહેસૂલી સેવાઓ વગેરે ક્ષેત્રે ભૂપેન્દ્ર પટેલે જે વિકાસલક્ષી નિર્ણયો લીધા કે વિકાસ થયો એની વિગતો સુશાસનના 121 દિવસ પુસ્તિકામાં છે.
ભૂપેન્દ્ર પટેલે મુખ્ય મંત્રી તરીકે શાસનધુરા સંભાળ્યાના 121 દિવસ પછી લોકોનું શું કહેવું છે એ વિશે બીબીસીના ફેસબુક પેજ પર જ્યારે લોકોનો મત જાણવામાં આવ્યો ત્યારે લોકોએ સરકાર સામે કેટલાક સવાલ ઉઠાવ્યા હતા.
નૈનેશ ધોબીએ લખ્યું કે, "પુસ્તિકામાં પેપર કૌભાંડ વિશે શું લખ્યું છે?"
ઘનશ્યામ વઘાસિયાએ લખ્યું હતું કે, "આ પુસ્તકમાં પેપર લીકનું કોભાંડ ઉપર કાંઈ લખ્યું હશે કે નહીં આ પણ એક સુશાસનનો ભાગ હતો."
ઉષા સોયેલિયાએ લખ્યું હતું કે, "બિનસરકારી અનુદાનિત કૉલેજના અધ્યાપકોની ભરતી કરો સાહેબ, બે વર્ષ થયાં."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ડાહ્યાભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં અને લખ્યું હતું કે, "અભિનંદન સર, થોડા સમયમાં ઘણું સારું કામ. આપની સરકાર કરી રહી છે એ પ્રશંસનીય છે જ, પરંતુ ગુજરાતના યુવાનો ખૂબ જ નારાજ છે. ભરતીઓ ભ્રષ્ટાચારમુક્ત થાય અને આપણી સરકાર સમયસર ભરતીઓ કરી જશ પ્રાપ્ત કરે એવી આપના પાસે અપેક્ષાઓ છે. અન્ય યોજનાઓ હાલ પૂરતી બાજુએ રાખી યુવાનોની પરીક્ષાઓ પૂર્ણ થાય એ ખાસ વિનંતિ એક કાર્યકર તરીકે કરું છું."
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રાજ્યનાં મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ વગેરેમાં ઈંડાં અને નૉન-વેજની લારીઓ શહેરની સુધરાઈઓ દ્વારા હઠાવવામાં આવી હતી.
એને ટાંકીને અનવરલ્લી પોપટિયાએ લખ્યું હતું કે, "એ તો બધું ઠીક પેલી નૉન-વેજની લારીઓ બધી જગ્યાએ બંધ કરાવતા હતા એનું શું પરિણામ આવ્યું તેનાથી કાંઈ ફાયદો થયો કે નહીં. એના કાંઈ પાછા સમાચાર આવ્યા નહીં એનું શું થયું ભાઈ?"
રાજુ સોલંકીએ તો મુખ્ય મંત્રી બન્યા તે અગાઉના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની કામગીરી પર સવાલ ઉઠાવતાં લખ્યું છે કે, "ઓક્સિજન વગર તરફડિયાં મારતા સ્વજનો, હૉસ્પિટલના ગેટ પર પ્રાઇવેટ એજન્સીના બોડીબિલ્ડર ઊભા રાખો, અમદાવાદના દર્દીઓ માટેના પાંચ હજાર ઈંજેક્શન લઈને ભાગી છૂટેલ પાટીલ, સ્મશાનમાં લાઇનો, લાકડાંની અછત, લાશનું મોઢું જોવાના બે હજાર માગતા સ્મશાનના કર્મચારીઓ, આ બધામાં ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈની કામગીરી જોઈ હોય તો જણાવો."

સરકારનાં વિકાસલક્ષી કાર્યો

ઇમેજ સ્રોત, Getty Images
પુસ્તિકામાં રજૂ થયેલી કામગીરીની વિગતો જોઈએ તો જણાવવામાં આવ્યું છે કે, દેશનાં તમામ રાજ્યો વચ્ચે રહેલી સુશાસન સ્પર્ધાની સ્પર્ધાત્મક રૅન્કમાં ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન આવ્યું છે.
ગુજરાતે માનવ સંસાધન વિકાસ, સાર્વજનિક બુનિયાદી માળખું, સમાજકલ્યાણ, ન્યાય અને સાર્વજનિક સુરક્ષા તેમજ આર્થિક વિકાસના ક્ષેત્રે પ્રસંશનીય કામ કર્યું છે (પાના નં.13). કોરોનાવિરોધી રસીકરણ ઝુંબેશમાં ગુજરાત દેશમાં અગ્રસર રહ્યું છે. અન્ય કેટલાક દેશો કરતાં પણ આગળ છે. (પાના નં.7)
રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આવેલાં 215 આરોગ્યકેન્દ્રોમાં 17 પ્રકારના લૅબોરેટરી ટેસ્ટ કરવામાં આવતા હતા. જે હવે 33 પ્રકારના કરવામાં આવે છે. (પાના નં.10)
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે સાત રૂપિયાનો ઘટાડો કરવાનો જનહિતલક્ષી મહત્ત્વનો નિર્ણય કરી તેનો પરિણામલક્ષી અમલ કર્યો છે. (પાના નં.42)
રાજ્યના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફી દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબૂદ કરવા રાજ્ય સરકારે આક્રમક પગલાં લીધાં. કેફી દ્રવ્યો અંગે બાતમી આપનાર બાતમીદારો અને પોલીસ અધિકારી – કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા રાજ્યમાં સૌપ્રથમ વાર નાર્કો રિવૉર્ડ પૉલિસીનો સુદૃઢ અમલ કરવામાં આવ્યો છે. (પાના નં.46) વગેરે. વધારે વિગતો એ પુસ્તિકામાંથી વાંચી શકાશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પુસ્તિકામાં રજૂ થયેલી કેટલીક યોજના વિજય રૂપાણીના વખતથી કાર્યરત્ છે.
ઑનલાઇન આરટીઆઈ પોર્ટલ લૉન્ચ કરીને જનતાના પ્રશ્નો પ્રતિ સજાગ વલણ આપનાવ્યું છે. આવો ઉલ્લેખ પુસ્તિકામાં છે.
ગુજરાત માહિતી અધિકાર પહેલ નામની સંસ્થા અમદાવાદમાં છે. એના એક્ઝિક્યુટિવ સેક્રેટરી પંક્તિ જોગે કહ્યું હતું કે, "હા, આ યોજનાનું માત્ર લૉન્ચિંગ જ થયું છે એટલું જ કહી શકાશે. એમાં માત્ર અરજી ફાઇલ જ કરી શકાય છે. જે લોકોએ પહેલા જ દિવસે અરજી ફાઇલ કરી હતી તેમને હજી સુધી જવાબ નથી મળ્યો. ત્યાં ફોન કરીએ તો જવાબ મળે છે કે કામ કરીએ છીએ. દેશનાં આઠ રાજ્યોમાં આ યોજના ઑલરેડી લાગુ છે. એ રાજ્યો આ મામલે ગુજરાત કરતાં આગળ છે."
પુસ્તિકામાં જણાવાયું છે કે પાત્રતા ધરાવતી વિધવા બહેનોને પ્રતિમાસ 1,250 રૂપિયાની સહાય સીધી લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવી છે. તેમજ વહાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં જન્મતી દીકરીઓને નિયમ અનુસાર આર્થિક સહાય આપવામાં આવી છે.
પંક્તિ જોગ મહિલા અને ગ્રામીણ વિકાસનાં કાર્યો સાથે પણ સંકળાયેલાં છે. તેઓ કહે છે કે, "જે 1,250 રૂપિયા મળવાની વાત છે એ કંઈ 121 દિવસમાં નથી થયું, એક વર્ષ અને બે મહિના અગાઉથી આ રકમ મળે છે. વહાલી દીકરી યોજના પણ દોઢ બે વર્ષ જૂની યોજના જ છે."
"સરકારે ખરેખર જ પોતાનાં કામની વિગત આપવી હોય તો એક સમયસારણી સાથે આપવી જોઈએ કે જે તે યોજનામાં ભૂપેન્દ્ર પટેલ આવ્યા પછી શું કામ થયાં. જો સરકાર એમ કહેતી હોય કે 121 દિવસમાં અમે આ યોજનામાં આટલું કર્યું તો એનો એક મતલબ એ પણ નીકળે કે શું પોણાં બે વર્ષથી આ યોજના કામ જ નહોતી કરતી અને તમે 121 દિવસમાં કર્યું?"
માય રૅશન મોબાઇલ ઍપથી હવે રૅશનકાર્ડની સેવા, વાજબી ભાવની દુકાનની વિગતો હવે મોબાઈલ ઍપ પર આવી છે એવો ઉલ્લેખ જે પુસ્તિકામાં છે, એને બિરદાવતાં પંક્તિ જોગ કહે છે કે, "સરકારને એના માટે અભિનંદન આપવાં પડે. આ ખરેખર એક સરસ ઍપ છે અને તેમાં વિગતો પણ સારી રીતે રજૂ થાય છે."

શ્રમિકોને સ્માર્ટ કાર્ડ તો મળ્યાં, પણ...

ઇમેજ સ્રોત, Getty Images
121 દિવસના સુશાસનમાં સરકારનો દાવો છે કે ગરીબો અને શ્રમિકોના વિકાસ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને 59 હજારથી વધુ બાંધકામ શ્રમિકોને સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યાં છે.
તેમજ 45 લાખ જેટલા શ્રમિકોની ઈ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી કરવામાં આવી છે.
શ્રમિકોના હક અને અધિકાર માટે કાર્યરત્ અમદાવાદની સંસ્થા આજીવિકા બ્યૂરોના કર્મશીલ મહેશ ગજેરા આ વિશે કહે છે કે, "કાર્ડ આપી દેવાથી ખાસ કંઈ ફાયદો થતો નથી. કાર્ડના આધારે સરકારે કોઈ યોજના બનાવી હોય અને એના લાભ લાભાર્થીને મળ્યા હોય તે મહત્ત્વનું છે."
"સરકારે જો ખરેખર કામ કરવું હોય તો શ્રમિકોને અનાજ મળી રહે એ માટે કંઈક કરવું જોઈએ. કોરોના લૉકડાઉન પછી કામદારોને માટે કામ ઘટી ગયાં છે અને ઘરમાં રૅશન ખૂટી ગયાં છે. સરકારે કામદારોને સવારે નજીવા દરે ભોજન મળી રહે એ માટેની જે અન્નપૂર્ણા યોજના હતી જે કોરોના દરમિયાન અટકી પડી હતી તે યોજના હજી સુધી ચાલુ નથી કરી. એ પૂર્વવત્ ચાલુ કરવાની જરૂર છે."
શું જનતા આ પ્રકારની પુસ્તિકા વાંચીને સરકારના કામથી વાકેફ થતી હોય છે? પોતે જે કામ કર્યાં છે એ જનતા સુધી પહોંચાડ્યાં છે એની ખાતરી સરકાર આ પ્રકારની પુસ્તિકાઓ દ્વારા કરાવતી હોય છે?
આ સવાલોના જવાબમાં પ્રશાંત દયાળ કહે છે કે, "સરકારનું સાહિત્ય પત્રકારો પણ નથી વાંચતા હોતા, તો જનતા તો ક્યાંથી વાંચવાની?"
- ગુજરાતમાં કોરોનાથી થયેલાં મૃત્યુનો આંક સરકારે જાહેર કર્યો એનાથી ક્યાંય વધુ?
- ગીર જંગલમાં રિલાયન્સના મોબાઇલ ટાવર, સિંહોનું સંરક્ષણ કે તેમને કનડગત?
- સૌરાષ્ટ્રમાં રહેતા સિદીઓ, સૌરાષ્ટ્ર બહાર કેમ આદિવાસી મટી જાય છે?
- સોશિયલ મીડિયા પર મુસલમાનો અને મહિલાઓ વિરુદ્ધ કેવી રીતે નફરત ફેલાવાઈ રહી છે? - BBC Investigation
- એ ગુજરાતી, જેમણે માત્ર ઘઉંની જાત વિકસાવવા જિંદગીનાં 30 વર્ષ ખર્ચી નાખ્યાં


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












