અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતાં ઠરી જવાથી બાળક સહિત ચારનાં મોત, મૃતકો ગુજરાતી હતા?

કૅનેડાની પોલીસને અમેરિકાની સરહદ નજીક આવેલા વિશાળ મેદાનમાં એક નવજાત સહિત ચારના મૃતદેહ મળ્યા છે.

અધિકારીઓનું કહેવુ છે કે આ તમામનાં મૃત્યુ બુધવારે -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ઠંડી હવાથી ઠરી જવાથી થયાં હતાં.

બુધવારે મનિતોબાના એમર્સન નજીક એક પુરુષ, સ્ત્રી, કિશોર અને બાળકના મૃતદેહ મળી આવ્યા હતા
ઇમેજ કૅપ્શન, બુધવારે મનિતોબાના એમર્સન નજીક એક પુરુષ, સ્ત્રી, કિશોર અને બાળકના મૃતદેહ મળી આવ્યા હતા

નોંધનીય છે કે બુધવારે મનિતોબાના એમર્સન નજીક એક પુરુષ, સ્ત્રી, કિશોર અને બાળકના મૃતદેહ મળી આવ્યા હતા.

અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે મૃતકોનો આ પરિવાર ભારતીય હોવાનું મનાઈ રહ્યું છે. તેઓ અમેરિકાની સરહદ ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

'ધ ગાર્જિયન'ના એક અહેવાલ અનુસાર મૃતકો ગુજરાતી હોઈ શકે છે.

મનિતોબા રોયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)નાં આસિસ્ટન્ટ કમિશનર જેન મેકલેચીએ ગુરુવારે પત્રકારપરિષદમાં આ સમાચાર પત્રકારોને જણાવ્યા હતા.

તેમણે આ સમાચાર શૅર કરતી વખતે જણાવ્યું કે, “હું જે વાત આપને જણાવવા જઈ રહી છું તે ઘણા માટે સાંભળવી ખૂબ જ કપરી સાબિત થશે.” તેમણે આ ઘટનાને ‘સંપૂર્ણ અને દિલ તોડનારી દુ:ખદાયક ઘટના ગણાવી.’

બુધવારે સ્થાનિક સમયે 9.30 વાગ્યાની આસપાસ કૅનેડાની પોલીસને અમેરિકાની કસ્ટમ્સ અને બૉર્ડર પેટ્રોલ ટીમે એ વાતની જાણકારી આપી હતી કે તેમણે આ વિસ્તારમાંથી પસાર થઈને આવેલા અમુક લોકોની ધરપકડ કરી હતી. આ વિસ્તાર એક કુખ્યાત બૉર્ડર ક્રોસિંગ સાઇટ છે.

અમેરિકાના અધિકારીઓએ કૅનેડાની ટીમને જાણકારી આપી હતી કે એક વ્યક્તિ પાસે બાળકો માટેની વસ્તુઓ મળી હતી. પરંતુ તેમની પાસે બાળક નહોતું.

મૅકલેચીએ જણાવ્યું કે આ સમૂહ “બરફના તોફાનમાં કોઈ પણ મદદ વગર અંતહિન મેદાનમાં ઠંડી, ઘોર અંધકાર અને હવાનો સામનો કરી રહ્યો હતો.”

ગુરુવારે જારી કરાયેલ નિવેદનમાં મિનેસોટામાં અમેરિકાના ફેડરલ અધિકારીઓએ ફ્લોરિડાના રહેવાસી સ્ટિવ શૅન્ડ નામની 47 વર્ષીય વ્યક્તિ સામે માનવતસ્કરીનો ગુનો દાખલ કર્યો હતો.

અધિકારીઓએ આ અંગે આગળ માહિતી આપતાં જણાવ્યું હતું કે શૅન્ડ બૉર્ડરના ગ્રામીણ વિસ્તારમાં 15 પૅસેન્જરવાળી વાન ડ્રાઇવ કરતા પકડાયા હતા. તેમની પાસે ભોજન અને પાણી પણ હતાં. તેમની સાથે મળી આવેલા બે મુસાફરો દસ્તાવેજ વગરના ભારતીયો હતા.

આ તમામ લોકોને જ્યારે બૉર્ડર પેટ્રોલ સ્ટેશને લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે અમેરિકાના એજન્ટોને ભારતીય નાગરિકોનો એક સમૂહ અચાનક મળી આવ્યો. જેમણે એજન્ટોને જણાવ્યું કે તેઓ 11 કલાકથી ચાલી રહ્યા છે અને કોઈ તેમને લેવા આવે તેની રાહ જોઈ રહ્યા છે.

આ વ્યક્તિઓ પૈકી એકની બૅગમાં બાળકનાં કપડાં, રમકડાં અને દવા હતી. તેમણે કહ્યું કે તેઓ આ સામાન ચાર વ્યક્તિના પરિવાર માટે લઈને ચાલી રહ્યા હતા, પરંતુ રાત્રે તેઓ વિખૂટા પડી ગયા હતા.

અમેરિકાના નિવેદન અનુસાર જણાવાયેલ વિગતો પ્રમાણે કૅનેડામાં મળી આવેલ મૃતદેહો કદાચ ભારતીય પરિવારના હોવાની આશંકા છે. આ નિવેદનમાં આગળ કહેવાયું હતું કે વધુ બે ભારતીય માઇગ્રન્ટોને ગંભીર ઈજાઓ થઈ હતી અને હૉસ્પિટલ લઈ જવાયા હતા.

line

પોલીસે બૉર્ડર પાર ન કરવાની આપી સલાહ

કૅનેડાથી અમેરિકામાં પ્રવેશ કરવા અનિયમિત બૉર્ડર ક્રોસિંગની ઘટનાઓ જવલ્લે જ બને છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડાથી અમેરિકામાં પ્રવેશ કરવા અનિયમિત બૉર્ડર ક્રોસિંગની ઘટનાઓ જવલ્લે જ બને છે

RCMPનાં મૅકલેચીએ વિનંતી કરી કે, “મનિતોબા ખાતેથી બૉર્ડર ક્રોસ કરવાનું વિચારી રહેલા લોકો, ભલે તેઓ ઉત્તર તરફ જઈ રહ્યા હોય કે દક્ષિણ, આવું ન કરે.”

“જે લોકો તમને તમારી મંજિલ સુધી સલામતપણે પહોંચાડી દેશે તેમનો વિશ્વાસ ન કરશો. કારણ કે તેઓ આવું કંઈ નહીં કરી શકે. સારાં કપડાં સાથે પણ આ પ્રવાસ ખેડી શકાય એવો નથી.”

આવી રીતે થતી ‘અનિયમિત’ બૉર્ડરની અવરજવરમાં વર્ષ 2017થી વધારો થયો છે. આ વધારા માટે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલ ઇમિગ્રેશનની નીતિ સહિત ઘણાં કારણો જવાબદાર છે.

કૅનેડાએ મહામારીની શરૂઆતથી આવા પ્રકારે થતી બૉર્ડર ક્રોસિંગની ઘટનાઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

line

મૃતકો ગુજરાતી હોવાનો દાવો

બરફના તોફાનમાં ફસાઈને અમેરિકા-કૅનેડાની સરહદે ગુજરાતીઓનાં કરુણ મૃત્યુ નીપજ્યાં?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બરફના તોફાનમાં ફસાઈને અમેરિકા-કૅનેડાની સરહદે ગુજરાતીઓનાં કરુણ મૃત્યુ નીપજ્યાં?

'ધ ગાર્જિયન' અખબારના જણાવ્યા અનુસાર હોમલૅન્ડ સિક્યૉરિટી ઇન્વેસ્ટિગેશનના સ્પેશિયલ એજન્ટ જ્હૉન સ્ટેનલીએ અમેરિકાની કોર્ટમાં જણાવ્યું છે, "કૅનેડામાં થયેલાં ચાર લોકોનાં મૃત્યુની તપાસ ચાલી રહી છે. આ ઘટના સાથે માનવતસ્કરીના એક મોટા અભિયાનમાં શૅન્ડની શંકાસ્પદ સંડોવણીની પણ તપાસ કરાઈ રહી છે."

કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર બુધવારે શૅન્ડની વાન બરફના તોફાનમાં ફસાઈ ગઈ હોવાની જાણકારી અમેરિકાના હોમલૅન્ડ સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટને મળી હતી.

અધિકારીઓએ જ્યારે શૅન્ડને અટકાવ્યા ત્યારે એમની સાથે બે ભારતીયો પણ હતા. એ બાદ અધિકારીઓને અન્ય લોકોની પણ ભાળ મળી હતી. આ તમામ લોકો ગુજરાતી હોવાનું 'ધ ગાર્જિયન'નો અહેવાલ જણાવે છે.

અહેવાલ અનુસાર આમાંથી એક જણે અધિકારીઓને જણાવ્યું કે બનાવટી વિદ્યાર્થી વિઝા અંતર્ગત તેઓ કૅનેડા આવ્યા હતા અને તેમની અમેરિકાના શિકાગોમાં જવાની યોજના હતી. આ માટે તેમણે ભારે રકમ ચૂકવી હોવાનું પણ જણાવ્યું હતું.

line

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો