રશિયા-યુક્રેન ઘર્ષણ : અમેરિકાથી યુક્રેન પહોંચ્યો 90 ટન લશ્કરી સરંજામ, સાત મુદ્દામાં સમજો આખો વિવાદ

    • લેેખક, પૉલ કિર્બી
    • પદ, બીબીસી ન્યૂઝ

રશિયા અને યુક્રેન વચ્ચે હિંસક તણાવની સંભાવનાઓ જોવાઈ રહી છે ત્યારે 90 ટન જેટલો લશ્કરી સરંજામ અમેરિકાથી યુક્રેન પહોંચી ચૂક્યો છે.

અમેરિકાનો આ લશ્કરી સરંજામ રશિયા અને અમેરિકાના વિદેશમંત્રીઓની તણાવ ઓછો કરવા માટેની વાતચીત બાદ પહોંચ્યો છે.

અમેરિકાનું કહેવું છે કે આ લશ્કરી મદદ યુક્રેન પોતાનું રક્ષણ કરી શકે તે માટે છે તે આવી મદદ કરતું રહેશે અને આ મદદનો પહેલો જથ્થો છે.

અમેરિકાથી યુક્રેનને પહોંચેલી લશ્કરી મદદ

ઇમેજ સ્રોત, US EMBASSY KYIV

ઇમેજ કૅપ્શન, અમેરિકાથી યુક્રેનને પહોંચેલી લશ્કરી મદદ

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ જો બાઇડને ડિસેમ્બરમાં 200 મિલિયન ડૉલરનું સુરક્ષા પૅકેજ મંજૂર કર્યું હતું.

રશિયાનાં દળો યુક્રેન પર આક્રમણ માટેની તૈયારી કરી રહ્યાં છે? અમેરિકાના પ્રમુખ જો બાઇડનને લાગે છે કે કોઈક લશ્કરી પગલું લેવામાં આવશે.

રશિયા પશ્ચિમના દેશો પાસેથી એવી ખાતરી મેળવવા માગે છે કે યુક્રેનને નાટો સંગઠનમાં જોડવામાં નહીં આવે. હાલમાં બંને પક્ષો વચ્ચે સંગઠન માટે વાટાઘાટ ચાલી રહી છે.

આગળ શું થાય છે તેના પર યુરોપની સુરક્ષાની વ્યવસ્થાનું આખું માળખું જોખમમાં આવી શકે છે.

line

1. રશિયા શા માટે યુક્રેનને ધમકી આપે છે?

રશિયા-યુક્રેન

ઇમેજ સ્રોત, Russian Defense Ministry

રશિયા આક્રમણનો કોઈ ઇરાદો હોવાનો ઇનકાર કરે છે, પરંતુ તેણે યુક્રેનો કેટલોક વિસ્તાર કબજે કરી લીધો છે અને તેની સરહદે લગભગ 100,000 સૈનિકો ગોઠવી દીધા છે.

યુક્રેન યુરોપની સંસ્થાઓ સાથે સંબંધો બાંધે અને ખાસ કરીને નાટોમાં જોડાવા માગતું હોય તે વાતનો રશિયાએ પહેલેથી જ વિરોધ કર્યો છે.

યુક્રેનની સરહદ યુરોપ અને રશિયા બંનેને લાગે છે, પરંતુ સોવિયેટ સંઘના હિસ્સા તરીકે યુક્રેનના વધારે ગાઢ સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો રશિયા સાથે રહ્યા છે. યુક્રેનમાં રશિયન બોલનારા લોકોની સંખ્યા પણ ખાસ્સી છે.

2014માં યુક્રેનમાં રશિયન તરફી પ્રમુખને હટાવી દેવાયા, તે પછી રશિયાએ દક્ષિણમાં આવેલા ક્રિમિયા વિસ્તારને પોતાનામાં ભેળવી લીધો હતો. આ ઉપરાંત પૂર્વ યુક્રેનમાં ઘણા મોટા વિસ્તારમાં કબજો જમાવીને બેઠેલા બળવાખોરોને પણ રશિયા ટેકો આપી રહ્યું છે.

રશિયાના સમર્થન સાથે રશિયા તરફી બળવાખોરો યુક્રેનની સેના સામે લડી રહ્યા છે અને તેના કારણે અત્યાર સુધીમાં 14,000થી વધુ લોકોનાં મોત થયાં છે.

line

2. આક્રમણ થવાની શક્યતા કેટલી છે?

રશિયા-યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

રશિયા કહે છે કે યુક્રેન પર હુમલો કરવાની તેની કોઈ યોજના નથી: લશ્કરના વડા વેલેરી ગેરાસિમોવે પણ કહ્યું છે કે આક્રમણ કરવાની તૈયારી થઈ ગઈ હોવાના અહેવાલો ખોટા છે.

જોકે તંગદિલી વધી ગઈ છે અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે "જરૂરી લશ્કરી-ટેક્નિકલ વળતાં પગલાં લેવાશે" જો પશ્ચિમનું, તેમના કહેવા પ્રમાણેનું આક્રમક વલણ ચાલતું રહેશે તો.

નાટોના સેક્રેટરી જનરલે ચેતવણી આપી છે કે લડાઈ થવાનું જોખમ વધી ગયું છે અને પ્રમુખ બાઇડને પણ કહ્યું છે કે રશિયા આક્રમણ કરશે એવું લાગે છે.

અમેરિકાએ કહ્યું છે કે યુક્રેનની નજીક "બહુ ટૂંકા ગાળામાં" લશ્કરી દળોની સંખ્યા વધારી દેવાની રશિયાની યોજના હોવાની તેને જાણ થઈ છે.

હાલમાં અસ્થિર એવો યુદ્ધવિરામ થયેલો છે, પરંતુ યુક્રેનની સેના અને બળવાખોરો વચ્ચે ઘર્ષણ ચાલતું જ રહ્યું છે.

પણ સૌથી વધુ ચિંતાનું કારણ એ છે કે રશિયાનાં દળો યુક્રેનની સરહદને પાર કરીને સક્રિય થઈ ગયાં છે.

પશ્ચિમનાં જાસૂસી તંત્રોના અંદાજ અનુસાર 100,000 જેટલા સૈનિકો છે.

ઘર્ષણ સમર્જાવાનું જોખમ વાસ્તવિક બની રહ્યું છે એવું નાટોના વડાએ કહ્યું, પરંતુ તાત્કાલિક યુદ્ધ ફાટી નીકળે તેવું લાગતું નથી.

અમેરિકા કહે છે કે યુક્રેનની નજીક સેનાને ગોઠવવા પાછળનું કોઈ કારણ રશિયાએ આપ્યું નથી અને અને રશિયાના સૈનિકો અને ટૅન્કો બેલારૂસ તરફ એક્સર્સાઇઝ કરવા આગળ વધી રહ્યાં છે.

રશિયાના નાયબ વિદેશમંત્રીએ હાલની સ્થિતિને 1962ના ક્યુબન મિસાઇલ સંકટ સાથે સરખાવી છે. તે વખતે અમેરિકા અને સોવિયેટ સંઘ એક બીજા સામે અણુ યુદ્ધ પર ઊતરી આવે તેવું લાગતું હતું.

પશ્ચિમનાં જાસૂસી તંત્રોના જણાવ્યા અનુસાર રશિયા આ વર્ષે સરહદ પાર કરશે તેવું લાગે છે.

line

3. રશિયા નાટો પાસેથી શું ખાતરી ઈચ્છે છે?

રશિયા-યુક્રેન

ઇમેજ સ્રોત, EPA

રશિયાએ નાટો સાથેના સંબંધોને નવેસરથી ઘડવા માટેની વાત કરી છે.

રશિયાના નાયબ વિદેશમંત્રી સર્ગેઇ રાઇબકોવે કહ્યું છે કે "અમારા માટે એ અનિવાર્ય છે કે અમે યુક્રેનને ક્યારેય નાટોનું સભ્ય ના બનવા દઈએ."

મૉસ્કોએ આક્ષેપો મૂક્યા છે કે નાટોએ યુક્રેનમાં શસ્ત્રો મોકલ્યાં છે અને અમેરિકા આગ ભડકાવી રહ્યું છે.

પ્રમુખ પુતિને ફરિયાદ કરી છે કે રશિયા માટે "હવે પીછેહઠ કરવાની કોઈ જગ્યા રહી નથી. શું તમને એમ લાગે છે કે અમે હાથ જોડીને બેઠા રહીશું?"

હકીકતમાં રશિયા ઇચ્છે છે કે 1997 પહેલાં નાટો જ્યાં હતું ત્યાં સુધી પાછું ફરે.

રશિયાની માગણી છે કે નાટોનો વિસ્તાર ન થવો જોઈએ અને પૂર્વ યુરોપમાં નાટોની લશ્કરી પ્રવૃત્તિઓ ચાલે છે તે બંધ થવી જોઈએ.

રશિયાની માગણી પ્રમાણે આક્રમક દળોને પાછા હટાવીને પોલૅન્ડ અને ઇસ્ટોનિયા, લાતિવિયા અને લિથુઆનિયા સુધી પાછા લઈ જવાં પડે. પોલૅન્ડ અને રોમાનિયા જેવા દેશોમાં મિસાઇલ રાખવી જોઈએ નહીં.

રશિયાએ અમેરિકા સાથે એવી સમજૂતિ માટેની દરખાસ્ત કરી છે કે બંને દેશોએ માત્ર પોતાની રાષ્ટ્રીય સરહદોમાં જ અણુ શસ્ત્રો રાખવાં.

line

4. રશિયા યુક્રેન પાસેથી શું ઈચ્છે છે?

રશિયા-યુક્રેન

ઇમેજ સ્રોત, AFP

ઐતિહાસિક રીતે યુક્રેન પોતાની સાથે જોડાયેલું રહ્યું છે એવો દાવો કરીને રશિયાએ ક્રિમિયા કબજે કરી લીધું હતું.

સોવિયેટ સંઘ ડિસેમ્બર 1991માં વિખેરાઈ ગયું તેમાં યુક્રેન પણ હતું. એ ઘટનાને પુતિને ઐતિહાસિક રશિયાનું વિઘટન ગણાવ્યું છે.

યુક્રેન વિશે પુતિન શું વિચારે છે તેનો અણસાર ગયા વર્ષ તેમણે લખેલા એક લાંબા લેખમાં મળ્યો હતો. તેમણે લખ્યું હતું કે રશિયન અને યુક્રેનિયન "એક રાષ્ટ્ર" છે અને આક્ષેપ કર્યો હતો કે યુક્રેનના હાલના શાસકો "રશિયાવિરોધી યોજના" ચલાવી રહ્યા છે.

રશિયાની એ પણ ફરિયાદ છે કે પૂર્વ યુક્રેનમાં શાંતિ સ્થાપના માટે 2015માં મિન્સ્ક શાંતિકરાર થયા હતા તેનું પણ પાલન થયું નથી.

પૂર્વમાં જુદા પડેલા આ પ્રદેશમાં સ્વતંત્ર રીતે ચૂંટણીઓ યોજવા વિશે હજી સહમતિ થઈ શકી નથી. રશિયા એવા દાવો પણ નકારે છે કે આ લાંબા સમયથી ચાલતા ઘર્ષણમાં તેની કોઈ ભૂમિકા હોય.

line

5. શું રશિયાની લશ્કરી કાર્યવાહી અટકાવી શકાશે?

રશિયા-યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

પુતિને ઘણી વાર બાઇડન સાથે વાતચીત કરી છે અને ઉચ્ચ કક્ષાએ વાટાઘાટ પણ ચાલતી રહી છે, પણ રશિયન અધિકારીઓનું કહેવું છે કે તેમની મુખ્ય માગણીઓને પશ્ચિમ સ્વીકારી રહ્યું નથી તેથી કોઈ ઉકેલ આવતો નથી.

સવાલ એ છે કે રશિયા કઈ હદે જઈ શકે છે. પ્રમુખ બાઇડને ચેતવણી આપી છે કે રશિયા મોટા પાયે આક્રમણ કરશે તો તે રશિયા માટે હાનિકારક હશે.

પરંતુ જો થોડી ઘૂસણખોરી થઈ તો પછી પશ્ચિમ "કેવી રીતે આગળ વધવું તે વિશે સર્વસંમત થઈ શકશે નહીં" એવું તેમણે કહ્યું હતું, જેના કારણે વિવાદ થયો હતો.

અમેરિકાએ કહ્યું છે કે સરહદની પાર કોઈ પણ કાર્યવાહી થશે તેને આક્રમણ જ ગણવામાં આવશે, પણ સાથે એવું પણ કહ્યું છે કે રશિયા સાયબર ઍટેક અને પૅરામિલિટરીથી પણ કાર્યવાહી કરી શકે છે.

પેન્ટાગોનનો આક્ષેપ છે કે રશિયા નકલી ફ્લેગ ઍપરેશન કરવા માગે છે અને રશિયાતરફી બળવાખોરો પર હુમલાનો દેખાવ કરીને તે બહાને આક્રમણ કરવા માગે છે.

રશિયાએ બળવાખોરોના કબજામાં રહેલા પ્રદેશમાં 500,000 લોકોને પાસપોર્ટ આપ્યા છે. તેના કારણે પોતે પોતાના નાગરિકોને બચાવવા માટે કાર્યવાહી કરી રહ્યું છે એવું પણ બહાનું કાઢી શકે છે.

જોકે રશિયાનો ઇરાદો પોતાની આસપાસથી નાટોને હઠાવવાનો હોય તો તેમાં તેને સફળતા મળે તેવું લાગતું નથી.

નાટોમાં 30 દેશો સભ્ય છે અને પોતાના હાથ બાંધી લેવાની બાબતમાં પ્રથમથી જ કોઈ પ્રયાસોને સ્વીકાર્યા નથી.

અમેરિકાના નાયબ વિદેશમંત્રી વૅન્ડી શૅરમૅને કહ્યું છે કે "અમે નાટોની સૌને સમાવી લેવાની નીતિ સામે પડનારા કોઈને પણ ચલાવી લેવા માગતા નથી."

યુક્રેન નાટોમાં જોડાવા માટેનો સ્પષ્ટ સમયબદ્ધ કાર્યક્રમ ઇચ્છે છે અને નાટોએ કહ્યું છે રશિયાને "આ પક્રિયામાં દખલ દેવાનો કોઈ અધિકાર નથી, તેનો કોઈ વીટો નથી."

નાટોના સભ્યદેશ તરીકે રહેલા સ્વિડન અને ફિનલૅન્ડે પણ સંગઠન સાથે પોતાના સંબંધો ગાઢ કરવાની બાબતમાં રશિયાનો વિરોધ નકારી કાઢ્યો છે.

ફિનલૅન્ડના વડા પ્રધાને કહ્યું છે કે "અમે અમારી રીતે કામ કરવાની વાતને પડતી મૂકીશું નહીં."

line

6. યુક્રેનને બચાવવા પશ્ચિમ કઈ હદે જઈ શકે?

રશિયા-યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે યુક્રેનનાં સાર્વભૌમત્વને અને સરહદોને જાળવવા માટે પોતે પ્રતિબદ્ધ છે.

પશ્ચિમ આ માટે મહદ અંશે પ્રતિબંધો લગાવીને તથા શસ્ત્રો સહિતની લશ્કરી સહાય કરીને કામ કરવા માગે છે.

પ્રમુખ બાઇડને રશિયાના નેતાઓને ચેતવણી આપી છે કે યુક્રેન પર આક્રમણ થશે તો એવાં પગલાં લેવાશે "જેવા આજ સુધીમાં ક્યારેય ના લેવાયાં હોય." પણ આવાં પગલાં એટલે ખરેખર શું?

સૌથી મોટો આર્થિક પ્રતિબંધ રશિયાની બૅન્કિંગ સિસ્ટમને સ્વીફ્ટ પેમેન્ટ સિસ્ટમથી અલગ કરી દેવાનો છે.

જોકે આ અંતિમ પગલું જ ગણાય છે, પણ લાતિવિયાએ કહ્યું છે કે તે મૉસ્કોને આકરો પાઠ ભણાવશે.

બીજો પ્રતિબંધ જર્મનીમાં રશિયાની નોર્ડ સ્ટ્રીમ 2 ગૅસ પાઇનલાઇનને આગળ વધતી અટકાવવાનો છે. જર્મનીમાં ઊર્જાનિયંત્રણ સંસ્થા હાલમાં આ યોજનાને મંજૂરી આપવી કે નહીં તેની વિચારણા કરી રહ્યું છે.

જર્મનીના વિદેશમંત્રીએ કહ્યું છે કે જો રશિયા તરફથી આક્રમકતા વધશે તો "આ પાઇપલાઇનનું કામકાજ ચાલુ થઈ શકશે નહીં".

આ ઉપરાંત રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સામે પગલાં લેવાનો તથા રુબલને વિદેશી હૂંડિયામણમાં ફેરવતી બૅન્કો પર પ્રતિબંધ મૂકવા સહિતની બાબતનો વિચાર થઈ શકે છે.

line

7. શું પશ્ચિમ સંયુક્ત રીતે પ્રતિસાદ આપશે?

રશિયા-યુક્રેન

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાએ કહ્યું છે કે તે પોતાના સાથી દેશોની સાથે મળીને કામ કરશે, પરંતુ આ બાબતમાં અમેરિકા અને યુરોપ વચ્ચે વિભાજનની સ્થિતિ છે.

યુરોપના નેતાઓ કહે છે કે રશિયા માત્ર અમેરિકા સાથે જ સમજૂતિ કરે તે ચાલે નહીં.

ફ્રાન્સે દરખાસ્ત મૂકી છે યુરોપના દેશો પહેલાં નાટો સાથે વાત કરી લે અને તે પછી રશિયા સાથે પોતાની રીતે વાટાઘાટ કરે.

યુક્રેનના પ્રમુખ ઇચ્છે છે કે આનો ઉકેલ લાવવા માટે આંતરરાષ્ટ્રીય પરિષદ બોલાવવામાં આવે, જેમાં રશિયા સાથે ફ્રાન્સ અને જર્મની પણ ભાગ લે.

નોર્મન્ડી ક્વાર્ટેટ તરીકે ઓળખાતા આ ચાર દેશો વચ્ચે નિયમિત વાતચીત ચાલતી રહી છે, પણ યુક્રેનના મામલે કોઈ પણ સમજૂતિ થાય તેમાં નાટોને દૂર રાખવાની શરતને રશિયા આગળ મૂકી રહ્યું છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો