ચીન-તાઇવાન : વિવાદ શું છે અને પરિસ્થિતિ કેમ બગડી રહી છે?

ઇમેજ સ્રોત, @SpeakerPelosi/Twitter
- લેેખક, ડેવિડ બ્રાઉન
- પદ, બીબીસી ન્યૂઝ
ચીનના વિરોધ છતાં અમેરિકન કૉંગ્રેસનાં સ્પીકર નૅન્સી પેલોસી તાઇવાન પહોંચ્યાં છે. સ્પીકર નૅન્સી પેલોસી અને કૉંગ્રેસના પ્રતિનિધિમંડળના સભ્યોએ તાઇવાન પહોંચીને એક નિવેદન પણ જાહેર કર્યું છે.
તેમણે કહ્યું છે, "અમારા કૉંગ્રેસના પ્રતિનિધિમંડળનો તાઇવાન પ્રવાસ અહીંના જીવંત લોકતંત્રનું સમર્થન કરવા માટે અમેરિકના અડગ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. "
"આ અમારો ઇન્ડો-પૅસિફિક પ્રવાસનો ભાગ છે, જેમાં સિંગાપોર, મલેશિયા, દક્ષિણ કોરિયા અને જાપાન સામેલ છે. આ પ્રવાસ સુરક્ષા, આર્થિક ભાગીદારી અને લોકતાંત્રિક શાસનના મુદ્દાઓ પર કેન્દ્રીત છે."

તાઇપેમાં ઊતર્યાં બાદ નૅન્સી પેલોસીએ તાઇવાનની લોકશાહી માટે અમેરિકાના અડગ સમર્થનની વાત ઉચ્ચારી હતી અને કહ્યું હતું આ મુલાકાત સ્વશાસિત ટાપુ માટે અમેરિકાની લાંબા ગાળાની નીતિ સાથે સંપૂર્ણ રીતે સંમત છે.
નૅન્સી પેલોસીએ ચીન તરફથી વધતી ધમકીને જોતાં તાઇવાનના 2.3 કરોડ લોકો માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.
આ દરમિયાન ચીને અમેરિકાને પેલોસીની તાઇવાન મુલાકાતના પરિણામ ભોગવવાની ધમકી આપી છે.
અમેરિકન કૉંગ્રેસનાં સ્પીકર નૅન્સી પેલોસીની તાઇવાન યાત્રા પર ભારતસ્થિત ચીનના દૂતાવાસે પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. અમેરિકાને પરિણામ ભોગવવા ચેતવણી આપી છે.
નૅન્સી પેલોસીની તાઇવાનની મુલાકાતથી રોષે ભરાયેલા ચીને જાહેરાત કરી હતી કે તે ખૂબ સાંકડા એવા તાઇવાન સ્ટ્રેટમાં પોતાના તરફના તટીય વિસ્તારથી લાઇવ ઍમ્યુનિશન સાથે સૈન્ય અભ્યાસ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનના ઍરફોર્સ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે ચીન પોતાની સંપ્રભુતાનું રક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે એ દાખવવા માટે તાઇવાન નજીક ફાઇટર જેટ મોકલશે.
મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલી વખત નથી કે તાઇવાનને લઈને ચીને આ પ્રકારનું વલણ અપનાવ્યું છે. દાયકાઓથી નાનકડો દેશ તાઇવાન ચીન માટે સંવેદનશીલ મુદ્દો રહ્યો છે.

તાઇવાન અંગે વિવાદ કેમ?

ઇમેજ સ્રોત, AFP
આ વર્ષની વાત કરીએ તો જાન્યુઆરીમાં ચીનનાં પાંચ લડાયક વિમાનોએ ફરી એક વાર તાઇવાનની સરહદમાં ઘૂસણખોરી કરી હતી.
ચીનનાં લડાયક વિમાનોએ ગયા વર્ષે વિક્રમજનક ઘૂસણખોરી કર્યા બાદ આ વર્ષે માત્ર એક જ પખવાડિયામાં નવ વખત તાઇવાનની હવાઈસીમામાં પ્રવેશ્યાં હતાં.
ઘૂસણખોરીની આ ઘટનાથી ચીન અને તાઇવાન વચ્ચેની તંગદીલી સતત વધી રહી છે. એનું વાસ્તવિક કારણ તાઇવાનને 'ચીનમાં ભેળવી દેવાનું' લક્ષ્ય છે.
અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહેલું કે, "તાઇવાનની સાથે ચીનનું એકીકરણ ફરી એક વાર ચોક્કસ થશે." આ હેતુ પાર પાડવા માટે એમણે શક્તિનો ઉપયોગ કરવાની સંભાવનાઓને નકારી નહોતી.
ચીન માને છે કે તાઇવાન એનો જ એક પ્રાંત છે, જે છેવટે એક દિવસ ફરીથી ચીનનો ભાગ બની જશે. બીજી બાજુ, તાઇવાન પોતાને એક સ્વતંત્ર દેશ માને છે.
એનું પોતાનું બંધારણ છે અને ત્યાંના લોકો દ્વારા ચૂંટાયેલી સરકારનું શાસન છે. તાઇવાન દક્ષિણ-પૂર્વીય ચીની તટથી લગભગ 100 માઈલ દૂર સ્થિત એક ટાપુ છે.
એ "પહેલી દ્વીપશ્રુંખલા"માં છે જ્યાં અમેરિકાના સમર્થક ઘણા દેશ છે. અમેરિકાની વિદેશનીતિના દૃષ્ટિકોણથી આ બધા જ ટાપુઓ ખૂબ મહત્ત્વના છે.
જો તાઇવાન પર ચીન કબજો કરી લે તો, પશ્ચિમના ઘણા વિશેષજ્ઞોના મત પ્રમાણે, તે પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં પોતાનો દબદબો ઊભો કરવા માટે મુક્ત થઈ જશે. ત્યાર બાદ ગુઆમ અને હવાઈ ટાપુઓમાં રહેલાં અમેરિકન સૈનિક થાણાં માટે પણ જોખમ ઊભું થઈ શકે છે.
જોકે, ચીનનો દાવો છે કે એના ઇરાદા સંપૂર્ણ શાંતિપૂર્ણ છે.

તાઇવાન ચીનથી છૂટું કેમ પડ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
લગભગ બીજા વિશ્વયુદ્ધ પછી બંને વચ્ચે અલગાવની સ્થિતિ ઊભી થઈ હતી.
એ સમયે ચીનની મુખ્ય ભૂમિમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની ત્યાંની સત્તાધારી નૅશનલિસ્ટ પાર્ટી (કુઓમિંતાંગ) સાથે લડાઈ ચાલતી હતી.
1949માં માઓત્સે તુંગના નેતૃત્વમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટી જીતી ગઈ અને પાટનગર બીજિંગ પર કબજો કરી લીધો.
ત્યાર બાદ, કુઓમિંતાંગના લોકો મુખ્ય ભૂમિ પરથી ભાગીને દક્ષિણ-પશ્ચિમી ટાપુ તાઇવાન જતા રહ્યા.
આ ઘટના પછીથી અત્યાર સુધી કુઓમિંતાંગ તાઇવાનની સૌથી મહત્ત્વની પાર્ટી ગણાય છે. તાઇવાનના ઇતિહાસમાં મોટા ભાગના સમય સુધી કુઓમિંતાંગ પાર્ટીનું જ શાસન રહ્યું છે.
હાલમાં દુનિયાના માત્ર 13 જ દેશ તાઇવાનને એક અલગ અને સાર્વભૌમ દેશ માને છે.
બીજા દેશો તાઇવાનને માન્યતા ન આપે તે માટે એમના પર ચીનનું ખાસ્સું રાજદ્વારી દબાણ રહે છે.
ચીનની કોશિશ એવી હોય છે કે બીજા દેશ એવું કંઈ ના કરે જેનાથી તાઇવાનને પોતાની ઓળખ મળે.
તાઇવાનના સુરક્ષામંત્રીએ કહ્યું કે ચીન સાથેના એમના સંબંધો છેલ્લાં 40 વર્ષોના સૌથી ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યા છે.

શું તાઇવાન પોતાની સુરક્ષા જાતે કરી શકે એમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
લશ્કરી પગલાં સિવાયનાં પગલાં ભરીને પણ ચીન તાઇવાનનું ફરીથી એકીકરણ કરી શકે છે.
બંને દેશના આર્થિક સંબંધોને મજબૂત કરવાથી આવું થઈ શકે.
પરંતુ, બંને દેશ વચ્ચે જો યુદ્ધ થયું તો ચીનની સામે તાઇવાનની સૈન્યશક્તિ વામણી સાબિત થશે.
અમેરિકાને બાદ કરતાં દુનિયાના કોઈ પણ દેશ કરતાં ચીનનો પોતાના સૈન્ય માટેનો ખર્ચ સૌથી વધારે છે. એની સૈન્યશક્તિ ઘણાં વૈવિધ્યવાળી અને વિશાળ છે.
મિસાઇલ ટેકનૉલૉજી જુઓ કે નૌસેના કે વાયુસેનાને; સાઇબર હુમલા કરવામાં પણ થોડાક જ દેશો ચીનનો મુકાબલો કરવાની ક્ષમતા ધરાવે છે.

સૈન્યશક્તિમાં ચીનની તોલે કોઈ નહીં
ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (આઇઆઇએસએસ) અનુસાર, ચીનની પાસેના દરેક પ્રકારના સૈનિકો ગણી લઈએ તો એની પાસે 20.35 લાખ સક્રિય સૈનિક છે.
સામે, તાઇવાન પાસે માત્ર 1.63 લાખ સક્રિય સૈનિક છે.
આ રીતે, આ બાબતમાં તાઇવાન કરતાં ચીનની શક્તિ લગભગ 12 ગણી વધુ થઈ.
વાત જો ભૂમિદળ પૂરતી કરીએ તો, ચીનમાં 9.65 લાખ ભૂમિદળના સૈનિકો છે, જ્યારે તાઇવાનમાં એના અગિયારમા ભાગ જેટલા એટલે કે માત્ર 88 હજાર.
તો નૌસેનામાં ચીન પાસે 2.60 લાખ કર્મચારી છે અને તાઇવાન પાસે માત્ર 40 હજાર.
ચીનના હવાઈદળમાં લગભગ 4 લાખ લોકો છે, પરંતુ તાઇવાન પાસે માત્ર 35 હજાર કર્મચારી છે. આ બધા ઉપરાંત, ચીનની પાસે 4.15 લાખ અન્ય સૈનિકો પણ છે, સામે, તાઇવાન પાસે આવું કશું નથી.
પશ્ચિમના ઘણા વિશેષજ્ઞોનું અનુમાન છે કે બંને દેશ વચ્ચે જો સામસામી ટક્કર થાય તો ખૂબ પ્રયાસો કરે ત્યારે તાઇવાન ચીનના હુમલાને થોડોક ધીમો પાડી શકે.
એને અમેરિકાની મદદ મળી શકે એમ છે, જે તાઇવાનને શસ્ત્રસરંજામ વેચે છે. જોકે, અમેરિકાની ઔપચારિક નીતિ 'રાજદ્વારી અસ્પષ્ટતા'ની રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો અમેરિકા જાણીબૂઝીને પોતાની નીતિને સ્પષ્ટ નથી કરતું કે હુમલો થાય એવી પરિસ્થિતિમાં એ તાઇવાનની કેવી અને કેટલી મદદ કરશે.
રાજદ્વારી રીતે ચીન હાલ તો "એક ચીનની નીતિ"નું સમર્થન કરે છે. એનો અર્થ એ થયો કે અમેરિકાની સત્તાવાર લાઇન છે કે બીજિંગ સરકાર જ ચીનની ખરી પ્રતિનિધિ છે. એના તાઇવાનના બદલે ચીન સાથે ઔપચારિક સંબંધ છે.

શું પરિસ્થિતિ બગડતી જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
2021માં, તાઇવાનના ઍર ડિફેન્સ ઝોનમાં પોતાનાં લડાયક વિમાનો મોકલીને ચીન એના પર દબાણ ઊભું કરતું જોવા મળ્યું.
કોઈ પણ દેશનો ઍર ડિફેન્સ ઝોન અર્થાત્ હવાઈ સુરક્ષાક્ષેત્ર એવો વિસ્તાર હોય છે જ્યાં દેશની સુરક્ષા માટે વિદેશી વિમાનોને ઓળખીને એના પર નજર અને નિયંત્રણ રખાય છે.
તાઇવાને 2020માં પોતાની હવાઈ રક્ષાસીમામાં ઘૂસી આવેલાં વિમાનોના આંકડા સાર્વજનિક કર્યા છે. જેમાં ગયા વર્ષના ઑક્ટોબરમાં આ પ્રકારની ઘૂસણખોરીમાં વધારો જોવા મળ્યો છે.
ઑક્ટોબર 2021માં માત્ર એક જ દિવસમાં ચીનનાં 56 વિમાનો તાઇવાનના વિસ્તારોમાં ઘૂસ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

દુનિયા માટે તાઇવાન મહત્ત્વપૂર્ણ શા માટે?

તાઇવાનની અર્થવ્યવસ્થા દુનિયા માટે ઘણી મહત્ત્વપૂર્ણ છે.
દુનિયામાં રોજિંદા ઉપયોગમાં આવતાં ઇલેક્ટ્રોનિક્સ ગૅજેટ જેવાં કે ફોન, લૅપટૉપ, ઘડિયાળ અને ગેમિંગ ઉપકરણોમાં જે ચિપ લાગે છે એનો મોટો ભાગ તાઇવાનમાં બને છે.
હાલ તો ચિપની બાબતમાં તાઇવાન દુનિયાની સૌથી મોટી જરૂરિયાત છે. ઉદાહરણ તરીકે 'વન મેજર' નામની કંપની લઈએ.
એકલી આ કંપની જ દુનિયાની અડધાથી વધુ ચિપનું ઉત્પાદન કરે છે.
2021માં દુનિયાનો ચિપઉદ્યોગ લગભગ 100 અબજ ડૉલરનો હતો અને એના પર તાઇવાનનો દબદબો છે.
જો તાઇવાનને ચીન કબજે કરી લે તો દુનિયાનો ખૂબ મહત્ત્વનો ઉદ્યોગ ચીનના નિયંત્રણમાં આવી જશે.

તાઇવાનના લોકોમાં કેવીક ચિંતા?

ઇમેજ સ્રોત, Getty Images
ચીન અને તાઇવાન વચ્ચે તણાવ વધ્યો હોવા છતાં તાજેતરનાં સંશોધનો દર્શાવે છે કે ત્યાંના લોકો પર એની વધારે અસર નથી થઈ.
ઑક્ટોબરમાં તાઇવાન પબ્લિક ઓપિનિયન ફાઉન્ડેશને લોકોને પૂછેલું કે શું તેમને લાગે છે કે ચીનની સાથે યુદ્ધ થશે જ. તાઇવાનના લગભગ 64 ટકા લોકોએ આનો જવાબ 'ના'માં આપ્યો.
તો બીજા એક રિસર્ચમાં માહિતી મળી કે તાઇવાનના મોટા ભાગના લોકો પોતાને ચીની લોકોથી અલગ માને છે.
નૅશનલ ચેંગ્ચી યુનિવર્સિટીના એક સરવેમાં જાણવા મળ્યું કે 1990ની તુલનાએ આજના સમયે તાઇવાનમાં આંતરિક રીતે લોકોની તાઇવાની ઓળખ વધતી રહી છે. લોકોની પોતાને ચીની, કે તાઇવાની અને ચીની બંને માનવાની પ્રકૃતિ પહેલાં કરતાં ઘણી ઘટી ગઈ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














