અમદાવાદથી અડધી વસ્તી ધરાવતા દેશ લિથુઆનિયાએ શક્તિશાળી ચીન સામે બાથ ભીડી
- લેેખક, મારપિચેલ પિચેલ સી
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
આ ફક્ત 2.8 મિલિયન એટલે કે ફક્ત 28 લાખની વસ્તી ધરાવતો નાનો દેશ છે.
આ રીતે એની વસ્તી ગુજરાતના અમદાવાદથી લગભગ અડધી છે. પણ આટલો નાનો દેશ અત્યારે દુનિયાના સૌથી ધનિક અને શક્તિશાળી દેશ ચીનને પડકારી રહ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા થોડા મહિનાઓમાં લિથુઆનિયાએ તાઇવાન સાથે એના સંબંધોના ગાઢ કર્યા છે, જેનાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. આપણે જાણીએ છીએ કે, ચીન વર્ષોથી ટાપુ રાષ્ટ્ર તાઇવાન પર એનો દાવો કરી રહ્યો છે.
લિથુઆનિયાએ તાજેતરમાં બળતામાં ઘી હોમ્યું છે અને તાઇવાનને રાજકીય દૂતાવાસ ખોલવાની મંજૂરી આપી છે. એનાથી ચીન વધુ રોષે ભરાયું છે અને લિથુઆનિયા સાથે એના રાજદ્વારી સંબંધોમાં ઘટાડો કર્યો છે.
અહીં અમે તમને આ વિવાદ કે સંઘર્ષની પૃષ્ઠભૂમિ શું છે એ વિશે અને નાનકડો યુરોપિયન દેશ લિથુઆનિયા એશિયાની મહાસત્તા ગણાતા ચીન સામે કેવી રીતે બાથ ભીડી રહ્યો છે એ વિશે જણાવી રહ્યા છીએ.

સાર્વભૌમત્વનો પ્રશ્ર

ઇમેજ સ્રોત, Getty Images
લિથુઆનિયા અને ચીન વચ્ચે વિવાદની શરૂઆત ચાલુ વર્ષે ઉનાળામાં થઈ હતી. તાઇવાને જાહેરાત કરી હતી કે, લિથુઆનિયામાં તાઇવાન રિપ્રેઝન્ટેટિવ ઑફિસ નામે એનું રાજકીય દૂતાવાસ શરૂ કરશે. આ જાહેરાત થયા પછી ચીનને ઑગસ્ટમાં એના રાજદૂતને લિથુઆનિયામાંથી પાછા બોલાવી લીધા હતા.
યુરોપ અને અમેરિકામાં તાઇવાનના અન્ય રાજકીય દૂતાવાસો ટાપુ રાષ્ટ્રનો સંદર્ભ ટાળવા તાઇવાનની રાજધાની તાઇપેઇ નામનો ઉપયોગ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીને તાઇવાનની આ હરકતને એના જ એક પ્રાંતના બળવા સમાન ગણાવી હતી, પણ તાઇવાન પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર માને છે.
લિથુઆનિયામાં તાઇવાનની નવી ઑફિસ 18 નવેમ્બરના રોજ શરૂ થઈ હતી, જે 18 વર્ષ પછી યુરોપમાં ટાપુ રાષ્ટ્રની પ્રથમ રાજદ્વારી દૂતાવાસ છે.
જ્યારે આ દૂતાવાસ સત્તાવાર રાજદ્વારી સંબંધોની શરૂઆતનું પ્રતીક નથી, ત્યારે એને બંને દેશો વચ્ચે ગાઢ થતા સંબંધોનો સંકેત ચોક્ક્સ ગણી શકાશે.
ચીનના વિદેશ મંત્રાલયે લિથુઆનિયાના પગલાને "ચીનના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર પરોક્ષ રીતે પ્રહાર" ગણાવ્યો હતો અને એનાથી "આંતરરાષ્ટ્રીય સ્તરે ખોટું ઉદાહરણ" સ્થાપિત થયું હોવાની પ્રતિક્રિયા આપી હતી.
ચીને સમજાવ્યું હતું કે, ચીન લિથુઆનિયા સાથે એના રાજદ્વારી સંબંધોમાં એક પગલું પીછેહઠ કરી રહ્યું છે અને કાયમી રાજદૂતને સ્થાને કામચલાઉ રાજદૂતથી કામ ચલાવશે.
વિદેશી સંબંધોમાં આ પ્રકારના પગલાને ચાર્જ ડી' અફેર્સ કહેવાય છે, જેમાં કાયમી રાજદૂતનું સ્થાન કામચલાઉ કે ઉપરાજદૂત લે છે.
"વન ચાઇના" સિદ્ધાંત અંતર્ગત "બેઇજિંગનું કહેવું છે કે, તાઇવાન એ ચીનનું અભિન્ન અંગ છે, જે એક દિવસ ફરી જોડાશે."
બીજી તરફ "વન ચાઇના" નીતિ બેઇજિંગનું સત્તાવાર રાજદ્વારી વલણ વ્યક્ત કરે છે અને એમાં ચીનની ફક્ત એક સરકાર પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ નીતિ અંતર્ગત ચીન ટાપુ તાઇવાનને એક અલગ દેશ તરીકે માન્યતા આપનાર દેશો સાથે સંબંધ રાખતો નથી, જેના પગલે તાઇવાન સાથે દુનિયાના બહુ ઓછા દેશો રાજદ્વારી સંબંધો ધરાવે છે.
અત્યારે વેટિકનના ઉમેરા સહિત ફક્ત 14 દેશો તાઇવાન સાથે રાજદ્વારી સંબંધો ધરાવે છે.
તેમાંથી મોટા ભાગના દેશો નાના ટાપુઓ છે, જેમાં બેલિઝે, ગ્વાતેમાલા, હોન્ડુરસ અને નિકારગુઆ જેવા મધ્ય અમેરિકાના કેટલાક દેશોનું વલણ અલગ છે. પેરાગ્વે એકમાત્ર દક્ષિણ અમેરિકન દેશ છે, જેણે તાઇવાનને માન્યતા આપી છે.
જોકે ચીન અને લિથુઆનિયા વચ્ચે તાઇવાનનું રાજકીય દૂતાવાસ ખોલવું એ મુદ્દાને લઈને જ સંઘર્ષ નથી.
બાલ્ટિક દેશ લિથુઆનિયાએ સપ્ટેમ્બરમાં એના દેશવાસીઓને ચાઇનીઝ ફોનનો ઉપયોગ બંધ કરવાની અને એની ખરીદી ન કરવાની અપીલ કરી હતી.
લિથુઆનિયાના નેશનલ સાયબર સિક્યૉરિટી સેન્ટરમાંથી પ્રાપ્ત થયેલા એક રિપોર્ટ મુજબ, શાઓમીનો એક ફોન બિલ્ટ-ઇન સેન્સરશિપ ટૂલ ધરાવતો હતો, ત્યારે હુવેઈનું અન્ય એક મૉડલ સુરક્ષા સાથે સંબંધિત ખામીઓ ધરાવતો હતો.
આ સંબંધમાં હુવેઈ જણાવ્યું હતું કે, એના ફોનમાંથી યુઝરનો કોઈ ડેટા વિદેશ મોકલવામાં આવ્યો નથી અને શાઓમી સેન્સર કમ્યુનિકેશન ધરાવતો ન હોવાનું જણાવ્યું હતું.

તાઇવાન સાથે સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં થોડાં વર્ષોમાં લિથુઆનિયા નાણાકીય ટેકનૉલૉજી માટે માપદંડ સમાન બની ગયો છે. તાઇવાન એના માટે સેમિકંડક્ટર્સ, લેસર્સ અને અન્ય હાઇ-ટેક ઉદ્યોગોનો મુખ્ય સપ્લાયર છે. લિથુઆયાએ તાઇવાન સાથે એના સંબંધો ધરાવવાનો અધિકાર હોવાનું જાહેર કરીને સાથે-સાથે "વન ચાઇના" નીતિનું સન્માન કરે છે એવું જણાવ્યું હતું.
લિથુઆનિયાની સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "લિથુઆનિયા 'વન ચાઇના નીતિ'ની પુષ્ટિ કરે છે, પણ સાથે-સાથે તાઇવાન સાથે એના સંબંધો વધારવાનો અધિકાર ધરાવે છે તથા અન્ય ઘણા દેશોની જેમ આ પ્રકારના સંબંધોના વ્યવહારિક વિકાસની સુનિશ્ચિતતા કરવા બિનરાજદ્વારી દૂતાવાસો સ્થાપિત કરવાની મંજૂરી આપવાનો અધિકાર ધરાવે છે. લિથુઆનિયામાં તાઇવાનના પ્રતિનિધિનું સ્વાગત આર્થિક હિતો પર આધારિત છે."
વિલનિયસમાં રાજકીય દૂતાવાસની શરૂઆત વિલનિયસ અને તાઇપેઇ વચ્ચે સંબંધો ગાઢ થવાની દિશામાં એક વધુ પગલું છે.
લિથુઆનિયાના કેટલીક જાહેર હસ્તીઓ અને રાજકારણીઓએ રાષ્ટ્રપતિ ગિટાનસ નૌસેડાને વર્ષ 2020માં ખુલ્લો પત્ર લખીને તાઇવાનની સ્વતંત્રતાને ટેકો આપવાની અને વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં સામેલ કરવાની અપીલ કરી હતી.
ઉપરાંત લિથુઆનિયાએ જૂનમાં તાઇવાનને કોવિડ-19 રસીના 20,000 ડોઝનું દાન કર્યું હતું.
પણ ચીન જેવા શક્તિશાળી દેશ સામે બાંયો ચઢાવીને તાઇવાન સાથે સંબંધોને ગાઢ બનાવવામાં લિથુઆનિયાને શા માટે રસ છે?
વિલનિયસ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ રિલેશન્સ ઍન્ડ પૉલિટિકલ સાયન્સના વિદ્વાન કોન્સ્ટેન્ટિનસ એન્ડ્રિજુસ્કાસે બીબીસી વર્લ્ડને જણાવ્યું હતું કે, તાઇવાન હાઇ-ટેકનૉલૉજી ધરાવતી પ્રોડક્ટનો સપ્લાયર છે અને લિથુઆનિયાને આ ક્ષેત્રમાં સંબંધોને ગાઢ બનાવવામાં રસ છે.
તેમણે ઉમેર્યું હતું કે, "એટલું જ નહીં લિથુઆનિયા ભારત-પ્રશાંત વિસ્તારમાં દેશોના મોટા જૂથ સાથે એના સંબંધોમાં વિવિધતા લાવવા અને એને ગાઢ બનાવવાની વિદેશી નીતિ ધરાવે છે."
આ માટે તેમણે દક્ષિણ કોરિયા અને સિંગાપોર સાથે લિથુઆનિયાના વધતા સંબંધોનાં ઉદાહરણો ટાંક્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે, "લિથુઆનિયા ઉદારવાદી લોકતંત્ર ધરાવતા દેશો સાથે, અથવા કમ-સે-કમ ચૂંટાયેલા પ્રતિનિધિઓની લોકશાહી ધરાવતા સિંગાપોર જેવા દેશો સાથે એના રાજદ્વારી અને આર્થિક સંબંધોને ગાઢ બનાવવાની ઇચ્છા ધરાવે છે, કારણ કે એનું માનવું છે કે, નિરંકુશ સત્તાધીશો કે એકાધિકાર રાજ્યવ્યવસ્થા ધરાવતા ચીન જેવા દેશો સાથે આર્થિક સંબંધો વધારવામાં બહુ ફાયદો નથી."
"લિથુઆનિયા દાયકાઓથી રશિયન અને બેલારશિયન પડોશી દેશો સામે પણ ઝઝૂમી રહ્યું છે અને અમારો અનુભવ એવો છે કે, ગાઢ આર્થિક સંબંધોથી સમૃદ્ધિ આવતી નથી."
"સરમુખત્યારશાહી જેવું વલણ ધરાવતા દેશો સાથે સંબંધો ક્યારેય સુરક્ષિત હોતા નથી, કારણ કે આ પ્રકારના દેશોના શાસકોનું વલણ તેમના ભૂરાજકીય અને રાજકીય લક્ષ્યાંકો પાર પાડવા આર્થિક સંબંધો પર કામચલાઉ ધોરણે ભાર મૂકે છે."

લિથુઆનિયાને સૌથી મોટો ફાયદોઃ ચીન પર અતિ ઓછી નિર્ભરતા

ઇમેજ સ્રોત, TOMAS RAGINA
લિથુઆનિયા ચીનની નારાજગીથી કેમ ડરતું નથી એના મૂળ કારણને સમજવાની જરૂર છે. આ કારણ છે - અન્ય ઘણા દેશોની જેમ લિથુઆનિયા ચીનના રોકાણ પર કે ચીન સાથે વેપાર પર અતિ નિર્ભર નથી.
એન્ડ્રિજુસ્કાસે સમજાવ્યું હતું કે, "ચીન સાથે અમારું અતિ ઓછું આર્થિક જોડાણ ઇતિહાસનો એક ભાગ છે, પણ હાલ બહુ મહત્ત્વપૂર્ણ પાસું છે. લિથુઆનિયા અન્ય દેશો, અમારા પાર્ટનરો અને ચીન સહિત સાથી રાષ્ટ્રો સાથે સંબંધો બગાડવા ઇચ્છતો નથી. પણ અમે ચીન સાથે યુરોપિયન યુનિયન સાથે અમારી ચિંતાઓ વહેંચવા ઇચ્છીએ છીએ. ચીનનો મુદ્દો અન્ય સભ્ય દેશો અને યુરોપિયન યુનિયન એમ બંને માટે જટિલ મુદ્દો બની ગયો છે."
યુરોપિયન યુનિયનનો ચીન સાથેનો સંબંધ ત્રણ પાસાં સાથે સંબંધિત છેઃ આબોહવાલક્ષી નીતિ અને વેપારમાં ભાગીદાર તરીકે, એના ટેકનૉલૉજી બજારમાં સ્પર્ધક તરીકે તથા નીતિગત વ્યવસ્થા અને માનવાધિકારોની દૃષ્ટિએ હરીફ તરીકે.
યુરોપિયન યુનિયન લિથુઆનિયાના તાઇવાન સાથેના જોડાણના અધિકારની તરફેણમાં છે, પણ સાથે એવી પુષ્ટિ પણ કરે છે કે, યુનિયનને "વન ચાઇના" નીતિ સામે કોઈ વાંધો નથી.

મહાસત્તાઓ સામે વિરોધનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
લિથુઆનિયાએ મહાસત્તા કે શક્તિશાળી દેશનો વિરોધ પહેલી વાર કર્યો નથી.
વર્ષ 1990માં લિથુઆનિયા પ્રથમ સોવિયત પ્રજાસત્તાક હતો, જેણે રશિયાથી અલગ થઈને પોતાની સ્વતંત્રતા જાહેર કરી હતી.
સોવિયતનો પ્રતિકાર કરવાની આગેવાની લિથુઆનિયાના વર્તમાન વિદેશ મંત્રી ગેબ્રીલિયસ લેન્ડસબર્ગિસના દાદા વીટાઉટસ લેન્ડસબર્ગિસે લીધી હતી.
એન્ડ્રિજુસ્કાસના મતે લિથુઆનિયાના નાગરિકોના મનમાં રશિયાનાં પ્રભુત્વની યાદો તાજી હોવાથી સામ્યવાદી ચીન પ્રત્યે એક પ્રકારની નારાજગી હોઈ શકે છે.
તેમણે કહ્યું હતું કે, "સોવિયત સંઘે અમીટ છાપ છોડી છે અને ચીનમાં ઉઇગર, તિબેટિયનો, કોંગકોન્સ જેવા સમુદાયો જે અનુભવોનો સામનો કરે છે એવા જ અનુભવો સોવિયત સંઘના એક ભાગ તરીકે લિથુઆનિયાના નાગરિકોએ અનુભવ્યા હતા...."
રશિયા સાથેનો વિવાદ અહીં જ પૂરો થતો નથી. લિથુઆનિયાએ રશિયાના સૌથી મોટા સાથી રાષ્ટ્રો પૈકીના એક બેલારુસ અને એના લીડર એલેક્ઝાન્ડર લુકાશેન્કો સામે પણ મોરચો માંડ્યો છે.
હકીકતમાં બેલારુસના વિપક્ષના નેતા સ્વેત્લાના તિખાનોવ્સ્કાયાએ ઑગસ્ટ, 2020ની ચૂંટણી પછી તેમના દેશમાંથી ભાગીને લિથુઆનિયામાં આશ્રય લીધો છે.
લિથુઆનિયા માટે ચીન સાથેના વિવાદની વાસ્તવિક અસર ભવિષ્યમાં કેવી થશે એ જોવાનું રહેશે. પણ કેટલાક લોકોનું માનવું છે કે, લિથુઆનિયા હવે ચીન સાથે મોટા પાયે વ્યવસાયની સંભાવના ગુમાવી શકે છે. પણ લિથુઆનિયાનો રાજકીય વર્ગ અર્થતંત્રથી પર થઈને વિચારે છે.
નવેમ્બરની શરૂઆતમાં વૉશિંગ્ટનમાં એક સિક્યૉરિટી મંચ પર લિથુઆનિયાના નાયબ વિદેશ મંત્રી આર્નોલ્ડાસ પ્રેન્કેવિશિયસે કહ્યું હતું કે, લિથુઆનિયા સાથે ચીનનો વ્યવહાર યુરોપિયન યુનિયન માટે ચેતવણી સમાન છે. તેમણે ચીન સાથેના સંબંધમાં યુરોપિયન યુનિયનના સભ્ય દેશોને એક થવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "મારું માનવું છે કે, ચીનનું વલણ ઘણી રીતે ચેતવણી સમાન છે, ખાસ કરીને યુરોપિયન યુનિયનના દેશો માટે. જો તમારે લોકતંત્રને બચાવવું હોય, તો તમારે એક થઈને આ પ્રકારના અભિગમનો સામનો કરવો પડશે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












