કેરળ : એક અવિવાહિત માતાની કહાણી, જેઓ પોતાના 'ગુમ' થયેલા બાળક માટે જંગે ચડ્યાં

દેશમાં એક માતા દ્વારા તેના ગુમ થયેલા બાળકની શોધના મામલે જબરો વિવાદ સર્જાયો હતો અને આ ઘટના એક રાજકીય મુદ્દો પણ બની હતી.

એક પરિણીત દંપતીને આખરે મંગળવારે તેમનું 13 મહિનાની વયનું સંતાન પાછું મળ્યું હતું. આ ઘટના કઈ રીતે આકાર પામી હતી તે સૌતિક બિસ્વાસ અને અશરફ પડન્ના આ અહેવાલમાં જણાવે છે.

અનુપમા એસ. ચંદ્રનનો આરોપ છે કે તેમના પિતા તેમની સહમતિ વિના તેના સંતાનને લઈ ગયા હતા

ઇમેજ સ્રોત, Vivek Nair

ઇમેજ કૅપ્શન, અનુપમા એસ. ચંદ્રનનો આરોપ છે કે તેમના પિતા તેમની સહમતી વિના તેના સંતાનને લઈ ગયા હતા

કેરળમાં એક યુગલ બે સપ્તાહ કરતાં વધુ સમયથી બાળકોને દત્તક આપવાનું કામ કરતી એજન્સીની ઑફિસ બહાર ધરણા કરી રહ્યું હતું અને પોતાના ગુમ થયેલા બાળકને પાછું આપવાની માગ કરતું હતું.

રાજ્યની રાજધાની તિરુઅનંતપુરમમાં આ યુગલ દિવસે એક ટૅન્ટમાં રહેતું હતું અને રાતે રસ્તાની બાજુ પર પાર્ક કરવામાં આવેલી સુઝુકી મિનીવાનમાં ઊંઘી જતું હતું.

ધરણાના દિવસો દરમિયાન એ યુગલે જોરદાર વરસાદથી માંડીને મીડિયાના કૅમેરાઓની ભીડનો સામનો પણ કર્યો હતો.

મહિલા પાસે એક પોસ્ટર હતું, જેમાં લખ્યું હતું કે 'મને મારું બાળક આપો.' મહિલાનો આક્ષેપ હતો કે તેના સંતાનને તેમના પરિવારે તેમની સહમતિ વિના કોઈને દત્તક આપી દીધું હતું.

જોકે, મહિલાના આક્ષેપને તેના પિતાએ ફગાવી દીધો હતો.

22 વર્ષીય માતા અનુપમા એસ. ચંદ્રન કહે છે, "અમારી લડાઈ પૂરી થી નથી. અમને અમારું સંતાન જોઈએ છે."

line

ક્યાંથી થઈ હતી શરૂઆત?

અનુપમાના પિતા એસ.જયચંદ્રન જે કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પણ છે
ઇમેજ કૅપ્શન, અનુપમાના પિતા એસ.જયચંદ્રન જે કૉમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પણ છે

અનુપમાએ ગયા વર્ષની 19 ઑક્ટોબરે એક સ્થાનિક હૉસ્પિટલમાં એક દીકરાને જન્મ આપ્યો હતો. નવજાતનું વજન બે કિલો હતું.

સામાજિક કાર્યકર અનુપમા માટે બાળકને જન્મ આપવાનું કામ એક પડકાર હતું, કારણ તેઓ અપરિણીત હતાં.

અનુપમાએ જન્મ આપ્યો તે બાળક તેમના 34 વર્ષીય વિવાહિત બૉયફ્રેન્ડ અજિતકુમાર સાથેના સંબંધનું પરિણામ હતું. અજિત એક હૉસ્પિટલમાં પબ્લિક રિલેશન્સ ઑફિસર તરીકે કામ કરતા હતા.

અનુપમા-અજિતના પ્રેમસંબંધ અને અનુપમાના ગર્ભવતી થવાના સમાચારે અનુપમાના ઘરમાં તોફાન સર્જ્યું હતું, કારણ કે અનુપમા ઊંચી જ્ઞાતિનાં છે અને અજિત દલિત છે.

અનુપમા અને અજિત બન્ને મધ્યમવર્ગીય પરિવારોનાં સંતાન છે તથા બન્નેના પરિવારો ઘણા પ્રગતિશીલ રહ્યા છે.

અનુપમા જે પોસ્ટર પકડીને ઊભાં છે તેના પર લખ્યું છે, 'મારું સંતાન મને પાછું આપો'

ઇમેજ સ્રોત, Vivek Nair

ઇમેજ કૅપ્શન, અનુપમા જે પોસ્ટર પકડીને ઊભાં છે તેના પર લખ્યું છે, 'મારું સંતાન મને પાછું આપો'

બન્નેના પરિવારો રાજ્યમાં સત્તાધારી પક્ષ સીપીએમના સમર્થક છે. અનુપમાના પિતા બૅન્ક મૅનેજર હોવાની સાથે-સાથે પક્ષના સ્થાનિક નેતા પણ છે. અનુપમાનાં દાદા-દાદી ટ્રેડ યુનિયનના નેતા તેમજ નગરસેવક તરીકે પણ કામ કરી ચૂક્યાં છે.

ફિઝિક્સ ગ્રેજ્યુએટ અનુપમા તેમની કૉલેજમાં કૉમ્યુનિસ્ટ પાર્ટીના વિદ્યાર્થી સંગઠનનાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે કામ કરી ચૂક્યાં છે. અજિત પણ પક્ષની યુવાપાંખના નેતા હતા.

બન્ને એક જ વિસ્તારમાં મોટાં થયાં છે. કૉમ્યુનિસ્ટ પાર્ટી માટેના કામ દરમિયાન તેમની મુલાકાત થઈ હતી અને ત્રણ વર્ષ પહેલાંથી બન્ને સાથે રહેવા લાગ્યાં હતાં.

અજિતના જણાવ્યા મુજબ, તેઓ તેમના પહેલા પત્નીથી અલગ થઈ ગયા હતા અને તેમને પહેલા લગ્નથી કોઈ સંતાન નથી.

અનુપમા કહે છે, "અમારો કિસ્સો પહેલી નજરના પ્રેમનો નથી. અમે દોસ્ત હતાં. એ પછી અમે સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો."

line

ઘરે પાછા લાવ્યા પરિવારજનો

કમ્યુનિસ્ટ પાર્ટી સાથે કામ કરતી વખતે અનુપમા અને અજિતની મુલાકાત થઈ હતી

ઇમેજ સ્રોત, Vivek Nair

ઇમેજ કૅપ્શન, કૉમ્યુનિસ્ટ પાર્ટી સાથે કામ કરતી વખતે અનુપમા અને અજિતની મુલાકાત થઈ હતી

ગયા વર્ષે અનુપમા ગર્ભવતી થયાં હતાં અને બન્નેએ બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો હતો.

અનુપમા કહે છે, "બાળકને જન્મ આપવા બાબતે અમારા મનમાં કોઈ શંકા ન હતી. અમે માતા-પિતા બનવા તૈયાર હતાં."

અનુપમાએ તેમની સુવાવડના દોઢ મહિના પહેલાં પ્રેગ્નન્સીના સમાચાર જણાવ્યા ત્યારે તેમના પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા. પરિવારજનો સુવાવડની તૈયારી માટે ઘરે પાછા ફરવા અનુપમાને મનાવી લીધાં હતાં, પણ અજિત સાથે સંપર્કમાં રહેવાની મનાઈ ફરમાવી હતી.

પ્રસૂતિ બાદ અનુપમાને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે પરિવારજનો તેમને અને તેમના બાળકને ઘરે લાવ્યાં હતાં. પરિવારજનોએ અનુપમાને એક દોસ્તના ઘરે રહેવા જણાવ્યું હતું, કારણ કે ત્રણ મહિના પછી અનુપમાનાં બહેનનાં લગ્ન હતાં અને એ વખતે ઘરે આવનારા મહેમાન નવજાત વિશે સવાલ કરી શકે.

line

અનુપમાનો પિતા પર આરોપ

અનુપમા પતિ સાથે
ઇમેજ કૅપ્શન, અનુપમાએ તેમની સુવાવડના દોઢ મહિના પહેલાં પ્રેગ્નન્સીના સમાચાર જણાવ્યા ત્યારે તેમના પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા

અનુપમા દાવો કરે છે કે હૉસ્પિટલમાંથી પાછા ફર્યા બાદ તેમના સંતાનને તેમના પિતાએ લઈ લીધું હતું.

અનુપમા કહે છે, "મારા પિતાએ મને કહ્યું હતું કે તેઓ બાળકને સલામત સ્થળે લઈ જઈ રહ્યા છે. એ સ્થળે બાદમાં તેઓ દીકરાને મળી શકશે. એ પછીથી મારો આનંદ જાણે કે ગાયબ થઈ ગયો હતો."

એ પછીના કેટલાક મહિના દરમિયાન અનુપમા એક ઘરેથી બીજા ઘરે આવ-જા કરતા રહ્યાં અને પછી તેમને તેમના પિતાના ઘરેથી 200 કિલોમીટર દૂર આવેલા દાદીના ઘરે મોકલી આપવામાં આવ્યાં હતાં.

આ વર્ષના ફેબ્રુઆરીમાં અનુપમા તેમનાં બહેનના લગ્નમાં સામેલ થવાં આવ્યાં ત્યારે તેમણે અજિતને જણાવ્યું હતું કે તેમનો દીકરો ગાયબ થઈ ગયો છે.

અનુપમાના જણાવ્યા મુજબ, પરિવારજનોએ તેમના પુત્રને દત્તક આપવા માટે ઍડોપ્શન એજન્સીને આપી દીધો હતો.

આખરે માર્ચમાં અનુપમાએ પિતાનું ઘર છોડી દીધું હતું અને અજિત તથા તેમના પરિવારજનો સાથે રહેવાનું શરૂ કર્યું હતું. એ પછી તેમણે તેમના દીકરાની શોધ શરૂ કરી હતી અને ત્યાંથી તેમની અગ્નિપરીક્ષાની શરૂઆત થઈ હતી.

તેમણે હૉસ્પિટલમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તેમના દીકરાના બર્થ સર્ટિફિકેટમાં પિતા તરીકે અજિતનું નહીં, પણ બીજી કોઈ વ્યક્તિનું નામ નોંધાયેલું હતું.

અનુપમા અને પતિ

ઇમેજ સ્રોત, Vivek Nair

ઇમેજ કૅપ્શન, પરેશાન યુગલે આખરે તેમની ફરિયાદ ઍડોપ્શન એજન્સી, સત્તાધારી પક્ષ, મુખ્ય મંત્રી અને રાજ્યના પોલીસવડા સુધી પહોંચાડી હતી

પોલીસે શરૂઆતમાં બાળક ગૂમ થયાની ફરિયાદ નોંધવાનો ઈનકાર કર્યો હતો. પોલીસે અનુપમાને જણાવ્યું હતું કે તેઓ અનુપમા ઘરેથી ગુમ થઈ જવાની તેમના પિતાની ફરિયાદ સંબંધે તપાસ કરી રહ્યા છે.

પોલીસે ઑગસ્ટમાં જે સમાચાર આપ્યા તેનાથી અનુપમા-અજિત ચોંકી ઊઠ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે અનુપમાએ પોતે તેનું સંતાન કોઈને દત્તક આપવા માટે એજન્સીને સોંપ્યું હોવાની માહિતી અનુપમાના પિતાએ આપી હતી.

પરેશાન યુગલે આખરે તેમની ફરિયાદ ઍડોપ્શન એજન્સી, સત્તાધારી પક્ષ, મુખ્ય મંત્રી અને રાજ્યના પોલીસવડા સુધી પહોંચાડી હતી. તેમણે રાજ્યના સંસ્કૃતિમંત્રી સાજી ચેરિયન વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી.

સાજીએ એક ન્યૂઝ ચેનલ પર અનુપમાને કથિત રીતે બદનામ કર્યાં હતાં અને કહ્યું હતું કે "જેવું દરેક પરિવાર કરે તેવું જ અનુપમાના પરિવારજનોએ કર્યું છે."

line

પોલીસ થઈ સક્રિય

અનુપમા
ઇમેજ કૅપ્શન, એસ. જયચંદ્રને આશ્ચર્ય વ્યક્ત કરતાં સવાલ કર્યો હતો કે આવા 'અવૈધ બાળક'ને કોઈ પરિવાર પોતાની પાસે કઈ રીતે રાખી શકે?

અનુપમા તથા અજિત પણ ગયા મહિને તમામ ન્યૂઝ ચેનલો પર આપવીતી જણાવી હતી.

આખરે રાજકીય નેતાઓ તથા અધિકારીઓએ આ ઘટનાને ધ્યાનમાં લીધી હતી. વિરોધ પક્ષના નેતાઓએ આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો અને તેને 'ઑનર ક્રાઈમ'નું એક ઉદાહરણ ગણાવ્યો હતો.

વિરોધ પક્ષનાં મહિલા વિધાનસભ્ય કેકે રીમાએ કહ્યું હતું, "આ ખાનદાનની આબરૂ બચાવવા કરવામાં આવેલો ગુનો છે, જેમાં રાજ્યનું વહીવટીતંત્ર સામેલ છે."

અનુપમાના પિતા એસ. જયચંદ્રને પોતાનો બચાવ કરતાં એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે "આપણા ઘરમાં આવું કંઈ થાય ત્યારે તેનું નિવારણ કઈ રીતે કરીએ? અનુપમા ઇચ્છતી હતી ત્યાં હું તેના સંતાનને છોડી આવ્યો હતો. તેની પાસે બાળકને સલામત રાખવાનો કોઈ ઉપાય ન હતો અને અમે પણ કશું કરી શકીએ તેમ ન હતા."

એસ. જયચંદ્રને એવું પણ કહ્યું હતું કે "બાળકના પિતા પરિણીત હોવાનું અનુપમાએ કહ્યું હતું. હું મારી દીકરી તથા તેના સંતાનને એવા પુરુષના હવાલે કઈ રીતે કરી શકું? બાળકના જન્મ પછી અનુપમાની તબિયત સારી ન હતી. તેથી તેના સંતાનની સારસંભાળ માટે મેં તેને એક ઍડોપ્શન એજન્સીને સોંપ્યું હતું."

એસ. જયચંદ્રને આશ્ચર્ય વ્યક્ત કરતાં સવાલ કર્યો હતો કે આવા 'અવૈધ બાળક'ને કોઈ પરિવાર પોતાની પાસે કઈ રીતે રાખી શકે?

તેમણે દાવો કર્યો હતો કે કૉમ્યુનિસ્ટ પાર્ટી અને વકીલની સલાહ લીધા બાદ તેમણે તેમની દીકરીનું સંતાન ઍડોપ્શન એજન્સીને હવાલે કર્યું હતું.

અનુપમા

ઇમેજ સ્રોત, Vivek Nair

ઇમેજ કૅપ્શન, અનુપમા પોતાના બાળક પાછું આપવાની માગ કરી રહ્યાં છે

બાળક ઍડોપ્શન એજન્સીને હવાલે કરતાં પહેલાં તમે તમારી પુત્રીને પૂછ્યું હતું કે નહીં, એવો સવાલ ન્યૂઝ ચેનલના ઍન્કરે પૂછ્યો ત્યારે એસ. જયચંદ્રને કહ્યું હતું કે "હું તેની કોઈ વાત કરવા માગતો નથી."

આ મામલે વિવાદ વકર્યા પછી પોલીસે છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. તેમાં અનુપમાના પરિવારજનો, તેમની બહેન અને બનેવીનો સમાવેશ થાય છે.

એ લોકો પર અપહરણ, છેતરપિંડી અને વ્યક્તિને ખોટી રીતે બંધક બનાવવાનો કેસ ચલાવવામાં આવશે. અનુપમાના પરિવારજનોએ તમામ આરોપોને ફગાવી દીધા છે.

આ વર્ષે ઑગસ્ટમાં એક અદાલતે આંધ્ર પ્રદેશના એક દંપતીને અનુપમાનું બાળક દત્તક આપી દીધું હતું. બાદમાં એ બાળકનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ટેસ્ટના પરિણામ પછી એ બાળકને ફરી તિરુઅનંતપુરમ લાવવામાં આવ્યું હતું.

અનુપમા અને અજિતને મંગળવારે સાંજે જણાવવામાં આવ્યું હતું કે તેમનું ડીએનએ બાળકના ડીએનએ સાથે મેચ થઈ ગયું છે. બન્નેએ એક અનાથાલયમાં જઈને પોતાના સંતાનની મુલાકાત લીધી હતી.

અનુપમા અને અજિતનું કહેવું છે કે તેમણે એક વર્ષ જેટલા લાંબા સમય સુધી પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો છે. એક વર્ષથી વધુ વયના થઈ ગયેલા પોતાના બાળક બાબતે અનુપમા દેખીતી રીતે જ ઘણા ચિંતિત છે.

અનુપમા સવાલ કરે છે, "હું કોની સાથે રહું કે ન રહું, બાળકને જન્મ આપું કે ન આપું એ નક્કી કરવાનો અધિકાર મને નથી?"

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો