સોમનાથ : 'દરિયો જોવાના પૈસા થોડા હોય?'
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
સોમનાથ મંદિર જે દરિયાકાંઠે વસેલું છે એ ગામ એટલે પ્રભાસ પાટણ. ગામલોકો માટે હરવાફરવાનું મોકાનું સ્થળ એ સોમનાથ મંદિર અને તેની સામે ઘૂઘવતો દરિયો.
સોમનાથ આવતાં પ્રવાસીઓને મન પણ દરિયાનું આકર્ષણ એવું છે કે દરિયો જોતાં વેંત જ તેઓ દોટ મૂકે છે.
અત્યાર સુધી એવું હતું કે ગામલોકો કે પર્યટકો દરેક માટે દરિયો દોટ મૂકીને પહોંચી જવા જેટલો નજીક હતો. દરિયે જવા માટેની કોઈ ફી નહોતી. હવે પાંચ રૂપિયા ફી ચૂકવવી પડે છે.

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA/BBC
અલબત્ત, દરિયો નિહાળવા માટે પ્રત્યક્ષ રીતે કોઈ ફી નથી લેવામાં આવતી, પરંતુ દરિયાકાંઠે જે સમુદ્રદર્શન પથ - પ્રૉમોનેડ એટલે કે વૉક વે બનાવવામાં આવ્યો છે ત્યાં જવા માટે ફી લેવાય છે.
ગામમાંથી દરિયે જવું હોય તો એના રસ્તા વાયા વૉક વે થઈને જાય છે. તેથી દરિયે ફરવા જવું હોય તો વૉક વે માટે પૈસા ચૂકવીને પછી જ જઈ શકાય છે. પાંચ રૂપિયાની વૉક વેની ટિકિટ બે કલાક માટે માટે હોય છે.
સોમનાથમાં રહેતા અને ત્રીસેક વર્ષથી કર્મકાંડ કરતાં એક પંડિત જણાવે છે કે, "દરિયો જોવાના થોડા પૈસા હોય? હવે એનાય પૈસા લેવા માંડ્યા છે!"
પંડિતે વધુમાં કહ્યું કે, "પર્યટકો તો બે દિવસમાં સોમનાથ ફરીને ચાલ્યા જાય છે. તેઓ તો પ્રવાસે આવ્યા હોય છે. તેમને પાંચ રૂપિયા ખર્ચવા એ કોઈ મોટી વાત નથી લાગતી. મુદ્દો એ છે કે જે લોકો ગામમાં રહેતા હોય અને શનિરવિમાં દરિયાકાંઠે ફરવા જતા હોય તો દર વખતે તેમને પાંચ-પાંચ રૂપિયા કઈ રીતે પરવડે? પરવડે કરતાં પણ વધુ અગત્યની વાત એ છે કે સમુદ્ર નિહાળવા માટે પૈસા થોડા ખર્ચવાના હોય? પછી એ પાંચ રૂપિયા હોય કે એક રૂપિયો!"

દરિયાકાંઠે જવાના પૈસા કેમ?

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA/BBC
આ વિશે જ્યારે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણભાઈ લહેરીને પૂછવામાં આવ્યું કે વૉક વે થઈને દરિયે જવું હોય તો જે ચાર્જ લેવામાં આવે છે તે હાલ પૂરતો જ છે કે કાયમીધોરણે લેવાશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "વૉક વે પર હાલમાં તો ચાર્જ લેવાશે જ. પરંતુ કોઈને દરિયે જવું હોય તો ચાર્જની વાત નથી." પરંતુ ત્યાં ટિકિટ કાઉન્ટર પાસે જ કહી દેવામાં આવે છે કે દરિયે જવું હોય તો ટિકિટ લેવી પડશે. પ્રવીણભાઈ લહેરીએ કહ્યું કે, "હા, નિયમ તો છે, પણ કોઈને માત્ર દરિયે જવું હોય તો ટિકિટનો આગ્રહ નથી રાખતા."
પરંતુ બીજે ક્યાંય દરિયે જવાનો ચાર્જ લેવામાં આવતો નથી. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "પોરબંદરમાં પણ ચાર્જ લેવામાં આવે છે. સોમનાથમાં ટ્રસ્ટીમંડળે નક્કી કર્યા મુજબ ચાર્જ લઈએ છીએ. ત્યાં સ્વચ્છતા-રખરખાવ વગેરે માટે થઈને ચાર્જ લેવામાં આવે છે."
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, જે.ડી. પરમાર વગેરે સામેલ છે.
સમુદ્રદર્શન પથની જે ટિકિટ છે એની પાછળ કેટલાક નિયમો લખવામાં આવ્યા છે. જેમાં લખ્યું છે કે, 'પ્રભાસ પાટણના સ્થાનિક લોકો સવારસાંજ એકએક કલાક ચાલવા માટે સમુદ્રદર્શન પથનો ઉપયોગ કરવા માગતા હોય તો તેમણે માસિક પાસ રૂપિયા પચાસના ખર્ચે ફોટોવાળા ઓળખપત્ર સાથે મેળવી શકશે.'

પ્રવેશ ફી અને તેને લગતા મુદ્દા

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA/BBC
શું દરિયો નિહાળવા માટે ટિકિટ રાખી શકાય? આ વિશે વકીલો સાથે વાત કરી.
અમદાવાદમાં રહેતા વકીલ માનુષી દેસાઈએ કહ્યું કે, "પ્રવેશ ફીની વાત કરીએ તો વૉક વે કોણે બનાવ્યો છે અને જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે તેનું ભંડોળ કઈ રીતે થયું હતું એના પર નિર્ભર કરે છે. જેમણે બનાવ્યો હોય તેમણે રેવન્યુ ઊભી કરવા માટે બનાવ્યો હોય તો ચાર્જ લઈ શકે છે, જેમ કે આપણે વાહન લઈને જઈએ તો જકાતનાકા પર જકાત આપીએ છીએ."
"જકાતરૂપે પૈસા એટલા માટે પણ આપવા પડે છે કે જકાતનાકું બનાવનારને સરકારે પહેલેથી જ સંપૂર્ણ પૈસા આપ્યા હોતા નથી. તેને કહેવામાં આવે છે કે તું રેવન્યુ શૅર કર જેથી તને પૈસા મળે."
"સોમનાથમાં જે વૉક વે છે તે જ્યાં બનાવવામાં આવ્યો છે તે જગ્યા ખાનગી છે કે જાહેર તે જોવું પડે. પાંચ રૂપિયા ચાર્જ તેઓ રીકવરી માટે કરે છે કે શેના માટે કરે છે તે જોવું પડે. ચાર્જ તેઓ દરિયા તેમજ સ્થળની સાફસફાઈ અને રખરખાવ માટે કરે છે કે કેમ તે જોવું પડે. તેમણે 50 કરોડનો ખર્ચ કર્યો છે. જો તેમણે ખર્ચ કર્યો હોય તો તેઓ ચાર્જ રાખી શકે પણ એની સાથે જોડાયેલાં પાસાં પણ જોવા પડે."

સોમનાથ મંદિરમાં પ્રવેશ માટે પૈસા ન હોય તો, મંદિર પરિસરના રસ્તા માટે પૈસા કેવી રીતે?

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA/BBC
બંધારણીય રીતે જળ, જમીન અને જંગલ જેવી કુદરતી સંપત્તિ પર માનવીનો મૌલિક અધિકાર છે ત્યાં ચાર્જ ન લઈ શકાય.
પ્રવીણભાઈ લહેરી કહે છે કે, "ના, એવી વાત નથી. જ્યાં રેગ્યુલેટેડ ઍન્ટ્રી હોય ત્યાં ચાર્જ લેવાય છે. તમે જે અધિકારની વાત કહો છો એ મુદ્દો અમદાવાદમાં કાંકરિયા તળાવમાં પણ ઊઠ્યો હતો. ત્યાં પણ અમદાવાદ સુધરાઈ ચાર્જ લે જ છે."
અમદાવાદમાં કાંકરિયા તળાવ અગાઉ લોકો માટે કોઈ પણ પ્રવેશ ફી વગર ખુલ્લું હતું. હવે ત્યાં તળાવ જોવા જવા માટે ટિકિટ લેવી પડે છે. ત્યાં કેટલીક સુવિધા પણ વિકસાવવામાં આવી છે.

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA/BBC
કાંકરિયા તળાવ માટે ટિકિટ નક્કી થઈ એ પછી અમદાવાદમાં એની સામે ઊહાપોહ થયો હતો. અમદાવાદમાં રહેતા વકીલ આનંદ યાજ્ઞિકે કાંકરિયામાં પૈસા ચૂકવીને પ્રવેશને ગેરવાજબી ગણાવ્યો હતો.
સોમનાથ વૉક વે પર ટિકિટને પણ તેઓ ગેરવાજબી ઠેરવે છે. બીબીસી સાથે વાત કરતાં આનંદ યાજ્ઞિક કહે છે કે, "કાંકરિયા તળાવમાં પ્રવેશ માટે ટિકિટ ચાર્જ રખાયા ત્યારે અમે કોર્ટમાં એ મુદ્દો ઉઠાવ્યો હતો. અમે કહ્યું હતું કે ઐતિહાસિક સ્મારકો પર જો ચાર્જ લેવાનો હોય તો આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા લઈ શકે તમે કેવી રીતે લઈ શકો? કોર્ટમાં સરકાર હારી ગઈ હતી. એ પછી વિધાનસભામાં તેઓ બૉમ્બે પ્રોવિન્સન મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટની કલમ સુધારીને પાછલી અસરથી ત્યાં ટિકિટ લેવાને મંજૂરી આપી હતી."
દરિયો, નદી, પર્વત વગેરે પ્રાકૃતિક સંપદા - નેચરલ રિસોર્સિસ એ લોકોના કૉમૉડિટી રિસોર્સિસ કહેવાય. લોકોની સહિયારી વિરાસતની સંપત્તિ છે. એના પર માલિકી સરકારની નથી, લોકોની છે. સરકાર તો માત્ર ટ્રસ્ટી છે એવું આનંદ યાજ્ઞિક જણાવે છે.
તેઓ કહે છે કે, "કાયદામાં એમિનન્ટ ડૉમિનન્ટની એક વિભાવાન છે, જે મૂળે બ્રિટિશ કૉન્સેપ્ટ છે. જે અનુસાર શાસક બધી જ સંપત્તિના માલિક છે. એની સામે ડૉક્ટ્રેઈન ઑફ પબ્લિક ટ્રસ્ટ છે. જે કહે છે કે નાગરિકોની સહિયારી સંપત્તિ છે. દરિયો સમાજની સહિયારી વિરાસત છે."
"ત્યાં જે વૉક વે તૈયાર થયો છે તેના માટે કોઈ ચાર્જ ન હોઈ શકે. જે જમીન પર વૉક વે તૈયાર થયો છે તે સોમનાથ ટ્રસ્ટની હોય કે સરકારની, પણ પૈસા ન લઈ શકાય, કેમ કે લોકોના ટૅક્સના પૈસે રસ્તો બનાવવામાં આવ્યો છે. જો સોમનાથ મંદિરને સ્વચ્છ રાખવા માટે અને રખરખાવ માટે તમને પૈસાની જરૂર ન પડતી હોય તો સોમનાથને અડીને આવેલા એક નગણ્ય રસ્તા માટે તમે પૈસા લો એ કેટલે અંશે વાજબી કહેવાય?"
"ત્યાં જે ખર્ચો સરકારે કર્યો છે તે લોકોના ટૅક્સના પૈસાથી કર્યો હશે. લોકોએ ખરેખર તો પોતાના પૈસાથી જ આ રસ્તો બનાવ્યો છે અને લોકો પાસેથી તમે ફરી પૈસા પાછા ભેગા કરી રહ્યા છો. એ કેટલે અંશે વાજબી છે? સોમનાથ ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ છે, પ્રાઇવેટ ટ્રસ્ટ નથી. એ લોકોની સેવા માટે બંધાયેલું છે."
પરંતુ જો યાત્રિકોની સુવિધા અને સુખાકારી માટે જ આ વૉક વે બનાવવામાં આવ્યા હોય તો એનો મતલબ તો સેવા થઈ કહી શકાય ને?
આનંદભાઈ કહે છે કે, "જો મંદિરમાં પ્રવેશવાના પૈસા તમે ન લેતા હો તો મંદિર કે પરિસર સાથે સંકળાયેલા માર્ગ કે વૉક વેના પૈસા ન લઈ શકો."

દરિયાકાંઠે પર્યટકોને ઊંટ-ઘોડાની સવારી કરાવતાં લોકોએ પણ પૈસા ચૂકવવાના રહેશે

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA/BBC
સોમનાથના દરિયાકાંઠે નાળિયેર પાણી, બરફના ગોળા, શંખ - છીપના સુશોભનની વસ્તુઓ વેચનારા ખુમચા-સ્ટૉલ્સ લાગેલા હોય છે.
ઘોડા અને ઊંટ પર સવારી કરાવનારા તેમજ પ્રવાસીઓના ફોટા પાડતા ફોટોગ્રાફરો પણ જોવા મળે છે. જેમાંના મોટા ભાગના સ્થાનિક લોકો છે.
અત્યાર સુધી તેઓ એક પણ પૈસો આપ્યા વગર દરિયાકાંઠે જઈને બે પૈસા કમાતા હતા. હવે તેમણે પણ પૈસા ચૂકવવાના રહેશે. દર ત્રણ મહિને તેમણે 300 રૂપિયા ભરીને પાસ મેળવવાનો રહેશે.
એક ફોટોગ્રાફર જણાવે છે કે, "મને તો ક્યાંય નોકરી કે ધંધો મળતો નથી એટલે હું ફોટોગ્રાફી કરું છું. હવે ફૉટોગ્રાફી કરવા માટે પણ મારે પૈસા ચૂકવવાના હોય તો અમારા જેવા લોકો કમાશે શું અને ખાશે શું?"
આવી જ ફરિયાદ પ્રવાસીઓને ઊંટસવારી કરાવતાં એક ઊંટમાલિકે વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું કે, "સોમનાથ મંદિરમાં લોકો દર વર્ષે ખૂબ દાન કરે છે. મંદિરનું જે ટ્રસ્ટ છે એના ગેસ્ટહાઉસો છે એની સારી આવક છે. મંદિરના વહીવટકર્તાઓએ વિચારવું જોઈએ કે તેમના ખજાને એવી તે કેવી ખોટ પડી કે તમારે ખુમચાવાળા, ફોટોગ્રાફરો અને અમારા જેવા ઊંટ-ઘોડા ચલાવતા લોકો પાસેથી પણ પૈસા લેવા પડે?"

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA/BBC
પ્રવીણભાઈ લહેરીએ કહ્યું કે, "હા. તેમની પાસેથી પૈસા લઈએ છીએ. ત્યાંના દુકાનદારો પાસેથી પણ પૈસા લઈએ છીએ. અમે કોઈ મોટો ચાર્જ નથી લેતા. ઘોડા કે ઊંટવાળા એક સવારી માટે જેટલો ચાર્જ લે એટલો ચાર્જ લઈએ છીએ. પૈસા દેવા કોઈને પણ ન ગમે. અમારે ત્યાં મેઇન્ટનન્સ રાખવું પડે એ માટે ચાર્જ લઈએ છીએ."
ઊંટચાલક અને ફોટોગ્રાફરે પોતાના નામનો ઉલ્લેખ ન થાય એ વિનંતી કરી હતી.
20 ઑગસ્ટ, 2021ના રોજ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વૉક વે ખુલ્લો મૂક્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, "દરેક કાલખંડની માગ રહી છે કે આપણે ધાર્મિક પર્યટનની દિશામાં નવી શક્યતાઓ શોધીએ અને સ્થાનિક અર્થવ્યવસ્થા સાથે તીર્થયાત્રીઓનો જે સંબંધ છે તેને મજબૂત બનાવીએ."

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA/BBC
દરિયાકાંઠે ઊંટ ચલાવતા ભાઈએ કહ્યું કે, "સરકાર વારંવાર એવું કહે છે કે પર્યટનના વિકાસની સાથે સ્થાનિક રોજગારી પણ વધે છે. અહીં તો ઊંધું થયું છે."
દરિયાકાંઠે ધંધો કરનારા કેટલાક લોકો એવું પણ માને છે કે દરિયાકાંઠે ફોટોગ્રાફરો, ઊંટવાળા અને ઘોડાવાળાઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. જો ફી હશે તો તેમની સંખ્યા મર્યાદિત થશે અને જે લોકો બે પૈસા કમાઈ રહ્યા છે એમની આવક જળવાઈ રહેશે. તેથી આમાં કંઈ ખોટું નથી.
દરિયાકાંઠે નાળિયેર પાણી વેચતો એક ફેરિયો કહે છે કે, "ફી તો આજે આટલી છે, આવનારાં વર્ષોમાં એ વધતી જશે તો કોણ નિયંત્રણ મૂકશે?

પચાસ કરોડના ખર્ચે વૉક વે તૈયાર થયો

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA/BBC
સમુદ્રદર્શન પથ - વૉક વે દોઢ કિલોમીટર લાંબો છે અને 27 ફૂટ પહોળો છે. પચાસ કરોડના ખર્ચે તૈયાર થયો છે. ત્યાં બાઇનોક્યુલર તેમજ સાઇકલિંગની પણ સુવિધા રાખવામાં આવી છે. વૉક વે જવા માટે હાલ બે દ્વાર રાખવામાં આવ્યા છે. હમીરજી ગોહિલનું બાવલું છે તે લક્ષ્મીનારાયણ મંદિર પાસેથી એક રસ્તો છે.
બીજો રસ્તો સોમનાથ પોલીસ સ્ટેશન અને અન્નક્ષેત્ર સામેથી છે. રવિવાર હોય કે દિવાળીની રજાઓ હોય ત્યાં ટિકિટ લેવા માટે પડાપડી થાય છે. લોકોને કતારોમાં ઊભા રહેવું પડે છે.
સોમનાથમાં સમુદ્રદર્શન પથ - વૉક વેને પ્રસાદ (તીર્થયાત્રા કાયાકલ્પ તેમજ આધ્યાત્મિક, ધરોહર સંવર્ધન અભિયાન - પિલ્ગ્રિમેજ રેજુવેનેશન ઍન્ડ સ્પિરિચ્યુઅલ, હેરિટેજ ઑગમેન્ટેશન ડ્રાઇવ) હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે.
20 ઑગસ્ટે વડા પ્રધાન મોદી દ્વારા સમુદ્રદર્શન પથ ઉપરાંત સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને જૂના સોમનાથના નવનિર્મિત પરિસરનું ઉદ્ઘાટન કરાયું હતું.
આ અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, "2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા એ પછી તેમણે તમામ ધર્મોનાં તીર્થસ્થળોને પ્રસાદ યોજના હેઠળ લાવીને ત્યાં માળખાગત સુવિધા વિકસાવવાને મહત્ત્વ આપ્યું છે."
દેશમાં નિર્ધારિત તીર્થસ્થળો તેમજ વારસો ધરાવતાં સ્થળોના વિકાસના હેતુસર પર્યટન મંત્રાલયે વર્ષ 2014-15માં પ્રસાદ યોજના શરૂ કરી હતી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













