ગ્રામપંચાયત ચૂંટણી : ભાજપને ગ્રામપંચાયતની ચૂંટણીમાં 'આત્મનિર્ભર ગ્રામયાત્રા' ફળશે?
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાત રાજ્યના ચૂંટણીપંચે આજે ગ્રામપંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરી છે. ચૂંટણી માટે 19 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.
જ્યારે 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
તો ચૂંટણીની જાહેરાત અગાઉ ગુજરાતની ભાજપ સરકારે 'આત્મનિર્ભર ગ્રામયાત્રા'નો પ્રારંભ 18 નવેમ્બરે ખેડાના મહેમદાવાદથી કર્યો હતો. આ યાત્રામાં 100 સુશોભિત રથ 10,605 ગામોને આવરી લેતા 993 રૂટ પર ફરશે તેવી જાહેરાત કરાઈ હતી.

ઇમેજ સ્રોત, BJP Gujarat twitter
ચૂંટણી સમયે યોજાતી ભાજપને આ યાત્રાને ચૂંટણીલક્ષી જોવાઈ રહી છે, તો ભાજપ તેને સુશાસનનો એક ભાગ ગણાવે છે.
કૉંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "ગામડાંને આત્મનિર્ભર કરવાની વાત છોડો, આ તો 12 મહિનાની ભેગી કરેલી યોજનાઓનાં લોકાર્પણના કાર્યક્રમો છે."
"લોકાર્પણના કાર્યક્રમો કૉંગ્રેસના શાસનમાં પણ થતા હતા. ફરક એક ઉદાહરણથી સમજીએ, મને યાદ છે કે એસસી, એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ 450 રૂપિયા આપવામાં આવતી. એ શિષ્યવૃત્તિને ભેગી કરીને આજે ગરીબ કલ્યાણ મેળાઓમાં જાહેરમાં લોકોનું સ્વમાન હણાય તે રીતે આપવામાં આવે છે."
તેઓ આ વિશે આગળ જણાવે છે કે, "સરકારી ખર્ચે ગરીબ કલ્યાણ મેળા કરીને પોતાના પક્ષનો પ્રચાર કરવાનો. એનાથી લોકોને ફાયદો નથી પણ ભાજપને સો ટકા ફાયદો થશે."
જયરાજસિંહ પરમારનો આરોપ છે કે શાળા-પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કૃષિરથ... વગેરેમાં ખર્ચાઓ કરીને પક્ષનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગામડાંઓને આત્મનિર્ભર કરવા સામે કૉંગ્રેસનો સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
ગામડાંને આત્મનિર્ભર કરવાની સરકારના ઇરાદા ઉપર સવાલ ઉઠાવતાં જયરાજસિંહે કહ્યું કે ભાજપનો ગામડાંમાં જનાધાર નબળો છે. એનું કારણ એ છે કે ગામડું આત્મનિર્ભર નથી. ગામડાંને આત્મનિર્ભર કરવા આરોગ્ય, શિક્ષણ અને પરિવહનની સેવાઓ સુધારવી પડે.
"આજે ગામડાંમાં પ્રાથમિક શાળાની હાલત જોતાં આ વાત સમજાશે. પ્રાથમિક શાળાઓમાં 13,000 જેટલા વર્ગખંડોની ઘટ છે. દસ હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાઓ બંધ કરવાના સરકારના નિર્ણય સામે હોબાળો થયો એટલે મુલતવી રાખવામાં આવ્યો છે. લોકો પોતાનાં બાળકોને ખાનગી શાળામાં એટલા માટે મૂકે છે, કારણ કે સરકારી શાળાઓમાં પુસ્તકાલય, પ્રયોગશાળા જેવી આધુનિક સુવિધાઓનો અભાવ છે."
તેઓ વધુમાં કહે છે, "પૂરતા શિક્ષકો પણ નથી. ટેટ અને ટાટની પરીક્ષાના આધારે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તેની આજે ત્રણ-ત્રણ વરસ સુધી પરીક્ષાઓ નથી લેવાતી, પરીક્ષા લેવાય તો પરિણામો નથી આવતાં અને પરિણામો આવે તો ભરતી નથી કરાતી. આજે સરકારી શાળાઓમાં માત્ર ગરીબોનાં બાળકો નાછૂટકે ભણવા જાય છે."
ગામડાંની વર્તમાન સ્થિતિ અંગે જયરાજસિંહ કહે છે, "ગામડાંના પ્રાથમિક આરોગ્યકેન્દ્રોની સ્થિતિ ખરાબ છે. પ્રાથમિક આરોગ્યકેન્દ્રોમાં 60 ટકા જેટલા મેડિકલ ઑફિસરોની ઘટ છે. કૉંગ્રેસ શાસનમાં બનાવવામાં આવેલા પ્રાથમિક આરોગ્યકેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ભાગ્યે જ વધારો થયો છે."

ભાજપ અને આત્મનિર્ભર ગ્રામયાત્રા

ઇમેજ સ્રોત, FB/BHUPENDRA PATEL
તો ભાજપ પ્રવક્તા ભરત ડાંગરે બીબીસી ગુજરાતી સાથે આ મુદ્દે વાત કરતાં કહ્યું કે માળખાકીય સુવિધામાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે છે. પાણી, રસ્તા અને વીજળી ત્રણેયમાં સુવિધામાં ગુજરાત સૌથી આગળ છે.
તેમનો દાવો છે કે "શિક્ષણમાં પણ ગુજરાત કૉંગ્રેસશાસિત રાજ્યો કરતાં આગળ છે. અન્ય રાજ્યોની સરખામણીએ આરોગ્યમાં પણ ગુજરાત આગળ છે."
ભરત ડાંગર કહે છે, "આરોગ્યના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે પણ ગુજરાતમાં કોવિડની કામગીરીની પ્રશંસા કરી છે. પછી તે ધન્વંતરિ રથના સંદર્ભમાં હોય કે આઇસોલેશન બેડની વ્યવસ્થાના સંદર્ભમાં હોય કે મારું ગામ કોરોનામુક્તના સંદર્ભમાં હોય."
મતદારના આંકડાઓ દર્શાવે છે કે ભાજપને શહેરી મતદારની ચિંતા નથી. એ તો દાયકાઓથી ભાજપ સાથે છે.

ઇમેજ સ્રોત, NANDAN DAVE
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોનું વિશ્લેષણ કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની 55 શહેરી બેઠકો પૈકી 44 બેઠકો ભાજપે જીતી હતી. જ્યારે ગ્રામીણ બેઠકોમાં કૉંગ્રેસને ભાજપ કરતા ઘણી વધુ બેઠકો મળી હતી.
પાટીદાર આંદોલન સુરતમાં પ્રબળ હોવા છતાં અને જીએસટી અને નોટબંધી છતાં શહેરી મતદાર ભાજપની પડખે રહ્યા હતા અને ભાજપે 16માંથી 15 બેઠકો જીતી હતી.
પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામીણ ગુજરાતમાં ચિત્ર બદલાયું હતું. 2012ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં કૉંગ્રેસની 54માંથી 16 સીટ સામે 2017માં કૉંગ્રેસની બેઠકસંખ્યા 30 બેઠકની થઈ ગઈ હતી.
કૉંગ્રેસે અમરેલી જિલ્લાની તમામ પાંચ, જૂનાગઢની પાંચમાંથી ચાર, ગીર સોમનાથની તમામ ચાર અને સુરેન્દ્રનગર જિલ્લાની પાંચમાંથી ચાર બેઠકો જીતી હતી.


ઇમેજ સ્રોત, Bjp gujarat twitter
ગત ચૂંટણીમાં ભાજપને શહેરી સિવાય મળેલી બેઠકોનું વિશ્લેષણ કરીએ તો, અર્ધ-શહેરી વિસ્તારોએ ભાજપને જિતાડ્યો હતો. ભરૂચની પાંચ બેઠકો પૈકી શહેરી વિસ્તારની ત્રણ સીટો ભાજપે જીતી હતી. વલસાડ અને નવસારીમાં પણ આવું જ થયું અને નવમાંથી સાત બેઠકો જીતી હતી.
જ્યારે કૉંગ્રેસ ગ્રામીણ અને આદિવાસી બેઠકો જીતવામાં સફળ રહી હતી. ડાંગ, તાપી અને નર્મદાની તમામ સાત બેઠકો પર કૉંગ્રેસે જીત મેળવી હતી.
બનાસકાંઠામાં કૉંગ્રેસે નવ પૈકી છ બેઠકો જીતી હતી અને સાબરકાંઠામાં ભાજપ જેટલી જ છ બેઠકો મેળવી હતી.
ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણીઓ માટે 19 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે.
તો શું ભાજપની આત્મનિર્ભર ગ્રામયાત્રા ખરેખર ગામડાંની આત્મનિર્ભર કરવાની કવાયત છે કે એમાં ગ્રામ-પંચાયતોને કબજે કરવાની અને આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે ગ્રામીણ જનાધારને મજબૂત કરવાની યોજના છુપાયેલી છે?
આવી યાત્રાને નવી પ્રચારપદ્ધતિ ગણાવતાં વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ કહે છે ગ્રામપંચાયતની ચૂંટણી આવી એટલે પ્રચારના ભાગરૂપે આ પ્રકારની યાત્રા નીકળતી હોય છે.
"આત્મનિર્ભરનું સૂત્ર કેન્દ્રીય સ્તરેથી સ્વીકારાયું છે એટલે યાત્રાની થીમ ઘડવામાં આવી છે. આવી યાત્રામાં નામ કે થીમ ભલે નવી હોય, બાકીનું કશું નવું હોતું નથી. છેવટે તો એ સરકારની કામગીરીને લોકો સમક્ષ રજૂ કરવાની આ પ્રચારપદ્ધતિ છે."
દિલીપ ગોહિલ આત્મનિર્ભર ગ્રામયાત્રાને આડકતરી રીતે ખેડૂત-આંદોલન સાથે જોડતાં કહે છે, "રાષ્ટ્રીય સ્તરે ખેડૂત-આંદોલન જાગ્યું છે તેની અસર અહીં ઓછી છે પરંતુ એની ચર્ચા અહીં થાય છે. ગુજરાતમાં ખેડૂત આંદોલન પ્રબળ ન દેખાતું હોય તો પણ ખેડૂતોનો અસંતોષ અહીં ઊભો છે. ગ્રામીણ વિસ્તારમાં પ્રચાર દરમિયાન ખેડૂતોના અસંતોષનો સામનો ન કરવો પડે એ માટે અલગ પ્રકારે પ્રચાર કરવાનો આ ભાજપનો વિચાર હોઈ શકે છે."

ભાજપ ગામડાંઓને કેમ મહત્ત્વ આપવા લાગ્યો?

ઇમેજ સ્રોત, C R PAATIL TWITTER
દિલીપ ગોહિલ કહે છે કે કોરોનાકાળમાં લોકોએ ગામડાં ભણી દોટ મૂકી હતી એ સંજોગોમાં સમજાયું હોઈ શકે કે ગામડાં ઉપર આજે પણ ધ્યાન આપવું જરૂરી છે.
"સુવિધા અને રોજગારી ગામડાંને આપવામાં આવે તો ગામડાં આત્મનિર્ભર થાય. સુવિધા ન હોય અને રોજગારી મળે તો પણ લોકો અનુકૂલન સાધીને ગામડાંમાં રહી જાય. પરંતુ ગામડાંમાં રોજગારો કેવી રીતે ઊભા કરવા તે મોટો પ્રશ્ન છે. આ યાત્રામાં એની ચર્ચા થતી હશે કે કેમ એ જોવું પડે."
આજથી બે-ત્રણ દાયકા પહેલાં ગામડાં જેટલાં આત્મનિર્ભર હતાં તેના કરતાં અત્યારે વધુ આત્મનિર્ભર થયાં કે ઓછાં તેનું ગણિત કેવી રીતે માંડી શકાય?
પ્રશ્નના જવાબમાં દિલીપ ગોહિલ કહે છે, "આત્મનિર્ભરનું ગણિત સુવિધા અને રોજગાર એ બે બાબતને ધ્યાનમાં રાખીને માંડી શકાય. સુવિધામાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય અને વાહનવ્યવહારનો સમાવેશ થાય છે."
"ગામડાંની આરોગ્યની સુવિધા પહેલાં પણ ઓછી હતી અને આજે પણ ઓછી છે. સારવાર માટે નજીકના શહેરમાં જ જવું પડે છે. પહેલાં સુવિધાની બાબતમાં ગામડાં આત્મનિર્ભર નહોતાં, પરંતુ રોજગારીની બાબતમાં આત્મનિર્ભર હતાં."
"કેમ કે કુટુંબો ઓછાં હતાં અને ખેતી મોટી હતી. એટલે રોજગારની બાબતમાં ગામડાં સહજ રીતે આત્મનિર્ભર હતાં. પછી સમય જતાં પરિસ્થિતિ બદલાઈ. ગામડાંમાં કુટુંબો વધતાં ભાઈભાગ પડતા ગયા અને ખેતી ટૂંકી થતી ગઈ. એ પછી રોજગારીની બાબતમાં આત્મનિર્ભરની સ્થિતિ હતી એ પણ આજે નથી રહી."
"આત્મનિર્ભર ગ્રામની વાત ભલે કરતા હોય પણ એકલી ભાજપ સરકાર જ નહીં સમગ્ર ભારતની કોઈ પણ સરકાર પાસે ગામડાંને આત્મનિર્ભર કરી શકાય એવી દૃષ્ટિ હોય એવું મને નથી લાગતું."

ગુજરાતમાં ક્યારે છે ચૂંટણી?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણીઓ માટે 19 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.
જ્યારે 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યની 10,879 ગ્રામપંચાયતોમાં 19 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે અને તેના એક દિવસ બાદ 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
કુલ 27,085 મતદાનમથકો પર 54, 387 મતપેટીઓની વ્યવસ્થા રાખવામાં આવી છે.
ગ્રામપંચાયતની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ 4 ડિસેમ્બર રાખવામાં આવ્યો છે. જ્યારે 6 ડિસેમ્બરના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે.
ઉમેદવારો 7 ડિસેમ્બર સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે.
ગ્રામપંચાયતની ચૂંટણી માટે રાજ્યમાં કુલ 2.63 કરોડ મતદારો નોંધાયા છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












