'પ્રેમ કર્યો એટલે મારું માથું મૂંડીને ગામમાં ફેરવી', વાદી સમાજની 'સજા'નો ભોગ બનેલાં પીડિતાની વ્યથા
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારી સગાઈ મહેસાણામાં રહેતા અમારી જ જ્ઞાતિના એક જણ જોડે થઈ હતી પણ મને એ પસંદ ન હતો. હું મારી જ જ્ઞાતિના વિપુલ જોડે દીવાળી પર ઘરેથી ભાગીને ડાકોર જતી રહી હતી. બસ, આ મારી મોટી ભૂલ હતી. અમને ડાકોરથી પકડીને ઘરે લાવવામાં આવ્યાં. મારા કાકા સહિત બધાએ પકડી મારા વાળ કાપી નાખ્યા. મોઢું કાળું કર્યું અને માથે સગડી મૂકીને આખાય ગામમાં ફેરવ્યાં."
આ શબ્દો છે, સગીર વયની કંકુ વાદીના.... (સગીર હોવાથી નામ બદલ્યું છે).

ઇમેજ સ્રોત, ALKESH PANDYA
પાટણ જિલ્લાના હારિજમાં એક સગીરાને પકડીને ગામલોકોએ મુંડન કરી નાખ્યું હતું અને પછી તેનું મોઢું કાળું કરીને ગામમાં ફુલેકું ફેરવ્યું હતું.
પ્રેમસંબંધમાં આ રીતે અપાયેલી 'સજા'નો વીડિયો વાઇરલ થયો હતો અને બાદમાં પોલીસે કુલ 35 લોકો સામે ફરિયાદ નોંધી છે.
કંકુ પાટણના હારિજની વાદી વસાહતમાં રહે છે અને તેમને નાનપણથી વિપુલ ફુલવાદી સાથે પ્રેમ હતો.
કંકુએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે મેં મારા ઘરમાં લગ્ન કરવાની વાત કરી પણ મારા બનેવી તળશી ફુલવાદીને અમારો આ સંબંધ મંજૂર ન હતો, કારણ કે વિપુલ અને હું બંને એક જ ગોત્રનાં છીએ. અમારી જ્ઞાતિના બંધારણ પ્રમાણે અમે લગ્ન ન કરી શકીએ. એમ કહી અમને છૂટા પાડ્યાં હતાં.

'મુંડન કરીને ગામમાં ફુલેકું ફેરવ્યું'

કંકુ કહે છે કે, "અમારો સમાજ પહેલેથી રૂઢિચુસ્ત છે. મને અને વિપુલને સતત એમ થયા કરતું હતું કે, અમારાં લગ્ન ક્યારેય નહીં થાય, કારણ કે મારા ઘરમાં વિપુલ સાથેના પ્રેમસંબંધની ખબર પડી તો મારા પિતા સમજુભાઈએ મહેસાણામાં મજૂરી કરતાં અમારી જ જ્ઞાતિના એક છોકરા સાથે મારી સગાઈ કરી નાખી હતી."
"મેં અને વિપુલે સાથે જીવવા-મરવાના સોગંધ ખાધા હતા એટલે અમે દીવાળી પર નક્કી કરેલું કે ભાગી જઈએ. અમે ભાગીને ડાકોર જતાં રહ્યાં હતાં. ત્યાંની ધર્મશાળામાં રોકાયાં હતાં. અમને એમ હતું કે થોડા સમયમાં મામલો શાંત પડશે એટલે અમે પાછા હારિજ આવીશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંકુના કહેવા પ્રમાણે તેમની પાસે પૈસા ખૂટી ગયા એટલે તેમની ના હોવા છતાં વિપુલે ગામમાં ફોન કરીને એમના પિતા બળવંતભાઈ પાસે પૈસા માગ્યા અને તેમના ભાગી જવાની વાત બધે ફેલાઈ ગઈ.
તેઓ કહે છે, "ખબર પડતા મારી જ્યાં સગાઈ થઈ હતી એ મારા સસરા ગામમાં આવી ગયા અને ગામના આગેવાનોએ અમને ડાકોરથી પકડી બળજબરીથી હારિજ લઈ આવ્યાં. હારિજ આવ્યાં પછી ગામની પંચાયત બેઠી હતી ત્યાં મને અને વિપુલને બળજબરીથી ખેંચીને લાવવામાં આવ્યાં."
"મારા બનેવી તળશીભાઈ, મારી સગાઈ થઈ હતી એ છોકરાના પિતા અમરતભાઈ અને વિપુલના પિતા બળવંતભાઈ પણ હાજર હતા. ત્યાં જ પંચાયતમાં નક્કી થયું કે અમને બંનેને એક જ ગોત્રના હોવાથી સમાજના બંધારણ પ્રમાણે સજા કરવી. જેથી સમાજમાં દાખલો બેસે એટલે મારા બનેવી તળશીએ મને પકડી રાખી. અને બધાએ ભેગા મળીને મારા વાળ કાપી નાખ્યા."
"પછી મારું મોઢું કાળું કર્યું. કોથળામાં બાંધી મારા માથે સળગતાં અંગારા ભરેલું કૂલડું મૂકી મારું અને વિપુલનું ગામમાં ફુલેકું કાઢ્યું."

35 લોકો સામે ફરિયાદ નોંધાઈ

ઇમેજ સ્રોત, ALKESH PANDYA
હારિજના વાદી વસાહતમાં મળેલી આ ન્યાત પંચાયતમાં અપાયેલી આ 'સજા'નો વીડિયો વાદી સમાજના લોકોએ જ ઉતાર્યો અને એને વાઇરલ કર્યો હતો.
વાઇરલ વીડિયોના કારણે પોલીસને આ ઘટનાની ખબર પડી અને હરકતમાં આવેલી પોલીસે 35 લોકો સામે ફરિયાદ નોંધી છે, જેમાંથી હારિજ કોર્ટે 12 લોકોના જામીન મંજૂર કર્યા છે અને 23 લોકોના જામીન નામંજૂર કરીને જેલમાં મોકલી આપ્યા છે.
આ અંગે બીબીસી સાથે વાતચીત કરતાં પાટણના એસ.પી. અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે અમને આ બાબતની જાણ થતાં તાત્કાલિક જ કડક પગલાં ભર્યાં છે. અમે વાદી સમાજમાં પહેલા 17 લોકોની અટક કરી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ 35 લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે.
"આ છોકરી સગીરા છે એટલે અમે એને ભગાડી જનાર વિપુલ સામે પણ પૉક્સોનો ગુનો દાખલ કર્યો છે. યુવતીના પિતા, બનેવી અને સમાજના આગેવાનો સામે ગુનો દાખલ કર્યો છે."
"અલબત્ત, સમાજના આગેવાનોનો એવો દાવો છે કે, એમણે એમના સમાજના બંધારણ પ્રમાણે સજા આપી છે પણ જે રીતે સગીર છોકરી સાથે અમાનવીય વ્યવહાર થયો છે તે જોતા તમામ સામે કડકમાં કડક પગલાં લઈશું."
તો પાટણના કલેક્ટર સૂરપ્રીતસિંહ ગુલાટીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ ઘટનાની જાણ થતાં મેં ખુદે તપાસ શરૂ કરી છે. પોલીસે આ કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વાદી સમાજના બંધારણ પ્રમાણે એ લોકોએ સજા કરી છે, પરંતુ આ કાયદાથી તદ્દન વિરુદ્ધ છે."
"ભવિષ્યમાં આવો કોઈ પણ બનાવ ન બંને તે માટે અમે કડકમાં કડક પગલાં લઈશું. પહેલા 17 લોકોની ધરપકડ કરી હતી. તપાસ બાદ 35 લોકો સામે ગુનો દાખલ કર્યો છે."

વાદી સમાજનું બંધારણ શું છે અને શું છે નાતના નિયમો?

ઇમેજ સ્રોત, Getty Images
તો વાદી સમાજના અગ્રણી મીરખાન ફુલવાદીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારા જ્ઞાતિના બંધારણમાં એક જ ગોત્રમાં લગ્ન કરનાર સામે આ પ્રકારે બંધારણ પ્રમાણે સજા થાય છે. અને સમાજમાં દાખલો બેસે એ માટે અમારા સમાજના કેટલાક લોકોએ આ વીડિયો ઉતારીને વાઇરલ કર્યો હતો."
તેમનો દાવો છે કે "અમારા સમાજમાં ક્યારેય છૂટાછેડા થતાં નથી. બંધારણ પ્રમાણે છોકરો-છોકરી એકબીજાને સમજી શકે તે માટે સગાઈ પણ લાંબા સમય સુધી રખાય છે. પંચની પરંપરા પણ એવી છે કે મહિલા વિરુદ્ધ જ કાર્યવાહી થતી નથી."
"અમારી જ્ઞાતિના પંચમાં તો જો પતિ પાસે પૈસા હોય તો અને પત્નીને પૈસા ન આપે તો જ્ઞાતિપંચ અમારા પંચાયતના નિયમ પ્રમાણે પતિને ઠપકો પણ આપે છે. આ અમારું જ્ઞાતિનું બંધારણ છે. અમારા ત્યાં ચોરી કરનારને પણ નાત બહાર મૂકવામાં આવે છે. અને એને દંડ પણ કરવામાં આવે છે."
મીરખાન ફુલવાદી કહે છે, "સમાજની માફી માગે પછી જ એને જ્ઞાતિમાં પરત લેવામાં આવે છે. એટલું જ નહીં અમારી વાદી જ્ઞાતિના બંધારણ પ્રમાણે જ્ઞાતિ બહાર અમે લગ્ન પણ નથી કરતાં. લગ્ન પછી જો કોઈ તકલીફ હોય તો છોકરીની તકલીફ માટે છોકરાનાં માબાપને જ્ઞાતિનું પંચ જ પોતાને જવાબદાર ગણી મહિલા તરફી નિર્ણય લે છે."
"અમારી જ્ઞાતિના બંધારણ પ્રમાણે લગ્ન નક્કી થાય ત્યારે કોપરું અને ગોળ જ્ઞાતિના પંચને આપવામાં આવે છે. અને છોકરીની તમામ જવાબદારી પંચની રહે છે. સમાજના બંધારણ પ્રમાણે આ સજા થઈ છે. પણ સજા માત્ર દાખલો બેસાડવા પૂરતી હતી. આવી સજા અમારા સમાજમાં દારૂ પીવાવાળાને પણ થાય છે."

'વાદી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું'

ઇમેજ સ્રોત, Bhargav parikh
વાદી સમાજ માટે કામ કરતાં સમાજસેવિકા અને ડી.એન.ટી.-એન.ટી અને એસ.એન. કૉમ્યુનિટી વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયાનાં મેમ્બર મિત્તલ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, વાદી સમાજમાં હું છેલ્લાં 14 વર્ષથી કામ કરું છું. આ સમાજના લોકો ક્યારેય આવી સજા કરતાં નથી.
"છોકરીના અને છોકરાના વાળ કાપીને એમને કોથળામાં બાંધીને ફેરવવા એ ખરેખર યોગ્ય નથી. એને હું વખોડી કાઢું છું. પરંતુ આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે એટલે જ્ઞાતિના બંધારણ પ્રમાણે વર્તે છે. જ્ઞાતિનું બંધારણ પ્રમાણમાં ઘણું પ્રૉગ્રેસિવ છે."
"આ લોકો પહેલાં સાપ પકડીને મદારીના ખેલ કરતા હતા. હવે સાપ પકડવા સામે પ્રતિબંધ આવ્યા પછી ખેતમજૂરી કરે છે. આ વિચરતી જાતિ હોવાથી તેમના સમાજમાં દારૂ પીવા પર પણ પ્રતિબંધ છે. જો કોઈ દારૂ પીધેલ પકડાય તો તેનું મો કાળું કરીને કંતાનમાં બાંધીને ગામમાં ફેરવવામાં આવે છે, એટલું જ નહીં આ જ્ઞાતિમાં જો કોઈ ચોરી કરે તો જ્ઞાતિનું પંચ દંડ કરીને નાત બહાર મૂકે છે."
"લગ્નની પરંપરા પણ અલગ છે. લગ્નમાં જો એમની જ્ઞાતિનો પરંપરાગત ડ્રેસ ન પહેરે અને શેરવાની પહેરે તો 500 રૂપિયા દંડ કરવામાં આવે છે. વાદી જ્ઞાતિમાં ફિલ્મ જોવા સામે પણ પ્રતિબંધ છે. થિયેટરમાં ફિલ્મ જોવા બદલ પણ દંડ કરવામાં આવે છે."
મિત્તલ કહે છે, "આ કિસ્સામાં મેં તપાસ કરી તો આ છોકરી એના કાકાના દીકરા સાથે પ્રેમમાં હતી. ગામમાં લોકો એને દોઢ વર્ષથી સમજાવતા હતા કે કાકાના દીકરા સાથે લગ્ન ન થઈ શકે. આમ છતાં એણે લગ્ન કર્યાં. ભાગીને લગ્ન કર્યાં."
"અલબત્ત, એનું જ્ઞાતિના પંચે અલગ રીતે નિવારણ લાવવું જોઈતું હતું. આ રીતે સજા ન આપી શકાય. આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી એમણે આ સજા કરી છે તે દુખદ છે."

ગુજરાતમાં વાદી સમાજ

ઇમેજ સ્રોત, ALKESH PANDYA
ગુજરાતમાં ફુલવાદી જ્ઞાતિના લોકો મુખ્યત્વે પાટણના હારિજ, રાધનપુર, અમીરગઢ અને રામનગરમાં વસે છે.
આ જ્ઞાતિની વસતી અંદાજે 35,000ની છે. વિચરતી આ જ્ઞાતિના લોકો નાના ગામમાં નગરપાલિકા અને ગ્રામ-પંચાયતની ચૂંટણીઓમાં જ નિર્ણાયક મતદાતા હોય છે.
જ્યારથી સાપ પકડવા અને રાખવા પર પ્રતિબંધ લદાયો ત્યારથી આ સામજના લોકો ખેતમજૂરી અને ભિક્ષાવૃત્તિથી પોતાનું ગુજરાન ચલાવે છે.
ફુલવાદી જ્ઞાતિમાં સાક્ષરતા ઓછી છે, જ્યારે એમની જ બીજી જ્ઞાતિ લાલવાદીમાં ભણતરનું પ્રમાણ સારું છે.
લાલવાદીની સંખ્યા ગુજરાતમાં અંદાજે સવા લાખ છે અને એ પણ ભિક્ષાવૃત્તિ અને ખેતમજૂરી કરે છે. પરંતુ લાલવાદી અને ફુલવાદી જ્ઞાતિ મુખ્યત્વે પોતાના જ્ઞાતિના બંધારણને જ અનુસરે છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













