Childrens Day : દીકરીને 'લક્ષ્મી' ગણતા ભારતમાં છોકરા કરતાં છોકરીઓ વધુ તરછોડાય છે?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
સમગ્ર ભારત 14 નવેમ્બરે "બાળદિન"ની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે સુરત સિવિલ હૉસ્પિટલમાં 15 દિવસની એક બાળકી હજુ સારવાર હેઠળ છે.
આ બાળકીને 28 ઑક્ટોબરના રોજ સુરતના ભેસ્તાન વિસ્તારમાં તેના જ પિતા જન્મના લગભગ ત્રણ કલાક પછી તરછોડવાના ઇરાદે કચરાના ઢગલામાં નાખી ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ભરતભાઈ બેલ નામની વ્યક્તિએ આ બાળકીને તારણહાર બનાવીને નવજીવન બક્ષ્યું. તેમની સમયસૂચકતા અને સંવેદનશીલતાના કારણે બાળકીનો જીવ બચી ગયો.
આ ઘટનાને યાદ કરતાં ભરતભાઈ બેલ કહે છે કે, "હજુ પણ એ દૃશ્ય જ્યારે યાદ આવે છે ત્યારે આંખમાં ઝળઝળિયાં આવી જાય છે. બાળકીની માસૂમિયતને કારણે કે તેના પિતાના નિર્દય વર્તનને કારણે આવું થયું એની મને ખબર નથી."
બાળકીની આસપાસથી કૂતરાં ભગાડી, તેને થેલીમાંથી કાઢી, તેને યોગ્ય રીતે સાફ કરી, તેના મોઢામાં હવા ફૂંકી ભરતભાઈએ આ બાળકીના લગભગ અચેતન બનતા જઈ રહેલા શરીરમાં નવા પ્રાણ ફૂંક્યા.
જ્યારે ભારત પોતાના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની યાદમાં તેમના જન્મદિવસે બાળદિન ઊજવવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે આપણી આસપાસ ક્યાંક ને ક્યાંક લગભગ દરરોજ બાળકો પોતાના જ સ્વજનો દ્વારા નિરાધાર તરછોડાઈ રહ્યાં છે. અને નિષ્ણાતોના મતે દુર્ભાગ્યે આવી રીતે તરછોડાયેલાં બાળકોમાં છોકરીઓની સંખ્યા વધુ હોય છે.
મહિલાને 'લક્ષ્મી' ગણતા ભારતમાં 21મી સદીમાં પણ આવી ઘટનાઓ નોંધાઈ રહી છે અને તેનાં કારણોની ઝીણવટભરી તપાસ કરવા માટે અમે કેટલાક નિષ્ણાતો અને પક્ષકારોનો સંપર્ક કર્યો હતો.
એ પહેલાં ગુજરાતમાં તાજેતરમાં નોંધાયેલા આ કેસની અમુક વિગતો જાણી લઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'આવી ઘટનાઓ જોઈ માનવતા પરથી વિશ્વાસ ઊઠી જાય છે'

ઇમેજ સ્રોત, Getty Images
ભેસ્તાન CNG પંપ પાસે કચરાના ઢગલામાં મળી આવેલ નવજાત બાળકીને બચાવનાર ભરતભાઈ બેલ સાથે બીબીસી ગુજરાતીએ તેમનો અનુભવ અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવવા માટે વાત કરી.
ભરતભાઈ જણાવે છે કે, "28 ઑક્ટોબરે સવારે સાત વાગ્યે હું મારી બાઇક પર કામે જવા માટે નીકળ્યો. ત્યાં નજીકના કચરાના ઢગલા પાસે એક થેલીની આસપાસ લોકો એકઠા થયેલા દેખાયા. થેલી હલી રહી હતી. તેની આસપાસ કૂતરાં હતાં, જે થેલીને ફાડવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં."
"આસપાસ ઊભેલી ભીડમાંથી કોઈની આ થેલીને ખોલીને જોવાની હિંમત ન થઈ. પણ હું પોતાની જાતને રોકી ન શક્યો. થેલી મજબૂત હતી તેથી તેને ફાડવી પડી. થેલી ફાડતાંની સાથે મેં મારા જીવનનું સૌથી દયાહીન ચિત્ર જોયું. તેમાં લોહીમાં લથબથ, ચીથરામાં લપટેલી એક તાજી જન્મેલી બાળકી હતી."
ભરતભાઈને મળી આવી તે સમયની બાળકીની સ્થિતિ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "બાળકીની સ્થિતિ ખરાબ હતી. તેના મોંમાંથી ફીણ નીકળી રહ્યું હતું. મોંઢામાં અને શરીરે લોહી હતું. મેં તેને જોતાં છાતીસરસી ચાંપી લીધી. અને તેનું મોઢું અને શરીર સાફ કર્યાં પછી બાળકીનો અવાજ સંભળાયો."
"બાળકીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108ને બોલાવી હું તેને સિવિલ હૉસ્પિટલ લઈ ગયો. આખા રસ્તે મારી આંખમાંથી આંસુ વહેવાનું ચાલુ જ હતું. મારી આંખ આગળ મારી પોતાની દીકરીની છબિ આવી રહી હતી."
ભરતભાઈ આ બાળકીની સ્થિતિ જોઈ બધાં માતાપિતાને અપીલ કરતાં કહે છે કે જો બાળકી ન જોઈતી હોય તો તેને મારી ન નાખશો. તેને કોઈ સંસ્થા કે આશ્રમને આપી દો. પણ આવું ન કરશો એવી વિનંતી છે.
આ ઘટના બાબતે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જેના તપાસાધિકારી પોલીસ સબ ઇન્સપેક્ટર કે. ડી. પટેલે કહ્યું હતું કે, "બાળકીને કચરાના ઢગલામાં મૂકી જનાર તેના પિતા જ હતા. તેમનું નામ રજનીશ છે."
"આસપાસના વિસ્તારમાં આવેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ મેળવી તપાસ કરતાં આ સમગ્ર ઘટનામાં આરોપી પિતા હોવાનું સામે આવતાં તેમની ધરપકડ કરાઈ હતી. બાદ તેમને કોર્ટમાં રજૂ કરી દેવાયા હતા. હાલ બાળકી સારવાર હેઠળ છે. તેને યોગ્ય કાર્યવાહી બાદ જે તે ચિલ્ડ્રન હોમમાં સોંપી દેવામાં આવશે."

બાળકીઓ કેમ વધુ તરછોડાય છે?

ઇમેજ સ્રોત, Arjun Parmar
પંજાબના જાલંધર ખાતે 'યુનિક કૅર' નામે તરછોડાયેલ બાળકો માટે સંસ્થા ચલાવનાર પ્રકાશકોરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આજના ભારતીય સમાજની હકીકત છે કે માતાપિતા પોતાની બાળકીઓને વધુ પ્રમાણમાં તરછોડી દે છે.
પ્રકાશકોરને તરછોડાયેલાં બાળકોના ભલા માટે કામ કરવા બદલ વર્ષ 2018માં 'પદ્મશ્રી' પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.
તેઓ આ સમસ્યાને ખૂબ જ ગંભીર સામાજિક સમસ્યા ગણાવે છે અને કહે છે કે, "છોકરાઓ કરતાં છોકરીઓને તેમના સ્વજનો દ્વારા વધુ તરછોડી દેવામાં આવે છે. તેના માટે આપણી સમાજવ્યવસ્થા, દીકરીને સાપનો ભારો માનતી સમાજની કુંઠિત બુદ્ધિ, ઓછું શિક્ષણ અને શિક્ષણવ્યવસ્થાની ખામી મુખ્યત્વે જવાબદાર છે."
પ્રકાશકોર કહે છે કે, "ઓછાં ભણેલાં માતાપિતાને પરિવાર નિયોજનની સમજ હોતી નથી. તેથી વધુ પડતાં સંતાનોથી પીછો છોડાવવા માટે ઘણી વાર ઘરની બાળકી તેમને દવલી લાગવા લાગે છે. અને તેઓ આવું કૃત્યુ કરે છે."

ઇમેજ સ્રોત, Kenishirotie
તેઓ આવા દુ:ખદ વલણ માટે સમાજની માનસિક ગ્રંથિને પણ જવાબદાર ગણે છે.
તેઓ કહે છે કે, "આપણા ભારતીય સમાજમાં આજે પણ પુત્રને કુળને આગળ વધારનાર, નામ કાઢનાર ગણવામાં આવે છે. જ્યારે બાળકીને બોજ ગણવામાં આવે છે. આપણે માનીએ કે ન માનીએ પરંતુ આ સત્ય છે. જેનો અમે રોજ સામનો કરીએ છીએ."
"આ સિવાય આપણાં બાળકોને શરૂઆતથી જ છોકરો-છોકરી એકસમાન એવાં મૂલ્યો શીખવવામાં નથી આવતાં. શાળામાં પણ નહીં. એ ઘણા ખરા અંશે આવી બાબતો અંગે લોકોની અસંવેદનશીલતાનું મોટું કારણ છે."
તેમજ પ્રકાશકોર બાળકોને આવી રીતે નિરાધાર તરછોડી જનાર લોકો પ્રત્યે કઠોર કાર્યવાહી થાય તેવી પણ માગણી કરે છે.
તેઓ કહે છે કે, "હાલની કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે જો કોઈ વ્યક્તિ બાળકને નિરાધાર તરછોડવાના ઇરાદે મૂકી જાય તો તેની વિરુદ્ધ જામીનપાત્ર ગુનો લાગે છે. જેથી તેઓ સરળતાથી છૂટી જાય છે. પરંતુ બાળકના જીવને એ દરમિયાન કેટલું મોટું જોખમ હોય છે તેની નોંધ લેવાતી નથી."
"આવું કૃત્યુ કરનાર, કરવાનું વિચારનાર લોકોનાં મનમાં ભય બેસાડવા માટે કડક કાયદાની જરૂરિયાત છે. હાલની જોગવાઈ આ માટે અપૂરતી છે."
સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ ઑથૉરિટીનાં ભૂતપૂર્વ ચૅરમૅન એલોમા લોબો પણ બાળકીઓ તરછોડાવાની ઘટનાને ક્રૂર અપરાધ ગણાવે છે.
તેઓ કહે છે કે, "એ વાતમાં કોઈ બેમત નથી કે બાળકીઓ છોકરાઓની સરખામણીએ વધુ તરછોડી દેવામાં આવે છે. જ્યારે પણ કોઈ દંપતીનું ત્રીજું-ચોથું સંતાન થાય અને તે છોકરી હોય તો તેને તરછોડવા સહિતના વિકલ્પો પર પરિવાર વિચારવા લાગે છે. ઘણા કિસ્સામાં આવું જોવા મળ્યું છે."

દેશભરનાં ચિલ્ડ્રન હોમમાં બાળકીઓ વધુ ઉપલબ્ધ

ઇમેજ સ્રોત, Dejan Mijovic / EyeEm
બીબીસી ગુજરાતીએ સેન્ટ્રલ અડૉપ્શન રિસોર્સ ઑથૉરિટીમાં દાખલ કરેલી એક માહિતી અધિકારની અરજીના જવાબમાં જાણવા મળ્યું હતું કે, 'સમગ્ર દેશનાં ચિલ્ડ્રન હોમમાં 1032 છોકરાની સામે 1432 છોકરીઓ દત્તક લેવા માટે ઉપલબ્ધ છે.'
જો ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો આ પ્રમાણ 38 ટકા વધુ છે.
તેમાં પણ 0-2ના વયજૂથમાં સમગ્ર દેશનાં ચિલ્ડ્રન હોમમાં 188 છોકરા દત્તક લેવા માટે ઉપલબ્ધ છે. તેની સામે 241 છોકરીઓ ઉપલબ્ધ છે.
ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો 0-2ના વયજૂથમાં છોકરાઓની સરખામણીએ 28 ટકા વધુ છોકરીઓ દત્તક લેવા માટે ઉપલબ્ધ છે.
અહીં નોંધનીય છે કે દર વર્ષે છોકરાની સરખામણીએ લગભગ દોઢ ગણી છોકરીઓ દત્તક લેવાય છે, છતાં દેશભરનાં ચિલ્ડ્રન હોમમાં છોકરીઓ વધુ પ્રમાણમાં દત્તક લેવા માટે ઉપલબ્ધ છે.
આ પ્રકારના વલણના સંભવિત કારણ તરીકે છોકરીઓને વધારે તરછોડી મૂકવાની ઘટનાઓ અને સામાજિક વલણ જવાબદાર હોવાનું નિષ્ણાતો માને છે.

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR
એલોમા લોબો જણાવે છે કે, "છોકરીઓ વધુ દત્તક લેવાય છે તે માટે માતાપિતાની પ્રાથમિકતા સિવાય છોકરીઓની વધારે ઉપલબ્ધતા પણ એક જવાબદાર કારણ છે."
"આપણા સમાજમાં દીકરીઓને ઘણા કુરિવાજોને કારણે બોજો ગણવામાં આવે છે. જેના કારણે માતાપિતા પોતાનાં બાળકો પૈકી છોકરીઓને વધુ તરછોડે છે. અને તેમાં પણ જો બાળક વિકલાંગ હોય તો તે કિસ્સામાં છોકરીઓને જરૂર તરછોડી દેવાય છે, જ્યારે છોકરાના કિસ્સામાં માતાપિતા થોડો વિચાર કરીને તેમને પોતાની પાસે રાખી લે છે. જે દુ:ખદ છે."
દીકરીઓને તરછોડવાના સ્થાને તેમને અપનાવી લેવા અને જો કોઈ કારણસર આવું કરવાની જરૂરિયાત જણાય તો મુક્ત મને 'યુનિક કૅર' સંસ્થાનો સંપર્ક સાધવા પ્રકાશકોર વિનંતી કરે છે.
તેઓ કહે છે કે, "દીકરીઓ વહાલનો દરિયો છે, તેમને ન છોડશો, જો છોડવી જ પડે તો અમને આપો. અમે તમારી પાસે આવીને બાળકીને લઈ જઈશું. પણ તેમને ફેંકશો નહીં, મારશો નહીં. તેમને જીવવા દો."



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














