ક્લાઇમેટ ચેન્જ : તુવાલુ નામનો એ દેશ, જે પોતાના સંભવિત 'મૃત્યુ'ની તૈયારી કરી રહ્યો છે
- લેેખક, ઍલેઝાન્ડ્રા માર્ટિન્સ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
તમારું ઘર, તમારાં મૂળિયાં જ્યાં છે એ તમારું વતન અને વિશ્વની તમારી સૌથી મનપસંદ જગ્યા એના વિશે થોડી ક્ષણ વિચાર કરો.
આ સ્થળ એક દિવસ ડૂબી જશે અને ધરતી પરથી અદૃશ્ય થઈ જશે એવી કલ્પના કરવી કેટલી મુશ્કેલ છે એ તમે સમજી શકશો.

ઇમેજ સ્રોત, TUVALU FOREIGN MINISTRY
ડઝન જેટલાં ટાપુરાષ્ટ્રના લોકો માટે આ આશંકા વિકરાળ વાસ્તવિકતા બને તેવો ભય ઊભો થયો છે.
ક્લાઇમેટ ચેન્જના કારણે દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને તેના કારણે ટાપુની કેટલીક જમીનો ડૂબવા પણ લાગી છે અને અહીં વસતા લોકો માટે પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ છે.
બીબીસીની ટીમે પ્રશાંત મહાસાગરમાં આવેલા આવા જ એક નાનકડા ટાપુરાષ્ટ્ર તુવાલુ કેવી કફોડી સ્થિતિમાં મુકાઈ ગયો, એની જાતતપાસ કરી છે.
આ દેશના લોકો વિશ્વના પ્રદૂષણ ફેલાવી રહેલા મોટા દેશોને અરજ કરી રહ્યો છે કે તમારા ઝેરી ધુમાડાનું ઉત્સર્જન અટકાવો.
આ રાષ્ટ્ર હવે ખરેખર કાનૂની તથા સત્તાવાર રીતે તૈયારી પણ કરવા લાગ્યો છે કે તેની ભૂમિને મહાસાગર ગળી જાય ત્યારે શું કરવું.
તુવાલુના ન્યાય, પ્રત્યાયન અને વિદેશમંત્રાલયના મંત્રી સિમોન કૉફેએ હાલમાં જ સ્કૉટલૅન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી COP26 ક્લાઇમેટ ચેન્જ સમિટ વખતે નાટકીય રીતે પોતાના દેશનો સંદેશ રજૂ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે "અમે તો ડૂબી જ રહ્યા છીએ, પણ બધાની એ જ હાલત થવાની છે."
એક વર્ષ પહેલાં જ્યાં કોરી જમીન હતી ત્યાં આજે દરિયાનાં પાણી ફરી વળ્યાં છે. તેમાં ગોઠણભેર ઊભા રહીને કૉફેએ જણાવ્યું કે તુવાલુની સામે અત્યારે જે સંકટ આવીને ઊભું છે તે આગામી દિવસોમાં દુનિયાના અન્ય દેશો સામે આવનારા જોખમની ચેતવણી સમાન જ છે.

ડૂબાડી રહી છે વધતી દરિયાની સપાટી

ઇમેજ સ્રોત, Getty Images
તુવાલુ નવ નાનાનાના ટાપુઓનો બનેલો દેશ છે, જે ઑસ્ટ્રેલિયાથી અને હવાઈથી લગભગ 4,000 દૂર આવેલો છે. તેના સૌથી નીકટના પાડોશી દેશો છે કિરીબાતી, સમોઆ અને ફિજી.
બીબીસી સાથેની વાતચીતમાં મંત્રી કૉફેએ સમજાવ્યું કે "અમારો દેશ દરિયાની સપાટી કરતાં ઓછી ઊંચી સપાટીએ આવેલો દેશ છે. દરિયાની સપાટીથી સૌથી ઊંચી ભૂમિ માત્ર ચાર મીટર જેટલી જ છે."
26 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ નાનકડા દેશમાં 12,000 જેટલા લોકો વસે છે.
કિરીબાતી અને માલદીવ જેવા બીજા દેશોની જેમ તુવાલુ પ્રવાલદ્વીપ પ્રકારના ટાપુઓનો દેશ છે અને વધતા વૈશ્વિક તાપમાન અને વધતી દરિયાઈ સપાટીને કારણે સૌથી વધુ જોખમમાં આવેલો છે.
વીંટી આકારના ગોળાકાર કે અર્ધગોળાકાર પરવાળાની ઉપર જમીન બની હોય છે અને વચ્ચે છીછરા સરોવર જેવું બનેલું હોય છે.
કૉફે કહે છે, "બહુ પાતળી ભૂમિનો પટ્ટો રહી ગયો છે તેના પર અમે વસેલા છીએ. બંને બાજુ દરિયો છે. એક તરફ મહાસાગર અને બીજી તરફ લગૂન હોય છે."
"છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે જોઈ રહ્યા છીએ કે વધતી દરિયાઈ સપાટીને કારણે ટાપુનો ઘણો હિસ્સો ડૂબવા લાગ્યો છે."
તુવાલુને ભારે ગતિથી ફૂંકાતાં વાવાઝોડાં અને દુકાળ જેવી સ્થિતનો પણ સામનો કરવો પડે છે. મહાસાગરનું તાપમાન પણ વધ્યું છે અને તેના કારણે આવા ટાપુનું રક્ષણ કરનારા અને માછલીઓ માટે આશરો સમાન પરવાળા પણ નાબૂદ થવા લાગ્યા છે.
જોકે વધારે જોખમ જમીન પર ધસી આવતા દરિયાનાં મોજાંનું હોય છે.

પીવાનાં પાણીની સમસ્યા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
દરિયાનું પાણી હવે ભૂતળમાં પણ ઘૂસવાં લાગ્યું છે અને તેના કારણે તળનાં પાણી પણ બગડ્યાં હોવાનું કૉફે જણાવે છે.
"અમે સામાન્ય રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરીને પીવાનું પાણી મેળવીએ છીએ, પણ કેટલાક ટાપુઓમાં કૂવા કરીને તેમાંથી પણ પાણી મેળવવામાં આવે છે.
"હવે તે શક્ય રહ્યું નથી, કેમ કે તળમાં દરિયાનાં ખારાં પાણી આવવાં લાગ્યાં છે. એટલે હવે અમારે પીવાનાં પાણી માટે માત્ર વરસાદ પર જ આધાર રાખવો પડે છે."
જમીનમાં ખારાશ વધવા લાગી છે તેના કારણે ખેતી પણ નકામી થવા લાગી છે. તુવાલુમાં નિયંત્રિત સ્થિતિ વચ્ચે અનાજ ઉગાડી શકાય તે માટેનો એક પાઇલટ પ્રોજેક્ટ તાઇવાન સરકારની મદદથી શરૂ થયો છે.
કૉફે કહે છે, "જમીનમાં ખારાશ છે એટલે અનાજ ઉગાડી શકાતું નથી અને તેના કારણે આયાતી ખાદ્યપદાર્થો પર નિર્ભરતા વધી રહી છે."
"તાઇવન સરકારના પ્રોજેક્ટ માટે માટી અને ખાતર પણ આયાત કરવામાં આવ્યાં છે."

ટાપુરાષ્ટ્રનો અસ્તિત્વનો સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં 30 વર્ષ કરતાંય પણ વધુ સમયથી તુવાલુ જેવાં ટાપુરાષ્ટ્રો વૈશ્વિક જળવાયુ પરિવર્તનને કાબૂમાં રાખવા માટે નક્કર પગલાંની માગણી વિશ્વ સમક્ષ કરતાં રહ્યાં છે.
1990માં પ્રશાંત મહાસાગરમાં આવેલાં આવાં ટાપુરાષ્ટ્રોએ કૅરેબિયન ટાપુઓ સાથે મળીને એક 'ડિપ્લોમેટિક અલાયન્સ' તૈયાર કર્યું હતું. તેમાં એન્ટિગા, બાર્બુડા અને માલદીવ વગેરે પણ જોડાયા હતા.
ક્લાઇમેટ ચેન્જની બાબતમાં ભેગા મળીને દબાણ ઊભું કરવાનો હેતુ આ સંગઠનનો હતો.
આ સંગઠનનું નામ રખાયું હતું 'અલાયન્સ ઑફ સ્મૉલ આઇલૅન્ડ સ્ટેટ્સ' (ટૂંકાક્ષરીમાં AOSIS), જેમાં 39 સભ્યો છે. આ સંસ્થાએ વિકાસશીલ દેશોના કારણે વૈશ્વિક તાપમાન કઈ રીતે વધી રહ્યું છે તે મુદ્દાને પ્રબળપણ પ્રગટ કર્યો છે.
2015માં પેરિસ કરાર વખતે ક્લાઇમેટને કાયમી નુકસાન કરવામાં આવે તેની સામે નુકસાની ચૂકવવા માટેની માગણી થઈ હતી તે અંગેની દરખાસ્તને AOSIS સંસ્થાના દબાણને કારણે જ સામેલ કરવી પડી હતી.
હાલમાં યોજાયેલી પરિષદ COP26 માટે AOSISના વર્તમાન પ્રૅસિડન્ટ અને એન્ટિગા તથા બાર્બુડાના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને સંદેશ મોકલીને સૌને યાદ કરાવ્યું હતું કે "વૈશ્વિક કાર્બન ડાયૉક્સાઇડના ઉત્સર્જનમાં નાના વિકાસશીલ ટાપુરાષ્ટ્રોનો હિસ્સો 1% કરતાંય ઓછો છે."
"અમારા દેશો વૈશ્વિક પર્યાવરણને નુકસાન માટે સૌથી ઓછા જવાબદાર છે," એમ તેમણે જણાવીને ઉમેર્યું હતું કે, "પણ સૌથી વધારે અમારે ભોગવવાનું આવે છે."
જુદાજુદા વૈજ્ઞાનિક અભ્યાસો પરથી પણ આ દેશોને થઈ રહેલું નુકસાન સ્પષ્ટ થઈ ગયું છે.

વિજ્ઞાનીઓ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રસંઘની 'ઇન્ટર-ગર્વનમેન્ટલ પેનલ ઑન ક્લાઇમેટ ચેન્જ' (IPCC)ના આ વર્ષના 9 ઑગસ્ટે પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું હતું કે દરિયાની સપાટીમાં વધારો થવાનો વાર્ષિક દર 1901થી 2018 સુધીમાં ત્રણ ગણો વધી ગયો છે, જે હાલમાં વર્ષે 3.7 એમએમ જેટલો છે.
જોકે ક્લાઇમેટ ચેન્જના નિષ્ણાત, સંકલનકર્તા અને IPCCના અહેવાલમાં નાના ટાપુઓ વિશેના પ્રકરણના અગ્રલેખક ડૉ. મૉર્ગન વાઇરિયુએ સોલોમન આઇલૅન્ડ ખાતેથી બીબીસી સાથે વાતચીત કરતાં કહ્યું કે "પ્રશાંત મહાસાગરના ટાપુઓના વિસ્તારમાં આ અંગેની સ્થિતિ વધારે ખરાબ છે."
"દક્ષિણ પ્રશાંત વિસ્તારમાં સ્થાનિક ધોરણે દરિયાઈ સપાટીમાં સરેરાશ વધારો થવાનો વાર્ષિક દર 1900થી 2018 સુધીમાં 5થી 11 એમએમનો થઈ ગયો છે."
તુવાલુ માટેના કોઈ ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ માલદીવ ટાપુઓના કિસ્સામાં તાજા પાણીના અનામત જથ્થામાં દરિયાની સપાટી વધવાના કારણે 11%થી 36% સુધીનો ઘટાડો થયો છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
એવો અંદાજ છે કે દરિયાની સપાટીમાં એક મીટરનો પણ વધારો થવાના કારણે ટાપુઓની બાયૉડાયવર્સિટી પર મોટી અસર થશે અને નીચાણવાળા વિસ્તારમાં સીધી અસર અનુભવાશે. પાણી હેઠળ જમીન ડૂબી જવાથી સીધી રીતે અને ખારા પાણી ઘૂસી જવાથી મૅંગ્રોવમાં ખારાશ વધવી અને કાંઠાના વિસ્તારમાં ખારોપાટ વધતાં આડકતરી રીતે પણ નુકસાન થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
પોતાના અહેવાલમાં IPCC તરફથી અંદાજ મુકાયો છે કે ઊંચું ઉત્સર્જન ચાલતું રહેશે તો 2100ની સાલ સુધીમાં દરિયાની જળસપાટીમાં એક મીટરથી વધુનો વધારો થઈ જશે.
અહેવાલમાં આ સાથે જ ચેતવણી પણ ઉચ્ચારાઈ છે કે : "બહુ ઊંચા પ્રમાણમાં નુકસાનકારક વાયુઓ છોડવામાં આવશે તો એ સંજોગોમાં 2100 સુધીમાં 2 મીટર જેટલો અને 2150 સુધીમાં 5 મીટર જેટલો વધારો થવાની સંભાવના પણ નકારી શકાય નહીં. ખાસ કરીને બરફના થરોની અનિશ્ચિત સ્થિતિને કારણે."
ગ્રીનલૅન્ડ અને ઍન્ટાર્ક્ટિક વિસ્તારના બરફના થર ઓગળી જાય તે સંદર્ભમાં આ વાત જણાવવામાં આવી છે.
ડૉ. વાઇરિયુએ જણાવ્યું છે કે સરેરાશ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસના બદલે માત્ર 1.5 ટકાનો વધારો મર્યાદિત રાખી શકાય તો તે સંજોગોમાં પ્રશાંત મહાસાગરના નાના ટાપુઓ પર પાણીની તંગીની સ્થિતિ 25% ઓછી આકરી રહેશે.
પ્રશાંત મહાસાગરના નાના ટાપુઓ માટે ચેતવણી આપતાં તેમણે લખ્યું છે કે, "કુદરતી સંસાધનોને કારણે જે ફાયદો થાય તેમાં ઘટાડો થવાથી, જોખમ વધવાથી કેટલાક નાના ટાપુઓ પર વસવાટ કરવો મુશ્કેલ બનશે."
2018માં અમેરિકા અને નૅધરલૅન્ડના વિજ્ઞાનીઓએ કરેલા અભ્યાસમાં પણ જણાવાયું છે કે "પરવાળા પર બનેલા મોટા ભાગના ટાપુઓ આ સદીના મધ્ય પછી રહેવાલાયક રહ્યા નહીં હોય."
તે માટેનું કારણ એ જ કે "દરિયાની સપાટી વધતા દરિયાનાં પાણી ટાપુઓમાં ઘૂસી જાય તેનું જોખમ વધતું રહેશે."

અભૂતપૂર્વ કાનૂની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
ક્લાઇમેટ ચેન્જની કારમી વાસ્તવિકતા સામે મોઢું ફાડી રહી છે અને વૈશ્વિક ધોરણે કોઈ સુધારાનાં આકરાં પગલાં દેખાતાં નથી ત્યારે તુવાલુ પોતાના ભવિષ્ય માટે બીજી દિશામાં પણ નજર દોડાવવા લાગ્યો છે.
કૉફેએ બીબીસી મુન્ડોને જણાવ્યું કે "દેખીતી રીતે જ સૌથી ખરાબ સ્થિતિ એ હશે કે અમારે અહીંથી બીજે રહેવા જતું રહેવું પડે, કેમ કે અમારા ટાપુઓને દરિયો સંપૂર્ણપણે ગળી જશે."
"હાલના આંતરરાષ્ટ્રીય કાયદાઓ પ્રમાણે કોઈ દેશની પોતાની ભૂમિ હોય તેના આધારે જ તેની દરિયાઈ સરહદ નક્કી થતી હોય છે."
"અમારી ભૂમિ જ અદૃશ્ય થઈ જાય તે સંજોગોમાં આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે અમારી પાસે કોઈ આધાર રહેતો નથી, કેમ કે આંતરરાષ્ટ્રીય કાયદાઓ માટે પણ આ નવી સ્થિતિ છે. ક્લાઇમેટ ચેન્જના કારણે આખો દેશ ડૂબી જવાનો હોય તેવું અગાઉ ક્યારેય બન્યું નથી."
તુવાલુ હાલમાં કાયદાકીય માર્ગો માટે વિચારી રહ્યું છે, જેના આધારે તેમના દેશની ભૂમિ દરિયામાં ગરક થઈ જાય તે પછી પણ તેમનું અસ્તિત્વ બચી રહે.
ભૂમિ વિના પણ તુવાલુને રાષ્ટ્ર તરીકે માન્યતા આપવામાં આવે અને તેની દરિયાઈ સરહદ ગણીને તેના પર તેનો અધિકાર રહે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે, એમ કૉફે જણાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
"અમે જુદાંજુદાં દૃષ્ટિકોણથી વિચારી રહ્યા છી અને તેમાં એક છે હાલના આંતરરાષ્ટ્રીય કાયદાઓનું નવેસરથી અર્થઘટન કરવું. મેરિટાઇમ ઝોન, દરિયાઈ સરહદ કાયમી રહે અને રાષ્ટ્રનું અસ્તિત્વ પણ કાયમ રહે તે માટેનો વિકલ્પ વિચારી રહ્યા છીએ. વધારે દેશો આ બાબતને માન્યતા આપે એમ અમે ઇચ્છીએ છીએ."
"રાષ્ટ્રીય કક્ષાએ અમારી વિદેશનીતિમાં કોઈ દેશ તુવાલુ સાથે રાજદ્વારી સંબંધો બાંધવા માગતો હોય તો એક શરત એ રાખીએ છીએ કે તેઓ અમારી રાષ્ટ્ર તરીકેની ઓળખને સદાકાળ માટે માન્ય કરે. સાથે જ અમારી દરિયાઈ સરહદ પરનો અમારો અધિકાર કાયમી રીતે માન્ય કરે."
કિરીબાતીએ ફિજીમાં જમીન લઈ લીધી છે, પણ તુવાલુએ હજી એવું કર્યું નથી.
જોકે કૉફેના જણાવ્યા અનુસાર ફિજીએ તેમને પણ "જાહેર ઑફર કરી છે કે તમારી ભૂમિ દરિયામાં ડૂબી જશે તો અમે તમને જમીન આપીશું."
જોકે અન્યત્ર વસવાટની બાબતમાં હાલમાં તેઓ વિચાર કરવા માગતા નથી.
"અમે કયા દેશમાં રહેવા જઈ શકીશું તેનો વિચાર કર્યો નથી, કેમ કે નવી જગ્યાએ વસવાટની જમીન આપીને કેટલાક દેશો એવી દલીલો પણ કરશે કે 'અમે તેમને જમીન આપી દઈશું, પણ અમે વધારે ગ્રીનહાઉસ ગૅસ છોડતા રહીશું."

"અમારા માટે અન્યત્ર વસવાટ એ છેલ્લો વિકલ્પ છે."

ઇમેજ સ્રોત, TUVALU FOREIGN MINISTRY
તુવાલુ એ માટે પણ આગ્રહ રાખવા માગે છે, જે બાબતમાં કેટલાક વિકાસશીલ દેશો અને સમૃદ્ધ દેશોએ ધ્યાન આપ્યું નથી : ક્લાઇમેટ ચેન્જના કારણે નુકસાન થયું હોય તેના માટે વળતર આપવું જોઈએ.
એન્ટિગા અને બાર્બુડા સરકારની સાથે મળીને તુવાલુએ હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એક નવા પંચની નોંધણી કરાવી છે.
કૉફે કહે છે, "આવા પંચની રચના કરવા પાછળનો એક ઉદ્દેશ એ છે કે તેના મારફત ઇન્ટરનેશનલ ટ્રિબ્યૂનલ ફૉર ધ લૉ ઑફ ધ સી સમક્ષ અમે રજૂઆતો કરી શકીએ. અમે તેમની પાસેથી નુકસાની અંગે વળતર માગવાનો અભિપ્રાય પણ માગી શકીએ છીએ."
જર્મનીના હેમ્બર્ગમાં આવેલી ઇન્ટરનેશનલ ટ્રિબ્યૂનલ ફૉર ધ લૉ ઑફ ધ સીનું કામ સંયુક્ત રાષ્ટ્રસંઘના 1982ના કન્વેન્શન ઑન ધ લૉ ઑફ ધ સી અંગે વિવાદ થાય તેનો ઉકેલ લાવવાનું છે.
યુરોપીય સંઘના દેશો અન્ય 167 દેશોએ આ કન્વેન્શનને સ્વીકાર્યું છે. અમેરિકાએ તેનો સ્વીકાર કર્યો નથી, પરંતુ ચીન અને ભારત જેવા સૌથી વધુ ગ્રીનહાઉસ ગૅસ છોડતા દેશોએ તેને સ્વીકાર્યું છે.
તુવાલુ અને એન્ટિગા ઍન્ડ બાર્બુડાનું પંચ અહીં કેસ કરીને ન્યાયાધીશનો અભિપ્રાય જાણવા કોશિશ કરશે કે શું તેમને વધારે ઉત્સર્જન કરતાં દેશો પાસેથી વળતર મળી શકે કે કેમ. આ પ્રકારની અરજી અંગે આ બંને દેશોના પ્રતિનિધિ અને વકીલ પયામ અખાવને પત્રકારોને માહિતી આપી હતી.
જો અદાલતમાંથી યોગ્ય અભિપ્રાય મળશે તો આ ટાપુ રાષ્ટ્રો અન્ય કોઈ કોર્ટમાં કે આંતરરાષ્ટ્રીય મંચ પર વળતર માટે દાવો કરશે, એમ વકીલે જણાવ્યું હતું.
એન્ટિગા અને બાર્બુડાને વધતી દરિયાની સપાટીથી જોખમ નથી, પરંતુ હવામાનમાં ફેરફાર અને તેની તીવ્રતામાં થયેલા વધારાની સમસ્યા છે.
2017માં બાર્બુડા ટાપુ પર ઇરમા વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું હતું. લગભગ 1600 જેટલા સ્થાનિકો વસાહતીઓને બધાને મુખ્ય ટાપુ એન્ટિગામાં ફેરવવા પડ્યા હતા.
વાવાઝોડાના કારણે બાર્બુડા આખેઆખો બરબાદ થઈ ગયો અને આવી જ રીતે તુવાલુ પણ "લગભગ અદૃશ્ય થઈ જવાનો છે, ત્યારે આખો વિસ્તાર ગુમાવવા બદલે કેટલું વળતર મળવું જોઈએ તે સવાલ છે," એમ અખાવને કહ્યું હતું.
વકીલ અખાવને વધુમાં જણાવ્યું હતું કે બંને ટાપુરાષ્ટ્રો હવે "ખોખલા શબ્દો અને અસ્પષ્ટ વાયદાઓથી કંટાળ્યા છે અને તેઓ ઇચ્છે છે કે આંતરરાષ્ટ્રીય કાયદામાં ક્લાઇમેટ ચેન્જ વિશે તદ્દન નવીન રીતે વિચારવામાં આવે."
2009માં સમૃદ્ધ દેશોએ વાયદો કર્યો હતો કે 2020ની શરૂઆતથી વિકાસશીલ દેશોને 100 અબજ ડૉલર આપવામાં આવશે, જેથી ઓછા કાર્બનના ઉત્સર્જન સાથેના ઊર્જા તરફ વળી શકાય અને ક્લાઇમેટ ચેન્જને રોકી શકાય. જોકે COP26 પરિષદ વખતે બ્રિટિશ સરકાર અને અમેરિકાના પ્રતિનિધિ જ્હૉન કૅરી બંનેએ કહ્યું કે સહાય આપવાની શરૂઆત 2023 પછી જ થઈ શકે તેમ છે.

"વિનાશક સ્થિતિ છે"
COP26 પરિષદને મોકલેલા આકરી સંદેશમાં માલદીવના પર્યાવરણમંત્રી અમીનાથ શૌનાએ જણાવ્યું હતું કે "અમારા માટે વૈશ્વિક તાપમાનમાં વધારો 1.5 ડિગ્રીના બદલે 2 ડિગ્રી થાય તે મોતની સજા સમાન છે."
COP26 પરિષદમાં રજૂ થયેલા એક અભ્યાસ અનુસાર આ સદીના અંત સુધીમાં વિનાશક એવી 2.4 ડિગ્રી તાપમાનની સ્થિતિ આવી જાય તેવી ખતરનાક દિશામાં પૃથ્વી આગળ વધી રહી છે.
તુવાલુના લોકો માટે દર વર્ષે ક્લાઇમેટ ચેન્જના કારણે નિરાશ્રિત થઈ જવાની સ્થિતિ વકરતી જાય છે.
સિમોન કૉફે ચિંતા કરતા કહે છે "આ વિચાર જ સૌ માટે વિનાશક છે કે આગામી થોડાં વર્ષોમાં પોતાના આવાસો ડૂબી જશે. પોતાની ભાવી પેઢીનાં સંતાનો માટે રહેવા માટે જગ્યા નહીં હોય તે વિનાશક વિચાર છે."
"બહુ દુઃખની સ્થિતિ છે. તમે તુવાલુના લોકો સાથે વાત કરશો તો ખ્યાલ આવશે કે પોતાની ભૂમિ સાથે તેમને બહુ લગાવ છે, તેની સંસ્કૃતિ અને આ ટાપુઓના ઇતિહાસ સાથે સૌ જોડાયેલા છે. ભવિષ્યમાં તુવાલુને છોડવાનો વિચાર કરવો પણ અઘરો છે."
37 વર્ષીય મંત્રી કૉફે પોતાના દેશને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે વ્યક્તિગત ધોરણે પણ તેમને લાગી આવે છે અને તેમને દુખ છે કે આ સ્થિતિ માટે તુવાલુ નહીં, પણ સૌથી વધુ ઉત્સર્જન કરનારા દેશો પર આધાર રાખવાનો છે.
"મને ખ્યાલ છે કે તુવાલુ જેવા દેશના અમારા નેતાઓ માટે આ બહુ મુશ્કેલ કામ છે, પણ હું હંમેશાં મારા કાબૂમાં ના હોય તેવી બાબતને મગજ પર નહીં લેવાની કોશિશ કરું છું," એમ કૉફેએ બીબીસી સમક્ષ લાગણી વ્યક્ત કરી હતી.
"અમે બીજા દેશોને સુધારો કરવા માટે અને ઉત્સર્જન રોકવા માટે વિનંતી કરતા રહીશું. પણ અમારે રાષ્ટ્રીય સ્તરે વધારે સક્રિય રહેવાનું છે.
"તેથી જ અમે ખરાબમાં ખરાબ સ્થિતિ માટે તૈયારીઓ કરવા લાગ્યા છીએ."
"અમે બે અભિગમ અપનાવી રહ્યા છીએઃ એક છે કે આંતરાષ્ટ્રીય સ્તરે પગલાં લેવા માટેના પ્રયાસો કરતા રહેવું. બીજો, સ્થાનિક ધોરણે થઈ શકે તેટલા પ્રયાસો કરવો. મને લાગે છે આનાથી વધારે કંઈ થઈ શકે તેમ નથી. આનાથી વધારે મારાથી થઈ શકશે એમ મને લાગતું નથી."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












